એકસ્ટ્રા અફેર

પીઓકે લેવા હલ્લાબોલ કરવું પડે, બેઠાં બેઠાં ના મળે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે કરેલા નિવેદનના કારણે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ફરી ચર્ચામાં છે. જનરલ સિંહે દાવો કર્યો છે કે, રાહ જુઓ, થોડા સમયમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) આપોઆપ ભારતમાં ભળી જશે.
રાજસ્થાનમાં આ વરસના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે પણ એ પહેલાં જ માહોલ જામી ગયો છે. વી.કે.સિંહ ભાજપના પ્રચાર માટે રાજસ્થાન ગયેલા ત્યારે પત્રકારોએ પીઓકે અંગે સવાલ કર્યો ત્યારે જનરલ સિંહે પીઓકે બહુ જલદી ભારતમાં ભળી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો.
સિંહના કહેવા પ્રમાણે, આર્થિક રીતે કંગાલ પાકિસ્તાનમાં લોકો સામાન્ય જીવન જરૂરી ચીજો માટે પણ ફાંફાં મારી રહ્યાં છે. ગરીબોનાં લાઈટબિલ પણ હજારોમાં આવી રહ્યાં છે તેથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પીઓકેમાં તો સ્થિતિ અત્યંત ખરાબ છે ને પાકિસ્તાન સરકારના અત્યાચારથી પીઓકેની પ્રજામાં આક્રોશ છે. પીઓકેમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને પાકિસ્તાનથી આઝાદી અપાવીને પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માગણી કરી રહ્યાં છે. આ સંજોગોમાં ભારત થોડી રાહ જોશે તો પીઓકે આપોઆપ ભારતમાં ભળી જશે.
જનરલ વી.કે. સિંહની વાત સાંભળીને હસવું કે રડવું એ સમજાતું નથી. જનરલ સિંહ પહેલાં આ દેશના લશ્કરી વડા હતા. આ દેશને એક રાખવામાં લશ્કરનું મોટું યોગદાન છે તેથી લશ્કરી અધિકારીઓને સન્માન આપવું જોઈએ. જનરલ સિંહ પણ સન્માનના હકદાર છે પણ તેમની વાતો સાંભળ્યા પછી લાગે કે, માણસ રાજકારણમાં જાય પછી પોતાની અસલિયત ખોઈ બેસે છે એ વાત સાચી છે.
ઘોડો ગધેડાઓ વચ્ચે રહેવા માંડે પછી લાત મારવાનું શીખી જાય એવી એક કહેવત છે. આ કિસ્સામાં એ કહેવત એકદમ બંધબેસતી આવે છે કેમ કે જનરલ સિંહ રાજકારણમાં આવ્યા પછી લશ્કરનો મિજાજ ભૂલીને રાજકારણીઓ જેવી લોકોને બેવકૂફ બનાવનારી ભાષા બોલતા થઈ ગયા છે.
આ દુનિયામાં એક સનાતન સત્ય એ છે કે, કશું પણ તમારી ઝોળીમાં આવીને પડતું નથી. તમારે તેના માટે મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે. તેમાં પણ એક આખા પ્રદેશને પોતાની સાથે ભેળવવા માટે તો જંગ જ કરવો પડે. એક લશ્કરી અધિકારી તરીકે જનરલ સિંહ આ વાત સારી રીતે જાણતા જ હોય. વાસ્તવમાં ભૂતકાળમાં જનરલ સિંહે તડ ને ફડ ભાષામાં કહેલું કે, સત્તાધીશો આદેશ આપે તો લશ્કર તો પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાન પાસેથી આંચકીને ભારતમાં ભેળવવા તૈયાર જ બેઠું છે.
આપણા શાસકો એ હિંમત બતાવી નથી શકતા એ અલગ વાત છે પણ મૂળ મુદ્દો એ છે કે, એક લશ્કરી અધિકારી તરીકે જનરલ સિંહ સારી રીતે જાણતા હતા કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું લેવું હોય તો લશ્કરી પગલાં વિના બીજો ઉકેલ નથી. જનરલ સિંહે કરી એવી જ વાત બીજા પણ લશ્કરી વડા અને અધિકારીઓ કહી ચૂક્યા છે કેમ કે લશ્કરી અધિકારીઓ વાસ્તવિકતાને સારી રીતે જાણે છે. હવે રાજકારણ બન્યા પછી જનરલ સિંહ લશ્કરી પગલાં ભરવાથી ડરતા નેતાઓ જેવી વાત કરવા માંડ્યા છે.
