એકસ્ટ્રા અફેર

રેપ-મર્ડર કેસમાં ફાંસી, ભાજપ સામે મમતાનો નવો દાવ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર રેપ કરીને હત્યા કરવાના મુદ્દે દેશભરમા હજુય આક્રોશ છે. ભાજપે આ મુદ્દાને ચગાવ્યો છે ને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ભીંસમાં લેવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે ત્યારે મમતા બેનરજીએ વળતો દાવ ખેલીને વિધાનસભામાં નવું એન્ટિ રેપ બિલ પસાર કરાવ્યું છે. મમતાનાં દાવા પ્રમાણે આ બિલમાં બળાત્કારને લગતા કેસોમાં કાયદાને વધુ કડક કરવામાં આવ્યા છે અને માત્ર ૧૦ દિવસમાં ફાંસીની સજાનો અમલ કરાશે.

મમતાએ બનાવેલો નવો કાયદો ખરેખર બળાત્કારને રોકી શકશે કે નહીં તે વાત કરીશું પણ પહેલાં બિલમાં ખરેખર શું છે અને આ બિલ દ્વારા મમતાએ કેવો રાજકીય દાવ ખેલ્યો છે તેની વાત કરી લઈએ. બંધારણીય રીતે મમતા બેનરજીની સરકાર આવો કાયદો પસાર ના કરી શકે કેમ કે રાજ્ય સરકાર પાસે આ પ્રકારના કાયદા બનાવવાની સત્તા નથી. મમતાએ એ છતાં વિધાનસભામાં આ કાયદો પસાર કરાવીને મોદી સરકારને સીધો પડકાર ફેંક્યો છે ને વાસ્તવમાં ભેરવી દીધી છે.

‘અપરાજિતા વુમન એન્ડ ચાઇલ્ડ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૪’ નામના મમતા બેનરજી સરકારના નવા બિલમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ એક્ટ (POCSO)માં સુધારા કરવાની વાત છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૬૪, ૬૬, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩ અને ૧૨૪માં મહિલાઓ સામે અપરાધ કરતા ગુનેગારો માટે સજાની જોગવાઈ છે. અપરાજિતા એક્ટમાં આ તમામ કલમોમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સિવાય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૯૩ અને ૩૪૬ તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮, ૧૦ અને ૩૫માં સુધારાની દરખાસ્ત છે.

આ સુધારા દ્વારા મહિલાઓ અને બાળકો સામેના તમામ જાતીય અપરાધોને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે. મતલબ કે, બળાત્કાર સહિતના મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓમાં પોલીસ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે અને તેને જામીન નહીં મળે. આ બિલમાં બળાત્કાર સહિતના તમામ જાતીય અપરાધ માટે ફાંસી એટલે કે મૃત્યુદંડની જોગવાઈ છે. મોદી સરકારે લાગુ કરેલા નવા ભારતીય ન્યાય સંહિતા કાયદામાં બળાત્કાર માટે ફાસીંની સજાની જોગવાઈ છે પણ બળાત્કારને લગતા તમામ ગુનાઓમાં મૃત્યુદંડની જોગવાઈ નથી.

અપરાજિતા એક્ટમાં કેન્દ્ર સરકારના કાયદા પોલીસ તપાસ અને ટ્રાયલ પૂર્ણ કરવાની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. નવા કાયદા હેઠળ રેપ કેસની તપાસ ૩૬ દિવસમાં પૂરી કરવાની રહેશે. પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો ૧૦ દિવસની અંદર દોષિતને ફાંસી આપવામાં આવશે. આ કાયદા પ્રમાણે, પોલીસને મહિલાને લગતો અપરાધ થયો છે તેની એફઆઈઆર નોંધાય તેના ૨૧ દિવસની અંદર તપાસ પૂરી કરવી પડશે. ૨૧ દિવસમાં તપાસ પૂરી ન થાય તો કોર્ટ વધુ ૧૫ દિવસનો સમય આપી શકે છે પણ આ માટે પોલીસે લેખિતમાં મોડું થવાનું કારણ જણાવવું પડશે.

ભારતીય ન્યાય સંહિતામાં પોલીસે બે મહિનામાં તપાસ પૂરી કરવાની છે. બે મહિનામાં તપાસ પૂરી નહીં થાય તો વધુ ૨૧ દિવસનો સમય આપવામાં આવી શકે છે. બંગાળ સરકારના બિલમાં એવી પણ જોગવાઈ છે કે મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત અપરાધોના મામલામાં ચાર્જશીટ દાખલ થયાના એક મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાની રહેશે જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં બે મહિનાનો સમય છે.

ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪માં બળાત્કાર માટે ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે કે જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે. આજીવનનો અર્થ દોષિત જીવિત રહે ત્યાં સુધી જેલમાં જ રહેશે. દંડની જોગવાઈ પણ છે. બંગાળ સરકારના બિલમાં આજીવન કેદની જોગવાઈ છે અને ફાંસીની સજા અને દંડની જોગવાઈ પણ છે. ન્યાય સંહિતમાં રેપ પછી મર્ડરની સજા ઓછામાં ઓછી ૨૦ વર્ષની જેલ છે કે જેને ઉંમરકેદ સુધી વધારી શકાય છે અને ખાસ કિસ્સામાં મોતની સજાની પણ જોગવાઈ છે. બંગાળ સરકારના બિલમાં દોષિતને મૃત્યુની સજા ફટકારવામાં આવે એવી જોગવાઈ છે.

ન્યાય સંહિતાની કલમ ૭૦(૧) પ્રમાણે, કોઈ મહિલા પર ગેંગરેપ થાય તો બધા દોષિતોને ઓછામાં ઓછી ૨૦ વર્ષની સજા થશે, જેને આજીવન કારાવાસ સુધી વધારી શકાય છે. પીડિતાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તો બધા જ દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે અને બધા જ દોષિતોને ફાંસીની સજા પણ થઈ શકે છે.

બંગાળ સરકારનું બિલ કહે છે કે, ગેંગરેપના કેસમાં બધા દોષિતોને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે. આજીવનનો અર્થ એ છે કે દોષિત જીવિત રહેતાં જેલની બહાર આવી શકશે નહીં. મૃત્યુની સજાની જોગવાઈ છે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ સિવાય બીજા પણ ઘણા સુધારા બંગાળ સરકારના બિલમાં કરાયા છે.

મમતાએ પેતાના કાયદાને મોદી સરકારે બનાવેલ કાયદા કરતાં વધારે આકરો બનાવીને મોદી સરકારને ભીંસમાં મૂકી દીધી છે. બંગાળ વિધાનસભાએ આ બિલ પસાર કરી દીધું છે અને હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની સહી પછી એ કાયદો બની જશે.

રાજ્યપાલ આ કાયદા પર સહી કરે તો મમતાએ બળાત્કારને રોકવા માટે દેશમાં સૌથી કડક કાયદો બનાવ્યો એવો દાવો કરવાની તૃણમૂલ કૉંગ્રેસને તક મળી જશે. ભાજપ મમતા બેનરજી સરકારની કહેવાતી નિષ્ફળતાનો મુદ્દો ચગાવે છે તેની હવા નિકળી જશે. રાજ્ય સરકારને આવો કાયદો બનાવવાની સત્તા નથી તેથી રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ સહી કરવાની ના પાડે તો પણ મમતા આ મુદ્દાને ચગાવશે. રાજ્ય સરકાર બળાત્કારીઓને સીધા કરવા ને સજા કરાવવા માટે આકરા કાયદા બનાવવા માગે છે પણ ભાજપને બળાત્કારીઓને સજા કરાવવામાં રસ નથી એવો પ્રચાર કરવાની મમતાને તક મળી જશે. મમતાએ ચિત ભી મેરી ઓર પટ ભી મેરીવાળો દાવ ખેલીને ભાજપને ચિત કરી દેવાનો તખતો ઘડી કાઢ્યો છે. મમતાનાં દાવનો ભાજપ શું તોડ કાઢે છે એ જોવાનું રહે છે.

જ્યાં સુધી બળાત્કારને રોકવાની વાત છે, કાયદા દ્વારા બળાત્કાર રોકાય નહીં. બળાત્કારને રોકવા કાયદાનો ડર પેદા કરવો પડે, પોલીસનો ડર પેદા કરવો પડે ને દુનિયામાં મોતથી મોટો કોઈ ડર નથી. બળાત્કારના પાંચ-સાત કિસ્સામાં તાત્કાલિક એવો ન્યાય કરવો પડે કે કોઈ છોકરી સામે જોવાની પણ કોઈ હવસખોર હિંમત ના કરે. આ ન્યાય શું હોઈ શકે એ કહેવાની જરૂર નથી. આ દેશમાં ચમત્કાર વિના નમસ્કાર જ નથી.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?