એકસ્ટ્રા અફેર

દિશાના મોતની તપાસ, રાજકીય ફાયદાની ગણતરી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલો દિશા સાલિયાન અપમૃત્યુ કેસ ફરી ખૂલ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. ભાજપના નેતા દિશા સાલિયાનના રહસ્યમય મોતના કેસમાં ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેની સંડોવણીના આક્ષેપો કરી રહ્યા છે અને ગયા વરસે ડિસેમ્બરમાં આ મુદ્દે વિધાનસભામાં ભારે હોહા કરી મૂકેલી. એ વખતે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસે રાજ્ય વિધાનસભામાં એલાન કર્યું હતું કે, દિશાના મોતની તપાસ માટે સીટ બનાવાશે અને રાજકીય પૂર્વગ્રહ વિના નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને સજા કરાશે.

લગભગ એક વરસ લગી આ વાત ભૂલાઈ ગયેલી. હવે વરસ પછી એકનાથ શિંદે સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)માં ત્રણ સભ્યોની નિમણૂક કરી છે. માલવણી પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આધવ આ કેસની તપાસ કરશે જ્યારે મુંબઈના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ અજય બંસલ સુપરવાઈઝ કરશે. એડિશનલ કમિશનર ઓફ પોલીસ (નોર્થ રીજિયન) રાજીવ જૈન આ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ના વડા હશે.

હિંદી ફિલ્મોના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશાનું પોતાના ફિયાન્સેના મલાડમાં બારમા માળે આવેલા ફ્લેટમાંથી પડી જવાથી રહસ્યમય રીતે મોત થયેલું. દિશાના મોતના પાંચ દિવસ પછી સુશાંતસિંહે રહસ્યમય રીતે પોતાના જ ફ્લેટમાં આપઘાત કરી લીધેલો અને તેના કારણે બંનેના મોતને એકબીજા સાથે જોડી દેવાયેલા. ભાજપે એ વખતે પણ ભારે હોહા કરેલી અને તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન આદિત્ય ઠાકરેની દિશાના રહસ્યમય મોતમાં સંડોવણીના આક્ષેપો કરેલા.

ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે આઠ જૂન, ૨૦૨૦ના રોજ દિશાનું મૃત્યુ થયેલું. એ વખતે જ ભાજપે આદિત્ય ઠાકરેની દિશા અને સુશાંતસિંહ રાજપૂત બંનેના મોતમાં સંડોવણી હોવાના આક્ષેપો કરેલા જ. ભાજપે સીબીઆઈ પાસે કેસની તપાસ કરાવવાની માગણી કરેલી પણ દીકરાનું નામ સંડોવાયેલું હોવાથી ઉદ્ધવ સીબીઆઈને તપાસ સોંપીને આવ પાણા પગ પર કરે એ વાતમાં માલ નહોતો. તેમણે મુંબઈ પોલીસ પાસે જ તપાસ કરાવડાવીને દિશાના મોતને આપઘાતમાં ખપાવીને વીંટો વાળી દીધેલો. દિશા સાલિયાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર કરાયો નહોતો. ભાજપવાળા હોહા કરતા રહી ગયા ને આદિત્યને ક્લીન ચીટ મળી ગયેલી.

શિવસેનામાં બળવો થયો ને એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર રચી પછી ભાજપના નેતા પાછા આ મુદ્દે મચેલા. ભાજપના વિધાનસભ્યો છાસવારે દિશા કેસની તપાસની વાત માંડીને બેસી જતા ને તેમાં સૌથી વધારે આક્રમક નીતેશ રાણે હતા. રાણેએ આદિત્યની નાઈટ લાઈફ ગેંગની હરકતોની વાતો માંડીને આ મુદ્દાને ગાજતો કરેલો. આદિત્યનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ એવી માગણી પણ રાણેએ કરેલી. ગયા વરસે લોકસભામાં શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ પણ આ મુદ્દો ઉઠાવેલો. ભાજપ અને શિંદે જૂથના સાંસદો અને વિધાનસભ્યોએ એ રીતે ગયા વરસે જ કેસ ખોલવાનો તખ્તો તૈયાર કરી નાંખેલો ને સરકારે પણ નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે સીટની રચનાની જાહેરાત કરી નાંખેલી. હવે સીટમાં નિમણૂક પણ કરી દેવાઈ છે.

મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય રાજકીય ફાયદા માટે છે તેમાં બેમત નથી. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે જ સીટની રચના કરાઈ તેનો અર્થ શો એ કહેવાની જરૂર નથી. ગયા ડિસેમ્બરમાં કેસ ખોલીને તપાસની જાહેરાત કરાવનારા ફડણવીસ વરસ લગી બેસી રહ્યા ને હવે અચાનક તેમને દિશાના પરિવારને ન્યાય અપાવવાનો ઉમળકો જાગી ગયો એ અકારણ નથી જ.

દિશા સાલિયાનના મોતના નામે ભાજપ અને શિવસેનાનું શિંદે જૂથ રાજકારણ રમી રહ્યાં છે તેમાં બેમત નથી. એક ૨૨ વર્ષની છોકરીના મોતનો ઉપયોગ રાજકીય ફાયદા માટે થાય એ શરમજનક કહેવાય. આ સંજોગોમાં આ કેસની નિષ્પક્ષ તપાસ થવા વિશે શંકા છે. આદિત્ય ઠાકરે સામે શંકાની સોય પહેલેથી છે છતાં વરસ લગી શિંદે સરકાર બેસી રહી કેમ કે એ દિશાના મોતનો રાજકીય ફાયદો લઈ શકાય એવા મોકાની રાહ જોતી હતી. લોકસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના બાકી છે ત્યારે એ મોકો આવી ગયો છે તેથી સીટ બનાવી નાંખી.
દિશાના મોત પછી જે વિગતો બહાર આવી એ અત્યંત સ્ફોટક હતી એ જોતાં કેસની સંપૂર્ણ તપાસ પહેલાં જ થઈ જવી જોઈતી હતી. દિશાના મોતના કારણે ઊભા થયેલા ઘણા સવાલોના જવાબો મળ્યા નથી. સુશાંત ગુજરી ગયો તેના પાંચ દિવસ પહેલાં જ દિશાનું મોત થયેલું. દિશા પહેલાં સુશાંતની મેનેજર હતી પણ પછી અલગ થયેલી. એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી દિશા સુશાંત સાથે સંપર્કમાં હતી.

દિશાના મોત વિશે અલગ અલગ થીયરીઓ ચાલી હતી ને પોલીસ પહેલેથી શંકાસ્પદ રીતે વર્તી હતી. પોલીસે પહેલાં દિશાએ ફ્લેટની બ્લાકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની શક્યતા દર્શાવીને આકસ્મિક રીતે મોત થયાનો કેસ નોંધ્યો હતો. પછી પોલીસે દાવો કર્યો કે, દિશા ફ્લેટમાં કેટલાક મિત્રો સાથે ડિનર પછી પાર્ટી કરી રહી હતી. દિશાએ બેફામ દારૂ પીધેલો તેથી પગ પર ઊભી રહી શકે તેમ પણ નહોતી. નશામાં જ સંતુલન ગુમાવતાં બારીમાંથી પડી ગઈ હોવાની શક્યતા છે. આ બંને વાતો વિરોધાભાસી હતી.

દિશાના મોત અંગે મીડિયામાં સ્ટોરી ફરતી થઈ હતી કે, દિશા પર ટોચના ફિલ્મ સ્ટારની પાર્ટીમાં ગેંગ રેપ થયો હતો. ગેંગ રેપમાં મહારાષ્ટ્રનો ટોચનો યુવા નેતા પણ સામેલ હતો. ગેંગ રેપ પછી ઘરે આવીને દિશાએ સુશાંતને ફોન કરીને પોતાના આપવિતી કહી હતી.

બળાત્કારીઓને ખબર પડતાં દિશાને ઘરે પહોંચીને નીચે ફેંકીને હત્યા કરી નાંખી. સુશાંતને મોં નહીં ખોલવા ધમકી અપાયેલી પણ સુશાંતે દિશા સાથેની વાત ટેપ કરી હોવાથી સુશાંત પાસેથી રેકોર્ડિંગ મેળવવા પ્રયત્ન કરાયો પણ રેકોર્ડિંગ ના મળતાં સુશાંતની હત્યા કરી દેવાઈ. સુશાંતના મૃત્ય પહેલાંની આગલી રાતે બળાત્કારીઓએ સુશાંતના ઘરે પાર્ટી કરેલી ને આદિત્ય ઠાકરે પણ હાજર હતા એવી વતો પણ ચાલી હતી.

આ બધી વાતો જોતાં બહુ પહેલાં તપાસ થવી જરૂરી હતી પણ તપાસ ના થઈ. હવે શિંદે સરકાર તપાસ કરાવે છે ત્યારે તેના ઈરાદા નેક ને સાફ છે એવું કહી ના શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button