જનરલ સિંહની વાત અવાસ્તવિક છે કેમ કે સૌથી પહેલો સવાલ જ એ છે કે, પાકિસ્તાન શા માટે પોતે પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) છોડે? ૧૯૪૭માં આક્રમણ કરીને પાકિસ્તાને પીઓકે પર હુમલો કર્યો ત્યારથી તેણે લશ્કરી તાકાતના જોરે જ પીઓકે પર કબજો કરી રાખ્યો છે. પાકિસ્તાનનું લશ્કર તો ત્યાં ધામા નાંખીને પડ્યું જ છે પણ પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓના કેમ્પ પણ પીઓકેમાં ધમધમે છે. પાકિસ્તાની લશ્કર અને આતંકવાદીઓના જોરે પીઓકે પાકિસ્તાન સાથે જોડાયેલું છે. લોકો રસ્તા પર આવે એટલે આ સ્થિતિ ના બદલાય કેમ કે, પાકિસ્તાની લશ્કર અને આતંકવાદીઓને બંદૂકના જોરે લોકોને ચૂપ કરતાં આવડે છે.
જનરલ િંસહ પીઓકેના લોકોની પાકિસ્તાન વિરોધી લાગણી અને આક્રોશ પર મદાર રાખી રહ્યા છે એ પણ મૂર્ખામી છે કેમ કે આ આક્રોશ તો વરસોથી છે. પીઓકેમાં વરસોથી પાકિસ્તાન વિરોધી દેખાવો થાય છે ને લોકો રસ્તા પર આવી જાય છે. પાકિસ્તાન તેને ગણકારતું જ નથી. બહુ હોહા થાય ત્યારે લશ્કરને છૂટો દોર આપીને ડંડાવાળી કરાવીને વિરોધીઓને પાંસરા કરી નાંખે છે ને બધું ટાઢું પડી જાય છે.
પીઓકેમાં લોકો રસ્તા પર ઉતરી આવે ને દેખાવો કરે એ બધું પણ છેલ્લા બે દાયકાથી ચાલે છે. પાકિસ્તાને પીઓકેના વિકાસ માટે કશું કર્યું નથી. પીઓકેમાં એક પણ ઉદ્યોગ નથી ને ૮૦ ટકા ઘરોમાં વીજળી નથી. લોકો વરસોથી સાતમી સદીમાં જીવતા હોય એ રીતે જીવતાં હતાં ત્યાં ૨૦૦૫માં આવેલા ભૂકંપે દશા સાવ બગાડી દીધી.
આ ભૂકંપના કારણે એક લાખ લોકો મર્યા અને ૩૦ લાખ લોકો બેઘર થઈ ગયા. ૭૦ ટકા લોકો સાવ નોંઘારા બની ગયા પણ પાકિસ્તાન સરકારે આ લોકો માટે કશું જ ન કર્યું. ભૂકંપ પછી વિદેશમાંથી પુષ્કળ સહાય મળી હતી. એ પણ પાકિસ્તાન સરકાર ચાઉં કરી ગઈ. તેના કારણે પીઓકેનાં લોકો પાસે ખાવાનું નથી, નોકરીઓ નથી. પીઓકેનાં લોકો સામે કઈ રીતે જીવવું એ મુખ્ય સવાલ છે.
પીઓકેનાં લોકો આ બદતર જીંદગી સામે ૨૦૦૫થી આક્રોશ ઠાલવે છે ને પાકિસ્તાની લશ્કર તેમને દબાવી દે છે. સોશિયલ મીડિયાના કારણે હવે આ દેખાવોની દુનિયાને ખબર પડે છે પણ પાકિસ્તાનને તેનાથી કોઈ ફરક પડતો નથી. છેલ્લા બે દાયકાથી આ બધું ચાલે છે ને આટલાં વરસોમાં પીઓકેના લોકોની માગણીને કારણે પીઓકે ભારતમાં ભળ્યું નથી ને હજુ પણ ભળશે નહીં, સિવાય કે ભારત કોઈ લશ્કરી કાર્યવાહી કરે. બાકી લોકો આંદોલન કરે છે તેના કારણે પીઓકે ભારતમાં ભળી જશે એવી આશા વધારે પડતી છે.
વરસો પહેલાં ઈસ્ટ પાકિસ્તાનમાં પણ લોકો આ રીતે જ આંદોલન કરીને અલગ બંગલાદેશની માગણી કરતાં હતાં પણ તેના કારણે અલગ રાષ્ટ્ર ન મળ્યું. ઈન્દિરા ગાંધીએ ભારતીય લશ્કરને બંગલાદેશની માગણી કરનારાંની મદદે મોકલ્યા પછી પાકિસ્તાને કબજો છોડવો પડ્યો.
પીઓકેમાં પણ આ જ ઈતિહાસ દોહહાવાશે, જરૂર ઈન્દિરા ગાંધી જેવાં મરદ વડા પ્રધાનની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button