હિંદુઓને રામજન્મભૂમિ અધિકારથી મળી, ષડ્યંત્રથી નહીં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો શુભ અવસર આવી ગયો છે. આજે એટલે કે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ને સોમવારે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામમંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પાછી બાબરી મસ્જિદની રેકર્ડ વગાડી છે.
ઓવૈસીએ દાવો કર્યો છે કે, બાબરી મસ્જિદ ભારતીય મુસ્લિમો પાસેથી વ્યવસ્થિત રીતે ષડ્યંત્ર કરીને છીનવી લેવામાં આવી છે. ઓવૈસીએ આ ષડ્યંત્ર માટે કોંગ્રેસ અને ભાજપ બંનેને જવાબદાર ગણ્યા છે. ઓવૈસીએ દાવો કર્યો છે કે, આ ષડ્યંત્રના ભાગરૂપે ૧૯૪૯માં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રાતના અંધારામાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. આ સ્થળ રામ જન્મભૂમિ મંદિર હોવાનું સાબિત કરતા પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા પણ તેના કારણે વાસ્તવિકતા નહીં બદલાય. એ સ્થળે મસ્જિદ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેશે.
ઓવૈસીના કહેવા પ્રમાણે, કૉંગ્રેસના ગોવિંદ વલ્લભ પંત ઉત્તર પ્રદેશના પહેલા મુખ્યમંત્રી હતા અને એ વખતે મુસ્લિમો એ સ્થળે નમાજ પઢતા હતા પણ તત્કાલિન કલેક્ટર કે.કે.નાયરે મસ્જિદ બંધ કરાવીને પૂજા શરૂ કરાવી હતી. આ જ નાયર ૧૯૫૦ના દાયકામાં જનસંઘના પ્રથમ સાંસદ બન્યા હતા તેથી આ બધું જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કહેવાથી થયું એવો દાવો આડકતરી રીતે ઓવૈસીએ કર્યો છે.
ઓવૈસીએ એમ પણ કહ્યું છે કે, ૧૯૮૬માં મુસ્લિમોને જાણ કર્યા વગર જ વિવાદાસ્પદ સ્થળનાં તાળાં ખોલવામાં આવ્યાં હતાં અને કેન્દ્રીયના ગૃહ મંત્રી બુટા સિંહે શિલાન્યાસ કર્યો હતો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ, ભાજપ અને સંઘ પરિવારે સુપ્રીમ કોર્ટને વચન આપ્યું હોવા છતાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી. ૧૯૮૯માં ભાજપે હિમાચલ પ્રદેશના પાલમપુરમાં ઠરાવ પસાર કરીને રામમંદિરનો મુદ્દો હાઈજેક કરી લીધો એવો દાવો ઓવૈસીએ કર્યો છે.
ઓવૈસીના કહેવા પ્રમાણે, ગોવિંદ વલ્લભ પંતે ૧૯૪૯માં વિવાદાસ્પદ સ્થળેથી મૂર્તિઓ હટાવી હોત તો મુસ્લિમોએ બાબરી મસ્જિદ ના ગુમાવી હોત. એ જ રીતે ૧૯૮૬માં તાળાં ન ખોલવામાં આવ્યાં હોત તો પણ મુસ્લિમોએ બાબરી મસ્જિદ ના ગુમાવી હોત. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ ન થઈ હોત તો પણ બાબરી મસ્જિદ મુસ્લિમો પાસે રહી હોત પણ આ બધું કેમ થયું એ અંગેના મુસ્લિમોના સવાલોના જવાબ કોઈ નથી આપી રહ્યું.
ઓવૈસીએ તો એવો દાવો પણ કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે ધાર્મિક આસ્થાના આધારે ચુકાદો આપ્યો ત્યારે કહેલું કે, અમે આ જગ્યા મુસ્લિમોને આપી શકીએ નહીં કેમ કે બહુમતી નારાજ થઈ જશે પણ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી નથી.
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી તેનો રાજકીય લાભ લેવાની હોડ ચાલી રહી છે. ઓવૈસી મુસ્લિમ મતોના ઠેકેદાર છે તેથી એ પાછળ રહી જાય એવી અપેક્ષા ના રાખી શકાય. ઓવૈસી લાંબા સમયથી પ્રાણપ્રતિષ્ઠા મુદ્દે બોલે છે ને એ સિરીઝમાં આ બધી આગળની વાતો છે. રામમંદિર મુદ્દે બધા નેતા અને પક્ષો પોતાને અનુકૂળ આવે એવી વાતો ઠોક્યા કરે છે ને ઓવૈસી પણ એ જ કરી રહ્યા છે.
