એકસ્ટ્રા અફેર

વિદ્યાર્થીઓને પરીક્ષાના ચક્કરથી દૂર કરી સ્કીલ બેઝ્ડ શિક્ષણ આપો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં શિક્ષણનું સ્તર નીચે ને નીચે ઊતરતું જાય છે અને નીટ જેવી પરીક્ષાઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારવું તેની ચિંતા કરવાના બદલે નવા નવા અને શિક્ષણની વાટ લગાડનારા તુક્કા વહેતા કરાય છે. આવો જ એક તુક્કો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) દ્વારા વહેતો કરાયો છે.

એનસીઈઆરટીના ‘પરખ’ યુનિટે હમણાં શિક્ષણ મંત્રાલયને સોંપેલા એક રિપોર્ટમાં ભલામણ કરી છે કે, બારમા ધોરણની બોર્ડની પરીક્ષાના આધારે જ માર્કશીટ તૈયાર કરવાના બદલે ધોરણ ૯મા, ૧૦મા અને ૧૧મા ધોરણના માર્કસ ૧૨મા ધોરણના રિપોર્ટ કાર્ડમાં ઉમેરીને તેના આધારે ધોરણ ૧૨માનું પરિણામ તૈયાર કરવું જોઈએ. ધોરણ ૧૨માના રિપોર્ટ કાર્ડમાં કમ્બાઈન્ડ એસેસમેન્ટ, ફોર્મેટિવ એસેસમેન્ટ, ગ્રુપ ડિસ્કશન, પ્રોજેક્ટ અને ટર્મ એક્ઝામને પણ વેઇટેજ આપવામાં આવે એવી ભલામણ પણ કરાઈ છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૩માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરી તેમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું સ્વરૂપ બદલવાની પણ જાહેરાત કરાયેલી. બોર્ડની પરીક્ષાનું નવું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ નક્કી કરવાનું કામ પરખ (Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development- PARAKH) યુનિટને સોંપાયેલું.

પરખ દ્વારા એક વર્ષમાં દેશનાં ૩૨ સ્કૂલ બોર્ડ સાથે ચર્ચા પછી ભલામણ કરી છે કે, ધોરણ ૧૨ના પરિણામમાં ધોરણ ૯ના પરીક્ષાના માર્ક્સને ૧૫ ટકા વેઇટેજ, ધોરણ ૧૦ ના માર્ક્સને ૨૦ ટકા વેઈટેજ અને ધોરણ ૧૧ની પરીક્ષાના માર્ક્સને ૨૫ ટકા વેઇટેજ આપવામાં આવે. મતલબ કે, બારમા ધોરણની પરીક્ષાને ૪૦ ટકા વેઈટેજ અપાય.

સૈદ્ધાંતિક રીતે આ ભલામણ સારી છે તેનો ઈન્કાર ના કરી શકાય. તેનું કારણ એ કે, આ ભલામણનો અમલ કરાય તો વિદ્યાર્થીઓ પર બારમા ધોરણની પરીક્ષાનો બોજ ઘટે, બોર્ડની પરીક્ષાનું પ્રેશર ઘટે. અત્યારે જે સ્થિતિ છે તેમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું વિદ્યાર્થીઓ પર જબરદસ્ત દબાણ હોય છે કેમ કે બારમા ધોરણની પરીક્ષાના આધારે કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે એ મોટા ભાગનાં છોકરાંના કિસ્સામાં નક્કી થતું હોય છે.

નવમા ધોરણની પરીક્ષાથી જ બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ નક્કી કરવાનુ આવે તો પ્રેશર વહેંચાઈ જાય. માનો કે એકાદ પરીક્ષામાં સારું પરિણામ ના આવે તો પણ વાંધો નહીં. બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પણ ખરાબ ગઈ હોય તો અગાઉનાં ત્રણ વર્ષનું પરિણામ સારું હોય તો એકંદરે સંતોષકારક પરિણામ આવે.

બીજું એ કે, અત્યારે વિદ્યાર્થીઓ એક જ વર્ષ મહેનત કરીને ધોરણ ૧૨માં સારી મહેનત કરીને સારું પરિણામ લાવી દે તેના આધારે તેમની કારકિર્દી નક્કી થાય છે. આ કારણે સાતત્યપૂર્ણ દેખાવ ના હોય એવા વિદ્યાર્થી પણ હોશિયાર વિદ્યાર્થી કરતાં આગળ નીકળી જાય છે. બારમા ધોરણમાં એ ચોરી કરીને કે બીજા પ્રકારની ગરબડ કરીને પણ વધારે માર્ક્સ લઈ આવે એટલે હોશિયાર સાબિત થઈ જાય છે.

આ રીતે જોઈએ તો કાગળ પર આ સ્કીમ સારી લાગે પણ વાસ્તવિક રીતે આ સ્કીમ ભ્રષ્ટાચારને પોષનારી છે. આ રીતે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં બે બોર્ડની અને બે સ્કૂલની પરીક્ષા આવે છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા બોર્ડ લે છે જ્યારે ધોરણ ૯ અને ધોરણ ૧૧ની પરીક્ષા સ્કૂલ લેતી હોય છે.

