એકસ્ટ્રા અફેરસ્પેશિયલ ફિચર્સ

એકસ્ટ્રા અફેર : ગરીબોને મફત અનાજ, દેશના કરદાતાઓ સાથે ઘોર અન્યાય

-ભરત ભારદ્વાજ

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત અનાજનો મુદ્દો પાછો ચગ્યો છે અને સુપ્રીમ કોર્ટે ગરીબોને મફત અનાજ આપવાના બદલે સરકારને વધારે પ્રમાણમાં રોજગારી ઊભી કરવા સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એવો ટોણો પણ માર્યો કે, સરકાર દ્વારા અપાતી મફત રાશનની યોજનામાં માત્ર કરદાતાઓનો જ સમાવેશ કરાયો નથી, એ સિવાય બાકીનાં બધાં લોકોને મફત અનાજ અપાય છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે ફ્રી રેવડીનું વિતરણ ક્યાં સુધી કરવામાં આવશે? આ બધું બંધ કરીને મફત રાશન મેળવતા પ્રવાસી મજૂરો માટે રોજગારીની તકો ઊભી કરવાની જરૂર છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફતમાં આપવામાં આવે છે. આ યોજનાની જાહેરાત કોરોના રોગચાળા વખતે ૨૦૨૦માં કરવામાં આવી હતી. આ યોજનાને કોરોના પછી પણ ચાલુ રાખવામાં આવી છે ને સમયાંતરે સરકાર લંબાવ્યા કરે છે.

મોદી સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (ગઋજઅ) હેઠળ મફત અથવા સબસિડીવાળું રાશન આપે છે પણ કોરોના કાળમાં બેકાર થયેલા કામદારોને તેનો લાભ મળતો નથી કેમ કે તેમની પાસે રાશન કાર્ડ નથી. કોર્ટે સમયાંતરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વખતે સ્થળાંતર કરનારા મજૂરોને રેશન કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે જેથી તેઓ કેન્દ્ર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવી શકે. કોર્ટે તાજેતરમાં એવો આદેશ પણ આપેલો કે, જેમની પાસે રેશન કાર્ડ નથી પરંતુ તેઓ ઈ-શ્રમિક પોર્ટલ પર નોંધાયેલા છે, તેમને કેન્દ્ર દ્વારા મફત રાશન આપવામાં આવશે.


Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?


કોર્ટે તો આદેશ આપી દીધો પણ રાજ્યો આ આદેશને ગણકારતાં નથી ને કામદારોને હજુ મફત અનાજ આપતાં નથી. આ મુદ્દે કેટલાંક એનજીઓ દ્વારા અરજીઓ કરીને રજૂઆત કરાઈ છે કે, જે પરપ્રાંતિય મજૂરો ઈ-શ્રમિક પોર્ટલ પર નોંધાયેલા છે તેમને મફત રાશન મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આ અરજીઓ પરની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એવી રજૂઆત કરેલી કે, ૮૧ કરોડ લોકોને આ યોજનાનો લાભ અપાય છે ત્યારે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે આશ્ર્ચર્ય સાથે કટાક્ષ કર્યો કે સરકારની રજૂઆતનો અર્થ એ થયો કે માત્ર કરદાતાઓ જ બાકી છે.

સુપ્રીમ કોર્ટે ટીકા તો કરી પણ કોમેડી પાછી એ છે કે, ગરીબોને મફત અનાજની કહેવાતી સુવિધા હજુ બીજાં પાંચ વર્ષ સુધી અપાશે એવું એલાન ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે. મોદી સાહેબ એક સમયે લોકોને મફતમાં ચીજો આપવાના આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોનાં વચનોની રેવડી કહીને મજાક ઉડાવતા હતા. ભાજપ લોકોને રેવડીઓ આપવામાં નથી માનતો એવું કહેતા ને અત્યારે પોતે રેવડી નહીં પણ આખેઆખું ભાણું જ પિરસી રહ્યા છે. મોદીએ છત્તીસગઢમાં ૨૦૨૩ના નવેમ્બરમાં વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધુ પાંચ વર્ષ સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે અને તેનો લાભ દેશના ૮૦ કરોડથી વધુ ગરીબ લાભાર્થીઓને મળશે. મતલબ કે, કેન્દ્ર સરકાર હજુ ૨૦૨૮ સુધી તો મફત અનાજ આપવાની જ છે.

