હેમંત સોરેનને ફરી જેલમાં નખાય તો લોકોની સહાનુભૂતિ મળશે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના હેમંત સોરેન ફરી મુખ્ય મંત્રી બની ગયા. ૩૧ જાન્યુઆરીએ ઈડીએ ધરપકડ કરી એ પહેલાં હેમંત સોરેને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને ચંપાઈ સોરેન તેમના સ્થાને મુખ્ય મંત્રી બન્યા હતા પણ હેમંત બહાર આવતાં જ ચંપઈ ખસી ગયા અને હેમંત સોરેનને પાછી ગાદી સોંપી દીધી.
ચંપાઈ સોરેન રાજીનામું આપવા માગતા ન હતા એવી વાતો બહાર આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જેએમએમના ધારાસભ્યોની બેઠકમાં ચંપાઈએ એમ કહેલું કે, વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ૨-૩ મહિના બાકી છે તેથી ચૂંટણી પહેલા મુખ્યમંત્રીપદેથી પોતે રાજીનામું આપશે તો લોકોમાં યોગ્ય સંદેશ નહીં જાય. ચંપાઈએ પોતાને માસ લીડર ગણાવ્યા અને પોતે લોકોમાં લોકપ્રિય છે એવો દાવો પણ કર્યો.
ચંપાઈ સોરેને હેમંત સોરેન જામીન પર બહાર આવ્યા છે તેથી સોરેનના મુખ્ય મંત્રીપદે શપથ લેતાં જ ઝારખંડ સરકારને અસ્થિર કરવાનો ફરી પ્રયાસ થઈ શકે છે એવો ભય પણ બતાવ્યો. આ વાત સાચી હોઈ શકે કેમ કે સત્તા છોડવી કોઈને પણ ગમતી નથી પણ તેનાથી બહુ ફરક પડતો નથી કેમ કે જેએમએમ હેમંત સોરેનની બાપીકી પેઢી છે તેથી જેએમએમમાં ધાર્યું હેમંતનું જ થવાનું છે.
હેમંતની ફરી શપથવિધિ મહત્ત્વની રાજકીય ઘટના છે કેમ કે ઝારખંડમાં માત્ર ૪ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હેમંતની જેએમએમ કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા મોરચાનો ભાગ છે પણ લોકસભાની ચૂંટણીમાં ઝારખંડમાં ઈન્ડિયાને ધારી સફળતા નહોતી મળી. ઝારખંડમાંથી લોકસભાની ૧૪ બેઠકો છે ને તેમાંથી ૯ બેઠકો જીતીને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો છે. કૉંગ્રેસને ૨ અને જેએમએમને ૩ બેઠકો મળી છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૨ બેઠકો મળી હતી તેથી ભાજપની ૩ બેઠકો ઘટી છે પણ એ છતાં ૧૪માંથી ૯ બેઠકો જીત્યા પછી ભાજપને લાગે છે કે, નવેમ્બર-ડિસેમ્બરમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમ-કૉંગ્રેસ-આરજેડી અને ડાબેરી પક્ષોના ઈન્ડિયા મોરચાને હરાવી શકાય છે અને સત્તા કબજે કરી શકાય છે.
ભાજપે લોકસભાની ચૂંટણીમાં જેએમએમને પછાડવા હેમંત સોરેનને જેલભેગા કરી દીધેલા. તેનો ફાયદો તેને મળ્યો. ભાજપની ગણતરી હેમંત સોરેન જેલમાં હોય ત્યારે જ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પતાવી દેવાની હતી પણ હાઈકોર્ટે હેમંતને જામીન આપી દેતાં ભાજપનો ખેલ બગડી ગયો. હવે હેમંત મુખ્યમંત્રી છે અને જેએમએમની કમાન પાછી સંભાળી છે ત્યારે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર જંગ જામશે તેમાં બેમત નથી.
અત્યાર સુધી આ જંગમાં ભાજપનું પલ્લું ભારે હતું કેમ કે હેમંત સોરેન ભ્રષ્ટાચારના આરોપો બદલ સોરેન જેલમાં હતા. હવે બાજી પલટાઈ ગઈ છે. હેમંતને જામીન આપતી વખતે હાઈકોર્ટે જે કંઈ કહ્યું તેના કારણે હેમંત જોરમાં છે કેમ કે એક રીતે હાઈકોર્ટે હેમંત સોરેનને ક્લીન ચીટ જ આપી દીધી છે. આ કારણે જેએમએમ પાસે હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની શક્તિશાળી એજન્સીઓએ તેમને સીએમ પદેથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું એવો મુદ્દો છે.
સોરેન સામે ઝારખંડમાં ૮.૮૬ એકર જમીનના કેસમાં પીએમએલએ અને મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સોરેન સામે જમીન પર બળજબરીથી કબજો જમાવવાના આરોપો મુકાયા હતા પણ હાઈકોર્ટે કહ્યું છે કે, સોરેન સામે પ્રથમદર્શીય રીતે કોઈ કેસ થતો નથી. પીએમએલએ એક્ટની કલમ ૫૦ હેઠળ નોંધાયેલાં નિવેદનો અને સંજોગો અનુસાર પુરાવાના આધારે સોરેન સામે પીએમએલએનો કેસ જ કરી ના શકાય. જમીન પર બળજબરીથી કબજો જમાવવાના સોરેન સામેના આરોપો પીઅમએલએ હેઠળ આવતા નથી એવું સ્પષ્ટ શબ્દોમાં કહીને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હેમંતને જામીન આપ્યા છે.
હાઈકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, પીએમએલએની કલમ ૧૯ હેઠળ સમન્સ અને ધરપકડ બંને ગેરકાયદેસર છે. સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં ગઈ તો સુપ્રીમ કોર્ટે કલમ ૩૨ હેઠળ આ કેસ પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. સીબીઆઈએ હાઈકોર્ટના આદેશ પર ૪૮ કલાકનો સ્ટે આપવાની વિનંતી કરી હતી તેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા પછી હાઈકોર્ટે તેની સામે સ્ટે આપી દીધો હતો. આ સ્ટેના કારણે કેજરીવાલે જામીન મળ્યા હોવા છતાં જેલમાં રહેવું પડ્યું ને પછી હાઈકોર્ટે જામીન ના આપતાં જેલવાસ લંબાઈ ગયો. સીબીઆઈ આ જ દાવ સોરેનના કેસમાં રમવા ગયેલી પણ સુપ્રીમ કોર્ટે સીબીઆઈની વાતને ગણકારી નથી.
હેમંત સોરેન પાસે આ કારણે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે મજબૂત મુદ્દો છે. સીબીઆઈ ફરી હેમંત સોરેન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. સીબીઆઈ ત્રણ મુખ્ય કારણોસર હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. પહેલું કારણ એ કે, જામીન આપતી વખતે હાઈકોર્ટે મુખ્ય કેસના મેરિટને ખતમ કરીને સોરેનને ક્લીનચીટ આપવાનો પ્રયાસ કર્યો છે કે જે જામીનના નિયમોની વિરુદ્ધ છે.
કાનૂની રીતે આ મુદ્દે સીબીઆઈ ફાવી શકે ને કદાચ સોરેનના જામીન રદ કરાવવામાં પણ સફળ થાય પણ તેના કારણે રાજકીય રીતે સોરેનને નુકસાન નહીં થાય પણ ફાયદો જ થશે. બલ્કે હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની શક્તિશાળી એજન્સીઓએ તેમને સીએમ પદેથી હટાવવાનું કાવતરું ઘડ્યું છે એ મુદ્દે જોરશોરથી પ્રચાર કરી શકશે.
સોરેન સામેના કેસની હાલની સ્થિતિ જોતા એવું લાગતું નથી કે હેમંતની ફરી ધરપકડ કરવી આસાન હશે પણ સોરેનની ધરપકડ થાય તો પણ હવે સોરેનને સહાનુભૂતિ મળશે. હાઈકોર્ટે છોડી દીધા પછી ફરી સોરેનને જેલમાં નાખવાનો મતલબ એ થાય કે, ભાજપ સરકાર ગમે તે રીતે હેમંત સોરેનને જેલમાં જ રાખવા માગે છે તેથી ઝારખંડની જનતા સોરેન તરફ થઈ શકે છે.
ભાજપ સરકાર હવે શું કરશે એ જોવાનું રહે છે પણ ભાજપને બંધારણ કે કાયદા તરફ માન હોય કે શરમનો જરાક પણ છાંટો હોય તો તેણે હવે સોરેન સરકારને અસ્થિર કરવાના ઉધામા બંધ કરવા જોઈએ. આ દેશની પ્રજાએ ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં આપીને તેની સામે અણગમો બતાવી જ દીધો છે ત્યારે ભાજપે જનાદેશને સ્વીકારવો જોઈએ, લોકોની લાગણીઓને સમજવી જોઈએ.