એકસ્ટ્રા અફેર: મસૂદની વાત સાચી, 10 દિવસ માંસ નહીં ખાવાથી ઘસાઈ નથી જવાના

- ભરત ભારદ્વાજ
રવિવારથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ અને રમજાન મહિનો પૂરો થયો. રવિવારે ચાંદ દેખાતાં સોમવારે દેશભરમાં રમઝાન ઈદ ઊજવાઇ. મુસ્લિમોમાં ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ અને ઈદ-અલ-અદહા બે સૌથી મોટા તહેવારો છે. ઈદ-ઉલ-ફિત્ર રમજાનના અંતે આવે છે તેથી તેને રમજાન ઈદ પણ કહે છે. ભારતના મુસ્લિમો માટે રમજાન ઈદ સૌથી મોટો તહેવાર છે તેથી મુસ્લિમો લગભગ આખું અઠવાડિયું ઈદની ઉજવણી કરે છે. ચૈત્રી નવરાત્રિ હિંદુઓ માટે બહુ મોટું પર્વ છે. શક્તિની આરાધનાના આ પર્વ દરમિયાન હિંદુઓ ભક્તિભાવપૂર્વક મા શક્તિનાં સ્વરૂપોની પૂજા અને આરાધના કરે છે.
ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી કોઈ પણ તહેવાર પહેલાં વિવાદો ઊભા કરી જ દેવાય છે. તહેવારોની ઉજવણી કરવાનો આનંદ માણવાના બદલે કેટલાંક લોકોને વિવાદો ઊભા કરવામાં મજા આવે છે કેમ કે તેના કારણે તેમની દુકાન ચાલે છે. તેમનો સ્વાર્થ તેની સાથે જોડાયેલો છે તેથી સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દા ઊભા કરીને એટલો હોબાળો ઊભો કરી દેવાય છે કે જાણે આ રાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા હોય.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : સલમાન-મૌલાના અંદરખાને મળેલા તો નથી ને?
આ વખતે ચૈત્રી નવરાત્રિ અને ઈદ સાથે હોવાથી આવો જ વિવાદ માંસાહારને લગતો ઊભો કરી દેવાયો. કેટલાંક હિંદુવાદી સંગઠનોએ એવો મુદ્દો ઊભો કરી દીધો કે, હિંદુ ધર્મમાં માંસાહારની મનાઈ હોવાથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન માંસ વેચતી તમામ દુકાનો બંધ રાખવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં તો ભાજપની સરકાર છે તેથી ઉત્તર પ્રદેશમાં તો ઘણાં શહેરોમાં માંસ-માછલીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો સત્તાવાર નિર્ણય જાહેર કરી દેવાયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 30 માર્ચથી 6 એપ્રિલ સુધી માંસ, માછલી અને મરઘી જેવા પદાર્થોનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. બીજાં શહેરોમાં પણ આ પ્રકારના નિર્ણય લેવાયા.
દિલ્હીમાં નવીસવી ભાજપની સરકાર બની છે. નવો બાવો બે ચિપીયા વધુ ખખડાવે એ હિસાબે દિલ્હીમાં પણ ભાજપના નેતાઓએ માંસાહારની તમામ બધી દુકાનો બંધ કરાવવા કહી દીધું. બીજાં હિંદુવાદી સંગઠનો પણ તેમાં જોડાઈ ગયાં ને આ હિંદુઓની ધાર્મિક લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે તેથી મુસ્લિમોએ હિંદુઓની ધાર્મિક લાગણીનું પાલન કરવું જોઈએ એવું કોરસ શરૂ કરી દીધું.
