એકસ્ટ્રા અફેર

ટ્રાવિસની બેટિંગને સલામ, આપણું ઘોડું ફરી દશેરાએ ટાયલું થયું

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલે કરોડો ભારતીયોનાં દિલ તોડી નાખ્યાં. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમ સાવ વામણી પુરવાર થઈ ને સાવ શરમજનક હાર સાથે વધુ એક વર્લ્ડ કપ આપણા હાથમાંથી ગયો. ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીતીને ક્રિકેટમાં ફરી પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી. ટ્રાવિસ હેડે ૧૨૦ બોલમાં ૧૩૭ રનની ઈનિંગ્સ રમીને ઑસ્ટ્રેલિયાને ફરી ચેમ્પિયન બનાવ્યું.
આ આખા વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હાર્યું નહોતું ને સેમી ફાઈનલમાં તોફાની બેટિંગ કરીને ૩૯૭ રનનો સ્કોર ખડકીને આપણે જીતેલા તેથી સૌને એમ જ હતું કે ઑસ્ટ્રેલિયાને પણ રગદોળી નાંખીશું પણ કરોડો ભારતીયોની આ આશા ના ફળી ને રવિવાર બગડ્યો. બપોરે મેચ શરૂ થઈ ત્યારે આખા દેશમાં ગજબનાક ઉત્સાહ હતો પણ મેચ પતી ગયો ત્યાં સુધીમાં તો માતમ થઈ ગયો હતો. આપણે કલ્પના ના કરી હોય એવી આ હાર છે એ જોતાં આ માતમ જલદી પૂરો થવાનો નથી.
આ વર્લ્ડ કપ હારે ફરી એક વાત સાબિત કરી છે કે, તમારી પાસે વન-ડેમાં ૫૦ સદી ફટકારનારા મહાન કહેવાતા બેટ્સમેન હોય કે વન-ડેમાં બબ્બે વાર ડબલ સદી ફટકારનારા ક્રિકેટરો હોય તો તેનાથી કોઈ ફરક પડતો નથી. ફરક મોટી મેચ રમતી વખતે તમે કેવો ટેમ્પરામેન્ટ બતાવી શકો છો તેનાથી પડે છે. તમે આખી જીંદગી તમારી મહાનતા બતાવ્યા કરો પણ જ્યારે દેશને જરૂર હોય ત્યારે જ ના ચાલો તેનો મતલબ નથી. આપણી ટીમના કિસ્સામાં એવું જ થાય છે એ આપણે છેલ્લાં કેટલાંક વરસોથી જોઈએ છે ને આ વખતે તેનું પુનરાવર્તન થયું.
રોહિત શર્મા ઝૂડાઝૂડ કરવાને જ બેટિંગ માને છે ને તેમાં મેક્સવેલ જેવા પાર્ટટાઈમ બોલરના હાથે આઉટ થયો. વિરાટ કોહલી અને રાહુલે અડધી સદીઓ ફટકારી પણ એ લોકો કેટલા બોલ ખાઈ ગયા તેનો હિસાબ માંડશો તો સમજાશે કે મોટી મેચમાં રમવાનું એ બંનેનું ગજું પણ નથી, બંનેએ ૧૭૦ બોલ રમીને ૧૨૦ રન કર્યા. મતલબ કે, ૨૮ ઓવરમાં ૧૨૦ રન કર્યા. ફાઈનલમાં આપણા બે ટોચના બેટ્સમેન બેટિંગ પિચ પર સવા ચાર રનની એવરેજથી રન કરે પછી જીતની શું આશા રાખવાની?
રાહુલ તો ૧૦૭ બોલ રમીને ૬૬ રન કરી શક્યો. મતલબ કે, આખી ૧૮ ઓવર રમ્યા પછી પોણા ચાર રનની એવરેજથી રન કર્યા. આટલી ધીમી બેટિંગ તો ૧૯૮૦ના દાયકાના સુનિલ ગાવસ્કર સહિતના બેટ્સમેન પણ નહોતા કરતા. ગાવસ્કરે એક વાર ૧૩૨ બોલ રમીને અણનમ ૩૨ રન કરેલા ને એ બદલ ગાવસ્કરના માથે બહુ માછલાં ધોવાયેલાં. આજના જમાનામાં રાહુલની બેટિંગ ગાવસ્કરની બેટિંગ કરતાં પણ ધીમી કહેવાય.
આ હારથી આપણા બેટ્સમેન પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ટેમ્પરામેન્ટ નથી ને દશેરાએ જ તેમનું ઘોડું ટાયલુ થઈ જાય છે એ વાત પણ ફરી સાબિત થઈ. રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ જેવા કહેવાતા સ્ટાર ને શ્રેયસ અય્યર, સૂર્યકુમાર જેવા કહેવાતા આશાસ્પદ ને ભારતીય ક્રિકેટનું ભાવિ ગણાતા બેટ્સમેન હોવા છતાં આપણે ફાઈનલમાં ૨૪૦ રનનો સાલ સામાન્ય કહેવાય એવો સ્કોર કરી શક્યા એ વખતે જ આપણે હારી ગયેલા.
આપણી સપાટ પિચો પર ૪૦૦ રનનો સ્કોર પણ સલામત નથી ગણાતો ત્યારે ૨૪૦ રન કરીને તમે કઈ રીતે જીતી શકો? આટલો ઓછો સ્કોર થયો ત્યારે જ આપણે વર્લ્ડ કપ ગુમાવી દીધેલો. આપણા બેટ્સમેને એવો સ્કોર જ નહોતો મૂક્યો કે બોલરો માટે કોઈ તક હોય પણ મોહમ્મદ શમી અને જસપ્રિત બૂમરાહે શરૂઆતની ઓવરોમાં જીવ રેડીને બોલિંગ નાંખી તેમાં થોડો રોમાંચ ઊભો થયેલો. શમીએ ડેવિડ વોર્નરને અને બૂમરાહે મિશેલ માર્શ તથા સ્ટીવ સ્મિથને આઉટ કરીને ૪૭ રનમાં ત્રણ વિકેટ પાડી ત્યારે ભારત માટે જીતની તક લાગતી હતી પણ ટ્રાવિસ હેડને નાથી ના શક્યા ને વિકેટો ના પાડી શક્યા તેમાં વર્લ્ડ કપ આપણા હાથમાંથી જતો રહ્યો.
આ ફાઈનલમાં ટ્રાવિસ હેડે કરેલી બેટિંગને સલામ મારવી જોઈએ કેમ કે ૪૭ રનમાં ૩ વિકેટો પડી ગઈ હોવા છતાં ટ્રાવિસ હેડ દબાણમાં આવ્યા વિના રમ્યો. ટ્રાવિસ હેડ હાર્ડ હીટર છે પણ ટીમને જરૂર હતી એટલે તેણે પોતાની સ્ટાઈલ બદલીને સિંગલ-ડબલ લઈને સ્કોર બોર્ડને ફરતું રાખવાની રણનીતિ અપનાવી. લાબુશેને તેને બરાબર સાથ આપ્યો તેમાં સ્કોર વધતો ગયો ને ક્યારે ઑસ્ટ્રેલિયા પરથી દબાણ હટી ગયું તેની ખબર જ ના પડી. ટ્રાવિસ હેડની બેટિંગને ક્લાસિક કહેવી પડે કેમ કે ટ્રાવિસે મક્કમતા અને આક્રમકતા બંનેનું જોરદાર મિશ્રણ કરીને ટીમને જીત અપાવી.
આ ફાઈનલમા રોહિત શર્માની કેપ્ટન્સી અને લીડરશિપની અસલી કસોટી હતી પણ રોહિત શર્મા સાવ સામાન્ય સાબિત થયો. ૧૯૮૩માં ભારત ચેમ્પિયન બનાવ્યું ત્યારે ફાઈનલમાં સાવ ઓછો સ્કોર થયેલો છતાં કપિલદેવે જે સ્પિરિટ બતાવેલો એ ગજબનાક હતો. ૨૦૦૭ની ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલે પણ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્શિની આકરી કસોટી કરેલી. બંને મેચમાં સ્કોર ઓછો થયેલો પણ કપિલ અને ધોની સાચા લીડર સાબિત થયેલા તેમાં ભારત જીતી ગયેલું.
૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઈનલમાં ધોનીએ ભારતને જરૂર હતી ત્યારે યાદગાર ઈનિંગ રમીને ભારતને જીતાડેલું. રોહિત શર્મા ના પોતાની બેટિંગથી એવો યાદગાર દેખાવ કરી શક્યો કે ના પોતાની કેપ્ટન્શિથી કોઈ ફરક પાડી શક્યો. ગંભીરતાથી બેટિંગ કરવાના બદલે તેણે ધોકાવાળી કરીને વિકેટ ફેંકી ને પછી ઓછો સ્કોર થયો છતાં કેપ્ટન તરીકે એવું કશું ના કર્યું કે જેના કારણે ઑસ્ટ્રેલિયા પર દબાણ આવે. જે કર્યું એ શરૂઆતમાં શમી અને બૂમરાહે કર્યું, બાકી રોહિતભાઈ તો રઘવાયા રઘવાયા ને પહેલેથી જ મેચ હારીને બેઠા હોય એ રીતે જ વર્તતા હતા.
ભારતીયોને વર્લ્ડ કપમાં હાર ખમવાની આદત છે પણ આ વખતે ભારતમાં વર્લ્ડ કપ હતો તેથી આપણને ચેમ્પિયન બનવાની આશા હતી.
હવે દશેરાના દિવસે જ આપણું ઘોડું ટાયલુ થઈ ગયું તો શું કરીએ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. I agree with you. They so call ‘star’ batsman making big score against Ireland, Bangladesh and Afghanistan. They have no guts, temparament and killing instant….

Back to top button