એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સુનિતાની વાપસીનો તખ્તો તૈયાર, અંત ભલો તો બધું ભલું

-ભરત ભારદ્વાજ

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છેલ્લા 9 મહિનાથી ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાનો તખ્તો તૈયાર છે. વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું છે અને ત્રણ દિવસ પછી એટલે કે 19 માર્ચે સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને લઈને પાછું પૃથ્વી પર આવવા રવાના થશે.

ડ્રેગન અવકાશયાનમાં ક્રુ-10ના ચાર સભ્યો પણ સહીસલામત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા છે. નાસાના અવકાશયાત્રી નિકોલ એયર્સ, રશિયાના કિરિલ પેસ્કોવ, યુનાઇટેડ સ્ટેટ્સના એન મેકક્લેન અને જાપાનનાં ટાકુયા ઓનિશી હવે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમા રોકાશે જ્યારે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાયેલા નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પાછા આવવાના છે. આમ ડ્રેગન ચાર અવકાશયાત્રીને સ્પેસ સ્ટેશન પર મૂકીને અને ચાર અવકાશયાત્રીને લઈને પૃથ્વી પર પાછું આવશે.

Also read: પૃથ્વી પર પરત ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને ચાલવામાં તકલીફ પડશે; ગંભીર રોગો થવાનું પણ જોખમ…

સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર છેલ્લા નવ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં છે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 5 જૂન, 2024ના રોજ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશન ગયાં હતાં. સુનિતા અને બચ વિલ્મોર જાણીતી વિમાન બનાવતી કપંની બોઇંગ અને નાસાના સંયુક્ત ‘ક્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયાં હતાં. સુનિતા અવકાશયાનના પાયલોટ હતાં જ્યારે બચ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ઈંજજ) માં 8 દિવસ રહ્યાં પછી પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં.

આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અવકાશયાનની અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને ત્યાંથી પાછાં ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો. બોઈંગનાં આગળનાં સ્પેસ મિશન નિષ્ફળ ગયાં હતાં તેથી બોઈંગની સ્પેસ મિશન હાથ ધરવાની ક્ષમતા સામે શંકાઓ સેવાતી હતી. આ શંકાઓ દૂર કરવાનો ઉદ્દેશ મુખ્ય હતો. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન રિસર્ચ અને અનેક પ્રયોગો પણ કરવાના હતા.

મૂળ મિશન 8 દિવસનું હતું પણ ટેક્નિકલ ખામીને કારણે અવકાશયાનને સ્પેસ સ્ટેશનથી સુનિતા અને વિલ્મોરને લીધા વિના રવાના કરાયું હતું. સ્વાભાવિક રીતે જ નાસા કોઈ જોખમ લેવા નહોતું માગતું તેથી સુનિતા અને વિલ્મોરે સ્પેસ સ્ટેશનમાં જ રોકાઈ જવું પડ્યું હતું. તેમને પાછા લાવવાનાં મિશનમાં કોઈ ને કોઈ વિઘ્ન આવ્યા કરતાં હતાં તેથી વારંવાર મુલત્વી રાખવા પડ્યાં હતાં.

Also read: ભારતીયતાનું જતન કરવા સંસ્કૃત ભણાવો

આ વખતનું મિશન પણ એક વાર તો મુલતવી રાખવું જ પડેલું. સુનિતા વિલિયમ્સ અને બેરી બચ વિલ્મોરને પાછાં લાવવા માટેનું અવકાશયાન ડ્રેગન મૂળ તો સોમવારે રવાના થવાનું ફરી હતું. નાસા અને સ્પેસઍક્સ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહેલા મિશન હેઠળ ફાલ્કન-9 ને અમેરિકાના ફ્લોરિડાના કેપ-કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી સોમવારે લોન્ચ કરવાનું હતું પણ તેમાં કેટલીક હાઇડ્રોલિક સમસ્યા આવતાં તેનું લોન્ચિંગ બુધવાર સુધી મુલતવી રાખવું પડ્યું હતું.

સ્પેસએક્સે મશીનમાં આવેલી સમસ્યા ક્યારે દૂર થશે એ વિશે તેનો ફોડ પાડ્યો નહોતો તેથી આ મિશન વિશે પણ શંકાઓ પ્રવર્તતી હતી. સ્પેસએક્સ દ્વારા માત્ર એટલો ખુલાસો કરાયો હતો કે, ફ્લોરિડાના કેપ-કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ફાલ્કન 9નું લોન્ચિંગ હાઇડ્રોલિક ગ્રાઉન્ડની ટેક્નિકલ સમસ્યાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે અને લોન્ચિંગ ફરી વખત ગુરુવારે કરવામાં આવે એવું બની શકે. બુધવારે અવકાશયાન રવાના થયું હોત તો સુનિતા સહિતના ચારેય અવકાશયાત્રી રવિવાર સુધીમાં પૃથ્વી પર પાછાં આવી શક્યાં હોત પણ મિશન જ શરૂ ના થતાં અનિશ્ર્ચિતતા વ્યાપી ગઈ હતી. ગુરુવારે ફરી આ સ્પેસયાવ રવાના થવાનું હતું પણ ગુરુવારે પણ મેળ ના પડતાં સુનિતાની વાપસી પર ફરી અનિશ્ર્ચિતતાનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં.

જો કે સ્પેસએક્સ અને નાસાએ મહેનત કરીને આ અનિશ્ર્ચિતતાનાં વાદળ વિખેરી નાંખ્યાં. ચાર સભ્યની ક્રુ-10 ટીમે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી શનિવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી ઉડાન ભરી હતી અને રવિવાર ને 16 માર્ચના રોજ ભારતીય સમય મુજબ સવારે 9:40 વાગ્યે ડોકિંગ કર્યું. મતલબ કે, કલાકની સફર પછી અવકાશયાન સફળતાપૂર્વક જોડાઈ ગયું.

સુનિતા વિલિયમ્સ સહિતનાં સ્પેસ સ્ટેશન પાંચ હાજર તમામ લોકો ક્રૂ-10ના સભ્યો ક્યારે આવે તેની રાહ જોતાં હતાં. બરાબર 11:05 વાગ્યે સ્પેસયાનનો દરવાજો એટલે કે હેચ ખૂલ્યું અને પૃથ્વી પરથી ગયેલા ચાર અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યા એ જોઈને સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રી ખુશી ખુશીથી ઝૂમી ઉઠ્યાં હતાં. આ લાગણી સ્વાભાવિક છે કેમ કે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં છે. નવા ક્રુ મેમ્બર્સને જોઈને તેમને રાહતનો શ્વાસ આવ્યો જ હશે. મહિનાઓની ઉત્સુકતા, ચિંતા વગેરેનો અંત હવે નજીકમાં છે તેથી ખુશી થવી સ્વાભાવિક છે.

સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓના પાછા આવવાનો તખ્તો તૈયાર છે પણ જ્યાં સુધી એ લોકો પાછાં ના આવે ત્યાં સુધી ફિંગર્સ ક્રોસ રહેશે. બધાંના જીવ ઉચાટમાં રહેશે કેમ કે ભૂતકાળમાં છેક પૃથ્વીની નજીક આવીને સ્પેસક્રાફ્ટ અકસ્માતનો ભોગ બનીને સળગી ગયાં હોય એવું બન્યું છે. ભારતીય મૂળનાં જ કલ્પના ચાવલાને લઈને પાછું આવતું અવકાશયાન કોલંબિયા આ રીતે સળગી ગયું ત્યારે કલ્પના ચાવલા સહિત 7 અવકાશયાત્રી મોતને ભેટ્યાં હતાં.

Also read: એકસ્ટ્રા અફેર : હિંદુ ધર્મસ્થાનોના વિવાદનો ઉકેલ વર્શિપ એક્ટની નાબૂદી

નાસા અને સ્પેસએક્સ કશું અજુગતું ના બને તેની પૂરી તૈયારી કરીને બેઠાં છે તેથી સુનિતા સહિતનાં અવકાશયાત્રી સહીસલામત પાછાં ફરશે એવો પ્રબળ વિશ્વાસ છે. એલન મસ્કની કંપનીનો સ્પેસ મિશનનો ટ્રેક રેકોર્ડ એકદમ ક્લીન છે. સ્પેસએક્સનાં કોઈ મિશન અત્યાર સુધી નિષ્ફળ ગયાં નથી તેથી આ મિશન પણ સફળ થશે જ એનો પાકો ભરોસો હોવા છતાં સૌના જીવ થોડાઘણા ઉચાટમાં છે જ.

આશા રાખીએ કે, આ ઉચાટ ઠાલો સાબિત થાય અને સુનિતા પોતાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરીને સહીસલામત પૃથ્વી પર પાછાં ફરે. 2006-07માં તેમની પ્રથમ અવકાશયાત્રામાં સુનિતાએ 29 કલાક અને 17 મિનિટ સ્પેસ વોક કરી હતી. સુનિતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. ત્રણેય પ્રવાસ દરમિયાન અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવોક કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે સ્પેસવોકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા છે.

સુનિતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે અને સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર મહિલા બની ગયાં છે. આ નવ મહિના દરમિયાન તેમણે શું અનુભવ્યું અને કઈ રીતે ટક્યાં તેની વાતો સુનિતા આપણી વચ્ચે બેસીને કરે એવી આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button