મુસ્લિમોમાં એક વર્ગ જડસુ અને પ્રતિક્રિયાવાદી છે. હિંદુવાદી સંગઠનો આ પ્રકારની વાતો કરે એટલે તેમની સામે કૂદી પડવું ને માહોલ બગાડી દેવામાં તેમને પણ રસ હોય છે કેમ કે તેમની દુકાન પણ તેના પર ચાલે છે. ભાજપ કે હિંદુવાદી સંગઠનોને મુસ્લિમ સંગઠનોના મોવડીઓ શું કહે છે તેમાં બહુ રસ નથી હોતો પણ કોંગ્રેસ અને બીજા કહેવાતા સેક્યુલર નેતાઓની પ્રતિક્રિયામાં રસ હોય છે કેમ કે સામાન્ય રીતે એવું બને છે કે, આ પ્રકારની વાતો સામે કોંગ્રેસીઓ ને બીજા સેક્યુલર નેતા મેદાનમાં આવી જાય છે. ભાજપ કે હિંદુત્વને લગતી દરેક વાતનો વિરોધ કરવાથી મુસ્લિમો ખુશ થાય છે એવો તેમને ભ્રમ છે તેથી એ લોકો કૂદી પડે છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : અમેરિકા પોતાની ચિંતા કરે, ભારતની નહીં
આ વખતે એવું ના થયું. કેટલાક ભાજપ વિરોધી પક્ષોના નેતાઓએ રિએક્શન્સ આપ્યા પણ બીજા નેતા ચૂપ રહ્યા. ભાજપને સૌથી વધારે રસ કૉંગ્રેસને ઉશ્કેરવામાં હતો પણ કૉંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે આખી વાતની હવા કાઢી નાખી. ઈમરાન મસૂદે કહ્યું કે, હું તો માંસ ખાતો નથી પણ બીજા મુસ્લિમો પણ એક દિવસ માંસ નહીં ખાય તો આભ તૂટી પડવાનું નથી. બલકે 10 દિવસ સુધી માંસ નહીં ખાઓ તો કંઇ ઘસાઈ નથી જવાના. આપણે માંસ નહીં ખાઈએ તેના કારણે કોઈને ખુશી મળતી હોય તો એવું કરવામાં કશું ખોટું નથી. આપણે એક-બીજાના ધર્મ અને તહેવારોનું સન્માન કરવું જોઈએ. આ જ ભારતીય સંસ્કૃતિ છે અને આપણે બધા ભારતીયોએ ભારતીય સંસ્કૃતિને અનુસરવું જોઈએ.
ઈમરાન મસૂદે જે સમજદારી બતાવી તેની પ્રશંસા કરવી જોઈએ. કહેવાતા હિંદુવાદીઓ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માંસાહારને મુદ્દો બનાવવા માગતા હતા પણ મસૂદે તેમની જાળમાં ફસાવાના બદલે આખી વાતની હવા જ કાઢી નાખી છે. કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ પડી ગઈ છે. મુસ્લિમોને ખુશ કરવા કોંગ્રેસના નેતા હિંદુત્વનું અપમાન કર્યા કરે છે એવી છાપ ઊભી કરવામાં ભાજપની નેતાગીરી સફળ થઈ કેમ કે મોટા ભાગે આ પ્રકારના વિવાદો વખતે કોંગ્રેસના નેતા ફાલતુ લવારો કરવા બેસી જતા હોય છે.
ઈમરાન મસૂદે એવો લવારો કરવાનું ટાળ્યું છે. મસૂદમાં આ સમજદારી બહુ બધી ઠોકરો ખાઈને આવી છે કેમ કે ભૂતકાળમાં મસૂદે પણ આત્યંતિક રિએક્શન્સ આપેલાં જ છે. તેના કારણે રાજકીય કારકિર્દી પતી જવાના આરે આવી ગયેલી ને મસૂદ સાવ ફેંકાઈ ગયેલા. 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી જીતીને મસૂદે પોતાની રાજકીય કારકિર્દી પાટા પર ચડાવી છે. મસૂદ એકલા મુસ્લિમોના મતથી જીત્યા નથી ને એ વાતનો તેમને અહેસાસ થયો એ સાં છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓટો સેક્ટર પર ટેરિફ, ટ્રમ્પ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મોડમાં…
મસૂદમાંથી બીજા નેતાઓ જ નહીં પણ મુસ્લિમ સંગઠનોના મોવડીઓ પણ બોધપાઠ લે એ જરૂરી છે, ભારતમાં રાજકીય સ્વાર્થને ખાતર હિંદુ અને મુસ્લિમોને સામસામે મૂકવાનો ખેલ વરસોથી ચાલ્યા કરે છે. પહેલાં કૉંગ્રેસે એ કર્યું ને હવે ભાજપ એ કરે છે. તેના કારણે ફાયદો નેતાઓને થાય છે ને નુકસાન પ્રજાનું થાય છે. હિંદુ અને મુસ્લિમો બંને સંઘર્ષ ટાળે તો આ નુકસાન રોકી શકાય છે એ મસૂદે સાબિત કર્યું છે.
ને છેલ્લે હિંદુઓમાં માંસાહારનો નિષેધ છે એ પ્રકારની વાતો ફેલાવાય છે તેની વાત પણ કરી લઈએ.
ખાન-પાનની આદતો ભૌગૌલિક પરિસ્થિતીઓને આધારે પડે છે. ભારતમાં વૈદિક કાળમાં માંસાહાર થતો હતો એવા ઉલ્લેખો છે. જેમ જેમ સભ્યતા વિકસતી ગઈ ને ખેતીનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ ભોજનના નવા નવા વિકલ્પો ઉપલબ્ધ થતા ગયા. તેના કારણે નદીકિનારાનાં મેદાનોમાં વસતાં લોકો માંસાહાર છોડીને શાકાહાર તરફ વળ્યા. નવરાત્રિ દરમિયાન અસંખ્ય લોકો માંસાહાર છોડીને ઉપવાસ કરતા હોય છે અને તે દેવીની આરાધના વખતે જરૂરી છે.