એકસ્ટ્રા અફેર : હેલ્થ-મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ કેમ નથી ઘટાડાતો?
- ભરત ભારદ્વાજ
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ 18મી જુલાઈએ ખુલ્લો પત્ર લખીને જીવન વીમા અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો 18 ટકા જીએસટી હટાવવાની માગ કરી હતી. એ પછી તરત જ સપ્ટેમ્બરમાં જીએસટીની બેઠક યોજાયેલી પણ ગડકરીની વાત સ્વીકારીને વીમા પરનો જીએસટી દૂર કરવા મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નહોતો.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વખતે જાહેરાત કરી હતી કે, મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડા અંગેની ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) ઓક્ટોબરના અંત સુધીમાં રિપોર્ટ સબમિટ કરશે અને તેના આધારે નિર્ણય લેવાશે. નિર્મલા મેડમે દાવો કરેલો કે, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂર પડશે. મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવા માટે વ્યાપક સહમતિ જરૂરી હોવાથી હાલ પૂરતો નિર્ણય ટાળવામાં આવ્યો છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું
આ વાતને ત્રણ મહિના થઈ ગયા અને ઓક્ટોબર પણ ક્યારનો પતી ગયો. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરાયો કે નહીં એ કોઈને ખબર નથી કેમ કે સરકારે ફોડ પાડીને તેની વાત કરી નથી પણ આ વખતે પણ જીઓએમના નામે બિલ ફાડી દેવાયું.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરી દીધું કે, આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે મંત્રીઓના જૂથે હજુ ઘણું કામ કરવાનું છે તેથી આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.
ભાજપ સરકારના બીજા પ્રધાનઓની જેમ નિર્મલાએ પણ કોઈ સ્પષ્ટતા કરવાની તસદી લીધી નથી કે લોકોને સ્પર્શતા આટલા મોટા મુદ્દે લોકોને જવાબ આપવો જરૂરી હોવાનું મુનાસિબ માન્યું નથી. નાણાં પ્રધાન પોતે કશું કહેવા માગતા ના હોય પછી બીજું કોઈ તો જવાબ આપે કે ચોખવટ કરે એવી આશા જ ના રખાય એ જોતાં હાલ પૂરતો આ મુદ્દા પર પડદો પડી ગયો છે ને નાણાં પ્રધાનનું વલણ જોતાં કદાચ ભવિષ્યમાં પણ સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લે એવી શક્યતા નથી. લોકોને સ્પર્શતા મુદ્દે નિર્ણય લેવામાં સરકાર પાંચ મહિના કાઢી નાંખે પછી તેની પાસેથી શું અપેક્ષા રખાય ? ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ ઓક્ટોબરમાં રિપોર્ટ સબમિટ કરવાના બદલે હજુ ચર્ચા જ કર્યા કરતું હોય તેનો અર્થ શો ?
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?
આ નિર્ણય આમ તો જીએસટી કાઉન્સિલે લેવાનો છે પણ અત્યારે જે સ્થિતિ છે તેમાં તો મુદ્દો જીએસટી કાઉન્સિલ સામે ચર્ચા માટે જ નથી આવતો કેમ કે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ તેને રમાડ્યા કરે છે. બાકી જીએસટી કાઉન્સિલ સામે મુદ્દો આવે તો કદાચ તાત્કાલિક તેનો નિવેડો આવી જાય એવું બને. મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવા સામે વિપક્ષોમાંથી કોઈને વાંધો નથી જ.
કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ સહિતના વિપક્ષો લાંબા સમયથી આ માગ કરી રહ્યા છે તેથી વિપક્ષોમાંથી કોઈ વિરોધ કરવાનું નથી. તેનો મતલબ સાફ છે કે, ભાજપ સરકારને જ લાઈફ અને મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવામાં રસ નથી તેથી જીઓએમના નામે ઠાગાઠૈયા કરાઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદી સરકાર આ મામલે કેમ ઠાગાઠૈયા કરી રહી છે એ કળવું મુશ્કેલ છે પણ ગડકરીએ આ મુદ્દો ઉઠાવ્યો તેના કારણે નિર્મલા સીતારામનને પેટમાં ચુંક આવતી હોય એવું બને. ગડકરી જશ ના લઈ જાય એટલે વાતને ટલ્લે ચડાવાતી હોય એ શક્ય છે. ગડકરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારામનને લખેલા પત્રમાં કટાક્ષ કરેલો કે, જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીવનની અનિશ્ર્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?
ગડકરીએ લખ્યું હતું કે એલઆઈસી એમ્પ્લોઇઝ યુનિયને આવેદનપત્ર આપીને જીવન-સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરનો જીએસટી હટાવવાની માગ કરી છે તેથી સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. ગડકરીએ લખેલું કે યુનિયનનું માનવું છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ પર 18 ટકા જીએસટી આ બિઝનેસના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઇ રહ્યો છે અને સિનિયર સિટિઝન માટે આ ટેક્સ બોજારૂપ છે.
ગડકરીએ સિનિયર સિટિઝનની વાત કરેલી પણ આ ટેક્સ બધાં માટે બોજારૂપ છે. લાઈફ, ટર્મ અને મેડિકલ ઈન્સ્યોરન્સમાં કુલ પ્રીમિયમની રકમ પર 18 ટકા જીએસટી લાગે છે. મતલબ કે, 10 હજાર રૂપિયાનું પ્રીમિયમ હોય તો સીધો 1800 રૂપિયા જીએસટી લાગી જાય.
2017માં જીએસટી અમલી બન્યો પછી આ ટેક્સ લાગે છે તેથી એ પહેલાં વીમો લેનારા બિચારા પણ દંડાઈ ગયા છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો એ પહેલાં વીમા પર 15 ટકા ટેક્સ લાગતો હતો પણ 1લી જુલાઈ 2017થી જીએસટીનો અમલ શરૂ થયો પછી 18 ટકા ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
વેરાના દરમાં 3 ટકાના આ વધારાની સીધી અસર પ્રીમિયમ પર પડી છે અને પ્રીમિયમ વધી ગયું છે. તેના કારણે સરકારને ફાયદો થયો પણ લોકોની હાલત બગડી ગઈ છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: વન નેશન, વન ઈલેક્શન, દેશને ફાયદો ખરો પણ કેટલો?
મોદી સરકારની દાનત પ્રીમિયમ પરના જીએસટીમાંથી થતી આવક પણ ખોવાની નથી. નાણાકીય વર્ષ 2023-24માં, કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રીમિયમ દ્વારા 8,262.94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે હેલ્થ રિ-ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાંથી 1,484.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બંનેની મળીને લગભગ 10 હજાર કરોડ રૂપિયાની કમાણી થયેલી કે જે છોડવાની સરકારની તૈયારી નથી. આ રકમ બહુ મોટી નથી પણ સવાલ સરકારની દાનતનો છે. કોઈ પણ લક્ઝુરીયસ આઈટમ પર જીએસટી નાંખીને 10 હજાર કરોડ ઊભા કરી શકાય છે, પણ સરકાર જાણે છે કે, લોકો જખ મારીને પણ મેડિકલ હેલ્થ પોલિસી લેશે જ એટલે સરકાર લોકોને ખંખેરી શકાય એટલા ખંખેરવા માગે છે.
આ દેશના મિડલ ક્લાસ લોકોએ ભાજપ સરકારની આ માનસિકતાને સમજવા જેવી છે. આ સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને બે-બે હજાર જમા કરાવી શકે છે, ગરીબોને પાંચ વર્ષથી મફત અનાજ આપીને પોષે છે ને હજુ બીજાં પાંચ વર્ષ પોષવાની છે, પણ મધ્યમ વર્ગનાં લોકોને નાની રાહત પણ આપતાં તેનો જીવ નથી ચાલતો.