
-ભરત ભારદ્વાજ
બહુજન સમાજ પાર્ટી (BSP)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી મેડમના ફેમિલી ડ્રામામાં અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અઢી મહિના પહેલાં બસપાનાં સર્વેસર્વા માયાવતીએ આકાશ આનંદ પાસેથી બસપાની બધી જવાબદારીઓ છિનવી લઈને નેશનલ કો-ઓર્ડિનેટર પદેથી તગેડી મૂક્યા હતા.
માયાવતીએ એલાન કરેલું કે, આકાશ હવે મારો રાજકીય વારસ નથી અને પોતે હવે કોઈને પણ રાજકીય વારસ નહીં બનાવે. માયાવતીએ આકાશ આનંદની પક્ષવિરોધી હરકતો માટે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ અને તેની પત્ની ડૉ. પ્રજ્ઞા પર દોષનો ટોપલો ઢોળીને સિદ્ધાર્થ અને ડૉ. પ્રજ્ઞાને આડે હાથ લઈ લીધા હતા.
એકાદ મહિના પહેલાં માયાવતીએ આકાશ આનંદને પાછો બહુજન સમાજ પાર્ટી (બસપા)માં લેવાની જાહેરાત કરી હતી અને મહિના પછી હવે આકાશ આનંદના હાથમાં બસપાની કમાન સોંપી દીધી છે. સંગઠનાત્મક સુધારાના ભાગ રૂપે માયાવતીએ આખા દેશના સંગઠને ત્રણ ઝોનમાં વિભાજિત કરીને ત્રણેય ઝોન માટે અલગ અલગ ટીમોની રચના કરવાનો આદેશ આપ્યો છે. દરેક ઝોન માટે એક નેશનલ કો-ઓર્ડિનેટર નીમવામાં આવ્યા છે. રામજી ગૌતમ, રણધીર બેનિવાલ અને રાજારામ એ ત્રણ નેશનલ -કો-ઓર્ડિનેટર છે.
માયાવતીએ આકાશ આનંદને દૂર કર્યા ત્યારે તેમના સ્થાને જે બે નવા નેશનલ કો-ઓર્ડિનેટરની નિમણૂક કરી તેમાં એક તેમના સગા ભાઈ અને આકાશના પિતા આનંદ કુમાર હતા જ્યારે બીજા નેશનલ કો-ઓર્ડિનેટર રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ હતા. પછીથી માયાવતીએ આનંદ કુમારને દૂર કરીને રણધીર બેનિવાલને નેશનલ કો-ઓર્ડિનેટર બનાવેલા ને ગયા મહિને રાજારામને નેશનલ કો-ઓર્ડિનેટર બનાવેલા. આકાશ આનંદ ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર બનતાં ત્રણેય ઝોનલ કો-ઓર્ડિનેટર સીધા આકાશ આનંદને રિપોર્ટ કરશે. મતલબ કે, આકાશ આનંદ હવે બસપામાં પાછા માયાવતી પછી નંબર ટુ બની ગયા છે.
માયાવતીએ સત્તાવાર રીતે જાહેરાત ભલે ન કરી પણ આકાશ આનંદ માયાવતીના રાજકીય વારસ અને બસપાના ભાવિ સર્વેસર્વા છે એ સ્પષ્ટ છે. આકાશ આનંદને સત્તાવાર રીતે સમગ્ર ભારતમાં પાર્ટી પ્રવૃત્તિઓ અને સંકલનને સુવ્યવસ્થિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે તેનો મતલબ એ થયો કે, તમામ પ્રાદેશિક એકમોએ આકાશ આનંદને જવાબ આપવાનો રહેશે.
માયાવતીની બસપા આમ તો ડૂબતું વહાણ છે તેથી બસપામાં થતા ફેરફારોથી રાષ્ટ્રીય રાજકારણમાં કે બસપાનો સૌથી વધારે પ્રભાવ છે એ ઉત્તર પ્રદેશમાં પણ બહુ ફરક ના પડે છતાં માયાવતીએ લીધેલા નિર્ણયે ચર્ચા જગાવી છે. તેનું કારણ એ કે, યુપીમાં હજુ બસપા પાસે દસેક ટકાની મતબેંક છે. યુપીમાં 2027ના માર્ચ-એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણી છે તેમાં આ 10 ટકાની મતબેંક નિર્ણાયક સાબિત થવાની છે તેથી બસપા હવે પછી કઈ તરફ વળે છે એ મહત્ત્વનું છે.
માયાવતી સર્વેસર્વા હતાં ત્યારે તો સવાલ જ નહોતો કેમ કે માયાવતીએ બસપાને ભાજપની બી ટીમ બનાવી દીધી છે પણ આકાશ આનંદ બસપાને ફરી બેઠી કરવા મથી રહ્યા છે. આ સંજોગોમાં માયાવતી અને આકાશ આનંદ વચ્ચે ફરી ટકરાવ થશે કે આકાશ આનંદ સાવ શરણાગતિ સ્વીકારીને ભાજપને ફાયદો કરાવવાની માયાવતીની વ્યૂહરચનાને વળગી રહેશે તેના પર સૌની નજર છે.
