એકસ્ટ્રા અફેર : ખાનગી રિસોર્ટના ફેશન શોને ધાર્મિક લાગણી સાથે શું લેવાદેવા?

-ભરત ભારદ્વાજ
ભારતમાં કેટલાક લોકોની ધાર્મિક લાગણી એટલી નાજુક છે કે ક્યારે દુભાઈ જાય ને ક્યારે કયા મુદ્દે બબાલ થઈ જાય એ નક્કી નહીં. તકલીફ પાછી એ છે કે, એ લોકો પોતાની ધાર્મિક લાગણીને પોતાના સુધી મર્યાદિત રાખતા નથી પણ તેને સામાન્ય લોકોની ધાર્મિક લાગણી સાથે જોડીને ધર્મનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. કાશ્મીરના ગુલમર્ગમાં આઠ માર્ચે યોજાયેલા ફેશન શો અંગેનો વિવાદ તેનો તાજો પુરાવો છે.
જાણીતા ફેશન ડિઝાઇનર જોડી શિવન ભાટિયા અને નરેશ કુકરેજાની ફેશન બ્રાન્ડને 25 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તેમણે ગુલમર્ગના એક પ્રાઈવેટ સ્કી રિસોર્ટમાં ફેશન શો રાખ્યો હતો. ફેશન શો સુખરૂપ યોજાઈ ગયો અને મોટી સંખ્યામાં લોકો જોવા માટે પણ ઉમટ્યાં. ફેશન શોમાં રજૂ કરાતા ડ્રેસમાં ઝાઝો ભલીવાર હોતો નથી ને સામાન્ય લોકોને રસ પડે એવું તેમાં કશું નથી હોતું પણ એક વર્ગને આ કપડાં અને ડિઝાઈન આકર્ષે છે. એ વર્ગનાં લોકોએ ખરીદી પણ કરી હશે ને ત્યાં લગી બધું બરાબર હતું પણ જેવા ફેશન શોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર મુકાયા કે બબાલ શરૂ થઈ.
Also read: દોષિત નેતાઓનો ચૂંટણી લડવા અંગે કાયદો બદલાવો જોઈએ
ફેશન શોમાં મોડેલોએ બરફ પર રેમ્પ વોક કર્યું હતું ને રેમ્પ વોક દરમિયાન થોડા ઘણા પ્રમાણમાં અંગ પ્રદર્શન કરાતું જ હોય છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ને હોહા થઈ ગઈ. યોગાનુયોગ આ ફેશન શો મુસ્લિમો માટે પવિત્ર મનાતા રમજાન મહિના દરમિયાન યોજાયો તેથી તેને મુસ્લિમોની ધાર્મિક લાગણી સાથે જોડી દેવાયો. તેની શરૂઆત હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન ઉમર ફારૂકે કરી.
જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ અને પ્રજાએ ચૂંટેલી સરકાર સત્તામાં આવી ગઈ તેથી સાવ નવરા પડી ગયેલા હુર્રિયત કોન્ફરન્સના મૌલવી ફારૂકે આ મુદ્દાનો ઉપયોગ લોકોની ધાર્મિક લાગણીઓ ભડકાવવા માટે કરી લીધો. ફારૂકના કહેવા પ્રમાણે, રમજાનના પવિત્ર મહિના દરમિયાન ગુલમર્ગમાં એક અશ્ર્લીલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જ શરમજનક છે. આ ફેશન શોના ફોટા અને વીડિયો જોઈને લોકોમાં આક્રોશ છે. સૂફી, સંત સંસ્કૃતિ અને ગહન ધાર્મિક દૃષ્ટિકોણ માટે જાણીતી કાશ્મીર ખીણમાં આ પ્રકારના ફેશન શો કેવી રીતે સહન કરી શકાય? આ ફેશન શોમાં સામેલ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
ફારૂકના પગલે કાશ્મીરની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયેલાં મહેબૂબા મુફતી પણ મેદાનમાં આવી ગયાં. મહેબૂબાએ પણ જ્ઞાન પિરસ્યું કે, રમજાનના પવિત્ર મહિનામાં ફેશન શોના નામે અભદ્ર તમાશામાં ફેરવાઈ ગઈ એ આઘાતજનક છે. આવા કાર્યક્રમો દ્વારા ખાનગી હોટેલ માલિકોને અશ્ર્લીલતાને પ્રોત્સાહન આપવાની છૂટ આપવી નિંદનીય છે. આ બધું આપણા સાંસ્કૃતિક મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે અને જમ્મુ તથા કાશ્મીરની સરકાર તેને વ્યક્તિગત મામલો કહીને જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ ભારે હોબાળો થયો. મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ધારાસભ્યોએ ચર્ચાની માગ કરી એટલે ઉમર અબ્દુલ્લાએ ફેશન શોની તપાસનો આદેશ આપવો પડ્યો.
ઉમર અબ્દુલ્લાએ પોતાના માથે માછલાં ના ધોવાય એટલે એમ પણ કહી દીધું કે, આ એક પ્રાઈવેટ ઈવેન્ટ હતી અને સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી. આખી વાતને ધાર્મિક લાગણી સાથે જોડી દેવાઈ હતી એટલે ઉમરે પણ ફારૂક અને મહેબૂબાની રેકર્ડ વગાડીને જાહેર કર્યું કે, રમજાન મહિના દરમિયાન આવું આયોજન ન થવું જોઈતું હતું. અધિકારીઓને તપાસ કરવા કહેવામાં આવ્યું છે અને જરૂર પડશે તો પોલીસ કાર્યવાહી કરશે.
આ બધી હોહા જોયા પછી શોના આયોજક ફેશન ડિઝાઇનર જોડી શિવન અને નરેશે માફી માગીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, રમજાનના પવિત્ર મહિનામાં ગુલમર્ગમાં અમારા શોનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમે બધી સંસ્કૃતિઓ અને પરંપરાઓનો આદર કરીએ છીએ પણ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગીએ છીએ.
શિવમ-નરેશે માફી માગી પણ બહુ મોડું થઈ ગયું હતું. વાત કોર્ટ લગી પહોંચી ગઈ હતી. ફેશન શોનું આયોજન કરવા બદલ આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 296, 299 અને જમ્મુ અને કાશ્મીર એક્સાઇઝ એક્ટ, 1958ની કલમ 50-અ હેઠળ કેસ ચલાવવાની માગ કરાઈ છે. આ શોમાં અશ્ર્લીલ અને અયોગ્ય સામગ્રી દર્શાવવામાં આવી હતી એવા આક્ષેપ કરાયા છે.
શ્રીનગરની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ કોર્ટે આ ફરિયાદના સંદર્ભમાં ફેશન શોના ફોટોશૂટ ડિરેકટર્સ, એલી ઈન્ડિયા મેગેઝિનના ચીફ એડિટર અને શોમાં ભાગ લેનાર મોડેલોને નોટિસ પણ ફટકારી દીધી છે. અલબત્ત ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફૈઝાન આઈ. નઝીર સાહેબે હઈસો હઈસોમાં જોડાવાના બદલે કાનૂનનો પક્ષ લીધો છે એ સારું છે. જજ સાહેબે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે, કોર્ટ આ મામલો ધ્યાનમાં લેતા પહેલા આરોપીનો પક્ષ સાંભળશે. હવે કેસની સુનાવણી આઠ એપ્રિલ 2025ના રોજ થવાની છે તેથી ત્યાં સુધી આ ધમાધમી ચાલુ રહેશે.
આ ઘટના ભારતમાં કેવો માહોલ આકાર લઈ રહ્યો છે તેનો પુરાવો છે. ગુલમર્ગના ફેશન શોમાં અશ્ર્લીલતા પિરસાઈ કે નહીં એ અલગ મુદ્દો છે પણ તેને મુસ્લિમોની ધાર્મિક લાગણી સાથે કોઈ રીતે જોડી શકાય તેમ નથી. રમજાનના પવિત્ર માસમાં જાહેરમાં અશ્ર્લીલતા કરાઈ હોય તો ચોક્કસ ધાર્મિક લાગણી દુભાય પણ એક ખાનગી સ્કી રિસોર્ટમાં ફેશન શો થાય તેને ઈસ્લામનું અપમાન ના ગણી શકાય. આ ધારાધોરણ લાગુ કરવા જાઓ તો રમજાનમાં ટીવી ચેનલો પણ બંધ કરાવવી પડે ને થિયેટરોને પણ તાળાં મારવાં પડે.
મૌલવી ફારૂક જેવા લોકો પોતાના ફાયદા માટે મુસ્લિમોને ભડકાવી રહ્યા છે પણ રમજાનના પવિત્ર મહિનામાં આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે એ મુદ્દે મૌન છે. ઈસ્લામ નિર્દોષોની હત્યાની મંજૂરી આપે છે ? બિલકુલ નથી આપતો. ઈસ્લામ આતંકવાદને સમર્થન આપે છે ? બિલકુલ નથી આપતો ને છતાં કાશ્મીરમાં એ બધું ચાલે છે. રમજાનના પવિત્ર મહિનામાં જ આ બધું થઈ રહ્યું છે. મૌલવી ફારૂક જેવા લોકોને ખરેખર ઈસ્લામમાં શ્રદ્ધા હોય, ઈસ્લામનું જતન કરવું હોય ને રમજાનના મહિનાની પવિત્રતા જાળવવી હોય તો એ બધું બંધ કરાવવું જોઈએ પણ ફારૂક સહિતનો કોઈ મુસ્લિમોનો બની બેઠેલો ઠેકેદાર એક હરફ નથી ઉચ્ચારતો.
Also read: ભારતીયતાનું જતન કરવા સંસ્કૃત ભણાવો
આ બધું જોઈને સવાલ થાય છે કે, ભારતને આપણે બનાવવા શું માગીએ છીએ ? રમજાનમાં ફેશન શો ના થાય, પર્યુષણમાં કતલખાનાંમાં પશુઓની કતલ ના થાય, શ્રાવણ માસમાં માંસાહાર ના થાય એવા જાત જાતના તુક્કા ફર્યા જ કરે છે. આ દેશમાં તો બારે મહિના કોઈ ને કોઈ ધર્મ માટે પવિત્ર દિવસો આવ્યા જ કરે છે તો લોકોનાં પેટની ચિંતા કરવી કે આ બધી વાતોની ચિંતા કરવી ?