મોદીએ એલાન કરેલું કે, મેં નિશ્ર્ચય કર્યો છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફત રાશન પૂરું પાડતી યોજનાને ભાજપ સરકાર આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે. જનતાનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મને પવિત્ર નિર્ણય લેવા માટે તાકાત આપે છે. લોકોને મફત અનાજ આપવાનો નિર્ણય કઈ રીતે પવિત્ર નિર્ણય કહેવાય તેની મોદી સાહેબને જ ખબર પણ આ જાહેરાત પાછળનો ઉદ્દેશ પાંચ રાજ્યોમાં વિધાનસભાની અને ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી જીતવાનો હતો એ કહેવાની જરૂર નથી. મોદી સાહેબના આ પવિત્ર નિર્ણય છતાં આ દેશનાં લોકોએ તેમને સ્પષ્ટ બહુમતી ના આપી એ અલગ વાત છે.

બીજી કોમેડી પાછી એ છે કે, થોડા સમય પહેલાં જ મોદી સરકારે એક મોટો નિર્ણય લઈને માત્ર ઘઉં અને ચણા જ નહીં પણ બીજી ઘણી ખાદ્ય ચીજો પણ રેશનમાં મફત આપવામાં આવવાનું નક્કી કર્યું છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ઘઉં, ચોખા સહિતનાં ખાદ્યાન્ન બિલકુલ ફ્રી આપવામાં આવી રહયાં છે પણ નવા વરસથી હવે ૧૦ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ચોખા ઉપરાંત સરસવના તેલ, મસાલા અને બાજરી જેવી ચીજો પણ મફતમાં આપવાનું નક્કી કર્યું છે.

રેશન કાર્ડ યોજના હેઠળ મફતમાં અપાનારી ચીજોની યાદી મોટી કરવા પાછળ મોદી સરકારનો તર્ક છે કે, રાશન કાર્ડ યોજનાનો હેતુ માત્ર લોકોનું પેટ ભરવાનો જ નથી પરંતુ તેમને પોષક તત્ત્વો આપવાનો પણ છે. મોદી સરકારનું કહેવું છે કે, દેશના ૮૦ કરોડ લોકોને મફતમાં અપાતી ચીજોમાં વધુ વસ્તુઓનો સમાવેશ કરવા પાછળનું કારણ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આ નિર્ણયથી કરોડો લોકોના ભોજનના ખર્ચમાં ઘટાડો થશે જ્યારે ઘણાં લોકોનો ખર્ચ બચી જશે.

મોદી સરકારની માનસિકતા જોતાં એ મફત અનાજની યોજના બંધ કરે એવી શક્યતા નથી. બલકે મોદી સરકાર તો ગરીબીનો મહિમા કરતી હોય એમ ગર્વથી કહે છે કે, અમે દેશમાં ૮૦ કરોડ ગરીબ પરિવારોને છેલ્લાં પાંચ વર્ષથી મફત અનાજ આપીએ છીએ. ભાજપના નેતા પણ મોદી સરકારની સિદ્ધિઓની વાત માંડે ત્યારે આ વાતનો ગર્વથી ઉલ્લેખ કરે છે. જે દેશમાં ૮૦ કરોડ લોકો ગરીબ હોય ને સરકારે તેમને મફત અનાજ આપવું પડતું હોય એ દેશે ખરેખર તો શરમ અનુભવવી જોઈએ, તેના બદલે અહીં તો તેને સિદ્ધિ ગણાવાય છે એ જોતાં આ યોજના બંધ થાય એ વાતમાં માલ નથી. સુપ્રીમ કોર્ટે કરેલી ટીકા યોગ્ય છે છતાં આ સ્કીમ ચાલુ જ રહેવાની છે.


ktraAlso read: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?


આમ તો કોઈ પણ સરકાર લોકોને મફત અનાજ આપ્યા કરે એ તો કરદાતાઓનાં નાણાંની બરબાદી છે અને તેમને કરાતો ઘોર અન્યાય છે. કરદાતાઓનાં નાણાંનો ઉપયોગ દેશના વિકાસ માટે થવો જોઈએ પણ તેના બદલે અહીં તો ગરીબોનાં પેટનો ખાડો પૂરવા માટે થાય છે. સ્વાભાવિક રીતે જ તેના કારણે દેશના વિકાસમાં ઓછાં નાણાં વપરાય છે ને દેશનાં લોકો જે વિકાસના હકદાર છે એ વિકાસથી વંચિત રહે છે. કમનસીબે આ દેશમાં રાજકીય પક્ષો કરદાતાઓ વિશે નથી વિચારતા કેમ કે તેમની મતબેંક નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button