સ્કૂલ દ્વારા લેવાતી પરીક્ષામાં કેવી ગરબડો ચાલતી હોય છે એ કહેવાની જરૂર નથી. સ્થાનિક સ્તરે લેવાતી પરીક્ષામાં તો શિક્ષકો ઈચ્છે તેને હોશિયાર સાબિત કરી દે ને ધારે તેને ઠોઠ સાબિત કરી દે એ જોતાં ધોરણ ૯, ધોરણ ૧૦ અને ધોરણ ૧૧ના માર્ક્સ ગણવામાં મોટી ગરબડો થઈ શકે છે. મતલબ કે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો દરવાજો ખૂલી જાય. આપણે ત્યાં અત્યારે જ પરીક્ષા પદ્ધતિ શંકાના દાયરામાં છે એ જોતાં આ નવી પદ્ધતિના કારણે વધારે શંકાસ્પદ બની જશે.

બીજું એ કે, આ નવી પદ્ધતિના કારણે હાલ એડમિશન માટેની દે પધ્ધતિ છે એ તો બદલાવાની નથી. ગરબડોના કારણે હાલની પરીક્ષા પદ્ધતિ શંકાના દાયરામાં છે. તેના કારણે જ હવે એન્જિનિયરિંગ, મેડિકલ, કાયદા સહિતના મહત્ત્વના અભ્યાસક્રમોમાં માત્ર ધોરણ ૧૨ના પરિણામના આધારે પ્રવેશ નથી મળતો. ધોરણ ૧૨માં મિનિમમ ચોક્કસ માર્ક્સ લવાય ને પછી બીજી પરીક્ષામાં આવેલા માર્ક્સના આધારે મેરિટ બને તેના આધારે એન્જિનિયરિંગ, મેડિકલ, કાયદા સહિતના મહત્ત્વના અભ્યાસક્રમોમાં એડમિશન મળે એવી વ્યવસ્થા છે. નવી વ્યવસ્થામાં આ સિસ્ટમ બદલાવાની નથી એ જોતાં વિદ્યાર્થીઓમાં ગૂંચવાડો વધારવાની જરૂર જ નથી.

આ ગૂંચવાડો વધારવાના બદલે શિક્ષણનું સ્તર સુધારવું જોઈએ અને તેને માર્ક્સલક્ષી નહીં પણ સ્કીલ બેઝ્ડ બનાવવું જોઈએ. નવી શિક્ષણ નીતિની જાહેરાત કરાઈ ત્યારે એવી મોટી મોટી વાતો કરાયેલી કે, હવે પછી દેશમાં આઈઆઈટી અને આઈઆઈએમ કક્ષાની મલ્ટી- ડિસિપ્લીનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટી બનાવવામા આવશે કે જે ગ્લોબલ સ્ટાન્ડર્ડને ફોલો કરશે. એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામા આવશે જેનો ઉદ્દેશ્ય હાયર એજ્યુકેશનમાં રિસર્ચને એક કલ્ચર તરીકે વિકસિત કરવાનો તેમજ ક્ષમતા વધારવાનો હશે. યુનિવર્સિટીઓ પણ રિસર્ચ-ફોકસ્ડ હશે. પરીક્ષાલક્ષી શિક્ષણના બદલે સ્કીલ બેઝ્ડ શિક્ષણ કરવામાં આવશે.

એનસીઈઆરટીએ વધારે ધ્યાન શિક્ષણને સ્કીલ બેઝ્ડ કઈ રીતે કરી શકાય તેના પર આપવાની જરૂર છે, શિક્ષણને વધારે વાસ્તવવાદી અને ટેકનોલોજી આધારિત બનાવવાની છે. તેના બદલે આપણે તો પરીક્ષાની આસપાસ જ ગરબા ગાયા કરીએ છીએ. એ બધું બાજુ પર મૂકીને બાળકો પહેલા ધોરણથી સ્કીલ ડેવલપ કરે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્યારે કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વિષયોની માગ છે તો તેને અનુરૂપ અભ્યાસક્રમો ભણાવીને શિક્ષણની તરાહને સંપૂર્ણપણે બદલી નાખવી જોઈએ.

નવી શિક્ષણ નીતિની જાહેરાત કરાઈ ત્યારે ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવાની વાત કરાઈ હતી. ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવું હોય તો વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓનો બોજ ઘટાડીને તેમને સ્કીલ શીખવવું પડે. પરીક્ષાના ભાર વિનાનું ભણતરની ને સ્માર્ટ ક્લાસરૂમની ખાલી વાતો કરવાના બદલે બાળકોને ખરેખર એવું શિક્ષણ આપવું જોઈએ. સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના સ્કીલ ડેવલપ કરવામાં મદદ મળે એવું શિક્ષણ આપવાના બદલે આ નવી ભલામણ વિદ્યાર્થીઓને પરીક્ષાના નવા ચક્કરમાં ફસાવવાની વાતો કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?