એકસ્ટ્રા અફેર

માલદીવમાં ભારતનું લશ્કરી થાણું જ નથી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવનાં પ્રધાનોએ અણછાજતી કોમેન્ટ્સ કરી ને તેના કારણે ત્રણેયને મંત્રીમંડળમાંથી કાઢી મૂકાયા તેના કારણે પેદા થયેલો વિવાદ શમ્યો નથી ત્યાં હવે માલદીવમાં રહેલા કહેવાતા ભારતીય સૈનિકોને લગતો વિવાદ પેદા થઈ ગયો છે. માલદીવના પ્રમખ મોહમ્મદ મુઈઝ્ઝુએ 2023ના નવેમ્બરમાં પ્રમુખપદ સંભાળ્યું કે તરત પહેલું નિવેદન એ આપેલું કે, માલદીવમાંથી ભારતીય સૈનિકોને રવાના કરી દેવાશે. હવે મુઈઝ્ઝુએ સત્તાવાર રીતે જાહેરાત કરીને ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
માલદીવના પ્રમુખની ઓફિસના પ્રવક્તા અબ્દુલ્લા નઝીમ ઈબ્રાહિમે એલાન કર્યું છે કે, ભારતીય સૈનિકો હવે માલદીવમાં રહી શકશે નહીં કેમ પ્રમુખ મુઈઝ્ઝુ અને તેમની સરકારની આ જ નીતિ છે. મુઈઝ્ઝુએ નવેમ્બરમાં ભારતને પોતાના સૈનિકો પાછા ખેંચવા કહ્યું પછી સ્પષ્ટ કરેલું કે, ભારત સરકારે માલદીવમાં હાજર તેના સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ સમિતિએ રવિવારે માલદીવના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે પહેલી બેઠક યોજી પછી આ એલાન કરાયું છે. ભારત તરફથી સૌનિકો પાછા ખેંચવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત
કરવામાં આવી નથી પણ બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે ચર્ચા કરાઈ હોવાનું નિવેદન બહાર પડાયું છે. આ બેઠકમાં ભારતના હાઈકમિશનર મુનુ મહાવર પણ હાજર હતા એ જોતાં આ બેઠકમાં શું નક્કી થયું કે માલદીવે શું કહ્યું એ વિશે ભારત સરકાર વાકેફ હશે જ એ કહેવાની જરૂર નથી.
ભારતે શું કરવાનું છે તેની પણ સરકારને ખબર હશે તેથી યોગ્ય સમયે તેની જાહેરાત પણ થઈ જશે તેથી એ વિશે અટકળો કરવાની જરૂર નથી પણ માલદીવે આપેલા અલ્ટિમેટમે મુઈઝ્ઝુના ઈરાદા ફરી સ્પષ્ટ કરી દીધા છે. મુઈઝ્ઝુ ચીનના પીઠ્ઠું છે તેથી ભારત વિરોધી વલણ લે તેમાં નવાઈ નથી પણ એ ચાલાકીપૂર્વક એવું ચિત્ર ઊભું કરી રહ્યા છે કે જાણે ભારત માલદીવમાં લશ્કરી થાણાં નાંખીને બેઠું છે અને અત્યાર લગી માલદીવમાં ભારતના ઈશારે જ શાસન ચાલતું હતું.
વાસ્તવમાં માલદીવમાં ભારતનાં કોઈ થાણાં નથી કે ભારતનું કોઈ મિલિટરી ઓપરેશન પણ નથી. માલદીવ મીડિયાએ મુઈઝ્ઝુની સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે જ કહ્યું છે કે, હાલમાં 88 ભારતીય સૈનિકો માલદીવમાં હાજર છે. હવે કોઈ દેશ 88 સૈનિકોના જોરે ક્યું મિલિટરી ઓપરેશન ચલાવી લેવાનું છે? ભારતના આ 88 સૈનિકો કોઈ મિલિટરી ઓપરેશન માટે નહીં પણ માનવીય અભિયાનો માટે માલદીવમાં રહે છે. માલદીવમાં ભારતનું કોઈ લશ્કરી થાણું જ નથી.
માલદીવ ટાપુઓનો બનેલો દેશ છે તેથી ત્યાં ગમે ત્યારે કુદરતી આફતો આવે છે. એ વખતે લોકોને બચાવવા માટે આ સૈનિકો કામ કરે છે. માલદીવમાં મેડિકલ સુવિધાઓ ઓછી છે તેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળે કે ભારતથી દવાઓએ સહિતની સામગ્રી લઈ જવાની હોય તેના માટે ભારતી સૈનિકો કામ કરે છે. ભારતે 2010 અને 2013માં માલદીવને બે હેલિકોપ્ટર અને 2020માં એક નાનું એરક્રાફ્ટ ભેટમાં આપ્યું હતું.
ભારતે સાફ શબ્દોમાં પહેલાં પણ કહેલું ને વારંવાર એ વાત દોહરાવી છે કે, માલદીવને ભેટમાં મળેલા એરક્રાફ્ટનો ઉપયોગ સર્ચ-એન્ડ-રેસ્ક્યૂ ઓપરેશન્સ અને દર્દીઓના પરિવહન માટે થાય છે. માલદીવ અને ભારતની સરકારે આપેલા આંકડા પણ આ વાત સાબિત કરે છે. માલદીવમાં જે ભારતીય સૈનિકો છે એ બધા ભારતનું પેટ્રોલ વેસલ્સ, ડોર્નિયર એરક્રાફ્ટ તથા બે હેલિકોપ્ટર માટેના ક્રુ મેમ્બર્સ તથા ટેકનિશિયન્સ છે. આ બધા સૈનિકો માલદીવનાં લશ્કરના હાથ નીચે કામ કરે છે. આ ભારતીય સૈનિકોએ 2019થી અત્યાર સુધી હાથ ધરેલાં તમામ 977 મિશન માનવીય અભિગમ સાથેની સેવા માટેનાં છે. આ પૈકી 461 મિશન મેડિકલ ઈવેક્યુએશન માટે, 148 સર્ચ અને રેસ્ક્યુ માટે, 69 એર પેટ્રોલ માટે અને 22 રાહત સામગ્રી પહોંચાડવા માટે હાથ ધરાયેલાં. આમાં ક્યાંય મિલિટરી ઓપરેશન કે માલદીવની આંતરિક બાબતોમાં દખલ દેખાય છે?
માલદીવના લશ્કરે પણ મુઈઝ્ઝુ સત્તામાં નહોતા આવ્યા એ પહેલાં 2021માં કહ્યું હતું કે આ વિમાનના ઓપરેશન અને સમારકામ માટે 70થી વધુ ભારતીય સેનાના જવાનો દેશમાં હાજર છે અને આ સૈનિકો કોઈ લશ્કરી કામગીરી સાથે સંકળાયેલા જ નથી પણ મુઈઝ્ઝુ આ મુદ્દાને રાજકીય લાભ માટે ચગાવી રહ્યા છે. મુઈઝ્ઝુ અને તેમની પાર્ટી વરસોથી ભારત સાથે સહકારના મુદ્દે હોબાળો કરે છે ને મુઈઝ્ઝુના નેતૃત્વમાં વિપક્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ સોલિહ પર ઈન્ડિયા ફર્સ્ટ' નીતિનો આક્ષેપ પણ કર્યો હતો. વિપક્ષોને આ ભારત વિરોધી વલણનો ફાયદો પણ મળ્યો. 2013માં થયેલી ચૂંટણીમાં મુઈઝ્ઝુની પાર્ટી પીપીએમના અબ્દુલ્લા યામીન જીતી ગયેલા પણ બેફામ ભ્રષ્ટાચારના કારણે 2018ની રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. યામીનને એક અબજ ડોલરના કૌભાંડમાં દોષિત ઠેરવીને 2019માં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. યામીનના સ્થાને આવેલા ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે ભારત સાથે સંબંધો ગાઢ કર્યા એટલે મોઈઝ્ઝુ આણિ મંડળી ફરી ભારત વિરોધી વલણ અપનાવીને પ્રચાર શરૂ કર્યો. મોહમ્મદ મુઈઝ્ઝુએ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોહમ્મદ સોલિહ સામે લડતી વખતે માલદીવમાં ભારતીય સેનાની કથિત હાજરી સામે વાંધો લઈનેઈન્ડિયા આઉટ’નો નારો આપેલો. ભારતીય સૈનિકોની હાજરી માલદીવની સાર્વભૌમત્વ માટે ખતરો છે એવો પ્રચાર કરીને જીતેલા મોઈઝ્ઝુ એ જ એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે.
મુઈઝ્ઝુ એક કાંકરે બે પક્ષી મારી રહ્યા છે. ભારત પણ અમેરિકા સહિતના બીજા દેશોની જેમ દુનિયાના બીજા દેશોનાં કામમાં દખલગીરી કરે છે એવું સાબિત કરીને મુઈઝ્ઝુ ચીનને ખુશ કરી રહ્યા છે અને ભારતને પોતાના સૈનિકોને હટાવવાનું અલ્ટિમેટમ આપીને માલદીવના કટ્ટરવાદીઓને ખુશ કરી રહ્યા છે કે જેમના જોરે એ સત્તામાં આવ્યા છે. તેના કારણે માલદીવમાં તેમની રાજકીય તાકાત વધશે. વરસોથી જામેલા ભારતને પોતે રવાના કરી દીધું એવા ફાંકા મારીને મુઈઝ્ઝુ પોતાની દેશપ્રેમી તરીકેની અને પોતાના વિરોધી એના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ સાલાહની દેશના ગદ્દાર તરીકેની ઈમેજ ઊભી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button