એકસ્ટ્રા અફેર

સ્વામીનાથનને ભારતરત્ન બહુ મોડો મળ્યો

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

નરેન્દ્ર મોદી સરકારે ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવની સાથે સાથે ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને પણ ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી. કમનસીબે ચરણસિંહ કે નરસિંહરાવને ભારતરત્ન મળ્યો તેની જેટલી ચર્ચા થઈ એટલી ચર્ચા સ્વામીનાથનને ભારતરત્ન મળ્યો તેની ના થઈ. સ્વામીનાથનનું યોગદાન ચરણસિંહ કે નરસિંહરાવ કરતાં જરાય ઓછું નથી. બલ્કે ચરણસિંહ કરતાં અનેક ગણું વધારે છે પણ સ્વામીનાથન રાજકારણી નથી ને તેમને ભારતરત્ન અપાયો તેની ચૂંટણીઓ પર અસર થવાની નથી તેથી તેમના યોગદાનને બહુ યાદ ના કરાયું.
સ્વામીનાથન આ દેશમાં પાકેલા એવા મહાન મુઠ્ઠીભર લોકોમાંથી એક છે કે જેમણે રાજકારણમાં આવ્યા વિના દેશનાં કરોડો લોકોની જિંદગી બદલી નાખી. ભારત જે કંઈ પ્રગતિ કરી શક્યું છે તેના મૂળમાં જે લોકો છે તેમાં એક સ્વામીનાથન છે. ભારતના સાચા સપૂતોમાંથી એક સ્વામીનાથને ભારતને અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવી જે યોગદાન આપ્યું તેની તુલના બીજી કોઈ સિદ્ધી કે યોગદાન સાથે કરી શકાય નથી.
આઝાદી પછીના બે દાયકા લગી ભારતે બીજા દેશો પાસેથી અનાજ માગવું પડતું હતું. અમેરિકા સહિતના દેશો પાસે અનાજ બચે તો ભારતને ખેરાતમાં આપતા ને આપણું ગાડું ગબડતું. કૃષિશાસ્ત્રી એમ.એસ. સ્વામીનાથન 1960ના દાયકામાં અમેરિકાના કૃષિ શાસ્ત્રી નોર્મન બોર્લોગને ભારત લાવ્યા અને બોર્લોગ સાથે મળીને કરેલી હરિત ક્રાંતિ કરી. તેના કારણે ભારત અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર જ ના બન્યું પણ નિકાસ કરી શકે એટલા જંગી પ્રમાણમાં ઘઉં અને ચોખા જેવાં અનાજ પણ પેદા કરી શકે છે.
સ્વામીનાથને ભારતનાં લોકોની અનાજની જરૂરિયાતને જ પૂરી ના કરી પણ આ દેશનાં કરોડો લોકોને ભૂખે મરવાથી પણ બચાવ્યાં. આ યોગદાન દ્વારા તેમણે ભારતને આત્મગૌરવ અપાવ્યું, ભારતે અનાજ માટે કોઈની સામે હાથ લંબાવવો ના પડે એવી સ્થિતિ પેદા કરી દીધી. કોઈ પણ દેશ માટે આત્મગૌરવ અને આત્મસન્માનથી વિશેષ કંઈ જ નથી. ખેતીનો દેશ ગણાતો ભારત પોતાના માટે જરૂરી અનાજ પણ પેદા નહોતો કરી શકતો એ આત્મગૌરવ પરનો મોટો ઘા હતો. સ્વામીનાથને એ ઘા રૂઝાવીને દેશને ફરી તંદુરસ્ત કર્યો.
આપણે એમ.એસ. સ્વામીનાથનને કૃષિશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ પણ વાસ્તવમાં સ્વામીનાથન જીનેટિસિસ્ટ હતા. આઝાદીનાં વરસો લગી ખાદ્યાન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી નહોતા. જવાહરલાલ નહેરૂએ એ સ્થિતિ બદલવા દેશમાં મોટા મોટા ડેમ બંધાવ્યા કે જેથી ખેતી માટે પૂરતું પાણી મળી રહે. સાથે સાથે ખાદ્યાન્નના ક્ષેત્રે સંશોધન શરૂ કરાવ્યું ને ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરાવી. આઝાદી પછીનાં પહેલાં દસ વરસમાં આ પાયાનું કામ ત્યારે સ્વામીનાથન રિસર્ચમાં હતા.
સ્વામીનાથનના કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે, સ્વામીનાથન યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસિસ માટે પસંદ થયેલા. આઈપીએસ ઓફિસર તરીકે તેમની પસંદગી થયેલી પણ તેમણે કૃષિમાં સંશોધનને મહત્ત્વ આપ્યું. ઉચ્ચ પોલીસ અધિકારી બનીને જલસા ,કરી શક્યા હોત પણ તેના બદલે તેમણે સંશોધનની પસંદગી કરી અને સ્વામીનાથનનો આ નિર્ણય તેમને જ નહીં પણ દેશને પણ ફળ્યો. સ્વામીનાથને હરિત ક્રાંતિ કરી એ પહેલાં બટાટાની અલગ અલગ જાતો વિકસાવવા માટે કરેલા સંશોધને નાના ખેડૂતોની સ્થિતિમાં બહુ મોટો સુધારો લાવીને મોટી ક્રાંતિનાં બી રોપી દીધેલાં.
