એકસ્ટ્રા અફેરસ્પેશિયલ ફિચર્સ

એકસ્ટ્રા અફેર : ધનખડ પાસેથી તટસ્થતાની અપેક્ષા ન રખાય

-ભરત ભારદ્વાજ

હમણાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે ને ગૌતમ અદાણીએ ભારતમાં લાંચ આપેલી એ સહિતના મુદ્દા ગાજી રહ્યા છે ત્યારે ભાજપે ગૌતમ અદાણીની દલાલી કરવા કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના અમેરિકન જ્યોર્જ સોરોસ સાથેના સંબધોની રેકર્ડ વગાડવા માંડી છે.

ભાજપે તો અમેરિકાનું વિદેશ મંત્રાલય ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરે છે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ મુદ્દા ગાજી રહ્યા છે પણ રાજ્યસભામાં ચેરપર્સન જગદીપ ધનખડ વિપક્ષને બોલવા નથી દેતા એવો વિપક્ષોનો આક્ષેપ છે.

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસના મુદ્દે ચર્ચામાં ચેરમેન જગદીપ ધનખડે પક્ષપાતી વલણ દાખવ્યું છે એવા આક્ષેપ સાથે કૉંગ્રેસ આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવી રહી છે. જગદીપ ધનખડ સામે વિપક્ષનો સૌથી મોટો આક્ષેપ એ છે કે તેમણે વિપક્ષને વિશ્ર્વાસમાં લીધા વગર જ્યોર્જ સોરોસના મામલે ચર્ચા શરૂ કરી દીધી હતી. ધનખડે ભાજપના નેતાઓને મનફાવે એમ બોલવાની તક આપી જ્યારે વિપક્ષોને બોલવા નથી દેવાતા.

આ અવિશ્ર્વાસ પ્રસ્તાવ કૉંગ્રેસ લાવવાની છે પણ તેને મમતા બેનરજીની ટીએમસી, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનું સમર્થન મળ્યું છે એ જોતાં સમગ્ર વિપક્ષ એક હોય તેવું લાગી રહ્યું છે.

જગદીપ ધનખડે વિપક્ષોને મનાવવા માટે સોમવારે તમામ સાંસદો સાથે બેઠક કરેલી પણ તેમાં કોઈ નિવેડો ના આવ્યો. ધનખડે મંગળવારે પાછી બેઠક કરી પણ વિપક્ષો ધનખડ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા અડી જતાં રાજકીય ઘમાસાણનાં એંધાણ છે.

જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની હિલચાલ પહેલાં પણ કરાયેલી પણ પછી વિપક્ષો માની ગયા હતા. આ વખતે વિપક્ષો માનવાના મૂડમાં નથી પણ કેટલાંક ટેક્નિકલ કારણોસર વર્તમાન સત્રમાં આ દરખાસ્ત નહીં આવે એવું લાગે છે. રાજ્યસભાના ચેરમેનને હટાવવાની દરખાસ્ત લાવવા માટે ઓછામાં ઓછા રાજ્યસભાના ૫૦ સાંસદોની સહીઓની જરૂર પડે છે. વિપક્ષો પાસે ૭૦ સાંસદોની સહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેથી એક જરૂરીયાત તો પૂરી થઈ પણ બીજી શરત ૧૪ દિવસની છે.

ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલા નોટિસ આપવી પડે પણ સંસદનું વર્તમાન સત્ર ૨૦ ડિસેમ્બરે પૂરું થઈ જવાનું છે તેથી અત્યારે નોટિસ અપાય તો પણ વર્તમાન સત્રમાં તો દરખાસ્ત નહીં જ લવાય. ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લવાય એ સારી વાત નથી પણ કમનસીબે જગદીપ ધનખડે રાજ્યસભાના ચેરપર્સનના હોદ્દાનું ગૌરવ નથી જાળવ્યું તેથી વિપક્ષોનો વાંક કાઢી શકાય તેમ નથી. ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર વગેરે સૌથી મહત્ત્વના બંધારણીય હોદ્દા છે. આ બંધારણીય હોદ્દાઓ પર નિમણૂક તો રાજકીય રીતે જ થાય છે પણ એક વાર કોઈ પણ રાજકારણી આ બંધારણીય હોદ્દા પર બેસી જાય પછી તેણે તટસ્થ બનીને વર્તવાનું હોય છે.

ભારત લોકશાહી દેશ છે ને લોકશાહીના જતન માટે પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને વર્તવું જરૂરી છે. ભારતમાં લોકશાહીના જતન માટે બંધારણીય જોગવાઈઓ છે, તંત્રને ચલાવવાના નિયમો છે. બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ પોતે જે રાજકીય પક્ષ કે વિચારધારામાંથી આવે છે તેને નહીં પણ દેશના બંધારણને અને નિયમોને વફાદાર રહેવાનું હોય છે.

