એકસ્ટ્રા અફેર

પ્રજ્વલ પાછો આવી જાય તો સરકારની આબરુ બચી જશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કર્ણાટકમાં જ નહીં પણ આખા દેશમાં ખળભળાટ મચાવનારા જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બે દિવસ પછી એટલે કે ૩૧ મેએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સામે હાજર થવાનું એલાન કરતાં પ્રજ્વલ પાછો ચર્ચામાં છે. પ્રજ્વલ પાછો આવશે કે કેમ તેમાં હજુ શંકા છે કેમ કે પ્રજ્વલે ગયા મહિને પણ જાહેર કરેલું કે, પોતે એક સપ્તાહમાં ભારત પાછો આવી જશે અને તપાસનો સામનો કરશે.

સેક્સ ટેપની તપાસ કરવા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) સામે હાજર થવાની ખાતરી આપ્યાના ત્રણ અઠવાડિયાં પછી પણ પ્રજ્વલનો પત્તો નથી એ જોતાં આ વખતે પણ પ્રજ્વલ બોલેલું પાળશે એવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. કર્ણાટકના કેટલાક રાજકારણીઓનું કહેવું છે કે, બળાત્કારનો બીજો કેસ નોંધાતાં ડરી ગયેલો પ્રજ્વલ હવે કદી ભારત પાછો નહીં આવે.

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલાં પ્રજ્વલ રેવન્નાની ૩,૦૦૦ જેટલી સેક્સ ટેપ અને ફોટોની પેન ડ્રાઈવ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ હાસ્સન લોકસભા બેઠકનો ઉમેદવાર છે. હાસ્સનમાં ૨૬ એપ્રિલે મતદાન હતું પણ તેના બે દિવસ પહેલાં ફરતી કરાયેલી પેન ડ્રાઈવમાં પ્રજ્વલના ૩,૦૦૦ જેટલા પોર્ન વીડિયો, અંગત પળોના ફોટા વગેરે ફરતા કરી દેવાયેલા. કર્ણાટકમાં ૩,૦૦૦થી વધુ મહિલાઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલની સેક્સ લીલાના વીડિયોએ સૌને ભારે આઘાત આપી દીધો હતો. આ પેન ડ્રાઈવ બહાર આવતાં પ્રજ્વલ ભારત છોડીને ભાગી ગયો હતો. પ્રજ્વલથી ડિપ્લોમેટિક પાસપોર્ટ પર જર્મની ભાગી ગયો હોવાની વિગત બહાર આવી હતી પણ હાલમાં પ્રજ્વલ જર્મનીમાં પણ નહીં હોવાનું કહેવાય છે.

પ્રજ્વલ પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે. ભારતના ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા લોકોને ૩૪ દેશોમાં ઓપરેશનલ વિઝા વિના જ પ્રવેશ મળે છે. ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવનારી વ્યક્તિ તે દેશમાં ૯૦ દિવસ સુધી રહી શકે છે. આ છટકબારીનો લાભ લઈને પ્રજ્વલ ગ્રીસ જતો રહ્યો હોવાની વાતો પણ ચાલી હતી. લોકસભાની ચૂંટણી પતતાં જ પ્રજ્વલનો ડિપ્લોમેટિક પાસપોર્ટ પતી જશે તેથી એ પહેલાં ભારતની એજન્સીઓના હાથ પહોંચી ના શકે એવા દેશમાં જતા રહેવાની પ્રજ્વલની યોજના હોવાની પણ વાતો ચાલી હતી. આ બધી વાતોના કારણે પ્રજ્વલના ભારતમાં આગમન વિશે શંકા તો છે જ.

બીજી તરફ પ્રજ્વલની પાર્ટી જેડીએસનો દાવો છે કે, પ્રજ્વલ રેવન્નાને તેના દાદા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાએ ભારત પાછા ફરવા ચેતવણી આપી તેની આ અસર છે તેથી પ્રજ્વલ ભારત પાછો આવશે જ. દેવ ગૌડાએ પ્રજ્વલને ભારત પાછો આવીને તપાસનો સામનો કરવા ચેતવણી આપી હતી. પ્રજ્વલ ભારત પાછો નહીં ફરે તો દેવગૌડા પરિવાર તેની સાથેના તમામ સંબંધો કાપી નાંખશે એવી ચેતવણી પણ દેવ ગૌડાએ આપી હતી.

દેવ ગૌડાએ બે પેજના જાહેર પત્રમાં પ્રજ્વલ સામેના આક્ષેપના કારણે પોતે અત્યંત દુ:ખી હોવાનો દાવો પણ કર્યો છે. દેવ ગૌડાએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આ અપીલ નથી પણ ચેતવણી છે. પ્રજ્વલના કૃત્યોથી જેમણે પણ સહન કર્યું છે એ તમામને ન્યાય મળે એ માટે હું પ્રજ્વલને ભારત પાછા આવીને કાયદાનો સામનો કરવા માટે ચેતવણી આપી રહ્યો છું. આ ચેતવણીના પગલે પ્રજ્વલે વીડિયો મેસેજ બહાર પાડીને પોતે ૩૧ મેએ પાછો આવશે એવું એલાન કર્યું છે.

પ્રજ્વલ ભારત પાછો આવીને તપાસ માટે હાજર થાય તો સેક્સ સીડી કાંડમાં નવી મસાલેદાર વાતો બહાર આવશે ને સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેનું યુદ્ધ પણ તીવ્ર બનશે તેમાં શંકા નથી. દેવગૌડાના મોટા પુત્ર રેવન્નાનો પુત્ર પ્રજ્વલ જર્મની ભાગી ગયો પછી કર્ણાટક સરકારે સેક્સ કાંડની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી. પણ મુખ્ય આરોપી જ ફરાર હોવાથી એસઆઈટી પીડિતાઓનાં નિવેદનો નોંધ્યા કરતું હતું. પ્રજ્વલ ક્યારે એ નક્કી નહોતું તેથી આ કેસમાં ખરેખર કશું આગળ થશે કે કેમ તેમાં જ શંકા હતી. હવે એસઆઈટીને પણ કામ મળશે.

પ્રજ્વલ ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગી ગયેલો તેથી આ મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલ્યા કરે છે. પ્રજ્વલનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા માટે કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે પણ હજુ કંઈ થયું નથી. ભાજપનું કહેવું છે કે, કૉંગ્રેસ સરકારે જાણી જોઈને પ્રજ્વલને ભાગી જવા દીધો. સેક્સ સીડી બે દિવસ પહેલાં જ બહાર આવી ગયેલી પણ કૉંગ્રેસે તેનો રાજકીય ફાયદો લેવો હતો તેથી પ્રજ્વલને જેલમાં નાંખવાના બદલે છૂટો ફરવા દીધો ને પછી વિદેશ ભાગી જવા દીધો. સામે કૉંગ્રેસનું કહેવું છે કે, ભાજપ સરકાર પ્રજ્વલને છાવરવા માટે તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવા કશું કરતી નથી.

પ્રજ્વલ અને તેના પિતા સામેના આક્ષેપો ગંભીર છે. પ્રજ્વલ સામે તપાસ શરૂ થઈ એ વખતે જ પ્રજ્વલના પિતા સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. પ્રજ્વલના ઘરે કામ કરતી મહિલાએ પ્રજ્વલના ધારાસભ્ય બાપ રેવન્નાએ પોતાના પર બળાત્કાર કરીને વારંવાર શરીર સંબધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્વલ પણ પોતાની દીકરીને વીડિયો કોલ કરીને અશ્ર્લીલ વાતો કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

પ્રજ્વલની માતા ભવાનીની સંબંધી એવી મહિલાના આક્ષેપ પ્રમાણે, રેવન્ના અને પ્રજ્વલ નોકરાણીઓને સ્ટોર રૂમમાં બોલાવીને મજબૂરીનો લાભ ઉઠાવીને શરીર સંબંધો બાંધતા હતા. આ ફરિયાદના પગલે બીજી બે યુવતીઓએ પણ રેવન્ના અને પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી દેતાં પ્રજ્વલ પર ભીંસ વધી હતી. બળાત્કારની ફરિયાદ કરનારી એક તો જિલ્લા પરિષદની સભ્ય છે. પ્રજ્વલે તેને ઓફિસમાં કામના બહાને બોલાવીને વારંવાર સેક્સ માણ્યું હોવાની ફરિયાદ આ મહિલા નેતાએ કરી છે.

આ સિવાય બીજી પણ સેંકડો મહિલાઓ છે કે જે પ્રજ્વલની હવસનો શિકાર બની છે. આ મહિલાઓને ન્યાય મળશે કે નહીં એ ખબર નથી પણ પ્રજ્વલ ભારત પાછો આવશે તો કમ સે કમ સરકારની આબરૂ બચી જશે. ભારતમાંથી અપરાધો કરીને દુનિયાના બીજા દેશોમાં ગાયબ થઈ જવાનો ઈતિહાસ છે. પ્રજ્વલ રેવન્ના પણ ભાગી જ ગયેલો ને આપણી સરકાર તેને પાછો ના લાવી શકી. પ્રજ્વલ રેવન્ના પોતાની રીતે પાછો આવી જાય તો પણ સરકારના માથે કમ સે કમ પ્રજ્વલના કારણે માછલાં નહીં ધોવાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી