એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસે બેઠા થવું હોય તો ભાજપ પાસેથી પ્રેરણા લે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કારમી હારના પગલે હવે કૉંગ્રેસનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું ત્યારે કૉંગ્રેસમાં ઉત્સાહ હતો. કૉંગ્રેસની આ જીત મોટી હતી કેમ કે ભાજપને કારમી પછડાટ આપીને કૉંગ્રેસે કર્ણાટકમાં પોતાની સરકાર રચી હતી. આ ઉત્સાહ ત્રણ રાજ્યોની હારના પગલે ઓસરી ગયો છે.

કૉંગ્રેસે દક્ષિણના બીજા રાજ્ય તેલંગણામાં પોતાની સરકાર રચી છે. તેલંગણામાં કે.સી. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ને ઉખાડવા ભાજપ ક્યારનો મથે છે પણ ફાવતો નથી ત્યારે કૉંગ્રેસે કેસીઆરને ઘરભેગા કરીને તાકાત બતાવી પણ ભાજપ સામે કૉંગ્રેસ વામણી પુરવાર થઈ છે. કોંગ્રેસે ટકવું હોય તો લોકસભામાં ભાજપને હરાવવો પડે પણ અત્યારે કૉંગ્રેસ જે સ્થિતિમાં છે એ જોતાં કૉંગ્રેસ ભાજપને હરાવે એવં લખ્ખણ દેખાતાં નથી પણ રાજકારણમાં ગમે તે થઈ શકે એ જોતાં કૉંગ્રેસે પણ સાવ નાસીપાસ થવાની જરૂર નથી.

કૉંગ્રેસ માટે ત્રણ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આઘાતજનક છે પણ કૉંગ્રેસ માટે બધું ખતમ થઈ ગયું નથી. કૉંગ્રેસ ચોક્કસ વ્યૂહરચના સાથે આગળ વધે તો હજુ પણ મજબૂત સ્થિતિમાં આવી શકે છે. લોકસભાની ચૂંટણીને હજુ પાંચ મહિનાની વાર છે એ જોતાં કૉંગ્રેસ ભાજપને હરાવીને એકલા હાથે કેન્દ્રમાં સત્તા કબજે કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવાના બદલે શાણપણ વાપરીને વર્તે તો હજુ બધું કંઈ ખોઈ દીધું નથી.

અત્યારે કૉંગ્રેસની હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં સરકાર છે જ્યારે બિહાર, ઝારખંડ અને તમિલનાડુમાં કૉંગ્રેસ સાથી પક્ષો સાથે સરકારમાં ભાગીદાર છે. કૉંગ્રેસની પોતાની બહુમતી સાથેની સરકાર છે એ ત્રણ રાજ્યોમાં કર્ણાટકમાં ૨૮, તેલંગણામાં ૧૭ અને હિમાચલ પ્રદેશમાં ચાર મળીને કુલ ૪૯ લોકસભા બેઠકો છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં ૨૮માંથી પોતે ૨૫ અને પોતાનાં સાથી સુમાલતા અંબરીશની એક મળીને ૨૬ બેઠકો જીતેલી જ્યારે કોંગ્રેસે માત્ર ૧ બેઠક જીતેલી. હિમાચલ પ્રદેશની ચારેય બેઠકો ભાજપે જીતેલી જ્યારે તેલંગણાની કેસીઆરની પાર્ટીને ૯, કોંગ્રેસને ૩ અને ભાજપને ૪ બેઠકો મળેલી. એક બેઠક અસદુદ્દીન ઓવૈસીએ જીતી હતી. ટૂંકમાં આ ત્રણ રાજ્યોમાં ભાજપને ૪૯માંથી ૩૪ બેઠકો મળેલી જ્યારે કૉંગ્રેસને માત્ર ચાર બેઠકો મળેલી.

હવે ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસની સત્તા છે ત્યારે કૉંગ્રેસ લોકોનો વિશ્ર્વાસ જીતવા માટે પાંચ મહિના કામ કરીને અડધી બેઠકો પણ જીતે તો ૨૫ બેઠકો થાય. તેલંગણામાં ૧૦, કર્ણાટકમાં ૧૪ અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક મળીને કૉંગ્રેસ પચીસ બેઠકો જીતી શકે છે. કર્ણાટકમાં કૉંગ્રેસ જે પણ વધારાની બેઠકો જીતે તેનો ફટકો ભાજપને જ પડવાનો છે. તેલંગણામાં કેસીઆર અને ભાજપ બંનેને ફટકો પડે પણ કેસીઆર ગણતરીમાં નથી. આ સમીકરણો જોતાં કૉંગ્રેસ ભાજપને વીસેક બેઠકોનો ફટકો મારી શકે છે. આ અશક્ય નથી જ, સવાલ માત્ર જોર કરવાનો છે.