ઓવૈસી મુસ્લિમો પાસેથી મસ્જિદ છિનવી લેવાની ને એવી બધી વાતો કરીને મુસ્લિમોમાં અસંતોષ પેદા કરીને રાજકીય રોટલો શેકવા મથી રહ્યા છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. હિંદુઓને રામમંદિર આપવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપેલો છે ને એ ચુકાદા પછી જ રામમંદિરનું નિર્માણ શરૂ થયું. આ વાસ્તવિકતા છે ને ઓવૈસી બાબરી મસ્જિદ સિસ્ટેમેટિકલી છિનવી લેવાઈ હોવાની વાતો કરીને સુપ્રીમ કોર્ટ સામે જ શંકા કરી રહ્યા છે.
ઓવૈસીનો રાતના અંધારામાં વિવાદાસ્પદ સ્થળે મૂર્તિઓ મુકાઈ હોવાની વાત સાવ હાસ્યાસ્પદ છે. ૧૯૪૬માં હિંદુ મહાસભા તથા ગોરખનાથ અખાડાએ રામાયણ મહાસભા ભરીને રામમંદિરની ચળવળને વેગ આપ્યો પછી ગોરખપુર અખાડાના મહંત દિગ્વિજય નાથ સતત કાર્યક્રમો કર્યા કરતા હતા. દિગ્વિજય નાથે ૧૯૪૯માં અયોધ્યામાં રામમંદિર પાસે રામચરિત માનસનો પાઠ રાખ્યો હતો. આ પાઠ દરમિયાન ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ ભગવાન રામ તથા અન્ય હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓ મસ્જિદમાંથી નીકળી હતી. દિગ્વિજય નાથે આ મૂર્તિઓને ગર્ભગૃહમાં સ્થાપિત કરીને રામ લલ્લાના મંદિર તરીકે તેને માન્યતા આપી હતી.
મસ્જિદમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરાઈ ત્યારે પણ મુસ્લિમોએ આક્ષેપ મૂકેલો કે, હિંદુઓએ રાત્રે મૂર્તિ મસ્જિદમાં દાટીને મૂર્તિ પ્રગટ થઈ હોવાનું નાટક કર્યું હતું. જવાહરલાલ નહેરૂની સરકારે ત્યારે આદેશ આપ્યો હતો કે, રામલલાની મૂર્તિઓને દૂર કરીને સ્થળને તાળું મારી દેવાય પણ ફૈઝાબાદના કલેક્ટર કે.કે. નાયરે નહેરૂનો આદેશ માનવાનો ઈનકાર કરી દીધો હતો. નાયરે હિંદુઓ ભડકશે તો તોફાનો થશે એ ડરના કારણે પોલીસને મૂર્તિઓ દૂર નહોતી કરવા દીધી.
ઓવૈસી જે ઘટનાની વાત કરે છે તેની આ વાસ્તવિકતા છે પણ આપણે ૧૯૪૯માં શું થયું તેની વાત નથી કરતા કેમ કે સુપ્રીમ કોર્ટે હિંદુઓને રામમંદિરની જમીન ૧૯૪૯ની ઘટનાના આધારે નથી આપી પણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના રિપોર્ટને આધારે આપી છે.
એએસઆઈના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ બી.બી. લાલે ૧૯૭૪માં અયોધ્યામાં વિવાદાસ્પદ સંકુલની ભૂમિનું ખોદકામ શરૂ કરાવ્યું હતું. રામાયણમાં અયોધ્યાનાં ૧૪ સ્થળોનો ઉલ્લેખ છે તેનું ખોદકામ લાલે શરૂ કરાવ્યું ત્યારે વિશ્ર્વખ્યાત તોજો રડાર ગ્રેડિંગ કંપનીને સાથે રાખેલી કે જેથી વિશ્ર્વસનિયતા અંગે કોઈ શંકા ના ઉભી થાય. ૧૦ વર્ષ સુધી મસ્જિદની બહાર અને પછી બાબરી મસ્જિદની જમીનમાં ખોદકામ કરીને લાલે બાબરી મસ્જિદની નીચે ભગવાન રામના મંદિરના અવશેષો છે એવો ૧૯૮૬માં રિપોર્ટ આપ્યો ત્યારે ભાજપ પણ ચિત્રમાં નહોતો ને કોઈ હિંદુવાદી સંગઠન પણ ચિત્રમાં નહોતાં.
ઓવૈસી તેને પણ કાવતરું માને છે ?
ઓવૈસી સહિતના મુસ્લિમ નેતાઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. પોતાના રાજકીય ફાયદા માટે તેમણે વરસો સુધી મુસ્લિમોને હિંદુઓનો ડર બતાવ્યા કર્યો. તેના કારણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તણાવ રહ્યો. આજે ભગવાનના રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભગવાન તેમને આ બધા ધંધા બંધ કરવાની સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ.