એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસે થરૂર સામેનો અણગમો છોડી દેવો જોઈએ…

-ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘ઓપરેશન સિંદૂર’ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતના વલણને દુનિયાના દેશો સામે મૂકવા માટે સર્વપક્ષીય સાંસદોનાં સાત ડેલિગેશનની રચના કરી છે. સંસદીય બાબતોના મંત્રાલયે 7 ડેલિગેશનનું નેતૃત્વ કરનારા સાત સાંસદોનાં નામ જાહેર કર્યાં છે. કૉંગ્રેસ તરફથી શશી થરૂર, ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, જેડીયુ તરફથી સંજય કુમાર ઝા, ડીએમકેમાંથી કનિમોઝી કરુણાનિધિ, શરદ પવારની એનસીપીમાંથી સુપ્રિયા સુળે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત એકનાથ શિંદે એમ સાત સાંસદોને ડેલિગેશનનું નેતૃત્વ સોંપાયું છે.

આ ડેલિગેશનમાંથી એક ડેલિગેશનનું નેતૃત્વ કેરળના કૉંગ્રેસના સાંસદ શશી થરૂરને સોંપાયું તેમાં કૉંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કૉંગ્રેસનું કહેવું છે કે, કૉંગ્રેસ શશી થરૂરનું નામ આપ્યું જ નહોતું છતાં મોદી સરકારે કૉંગ્રેસમાંથી બીજા બધાંને કોરાણે મૂકીને થરૂરની પસંદગી કરી છે. કૉંગ્રેસનું એવું પણ કહેવું છે કે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી ત્યારે વિદેશ મોકલવા માટેના ડેલિગેશનનું નેતૃત્વ કરવા માટે ચાર સાંસદનાં નામ માગ્યાં હતાં. કૉંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડો. સૈયદ નસીર હુસૈન અને રાજા બરારનાં નામ આપ્યાં હતાં પણ સરકારે તેના બદલે થરૂરની પસંદગી કરી નાંખી છે.

કૉંગ્રેસની લાગણી સમજી શકાય એવી છે કેમ કે ખડગે અને રાહુલ ગાંધી સાથે વાત કરીને નામ માગ્યા પછી કૉંગ્રેસે આપેલાં ચાર નામમાંથી કોઈ એક નામની પસંદગી કરાઈ હોત તો કૉંગ્રેસના નેતાઓનું ગૌરવ પણ જળવાયું હોત. સરકાર એ ગૌરવ જાળવવાનું ચૂકી ગઈ એ સ્વીકારવું પડે પણ સામે શશી થરૂરની પસંદગી અયોગ્ય છે એવું કોઈ કહી શકે તેમ નથી. શશી થરૂર કૉંગ્રેસના જ નહીં પણ દેશના સૌથી અભ્યાસુ સાંસદોમાંથી એક છે. વિદેશ સેવામાં કામ કરી ચૂકેલા થરૂર યુનાઈટેડ નેશન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે અને એક વાર તો ભારતે યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલની ચૂંટણીમાં ભારતના સત્તાવાર ઉમેદવાર તરીકે થરૂરને ઉતારવાનો નિર્ણય લીધો હતો. થરૂર એ રીતે શ્રેષ્ઠ પસંદગી છે તેમાં બેમત નથી.

થરૂરની પસંદગી સામે કૉંગ્રેસને કેમ વાંધો છે એ પણ જગજાહેર છે. સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા નેતાઓમાંથી એક થરૂર હતા. થરૂર ત્યારથી કૉંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે નહેરૂ-ગાંધી ખાનદાનની ગુડ બુકમાંથી નિકળી ગયા છે. બાકી હતું તે થરૂરે કૉંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. નહેરુ-ગાંધી ખાનદાન મલ્લિકાર્જુન ખડગેને સર્વસંમતિથી પ્રમુખ બનાવવા માગતો હતો પણ થરૂરે લોકશાહીને ખાતર ચૂંટણી લડી તેમાં એ સાવ અપ્રિય બની ગયા.

ખડગેએ પ્રમુખ બન્યા પછી નવી સ્ટિયરિંગ કમિટીમાં શશી થરૂર અને તેમના પ્રચારમાં સક્રિય ભાગ લેનારા નેતાઓને કોરાણે મૂકી દીધા હતા. ખડગેની નવી સ્ટિયરિંગ કમિટીમાં સંખ્યાબંધ એવા નામ હતાં કે જે પહેલાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં નહોતા. તેમના બદલે શશી થરૂર અને તેમની નજીકના કેટલાક નેતાઓને સ્થાન આપી શકાયું હોત. થરૂર ત્રણ ટર્મથી લોકસભાના સાંસદ હોવાથી સ્ટિયરિંગ કમિટીમાં સ્થાન મેળવવા માટે લાયક હતા પણ તેમને ગણકારાયા નહોતા. થરૂર આ અવગણનાને અવગણીને કૉંગ્રેસ માટે કામ કરતા રહ્યા છે પણ વચ્ચે વચ્ચે મોદીનાં વખાણ પણ કરી નાંખે છે તેથી વધારે ને વધારે અપ્રિય બનતા જાય છે. ઓપરેશન સિંદૂર વખતે પણ થરૂરે મોદીનાં ભરપૂર વખાણ કર્યાં એ કૉંગ્રેસના ઘણા નેતાઓને હજમ નહોતું થયું.

