હરિયાણા-કાશ્મીરનાં પરિણામો, ભાજપ માટે ચમત્કાર થઈ ગયો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોએ રાજકારણની અનિશ્ર્ચિતતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એક્ઝિટ પોલ ભરોસાપાત્ર નથી એ ફરી સાબિત કરી દીધું. હરિયાણામાં કૉંગ્રેસની સરકાર પાકી મનાતી હતી પણ પરિણામ કંઈક અલગ જ આવ્યાં ને ભાજપ હેટ્રિક કરીને ફરી સરકાર રચવાની સ્થિતિમાં છે. બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સરકાર આવી ગઈ છે અને ભાજપને પછડાટ મળી છે.
આ પરિણામો ભાજપ માટે ખરેખર સારાં છે અને કૉંગ્રેસ માટે નિરાશાજનક છે કેમ કે બંને રાજ્યો ભાજપના હાથમાંથી જશે અને કૉંગ્રેસ બંને રાજ્યો કબજે કરશે એવી હવા જામેલી હતી. તેના બદલે ભાજપ હરિયાણામાં સત્તા જાળવવામાં સફળ થયો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની સરકાર રચાવાની વાત જ નહોતી.
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ એકલા હાથે સરકાર રચી શકે એવી સ્થિતિમાં જ નહોતો. ભાજપ ૬૩ બેઠકો પર જ ચૂંટણી લડેલો અને કાશ્મીર ખીણમાં તેનો પ્રભાવ નથી એ જોતાં ભાજપને સ્પષ્ટ બહુમતીની આશા નહોતી તેથી જમ્મુ અને કાશ્મીરનાં પરિણામો ભાજપ માટે બહુ આંચકાજનક નથી પણ હરિયાણામાં ભાજપને ચોક્કસ બોનસ મળ્યું છે. કોઈ ચમત્કાર જ ભાજપને જીતાડી શકે એવી હવા જામેલી હતી તેમાંથી ભાજપ એકલા હાથે સરકાર રચવાની સ્થિતિમાં છે.
હરિયાણાનાં પરિણામો ભાજપ માટે એ રીતે બોનસ છે કે હવે પછી યોજાનાર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોનો જુસ્સો જળવાયેલો રહેશે. ભાજપ આ બે રાજ્યોમાં હારી ગયો હોત તો ભાજપનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં છે, નરેન્દ્ર મોદીનો કરિશ્મા ખતમ થઈ ગયો છે એવી હવા જામી ગઈ હોત. રાજકારણમાં કાર્યકરો મહત્ત્વના છે ને કાર્યકરોમાં ઉત્સાહ ના હોય તો કોઈ પાર્ટી જીતી ના શકે એ જોતાં ભાજપના કાર્યકરોમાં હતાશા આવી ગઈ હોત તો તેની અસર બંને રાજ્યોમાં વર્તાઈ હોત. ભાજપ આ હતાશાના મારમાંથી બચી ગયો છે.
હરિયાણા નાનક઼ડું રાજ્ય છે પણ તેમાં ભાજપની જીત એ રીતે મોટી છે કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળી પછી ભાજપ કઈ દિશામાં જવું એ અંગે અવઢવમાં હતો. મતલબ કે, ક્યા પ્રકારની વ્યૂહરચના અપનાવવી એ ભાજપે નક્કી કરવાનું હતું. હરિયાણામાં ભાજપે હિંદુત્વનો રાગ ફરી આલાપવા માંડ્યો ને તેનાં પરિણામ ભાજપને મળ્યાં છે તેથી વિચારધારાની રીતે પોતે ક્યાં રહેવું તેની સ્પષ્ટતા ભાજપને થઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ આશા રાખતો હતો એવો દેખાવ થયો નથી પણ સાવ નિરાશાજનક દેખાવ પણ નથી. જમ્મુનો ગઢ સચવાયો છે એ તેના માટે મોટી વાત છે. જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ પણ ફાયદામાં નથી. ફાયદામાં કોઈ હોય તો એ નેશનલ કોન્ફરન્સ છે. ભાજપે નેશનલ કોન્ફરન્સના પરિવારવાદને, અબ્દુલ્લા પરિવારના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવેલો છતાં નેશનલ કોન્ફરન્સ એકલા હાથે સરકાર રચવાની સ્થિતિમાં આવી જવા જેટલી બેઠકો લઈ ગઈ એ મોટી વાત છે. સાવ પતી ગયેલા મનાતા અબ્દુલ્લા પરિવારે જબરદસ્ત વાપસી કરી છે એ સ્વીકારવું પડે.
આ પરિણામોએ એક્ઝિટ પોલની પોલ ફરી ખોલી દીધી. જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણા એ બંને વિધાનસભા ચૂંટણીની ૯૦-૯૦ બેઠક માટે કરાયેલા એક્ઝિટ પોલ પૈકી મોટા ભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કૉંગ્રેસની સરકાર રચાવાની આગાહી કરાઈ હતી અને કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચશે એવો દાવો કરાયો હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી આગાહી થઈ હતી. હરિયાણામાં શરૂઆતનાં ટ્રેન્ડમાં કૉંગ્રેસને ૬૦ કરતાં વધારે બેઠકો મળી હોવાનું બતાવાયું ત્યારે લાગતું હતું કે, આ વખતે એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે પણ ચૂંટણીનાં પરિણામ તેના કરતાં બિલકુલ અલગ આવ્યાં છે.
હરિયાણામાં કૉંગ્રેસની સરકાર આવશે ને દસ વર્ષથી જામેલા ભાજપને લોકો ઘરભેગો કરી દેશે એવા એક્ઝિટ પોલના દાવા સાવ ખોટા સાબિત થયા છે અને ભાજપ સળંગ ત્રીજી વાર સરકાર રચવામાં સફળ થશે એ નક્કી થઈ ગયું છે. ૨૦૧૪માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી પછી ૨૦૧૯માં સ્પષ્ટ બહુમતી નહોતી મળી અને ૪૦ બેઠકો મળતાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના ટેકાથી સરકાર રચવી પડેલી. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે એ જોતાં ભાજપ કોઈના પર નિર્ભર નહીં રહે ને પોતાની તાકાત પર સરકાર રચી શકશે.
જમ્મુ અને કાશ્મીરમાં પણ એ જ હાલત છે કેમ કે નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના જોડાણને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે જ્યારે એક્ઝિટ પોલ કોઈને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી આગાહી કરતા હતા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં જ્યારે મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હતી. આ સિવાય બીજા નાના નાના પક્ષો પણ મેદાનમાં હતા પણ એ બધાં ધોવાઈ ગયાં છે. મોટા ભાગનાં એક્ઝિટ પોલ નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસ જોડાણને સૌથી વધારે બેઠકોની આગાહી કરતા હતા પણ બંને સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવું ખોંખારીને કહેતા નહોતા. મોટા ભાગના એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી રહ્યા હતા. કેટલાક પોલમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવી આગાહી કરી રહ્યા હતા પણ ૯૦ બેઠકોમાંથી કૉંગ્રેસ-નેશનલ કોન્ફરન્સનું જોડાણ ૫૦ બેઠકોના આંકડાને પાર કરશે એવું કોઈએ કહ્યું નહોતું.
ભાજપ પોતે સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચશે એવા દાવા જોરશોરથી કરતો હતો પણ કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને ૩૫ કરતાં વધારે બેઠકો અપાઈ નહોતી ને સ્પષ્ટ બહુમતીમાં ભાજપનો પનો ટૂંકો પડી જશે એવું એક્ઝિટ પોલ કહેતા હતા. આ વાત સાચી પડી છે પણ કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંનેને સ્પષ્ટ બહુમતી મળશે એવું કોઈ કહેતું નહોતું. પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસને મળીને ૫૨ બેઠકો મળી છે ને તેમાં પણ નેશનલ કોન્ફરન્સે એકલા હાથે ૪૨ બેઠકો જીતી છે. મહેબૂબા મુફતીની પીડીપી માત્ર ૨ બેઠકો જીતીને સમેટાઈ ગઈ છે.
ભાજપ અને કૉંગ્રેસ બંને માટે આ પરિણામો કહીં ખુશી કહીં ગમ જેવાં છે. તેના કારણે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે.