ભારત વર્લ્ડ કપ ના જીતે તો ક્રિકેટ રમવાનું છોડી દેવું જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ વર્સીસ ઈંગ્લેન્ડ મેચ સાથે જ ૨૦૨૩ના વન ડે વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ. ભારતમાં આ વર્લ્ડ કપ વિશે ભારે ઉત્તેજના છે કેમ કે ૧૨ વર્ષ પછી ભારતમાં વન ડે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. છેલ્લે ભારતમાં ૨૦૧૧માં વન ડે વર્લ્ડ કપ રમાયો હતો ને મહેન્દ્રસિંહ ધોનીની ભારતીય ટીમે એ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચેલો.
અત્યારે વર્લ્ડ કપ વિશે ઉત્તેજના છે તેનું કારણ એ જ છે કે, ધોનીએ ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો પછી ભારત ફરી વર્લ્ડ કપ જીત્યું નથી. ધોનીએ એ પછી ૨૦૧૩માં ભારતને મિનિ વર્લ્ડ કપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી. ભારતે જીતેલી એ છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હતી ને છેલ્લાં ૧૨ વર્ષથી ભારતે કોઈ આઈસીસી સ્પર્ધા જીતી નથી. ભારત ઘરઆંગણે રમે ત્યારે શેર થઈ જાય છે તેથી ભારતીય ટીમ પાસે ૧૨ વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાની તક છે. ભારતીય ક્રિકેટ ચાહકોને આશા છે કે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી લાવશે અને રોહિત શર્મા આણિ મંડળી આ તક નહીં વેડફે.
રોહિત શર્માની ટીમ છે એ અસાતત્યપૂર્ણ રમતા ખેલાડીઓથી ભરેલી છે. મોટા ભાગના ખેલાડી એવા છે કે ચાલી જાય તો ચાલી જાય, બાકી રામ રામ. રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી વગેરે પર ટીમની બેટિંગનો મદાર છે પણ એ બધા ભરોસાપાત્ર નથી. એ લોકો રમી જાય તો રનના ઢગલા ખડકી નાંખે ને પાણીમાં બેસે ત્યારે સાવ વરઘોડો કાઢે. એશિયા કપમાં આપણને તેનો પરચો મળેલો જ છે કે જ્યારે બંગલાદેશ જેવી સાવ ફાલતુ ટીમ સામે આપણે હારી ગયેલા.
ભારતીય ટીમ ઘરઆંગણે રમી રહી છે તેથી આવી ભૂલો નહીં કરે ને સારો દેખાવ કરશે એવી સૌને આશા છે. આ આશાનું કારણ આપણા બોલરો છે. જસપ્રિત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી એ ત્રણેય વર્લ્ડ ક્લાસ બોલરો છે તેમાં શંકા નથી. ભારત માટે એક સારા સમાચાર છેલ્લે છેલ્લે એ આવ્યા કે, રવિચંદ્રન અશ્ર્વિનને ટીમમાં લઈ લેવાયો.
બોર્ડના પસંદગીકારોએ મૂર્ખામી કરીને અશ્ર્વિનને ટીમમાંથી બહાર રાખેલો. ભારતમાં સ્પિનરોને માફક આવે એવી પિચો પર અશ્ર્વિન સૌથી ખતરનાક સાબિત થઈ શકે તેમ છે ત્યારે મૂર્ખાઓએ તેને જ ટીમમાં નહોતો લીધો. તેના બદલે કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા એ ત્રણ સ્પિનરોને લીધેલા. આ ત્રણેય સ્પિનર સારા છે પણ અશ્ર્વિન કરતાં ઓછા અનુભવી છે અને સતત સારો દેખાવ કરતા પણ નથી તેથી ક્રિકેટ ચાહકો પસંદગીકારોને ગાળો દેતા હતા.
સદ્નસીબે અક્ષર પટેલ ઈજામાંથી બહાર ના આવી શક્યો તેથી તેના સ્થાને અશ્ર્વિનને લેવો પડ્યો. અક્ષર પટેલ ૧૫ સપ્ટેમ્બરે બંગલાદેશ સામેની એશિયા કપ-૨૦૨૩ની મેચમાં ઘાયલ થયો ત્યારથી તેનું રમવાનું ઢચુપચુ હતું. અક્ષર સારો ઓલરાઉન્ડર છે તેથી અક્ષર પટેલનું વન-ડે વર્લ્ડ કપ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું એ અફસોસની વાત છે પણ તેના સ્થાને અશ્ર્વિન આવી જતા તેની ખોટ નહીં પડે.
અશ્ર્વિનને પાસે બહુ લાંબો અનુભવ છે. અશ્ર્વિન ટેસ્ટમાં ભારતનો સ્ટાર બોલર છે અને ૯૪ ટેસ્ટમાં ૪૮૯ વિકેટ સાથે અત્યંત પ્રભાવશાળી દેખાવ કર્યો છે. ૫૦૦ જેટલી વિકેટો લીધી હોય ને છતાં ટેસ્ટદીઠ ૫ વિકેટની એવરેજ હોય એવા બહું ઓછા બોલરો છે એ જોતા ટેસ્ટમાં તો અશ્ર્વિન ભારત માટે હુકમનો એક્કો છે જ પણ વન-ડે મેચોમાં પણ તેનો દેખાવ સારો છે. અશ્ર્વિને ૧૧૫ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૧૫૫ વિકેટ લીધી છે એ જોતાં તેનો ટીમમાં સમાવેશ ફાયદાકારક સાબિત થશે જ.
ક્રિકેટ હોય કે બીજી કોઈ રમત હોય, નસીબના આધારે જીતાતું નથી. જીતવા માટે સખત મહેનત કરવી પડે છે તેથી નસીબ કે જ્યોતિષ વગેરેની વાતો બહુ કામની નથી હોતી પણ એ વાતો લોકોને આશા ચોક્કસ આપે છે. ભારત માટે પણ એવી આશા જન્માવે એવી આગાહી પોતાને સાયન્ટિફિક એસ્ટ્રોલોજર એટલે કે વૈજ્ઞાનિક જ્યોતિષી ગણાવતા ગ્રીનસ્ટોન લોબોએ કરી છે. લોબોનો દાવો છે કે, ભારતમાં રમાઈ રહેલો વન-ડે વર્લ્ડ કપ ૧૯૮૭માં જન્મેલો કેપ્ટન જીતશે. લોબોએ ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતા વિશે સચોટ ભવિષ્યવાણી કરી હતી તેના કારણે આ વાતમાં સૌને રસ પડી ગયો છે.
ભારત માટે આશાની વાત એ છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ૧૯૮૭માં જન્મ્યો છે. બંગલાદેશ ટીમનો કેપ્ટન શાકિબ અલ હસન પણ ૧૯૮૭માં જન્મ્યો છે પણ બંગલાદેશની ટીમનું પ્રદર્શન એવું જોરદાર નથી કે વર્લ્ડ કપ જીતી શકે એ જોતાં ૧૯૮૭માં જન્મેલો બીજો કેપ્ટન માત્ર રોહિત શર્મા જ બચે છે તેથી ૨૦૨૩નો વર્લ્ડ કપ ભારત જ જીતશે એવો લોબોનો દાવો છે.
લોબોએ પોતાના દાવાના સમર્થનમાં કેટલીક દલીલો પણ કરી છે. લોબોની દલીલ છે કે, છેલ્લાં કેટલાંક વરસો પહેલાં ૧૯૮૬માં જન્મેલા ખેલાડીઓનો દબદબો હતો પણ હવે તેમના બદલે ૧૯૮૭માં જન્મેલા ખેલાડીના સ્ટાર ગ્રહો તેજીમાં છે. ઉદાહરણ તરીકે રાફેલ નડાલને પાછળ છોડીને સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ બનાવનારો ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચનો જન્મ ૧૯૮૭માં થયો હતો જયારે નડાલનો જન્મ ૧૯૮૬માં થયો હતો.
૨૦૧૮માં ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮ ફ્રાંસે જીત્યો ત્યારે ફ્રાંસનો કેપ્ટન હ્યુગો લોરિસ હતો, લોરિસનો જન્મ ૧૯૮૬માં થયો હતો. ૨૦૨૨નો ફૂટબોલ વર્લ્ડ કપ લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ જીત્યો હતો અને મેસ્સીનો જન્મ ૧૯૮૭માં થયો છે. ઇંગ્લેન્ડની ટીમે ૨૦૧૯માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ઇઓન મોર્ગન કેપ્ટન હતો. મોર્ગનનો જન્મ પણ ૧૯૮૬માં થયો હતો તેથી ક્રિકેટમાં પણ ટેનિસ, ફૂટબોલનું પુનરાવર્તન થશે અને જે ટીમનો કેપ્ટન વર્ષ ૧૯૮૭માં જન્મેલો છે તે ટીમ એટલે કે ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની વિજેતા બનશે.
લોબોની ભવિષ્યવાણી સાચી પડશે કે નહીં એ ખબર નથી પણ લોકોમાં ઉત્સાહ ચોક્કસ આવશે. આશા રાખીએ કે ભારતીય ટીમના ખેલાડીઓમાં પણ ઉત્સાહ આવે ને ૧૦ વર્ષથી આઈસીસીની મોટી ટૂર્નામેન્ટ નથી જીત્યા એ મહેણું ભાંગે. ને આ વખતે પણ એ મહેણું ના ભાંગે તો રોહિત શર્મા આણિ મંડળીએ ડૂબી મરવું જોઈએ.