કૉંગ્રેસ ભલે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હારી પણ તેનો દેખાવ સાવ શરમજનક નથી. ગુજરાતમાં કૉંગ્રેસ સાવ ૧૭ બેઠકો પર સમેટાઈ ગઈ એવું રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં થયું નથી એ જોતાં કૉંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપને ફટકો મારી શકે છે.

રાજસ્થાનમાં ૨૫, મધ્ય પ્રદેશમાં ૨૯ અને છત્તીસગઢમાં ૧૧ મળીને આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ ૬૫ બેઠકો છે. જેમાંથી ભાજપે ૨૦૧૯માં ૬૧ બેઠકો જીતી હતી જ્યારે તેના સાથી હનુમાન બેનીવાલે રાજસ્થાનમાં એક બેઠક જીતી હતી. કૉંગ્રેસે છત્તીસગઢમાં બે અને મધ્ય પ્રદેશમાં એક મળીને માત્ર ત્રણ બેઠકો જીતેલી. કૉંગ્રેસ માટે આના કરતાં ખરાબ દેખાવ બીજો કોઈ હોઈ જ ના શકે. કૉંગ્રેસ ભાજપનો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સફાયો કરી શકે તેમ નથી પણ અત્યારે તેને મળેલી વિધાનસભા બેઠકોના પ્રમાણમાં લોકસભા બેઠકો જીતે તો પણ ૨૦ બેઠકો તો જીતી શકે છે. કૉંગ્રેસ માટે ૬૫માંથી ૨૦ બેઠકો જીતવી અશક્ય તો નથી જ.

કૉંગ્રેસે ૨૦૧૮ની ચૂંટણી અને એ પછીની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર રાખવી જોઈએ અને ભાજપ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ૨૦૧૮માં કૉંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી જીતી હતી અને પોતાની સરકાર બનાવી હતી. ભાજપ માટે આ હાર કલ્પના બહારની હતી કેમ કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો ભાજપની પંદર-પંદર વર્ષથી સરકાર હતી. આ હારને પગલે ભાજપ ચેતી ગયેલો.
લોકસભાની ચૂંટણીના ત્રણેક મહિના પહેલાં ૨૦૧૯ની શરૂઆતમાં મોદી સરકારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરીને દેશભરમાં દેશપ્રેમનો જુવાળ પેદા કરી દીધેલો. જે રાજ્યોમાં કૉંગ્રેસ ચાર મહિના પહેલાં જીતેલી એ રાજ્યોમાં ભાજપે કૉંગ્રેસને ધોબીપાછાડ આપેલી. આ દેશપ્રેમના જુવાળના જોરે ૨૦૧૯ની લોકસભામાં ભાજપે ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસનાં સૂપડા સાફ કરી નાખેલાં. આ ત્રણ રાજ્યોની ૬૫ લોકસભા બેઠકોમાંથી સત્તાધારી કૉંગ્રેસને ફાળે ગણીને ત્રણ બેઠકો ગયેલી જ્યારે ભાજપે ૬૨ બેઠકો જીતી હતી.

કૉંગ્રેસે પણ આ પ્રકારની વ્યૂહરચના અપનાવવી પડી. કૉંગ્રેસે કમર કસીને ભાજપને પચાસેક બેઠકોનો ફટકો મારવો પડે ને ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શકે એવી સ્થિતિ પેદા કરવી પડે. એ માટે જરૂર પડે તો નવાં જોડાણો કરવાં પડે, નવી નેતાગીરીને પણ આગળ કરવી પડે. તેલંગણામાં રેવંત રેડ્ડી જેવા યુવાને તક આપી તો પરિણામ મળ્યું. એ રીતે બીજાં રાજ્યોમાં પણ કરવું પડે.

કૉંગ્રેસે પોતાની માનસિકતા પણ બદલવી પડે ને મુસ્લિમોને પંપાળ્યા કરવાનો અભિગમ સાવ છોડવો પડે. એ સિવાય છૂટકો નથી કેમ કે ભારતમાં હવે એ બધું નથી ચાલવાનું. હજુય તમે પેલેસ્ટાઈનીઓના સમર્થનમાં રેલીઓ કાઢો ને બીજા એવા જ ધંધા કર્યા કરો તો કોઈ મત ના આપે. તેના કારણે મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત બનશે ને યુવા પેઢીને એ છાપ પસંદ નથી. બહુમતી હિંદુઓને પણ કૉંગ્રેસ મુસ્લિમોને હજુ આળપંપાળ કર્યા કરે છે એ ગમતું નથી તેથી કૉંગ્રેસે બદલાવું પડશે. હિંદુઓને પોતાની તરફ વાળવા પડશે કેમ કે સત્તા હવે હિંદુઓ જ અપાવી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા