બિલ્કિસ કેસમાં ન્યાય, જમડા ઘર ના ભાળી ગ્યા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુજરાતનાં 2002ના રમખાણો વખતે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોના 11 બળાત્કારીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણય સામે બિલ્કિસ બાનો વતી થયેલી અરજીમાં અંતે ચુકાદો આવી ગયો. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને સજા પૂરી કર્યા પહેલાં છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને તમામ 11 દોષિતોને પાછા જેલભેગા કરવા સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે ફરમાન કર્યું છે.
આ આરોપીઓ બિલ્કિસના પરિવારની હત્યાના કેસમાં પણ દોષિત ઠર્યા હતા તેથી જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ કોર્ટે આ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને તેમના પર હેત ઉભરાયું તેથી તમામ 11 દોષિતોને 15 ઑગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. એ વખતે જ લાગતું હતું કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલે મહિલા સન્માનમાં નિષ્ફળ ગઈ પણ સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે. સુપ્રીમ કોર્ટ પરનો આ ભરોસો સાચો પડ્યો છે તેનો આનંદ છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઘણી રીતે મહત્ત્વનો છે અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના ગાલ પર પડેલો જોરદાર તમાચો પણ છે. બિલ્કિસ બાનો કેસ ગુજરાતની કલંકકથા છે અને જઘન્ય અપરાધ છે. ગોધરાકાંડ પછી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે ત્રણ માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળું બિલ્કિસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા બિલ્કિસ તેના પરિવાર સાથે ખેતરમાં છૂપાઈ ગઈ હતી. 21 વર્ષની બિલ્કિસ પ્રેગનન્ટ હતી ને તેના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ હતો.
ટોળામાંના કેટલાક હેવાનોએ બિલ્કિસ પર ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને બીજી ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બિલ્કિસ પરિવારના 17માંથી સાત સભ્યોની હત્યા કરી દેવાઈ અને છ લોકો ગુમ થઈ ગયા હતા કે જે ક્યારેય મળ્યા જ નહીં. બિલ્કિસ, એક પુરુષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા જ્યારે બાકીનાં લોકો ઉપર પહોંચી ગયા.
આ કેસમાં સામૂહિક બળાત્કારના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બોમ્બે હાઈ કોર્ટે આરોપીની સજાને યથાવત્ રાખી હતી. આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલમાં અને પછી નાશિક જેલમાં રખાયા હતા. નવ વર્ષ પછી તમામને ગોધરા સબજેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ દોષિતો 2004થી જેલમાં બંધ હતા. દોષિતોએ 18 વર્ષ જેલમાં સજા કાપી હોવાથી સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી ને સુપ્રીમ કોર્ટે આ અંગે નિર્ણય લેવાની આઝાદી ગુજરાત સરકારને આપી હતી. તેના આધારે રાજ્ય સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો અને ગયા વરસે સ્વાતંત્ર્ય દિને ગોધરા સબજેલમાંથી તમામ 11 કેદીને મુક્ત પણ કરી દીધા.
બળાત્કાર-હત્યાના દોષિતોને છોડવા માટે મોદી સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કેદીઓને મુક્ત કરવા માટે બનાવેલી ગાઈડલાઈનની પણ ઐસી કી તૈસી કરી દેવાઈ હતી. આ ગાઈડલાઈનમાં સ્પષ્ટપણે લખેલું હતું કે, બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા કોઈ પણ અપરાધી સજા પૂરી કર્યા પહેલાં મુક્ત થવા માટે હકદાર નથી. બિલ્કિસ બાનો હત્યા કેસના દોષિતો સામૂહિક બળાત્કાર બદલ તો દોષિત ઠરેલા જ પણ હત્યા કેસમાં પણ દોષિત ઠર્યા હતા એ છતાં ભૂપેન્દ્ર પટેલ સરકારે તેમને છોડી મૂકેલા.