આ બધાના કારણે વિદેશમાં તેમનું નામ થયું ને ત્યાં જઈને પણ તેમણે ઘણાં સંશોધનો કર્યાં. એ દરમિયાન એ નોર્મન બોર્લોગને મળ્યા. બોર્લોગ અમેરિકન કૃષિશાસ્ત્રી હતા ને તેમણે દુનિયાના ઘણા દેશોમાં હરિત ક્રાંતિ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી. મેક્સિકોમાં બોર્લોગે ઘઉંના ઉત્પાદનમાં સર્જેલી ક્રાંતિએ આખી દુનિયાને દંગ કરી નાખેલી. બોર્લોગ પાસે જે જ્ઞાન હતું તેનો ઉપયોગ કરીને એ અબજો રૂપિયા કમાઈ શક્યા હોત પણ એ ઓલિયો માણસ હતો તેથી પોતાના જ્ઞાનનો ઉપયોગ કાવડિયાં કમાવવા માટે કરવાના બદલે લોકોની ભલાઈ માટે કરેલો.
સ્વામીનાથન તેમનાથી પ્રભાવિત થયેલા. તેમણે ભારત આવીને નહેરૂને બોર્લોગ વિશે વાત કરી. નહેરૂએ કૃષિ મંત્રી સી. સુબ્રમણ્યમને ફરમાન કર્યું કે બોર્લોગને ભારત બોલાવાય. બોર્લોગ 1964માં ભારતમાં 100 કિલો બિયારણ સાથે આવ્યા ને ભારતમાં હરિત ક્રાંતિનાં પગરણ મંડાણાં. એ પછી ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું તેથી બધું સખળડખળ થઈ ગયેલું પણ ઈન્દિરા ગાંધી ગાદી પર બેઠાં પછી તેમણે નવેસરથી આખો કાર્યક્રમ શરૂ કરાવ્યો.
બોર્લોગ ને સ્વામીનાથને દેશમાં ઠેર ઠેર ઘઉંનું બિયારણ વાવેલું. તેમાં પંજાબ-હરિયાણામાં સૌથી વધારે પાક થયો તેથી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી થયું ને એ નિર્ણયે આપણી સ્થિતિ બદલી નાખી. પહેલાં આપણે અમેરિકા ને ઓસ્ટે્રલિયા જેવા દેશો સામે અનાજની ભીખ માંગવી પડતી તેના બદલે આપણે ઘઉંના પાકમાં સ્વનિર્ભર થયા. બોર્લોગ ગયા પછી સ્વામીનાથને હરિત ક્રાંતિને આગળ ધપાવી. આજે ભારત અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે તેનો યશ બોર્લોગ અને સ્વામીનાથનને જાય છે.
સ્વામીનાથને એ પછી ઘણાં સંશોધનો કર્યાં. જિનેટિકલી મોડિફાઇડ (જીએમ) બિયારણ દ્વારા ઘઉં અને ચોખા ઉપરાંત બટાટાની નવી જાતો વિકસાવીને ભારતના ખેડૂતોને એક નવી દિશા ખોલી આપી. જીએમ મકાઈ બિયારણ પણ વિકસાવ્યું અને તેના કારણે મકાઈનો પણ મબલક પાક થવા માંડ્યો. વરસો પછી કેન્દ્રની મનમોહનસિંહ સરકારે દેશની દરેક વ્યક્તિને ખાવા માટે પૂરતું અનાજ મળી રહે તેવો હક આપતો ખાદ્યાન્ન સુરક્ષા કાયદો બનાવ્યો. આ કાયદાની પાછળ પણ સ્વામીનાથન હતા. સ્વામીનાથને તેને એવરગ્રીન રીવોલ્યુશન ગણાવેલી. તેમના મતે આ કાયદો ગ્રીન રીવોલ્યુશન કરતાં પણ મોટી ક્રાંતિ છે. એ તેમની મોટપ કહેવાય કેમ કે આ કાયદો અંતે તો ગ્રીન રીવોલ્યુશનના કારણે જ શક્ય બન્યો.
સ્વામીનાથને ભારતમાં કૃષિ સંશોધનને પ્રોત્સાહન માટે ઘણી સંસ્થાઓ બનાવડાવી. તેમનું પોતાનું ફાઉન્ડેશન પણ કૃષિ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા સતત મથે જ છે. મનમોહનસિંહ સરકારે સ્વામીનાથનના વડપણ હેઠળ 2004માં નેશનલ કમિશન ઓન ફાર્મિંગ બનાવેલું. આ પંચે બે વર્ષમાં 6 રિપોર્ટ આપ્યા હતા. તેમાં ખેડૂતને પાકની ઉત્પાદન કિમતથી 50 ટકા વધારે રકમ મળવી જોઈએ એવી ભલામણ હતી પણ તેનો અમલ ના થયો, બાકી ખેડૂતો અને દેશ બેઉ માલામાલ હોત. સ્વામીનાથને નાના ખેડૂતોને યોગ્ય સલાહ અપાય એવું માળખું ઊભું કરીને કૃષિમાં સહકારી મોડલ અપનાવવાની સલાહ આપી હતી.
શિવસેનાએ 2017માં સ્વામીનાથનને રાષ્ટ્રપતિ બનાવવાની તરફેણ કરી હતી. સ્વામીનાથનના નામને બીજેડી સહિતના વિપક્ષોએ પણ ટેકો આપ્યો હતો પણ મોદીએ રામનાથ કોવિંદને પસંદ કરેલા. સ્વામીનાથનને એ વખતે ભારતરત્ન આપવાની ભલામણ થયેલી પણ કોઈ નિર્ણય ના લેવાયો. હવે તેમના નિધન પછી તેમને ભારતરત્ન અપાયો છે એ બહુ મોડું છે પણ મોડે મોડે કદર થઈ એ સંતોષ માનવો પડે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button