રાષ્ટ્રપતિની તટસ્થતાની બહુ કસોટી થતી નથી કેમ કે તેમણે રોજબરોજ એવા નિર્ણયો લેવાના નથી હોતા કે જેના કારણે એ રાજકીય બાબતોથી પર થઈને વર્તી રહ્યા છે કે નથી વર્તી રહ્યા એવું લાગે પણ લોકસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ એટલે કે રાજ્યસભાના ચેરપર્સનની આકરી કસોટી થતી હોય છે કેમ કે તેમણે સંસદ ચલાવવાની છે.

જે પક્ષે તેમને આ બંધારણીય હોદ્દા પર બેસાડ્યા છે એ રાજકીય પક્ષ નિયમોની ઐસીતૈસી કરે ત્યારે લાલ આંખ કરીને સંસદના ગૃહની ગરિમા જાળવવામાં તેમનું અસલી કૌવત હોય છે. લોકશાહીમાં પ્રજાએ ચૂંટેલો દરેક પ્રતિનિધિ મહત્ત્વનો હોય છે તેથી શાસક અને વિપક્ષ બંને મહત્ત્વના હોય છે. બંનેમાંથી કોઈને અન્યાય ના થાય એ રીતે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરપર્સને વર્તવાનું હોય છે પણ જગદીપ ધનખડ એ રીતે વર્તવામાં નિષ્ફળ રહ્યા છે અને રાજ્યસભાના ચેરપર્સનના ગૌરવને જાળવવામાં પણ નિષ્ફળ રહ્યા છે એ હકીકત છે. ધનખડ ખુલ્લેઆમ ભાજપની તરફદારી કરે છે અને રાષ્ટ્ર માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાવવાના બદલે ભાજપની નેતાગીરી ઈચ્છે એ મુદ્દે જ ચર્ચા થવા દે છે.


Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?


તાજેતરમાં જ સેબીનાં ચેરમેન માધવી બૂચ સામે થયેલા અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપોથી માંડીને ભારતના લદાખ સહિતના પ્રદેશોમાં ચીનની ઘૂસણખોરી સહિતના ઘણા મહત્ત્વના મુદ્દા વિપક્ષે ઉઠાવ્યા પણ ધનખડ તેની ચર્ચાની મંજૂરી જ નથી આપતા. આ બધા રાષ્ટ્રના હિતને લગતા મુદ્દા છે ને તેની પણ રાજ્યસભામાં ચર્ચા ના કરી શકાય તો પછી તેને પ્રજાનું પ્રતિનિધિ ગૃહ કઈ રીતે ગણી શકાય ? વાસ્તવમાં ધનખડ ભાજપના હાઈકમાન્ડ પર વિપક્ષો પ્રહાર કરી શકે એવા કોઈ પણ મુદ્દાની ચર્ચા કરાવતા જ નથી ને સામે ભાજપના સાંસદો ગમે તે બકવાસ કર્યા કરે તો પણ તેમને રોકતા નથી.

જો કે વિપક્ષો ભલે ગમે તે માને પણ ધનખડ પાસેથી તટસ્થતાની કે બીજી કોઈ અપેક્ષા રખાય એમ નથી. ધનખડ રાજ્યસભાના ચેરપર્સન તરીકે વર્તવાના બદલે ભાજપના નેતા તરીકે વર્તી રહ્યા છે કેમ કે નરેન્દ્ર મોદીની મહેરબાનીથી એ દેશના બીજા નંબરના સૌથી મહત્ત્વના બંધારણીય હોદ્દા પર બેઠા છે. ધનખડ મૂળ ભાજપના નથી પણ નરેન્દ્ર મોદીને તેમના પર ગમે તે કારણસર હેત ઊભરાઈ આવ્યું તેમાં બંગાળના રાજ્યપાલ જેવો મોટો હોદ્દો મળી ગયો હતો. ધનખડે મોદીના આ અહેસાસનો બદલો ચૂકવવા ને પોતાની વફાદારી સાબિત કરવા ભાજપવાળા કરતાં વધારે ઝનૂનીથી મમતા બેનરજી સામે લડ્યા હતા.

ચા કરતાં કીટલી ગરમ એ હિસાબે ધનખડ મમતાને ભિડાવવાની એક તક છોડતા નહોતા. ધનખડે પાણીમાંથી પોરા કાઢી કાઢીને મમતાને પરેશાન કર્યાં પણ મમતાનું કશું ઉખાડી ના શક્યા. જો કે તેમણે જે વફાદારીથી મમતાને પરેશાન કર્યાં તેના પર વારી જઈને મોદીએ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી દીધા. ધનખડ પશ્ર્ચિમ બંગાળના રાજભવનથી રાજ્યસભામાં તો આવી ગયા ને દેશના ઉપરાષ્ટ્રપતિ પણ બની ગયા પણ ઉપરથી ઓર્ડર લેવાની ને એ રીતે વર્તવાની આદત જતી નથી તેથી ધનખડ રાજ્યસભાના ચેરપર્સનના હોદ્દાનું ગૌરવ જાળવી શકતા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button