ભૂપેન્દ્ર પટેલ સરકારે શરમજનક દલીલ કરેલી કે, આ લોકોને દોષિત ઠેરવાયા ત્યારે મોદી સરકારે મોકલેલી ગાઈડલાઈન અમલમાં નહોતી તેથી તેમને છોડી શકાય છે. આ બેશરમી ઓછી હોય તેમ બળાત્કાર અને હત્યાના આ દોષિતો જેલમાંથી બહાર આવ્યા પછી ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આવ્યા હોય એ રીતે તેમનું સ્વાગત કરાયેલું. બધા આરોપીઓને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરાયેલા ને ભાજપના વિધાનસભ્યોએ આ સન્માન સમારોહોમાં હાજરી આપેલી.
ગોધરાના ભાજપના વિધાનસભ્ય સી.કે. રાઉલજીએ 11 અપરાધીનું હારમાળા અને મીઠાઈથી સ્વાગત કરનારા લોકોની પીઠ થાબડીને કહેલું કે, દોષિતો બ્રાહ્મણ છે અને તેમના સારા સંસ્કાર પણ છે તેથી તેમને છોડવામાં કશું ખોટું નથી. એક 21 વર્ષની પ્રેગનન્ટ સ્ત્રીને હવસનો શિકાર બનાવીને ગેંગ રેપ કરનારામાં ભાજપના વિધાનસભ્યને સારા સંસ્કાર દેખાયા તેનાથી વધારે આઘાતજનક વાત બીજી શું હોઈ શકે? આ ક્યા સંસ્કાર છે એ ખબર નથી પણ હિંદુઓના સંસ્કાર તો નથી જ કેમ કે, યુદ્ધ દરમિયાન પણ હિંદુઓએ કદી અસહાય સ્ત્રીઓને હવસનો શિકાર બનાવીને સામૂહિક બળાત્કાર કર્યા હોય એવું તો ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું નથી.
બિલ્કિસ બાનો વતી 30 નવેમ્બર 2022ના રોજ દોષિતોને છોડવા સામે સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરાઈ હતી. પહેલી અરજીમાં તેમને તાત્કાલિક જેલમાં ધકેલવાની માગ કરવામાં આવી હતી જ્યારે બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ ગુનાગારોને મુક્ત કરવાનો અધિકાર રાજ્ય સરકારને હોવાનો આદેશ આપ્યો તે અંગે પુનર્વિચાર કરવાની માગ કરી હતી. બિલ્કિસ દલીલ કરેલી કે, મહારાષ્ટ્રમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર નિર્ણય લઈ શકે નહીં. મહારાષ્ટ્ર સરકારે દોષિતોને છોડવા સામે વિરોધ કરેલો. સુપ્રીમ કોર્ટે બિલ્કિસની પહેલી અરજી પર ચુકાદો આપીને દોષિતોને જેલભેગા કરવાની માગ સ્વીકારી છે જ્યારે બીજી અરજી પર સુનાવણી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
બિલ્કિસ બાનો કેસમાં અંતિમ ચુકાદો શું આવશે એ ખબર નથી પણ અત્યારે તો સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, બિલ્કિસ સન્માનની હકદાર છે અને દોષિતોને આ રીતે છોડી ના શકાય.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો બીજી રીતે પણ મહત્ત્વનો છે. આ વાત એક કેસની નહોતી પણ તેની દૂરોગામી અસરો વિશે પણ વિચારવું જરૂરી હતું. સુપ્રીમ કોર્ટ બિલ્કિસના બળાત્કારીઓને છોડી મૂકે તો ભવિષ્યમાં તેના આધારે રાજકારણીઓ પોતાના સ્વાર્થને ખાતર ગમે તેવા દોષિતોને છોડી મૂકી શકે. ડોશી મરી જાય તેનો ડર નહોતો પણ જમડા ઘર ભાળી જાય તેનો ભય હતો. એવું થાય તો કાયદા કે ન્યાયતંત્રનું કંઈ મહત્ત્વ જ ના રહે.
સુપ્રીમ કોર્ટે તેના પર બ્રેક મારી છે.