એકસ્ટ્રા અફેર

પાટીદાર અનામત જેવો મુદ્દો આવે તો કૉંગ્રેસ ગુજરાત જીતી પણ જાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ૧૦૦ બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ છે. લોકસભામાં રાહુલનો આ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો ને લોકસભાની બહાર પણ દેખાઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુઓ વિશે કરેલી કોમેન્ટના પગલે ગુજરાતમાં કૉંગ્રેસ કાર્યાલયમાં હિંદુવાદી કાર્યકરોએ તોડફોડ કરેલી તેથી કૉંગ્રેસના કાર્યકરોનો જુસ્સો વધારવા શનિવારે રાહુલ ગાંધી અમદાવાદમાં આવ્યા હતા.

રાહુલે કૉંગ્રેસ કાર્યાલયમાં ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા ને હુંકાર પણ કર્યો કે, ભાજપે આપણી ઓફિસ તોડી છે ને આપણે તેમની સરકારને તોડીને જવાબ આપીશું. રાહુલે આ વાત દિલ્હીમાં પણ કરી હતી ને કહેલું કે, હવે અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું. આ જ વાત રાહુલે અમદાવાદમાં બીજા શબ્દોમાં કહી છે. સાથે સાથે રાહુલે બીજી એક બહુ મોટી વાત સાવ હળવી શૈલીમાં કરી નાખી.

રાહુલે કહ્યું કે, ગુજરાત કૉંગ્રેસમાં શું ખોટ છે એ વિશે મને એક કાર્યકરે કહેલું કે, દુનિયામાં બે પ્રકારના ઘોડા હોય છે, એક ઘોડો રેસનો અને બીજો લગ્નનો હોય છે. ગુજરાતમાં કૉંગ્રેસની તકલીફ એ છે કે, કૉંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં ઉતારી દે છે. રાહુલના કહેવા પ્રમાણે, કાર્યકરે કહેલું કે, આ તમે બંધ કરાવો તો કૉંગ્રેસ જીતશે. રાહુલે કૉંગ્રેસીઓને સાફ શબ્દોમાં કહ્યું કે, આપણે હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું અને લગ્નના ઘોડાના લગ્નની જાનમાં નચાવીશું.

રાહુલને ખરેખર કોઈ કાર્યકરે આ વાત કરી કે તેમણે પોતે કરેલું આ નિરીક્ષણ છે એ ખબર નથી પણ આ નિરીક્ષણ રાહુલનું પોતાનું હોય તો રાહુલ બુદ્ધિશાળી કહેવાય. ગુજરાતમાં કૉંગ્રેસની જે ઘણી બધી નબળાઈઓ છે તેમાંય એક નબળાઈ આ પણ છે. રાહુલે આ નબળાઈને મોડી મોડી ઓળખી તો ખરી જ પણ જાહેરમાં કૉંગ્રેસીઓને સંભળાવી પણ દીધું એ મહત્ત્વની વાત છે.

જો કે ગુજરાતમાં કોંગ્રેસ રેસના ઘોડાને રેસમાં દોડાવે ને લગ્નના ઘોડાને લગ્નમાં નચાવે તેના કારણે એ ભાજપને હરાવી દેશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ગુજરાતમાં કોંગ્રેસે ફરી બેઠી થવા અને ભાજપને હરાવવા માટે ઘણું બધું કરવું પડે એમ છે. ખાસ તો કૉંગ્રેસે પોતાની ઈમેજ બદલવી પડે એમ છે ને સાથે સાથે નરેન્દ્ર મોદી નબળા પડે એ પણ જરૂરી છે.

ગુજરાતમાં અત્યારે ભાજપ મજબૂત છે તેનું કારણ નરેન્દ્ર મોદીની હિંદુવાદી ઈમેજ અને કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ છે. આ ઈમેજના કારણે ભાજપ ગુજરાતમાં સળંગ ૨૬ વર્ષથી સત્તામાં છે. ભાજપ ગુજરાતમાં ૨૯ વર્ષના શાસનનો દાવો કરે છે પણ તેનું સળંગ શાસન ૨૬ વર્ષનું છે. ભાજપ ગુજરાતમાં ૧૯૯૫થી સળંગ સાત વાર વિધાનસભાની ચૂંટણી જીત્યો છે પણ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં ભંગાણ પાડીને બનાવેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની સરકાર રચાઈ એ બે વર્ષ ભાજપના શાસનમાં બ્રેક આવી ગયેલો.

ભાજપે ૧૯૯૮માં સત્તામાં પુનરાગમન કર્યું અને કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા પણ કેશુભાઈ પટેલના શાસનમાં ગુજરાતમાં ભાજપ હારવાની સ્થિતિમાં આવી ગયેલો કેમ કે હિંદુઓ ભાજપથી વિમુખ થવા માંડેલા. મોદી મુખ્યમંત્રી બન્યા અને ૨૦૦૨નાં રમખાણો થયાં તેમાં હિંદુઓ ભાજપ તરફ પાછા આવી ગયા. ગુજરાતે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં સતત કોમી રમખાણો જોયાં હતાં. કૉંગ્રેસના શાસન વખતે થયેલાં રમખાણો વખતે સરકારનું વલણ મુસ્લિમો તરફ કૂણું રહેતું. તેના કારણે કૉંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ બનવા માંડી અને હિંદુઓમાં કૉંગ્રેસ સામે આક્રોશ પેદા થવા માંડ્યો હતો. ભાજપે ૧૯૯૦ના દાયકામાં લતિફ સહિતના ગુંડાઓને થાબડવા સામે જાહેરમાં બોલીને આ આક્રોશને પ્રબળ બનાવ્યો. ભાજપે એ જ અરસામાં રામમંદિરના નિર્માણની ચળવળ શરૂ કરીને હિંદુવાદ કાર્ડ ખેલવા માંડ્યું. તેના કારણે હિંદુઓ ભાજપ તરફ ઢળવા માંડ્યા. કેશુભાઈ પટેલના શાસન વખતે થયેલા ભ્રષ્ટાચારના કારણે હિંદુઓ નારાજ હતા ત્યાં ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણો થયાં. આ રમખાણોએ નરેન્દ્ર મોદીને હિંદુના હીરો બનાવી દીધા.લોકોને લાગ્યું કે, નરેન્દ્ર મોદી સત્તામાં હશે તો ગુજરાતમાં હિંદુઓ સલામત છે તેથી લોકો મોદીના ચાહક બની ગયા.

આ લાગણી આજે પણ પ્રબળ છે. આજે પણ મોદી ગુજરાતના હિંદુઓ માટે હીરો છે અને ભાજપ તેમનું રક્ષણ કરતો પક્ષ છે. કોમી રમખાણોના કારણે સતત ફફડાટમાં અને અસલામતીમાં જીવનારા ગુજરાતીઓને પોતાની સુરક્ષા અને સલામતી મોદીમાં જ દેખાય છે જ્યારે કૉંગ્રેસ આવશે તો મુસ્લિમો પાછા ફાટીને ધુમાડે જશે એવો તેમને ભય છે.

ભાજપના શાસનમાં મોંઘવારી વધી છે, આર્થિક તકલીફો વધી છે એ હકીકત છે પણ ગુજરાતની પ્રજાએ એ વાતોને મહત્ત્વ આપ્યું નથી કેમ કે ગુજરાતીઓને મુસ્લિમોનો ડર લાગે છે. કૉંગ્રેસ વરસો લગી સેક્યુલારિઝમનાં નામે મુસ્લિમ તુષ્ટિકરણ કરતી રહી તેથી મુસ્લિમ પાર્ટી તરીકે વગોવાઈ ગઈ. કૉંગ્રેસે ગુજરાતીઓ તેના પર ભરોસો મૂકી શકે એવી સ્થિતિ પેદા કરવા માટે આ ઈમેજ બદલવી પડે. રાહુલ ગાંધી શિવની વાતો કરવા માંડ્યા છે એ જોતાં કૉંગ્રેસની આ ઈમેજમાં ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં હિંદુત્વ સૌથી મોટો મુદ્દો છે પણ આ મુદ્દો બાજુ પર મુકાઈ જાય તો પણ કૉંગ્રેસ જીતી શકે છે. ભૂતકાળમાં એવું બન્યું છે ને એ પણ બહુ નજીકના ભૂતકાળમાં.

ગુજરાતમાં ૨૦૧૫માં અનામત આંદોલન થયું ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. પટેલોની અનામતની માગણીને કચડી નાખવા માટે આનંદીબેન પટેલ સરકારે સખ્તાઈ બતાવી તેમાં પટેલો ભડકી ગયેલા. આનંદીબેન પટેલની સરકારે હાર્દિક પટેલ સહિતના પટેલ અનામત આંદોલનના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ ઠોકીને જેલમાં ધકેલી દીધા તેનો બદલો લેવા પાટીદારોએ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરતાં કૉંગ્રેસનો જયજયકાર થઈ ગયેલો. કૉંગ્રેસે ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૩ અને ૨૩૦ તાલુકા પંચાયતમાંથી ૧૬૯ કૉંગ્રેસે જીતી હતી.

આ પરિણામોથી ચોંકેલા ભાજપે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આનંદીબેન પટેલને હટાવીને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા પણ પાટીદારોનો આક્રોશ શમ્યો નહોતો તેથી કૉંગ્રેસને જબરજસ્ત ફાયદો થયેલો. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી ભાજપે ૯૯ બેઠકો જીતી હતી જ્યારે કૉંગ્રેસ પોતાના સાથીઓ સાથે ૮૦ બેઠક પર જીતી શકી હતી.

કૉંગ્રેસ એ વખતે જીતી નહોતી શકી પણ આવો આકસ્મિક મુદ્દો આવી જાય તો કૉંગ્રેસ જીતી જાય એવું પણ બને. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ ત્રણ વર્ષની વાર છે એ જોતાં ગમે તે બની શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button