થરૂૂર પાર્ટીની સત્તાવાર લાઈનથી અલગ વાજું વગાડે છે એવી ટીકા કરાઈ હતી. હવે ડેલિગેશનના નેતૃત્વના મુદ્દે કૉંગ્રેસે એ જ વલણ અપનાવ્યું છે. આ મુદ્દો દેશની એકતા અને સુરક્ષાને લગતો છે ત્યારે કૉંગ્રેસે મોટું મન રાખવું જોઈએ. આખો દેશ એક થઈને પાકિસ્તાનના આતંકવાદ સામે લડવાની વાતો કરી રહ્યો છે ત્યારે કૉંગ્રેસ આંતરિક જૂથબંધીથી ઉપર ઊઠીને એક નથી થઈ શકતી એ ખરાબ કહેવાય. કૉંગ્રેસની નેતાગીરીએ વધારે પરિપક્વતા બતાવવાની જરૂર છે.

તમામ પક્ષોએ સરકારની પહેલને આવકારી છે પણ મોદી સરકાર ડેલિગેશનના નેતા તરીકે વધારે સક્ષમ સાંસદોને પસંદ કરી શકી હોત. શશી થરૂર, સંજય કુમાર ઝા અને રવિશંકર પ્રસાદ મજબૂત રીતે ભારતની વાત દુનિયા સામે મૂકી શકે એવા સાંસદો છે તેમાં બેમત નથી પણ બૈજ્યંત પાંડા, સુપ્રિયા સુળેે, શ્રીકાંત એકનાથ શિંદે, કનિમોઝી કરુણાનિધીને આ વાત લાગુ પડતી નથી. તેમના બદલે વિપક્ષોમાંથી જ બીજા કોઈ મજબૂત સાંસદોને ડેલિગેશનનું નેતૃત્વ સોંપવાની જરૂર હતી. તૃણમૂલ કૉંગ્રેસમાંથી ડેરેક ઓબ્રાયન, ભાજપમાંથી જ તેજસ્વી સૂર્યા, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી જેવા સાંસદોની પસંદગી કરાઈ હોત તો ડેલિગેશન્સ મજબૂત બન્યાં હોત. વિપક્ષમાં અને ભાજપમાં પણ બીજા ઘણા સારા અને અભ્યાસુ લોકો છે તેમને પસંદ કરી શકાયા હોત.

ઓવૈસીએ પહલગામ હુમલા પછી પાકિસ્તાન સામે લીધેલા આક્રમક વલણને જોતાં ઓવૈસી સારો વિકલ્પ ચોક્કસ છે. ઓવૈસીની પસંદગીથી એક પંથ બે કાજ સર્યાં હોત. ઓવૈસી પોતે બંધારણની સમજ ધરાવતા જાણકાર વકીલ છે અને મુસ્લિમ પણ છે. એક મુસ્લિમ સાંસદ વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ રજૂ કરનારા ડેલિગેશનનું નેતૃત્વ કરે અને પાકિસ્તાનની અસલિયત લોકો સામે છતી કરે તેના કારણે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે એવો કુપ્રચાર થાય છે તેનો પણ જડબાતોડ જવાબ મળી જાય.

ઓવૈસીને ડેલિગેશનમાં વિદેશ મોકલાશે એવા અહેવાલ છે પણ સરકારે સત્તાવાર રીતે આ વાતને સમર્થન નથી આપ્યું. અલગ અલગ ડેલિગેશનમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ઓડિશાનાં ભાજપ સાંસદ અપરાજિતા સારંગીનાં નામ નક્કી છે જ્યારે અન્ય પક્ષોના જે સાંસદોનાં નામો પર વિચારણા ચાલી રહી છે તેમાં ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, બીજેડીના સસ્મિત પાત્રા, સીપીઆઈ-એમના જોન બ્રિટાસ અને અસદુદ્દીન ઓવૈસીનાં નામ પણ સામેલ છે એવા મીડિયા રિપોર્ટ છે. ઓવૈસીની ડેલિગેશનના સભ્ય તરીકે પસંદગી થાય એ પણ ચાલે પણ ઓવૈસીને ડેલિગેશનના નેતા તરીકે પસંદ કરાયા હોત તો સારું હતું.

ખેર, આ બહુ મોટો મુદ્દો નથી. મોટી વાત એ છે કે, ભારત સરકારે એક નવી પહેલ કરી છે અને સાંસદોના નેતૃત્વમાં ડેલિગેશન્સને ભારતનો પક્ષ રજૂ કરવા અને પાકિસ્તાનની પોલ ખોલવા માટે વિદેશ મોકલાઈ રહ્યાં છે. તેના કારણે પાકિસ્તાન સુધરી જશે કે દુનિયાના દેશો પર તેનો કોઈ પ્રભાવ પડશે એવી બહુ આશા રાખવા જેવી નથી પણ ભારતમાં પાકિસ્તાન સામેની લડાઈના મુદ્દે આખો દેશ એક છે એવો મજબૂત મેસેજ ચોક્કસ જશે.

આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : ભારત પાકિસ્તાનના ભુક્કા બોલાવી દેવા સક્ષમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button