એકસ્ટ્રા અફેર

કૉંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીનેઈન્ડિયા’ મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં બેસી ગયા છે ત્યારે બીજી તરફ ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરવાની સતત તરફેણ કરતાં મમતા બેનરજી પણ કૉંગ્રેસ પર ભડકેલાં છે. મમતાએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી એ પછી હવે સીધો કૉંગ્રેસ પર પ્રહાર કર્યો છે કે, કૉંગ્રેસને આટલો બધો અહંકાર કેમ છે એ જ મને સમજાતું નથી.
મમતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, મને નથી લાગતું કે કૉંગ્રેસ 300 બેઠકો પર લડવા માગે છે પણ આ 300માંથી 40 બેઠકો પણ જીતી શકશે. કૉંગ્રેસ પાર્ટી જ્યાં પહેલાં જીતતી હતી, હવે ત્યાં પણ હારી રહી છે એ જોતાં કૉંગ્રેસ કશું કરી શકશે નહીં. સૌથી મોટી વાત એ છે કે, મમતાએ કૉંગ્રેસને સીધો પડકાર ફેંક્યો છે કે, ભાજપ વિરોધી પક્ષો સામે શિંગડાં ભેરવવાના બદલે તાકાત હોય તો કૉંગ્રેસ ભાજપને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હરાવી બતાવે. કૉંગ્રેસમાં હિંમત હોય તો બનારસ અને પ્રયાગરાજમાં ભાજપને હરાવીને બતાવે.
ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા' મોરચામાં કૉંગ્રેસ અને મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ બંને સભ્ય છે પણ પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણીના મુદ્દે ડખા પડતાં ભડકેલાં મમતાએ પહેલાં જ એલાન કરી દીધું છે કે, બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે કેમ કે કૉંગ્રેસે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણી અંગેના મારા પ્રસ્તાવને ફગાવી દીધો છે. કૉંગ્રેસ કે તૃણમૂલ કૉંગ્રેસે મમતાની દરખાસ્ત શું હતી એ વિશે ફોડ પાડ્યો નથી પણ એવું કહેવાય છે કે, કૉંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બંગાળની 42 બેઠકોમાંથી 10થી 12 બેઠકોની માગ કરી રહી છે, જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ માત્ર બે સીટો આપવા માગે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે જીતી હતી એ સિવાય ત્રીજી બેઠક આપવાની કૉંગ્રેસની તૈયારી નથી. તૃણમૂલ કૉંગ્રેસ અને કૉંગ્રેસ ઉપરાંત બંગાળમાં ડાબેરી પક્ષો પણ ભાજપને હરાવવા માટે બનાવાયેલાઈન્ડિયા’ મોરચાનો હિસ્સો છે પણ મમતા તેમને કશું આપવા તૈયાર નથી. મમતાએ કૉંગ્રેસને પહેલાં જ આડે હાથ લીધેલો ને હવે સીધો પડકાર ફેંક્યો છે તેથી પશ્ચિમ બંગાળમાં તો જોડાણ તૂટી ગયું છે એ નક્કી છે.
મમતાની વાતથી કૉંગ્રેસીઓને મરચાં લાગ્યાં છે પણ મમતાની વાત સાચી છે. કૉંગ્રેસ સાવ પતી ગયેલી પાર્ટી છે ને છતાં તેને શાનો અહંકાર છે એ જ ખબર પડતી નથી. છેલ્લી બે ચૂંટણીમાં માંડ 50 બેઠકોની આસપાસ જીતનારી કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પાસે 25 બેઠકો માગે કે મમતા બેનરજી પાસે 15 બેઠકો માગે એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. કૉંગ્રેસ હજુય જૂના દિવસોના ભ્રમમાં જીવે છે ને વાસ્તવિકતા સાથે તેને કોઈ સંબંધ જ રહ્યો નથી તેનો આ પુરાવો છે.
કૉંગ્રેસ 40 બેઠકો પણ નહીં જીતી શકે એવી મમતાની આગાહી કેટલી સાચી પડશે એ ખબર નથી પણ કૉંગ્રેસમાં દમ હોય તો મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં તો કૉંગ્રેસ ભાજપને હરાવી શકે એવી તેની તાકાત જ નથી પણ કમ સે કમ જે રાજ્યોમાં તેની ભાજપ સાથે સીધી ટક્કર છે અને પોતે જે રાજ્યોમાં મુખ્ય વિપક્ષ છે એ રાજ્યોમાંથી અડધાં રાજ્યોમાં ભાજપને હરાવી બતાવે તો પણ ભાજપને સત્તાથી દૂર કરી શકે પણ કૉંગ્રેસમાં એ દમ જ નથી.
કૉંગ્રેસીઓએ એક વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે કે, ભાજપ કૉંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે કેમ કે ભાજપ સામે લડવામાં કૉંગ્રેસ સૌથી નબળી સાબિત થઈ છે. કૉંગ્રેસે આ સ્થિતિ બદલવી પડે ને તો જ ભાજપ હારે, ભાજપ સામે લડનારા પ્રાદેશિક પક્ષોને દબાવવાથી કંઈ ના થાય.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાત (25), મધ્ય પ્રદેશ (28), રાજસ્થાન (26), છત્તીસગઢ (13), કર્ણાટક (28), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (14), હરિયાણા (10), ઉત્તરાખંડ (5), આસામ (14) વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે. આ રાજ્યોમાં લોકસભાની 167 બેઠકો છે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી ગયો છે. આ રાજ્યો પૈકી ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાનમાં તો છેલ્લી બે ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતુ જ ખૂલ્યું નથી. બીજે પણ સમ ખાવા પૂરતી એકાદ બેઠક મળી છે.
ભાજપ 300 બેઠકો પર પહોંચી ગયો તેનું મુખ્ય કારણ આ રાજ્યોમાં કૉંગ્રેસનો સાવ નબળો દેખાવ છે. કૉંગ્રેસ ભાજપને હરાવી ના શકે ને કમ સે કમ ચાલીસ ટકા બેઠકો જીતે તો પણ ભાજપને હરાવવામાં યોગદાન આપી શકે કેમ કે આ રાજ્યોમાં 40 ટકા બેઠકો મળે એટલે તેના ખાતામાં બીજી 65 બેઠકો આવે. કૉંગ્રેસ 55ની આસપાસ બેઠકો જીતે છે ને તેમાં આ 65 બેઠકો ઉમેરો તો કૉંગ્રેસ 120 બેઠકોના આંકડાને પાર કરી જાય. કૉંગ્રેસ પાસે કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યો છે જ કે જ્યાં તે પોતાના જોર પર સારો દેખાવ કરી શકે છે. આ સિવાય કર્ણાટક, તેલંગણા, હિમાચલ પ્રદેશમાં તેની સરકારો હોવાથી ત્યાં પણ સારો દેખાવ કરી શકે છે.
કૉંગ્રેસને ડબલ ફાયદો એ થાય કે, કૉંગ્રેસના ખાતામાં નવી ઉમેરાય એ બેઠકો ભાજપની ઓછી થાય. આ રાજ્યોમાં 40 બેઠકો ઘટે તો ભાજપ 260 બેઠકો પર આવી જાય અને તેના માટે સરકાર રચવાનું મુશ્કેલ થઈ જાય કેમ કે ભાજપ પાસે કોઈ મોટા સાથી પક્ષ જ નથી.
કૉંગ્રેસે આ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પણ તેના બદલે યુપીમાં અખિલેશ યાદવને કઈ રીતે દબાવાય ને બંગાળમાં મમતા બેનરજી પાસેથી વધારે બેઠકો કઈ રીતે પડાવી શકાય તેમાંથી કૉંગ્રેસ બહાર આવતી નથી. કૉંગ્રેસે મમતા કે અખિલેશ સામે લડવામાં શક્તિ વેડફવાના બદલે ભાજપ સામે ટક્કર છે એ રાજ્યોમાં ચૂંટણીના જંગમાં જીત મેળવીને જવાબ આપવો જોઈએ. ભાજપને સત્તામાંથી દૂર કરવામાં મોટું યોગદાન આપીને સાબિત કરવું જોઈએ કે, કૉંગ્રેસ જ હજુય ભાજપનો વિકલ્પ છે, મમતા બેનરજી નહીં. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button