માયાવતી અને આકાશ વચ્ચે ભૂતકાળમાં થયેલા ટકરાવનું કારણ માયાવતીની ભાજપ તરફી નીતિઓ છે. માયાવતીએ પોતાની પાસે સત્તા હતી ત્યારે બેફામ ભ્રષ્ટાચાર કર્યો તેથી તેમની સામે સખ્યાબંધ કેસો થયા છે. આ કેસોના કારણે માયાવતીને મોદી સરકાર ગમે ત્યારે ઉઠાવીને જેલમાં નાખી શકે છે પણ મોદી સરકાર માયાવતીને કશું કરતી નથી કેમ કે માયાવતીએ ભાજપ સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. માયાવતી ઉત્તર પ્રદેશ અને બીજાં હિદીભાષી રાજ્યોમાં ભાજપ વિરોધી મતો તોડીને ભાજપને ફાયદો કરાવે છે તેથી માયાવતીના ભ્રષ્ટાચારને રાષ્ટ્રીય મુદ્દો બનાવનારો ભાજપ હવે માયાવતીના ભ્રષ્ટાચાર સામે ચૂપ છે કે કોઈ કાર્યવાહી પણ કરાતી નથી.
માયાવતી ભાજપને ફાયદો કરાવે તેના બદલામાં ભાજપની સરકાર ભ્રષ્ટાચારના કેસમાં કશું ના કરે એવો વણલખ્યો નિયમ બંને પાળી રહ્યાં છે પણ આકાશ આનંદ આક્રમક બનીને બોલે છે. આકાશ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બંને સામે આકરા પ્રહારો કરે છે અને યુપીમાં દલિતો પર થતા અત્યાચારના મુદ્દાને વારંવાર ચગાવે છે. આ કારણે ભાજપ અસહજતા અનુભવે છે. યુપીની ચૂંટણીને બે વર્ષની વાર છે પણ આકાશ આનંદ આ જ રણનીતિ અપનાવે તો ફરી ટકરાવ થઈ શકે છે.
જો કે રાજકીય વિશ્લેષકો માને છે કે, આકાશ આનંદનું હવે પછીનું લક્ષ્ય બસપા પર સંપૂર્ણ કબજો કરવાનું છે તેથી એ માયાવતીના કહ્યાગરા બનીને વર્તશે. આકાશ આનંદની રાજકીય કારકિર્દી બહુ લાંબી છે તેથી અત્યારથી સંઘર્ષ કરવાના બદલે એ તકની રાહ જોવાનું પસંદ કરશે. આકાશ આનંદ પાસે પૂરતો સમય પણ છે અને માયાવતી લાંબો સમય ખેંચી પણ નહીં શકે કેમ કે માયાવતી 69 વર્ષનાં છે. માયાવતી ચાર વાર ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને લગભગ 35 વર્ષથી સતત સાંસદ કે ધારાસભ્ય તરીકે ચૂંટાય છે તેથી તેમને હવે કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી. બીજી તરફ જ્યારે આકાશ 30 વર્ષનો છે. આકાશ રાજકારણમાં હજુ પા-પા પગલી માંડી રહ્યો છે ને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા તેની પાસે પૂરતાં વરસો છે તેથી માયાવતી સાથે બગાડવાનું જોખમ એ નહીં લે.
આકાશે પહેલાં પોતાના સસરા અશોક સિદ્ધાર્થની મદદથી બસપા પર કબજો કરવાના પ્રયત્ન શરૂ કર્યા તેમાં તેનો વારો પડી ગયો હતો. બસપામાં લાંબા સમયથી અશોક સિદ્ધાર્થ અને રામજી ગૌતમનાં જૂથો વચ્ચે જંગ ચાલે છે. યંગસ્ટર્સ ડૉ. સિદ્ધાર્થ સાથે છે જ્યારે માયાવતીની નજીક મનાતા સતિષ મિશ્રા સહિતના જૂના જોગીઓના રામજી ગૌતમને આશીર્વાદ છે તેથી મિશ્રા સહિતના દિગ્ગજોએ માયાવતીને સિદ્ધાર્થ સામે પગલાં લેવડાવી ઘરભેગા કરાવી દીધેલા. હવે બસપામાં આકાશ આનંદ એકલા છે તેથી તેમણે પહેલાં પોતાનું જૂથ જમાવવું પડશે એ જોતાં સંઘર્ષના બદલે શાણપણનો માર્ગ અપનાવશે એવું લાગે છે.
માયાવતી પણ એવું જ ઈચ્છતાં હશે કેમ કે બસપાનો કબજો પરિવાર પાસે રહે એ માયાવતીના ફાયદામાં છે. બસપામાં પોતાના પરિવાર સિવાય બીજા કોઈને પણ બેસાડે તો એ બસપાને ફરી બેઠી કરવા આક્રમક તેવર બતાવશે તેથી જેલમાં જવાનો ખતરો તો ઊભો જ રહેશે. આકાશ ભત્રીજો છે તેથી તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને પણ કાબૂમાં રાખી શકાય તેથી માયાવતી આકાશ આનંદને જ સર્વેસર્વા બનાવશે.
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર : સાંસદોના ભ્રષ્ટાચાર સામે મેદાને પડો, પગારા વધારા સામે નહીં