એકસ્ટ્રા અફેર

કુસ્તી ફેડરેશન સસ્પેન્ડ: દેર આયે, દુરસ્ત આયે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યૂએફઆઈ)ના પ્રમુખપદે વિવાદોમાં ઘેરાયેલા ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના ખાસમ ખાસ ગણાતા સંજયસિંહ ચૂંટાઈ આવ્યા તેના ત્રણ દિવસમાં જ કેન્દ્ર સરકારે નવી ચૂંટાયેલી બોડીનું પડીકું કરી નાંખ્યું. નવી બોડીમાં બ્રિજભૂષણસિંહના જ માણસો ચૂંટાતાં સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી નાંખેલી જ્યારે બજરંગ પુનિયાએ પોતાને મળેલો પદ્મશ્રી એવોર્ડ પાછો આપી દીધેલો. પુનિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર પદ્મશ્રીનો મેડલ મૂકી આવેલા.


આ કારણે વિવાદ થઈ જ ગયેલો. હવે કેન્દ્ર સરકાર શું કરશે તેના પર સૌની નજર હતી ત્યારે કેન્દ્ર સરકારના ખેલ અને યુવા મંત્રાલયે સપાટો બોલાવીને નવા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને ફેડરેશનું કામકાજ જોવા માટે એક એડ-હોક સમિતી બનાવવા પણ કહ્યું છે કે જેથી ફેડરેશનનું કામ ના અટકે.
આ નિર્ણયથી બ્રિજભૂષણ કેમ્પ સ્તબ્ધ થઈ ગયો છે. સંજયસિંહે તો સ્વીકાર્યું કે, તેમને આ નિર્ણયથી આશ્ચર્ય થયું છે. અને પોતે આ મુદ્દે ખેલ મંત્રાલય પાસે સ્પષ્ટતા માગશે કેમ કે પોતે ચૂંટણી જીતીને ભારતીય કુસ્તી સંઘના
પ્રમુખ બન્યા હતા, મને પ્રમુખપદ વારસામાં મળ્યું
નહોતું. ચૂંટણી લોકશાહી ઢબે યોજાઈ હતી અને મને ચૂંટણીમાં 40 મત મળ્યા હતા એ જોતાં હું બહુમતીથી જીત્યો છુ. સંજયસિંહે એવું પણ કહ્યું કે, મેં કુસ્તીબાજો અંગે કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી કે કોઈ કુસ્તીબાજનું ક્યાંય અપમાન કર્યું નથી. હું બધા કુસ્તીબાજોને સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ આ નિર્ણય આવી પડતાં મને આંચકો લાગ્યો છે.
સંજયસિંહના ગોડફાધર બ્રિજભૂષણસિંહ પણ આ નિર્ણયથી સમસમી ગયા છે. અનુરાગ ઠાકુરના રમતગમત મંત્રાલયે ફેડરેશનને સસ્પેન્ડ કરતાં જ બ્રિજભૂષણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સામે રોદણાં રડવા પહોંચી ગયેલા. બ્રિજભૂષણ નડ્ડાને મળ્યા પછી તેમણે નવી દિલ્હીમાં મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા તેના પરથી સ્પષ્ટ છે કે, નડ્ડાએ તેમને ભાવ આપ્યો નથી.


બ્રિજભૂષણ શરણ સિંહે ફેડરેશનને સસ્પેન્ડ કરવા સામે વાંધો લેતાં ડહાપણ ડહોળ્યું કે, ફેડરેશન પર પ્રતિબંધ મૂકવાને કે સસ્પેન્ડ કરવાને બદલે સરકારે તેને પોતાની નજર હેઠળ રાખવું જોઈએ કે જેથી નુકસાન ના થાય. બ્રિજભૂષણે ગોંડામાં ફરીથી નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેને પણ સસ્પેન્ડ નહીં કરવાની અપીલ કરીને કહ્યું કે, સરકાર ઈચ્છે તો દિલ્હીમાં ચેમ્પિયનશિપ યોજે પણ રમતનો માહોલ ફરી બની શકે એ માટે ચેમ્પિયનશિપને પોતાની દેખરેખ હેઠળ પણ યોજવી જોઈએ કે જેથી ખેલાડીઓને નુકસાન ન થાય. ખેલાડીઓના હિતને ધ્યાનમાં રાખીને હું સરકારને વિનંતી કરું છું કે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે જેથી કુસ્તીબાજોને કોઈ નુકસાન ન થાય. બ્રિજભૂષણે પોતે કુસ્તી સંઘમાંથી સંન્યાસ લઈ લીધો છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી એની જૂની રેકર્ડ પણ વગાડી.


બ્રિજભૂષણની આ વાતો ગળે ઉતરે એવી નથી. ફેડરેશન સાથે પોતાને કંઈ લેવાદેવા નથી એ બહુ મોટું જુઠાણું ને બ્રિજભૂષણના પુત્રે 21 ડિસેમ્બરે ચૂંટણી વખતે જ ખુલ્લુ પાડી દીધેલું. બ્રિજભૂષણનો દીકરો ખુલ્લેઆમ બેનર લગાવીને ઊભો રહેલો કે જેમાં લખેલું કે, `દબદબા તો હૈ દબદબા તો રહેગા’. બ્રિજભૂષણે આ મુદ્દે પણ હાથ ખંખેરી નાંખ્યા છે ને આ પોસ્ટર સાથે પોતાને કોઈ લેવાદેવા નથી એવો દાવો કર્યો છે.
બ્રિજભૂષણનો દીકરો કુસ્તીના રાજકારણમાં ગળાડૂબ ખૂંપેલો છે ત્યારે એ જે કંઈ કરે તેની બ્રિજભૂષણને ખબર ના હોય એ વાત કોણ માને ? ને મૂળ વાત તો એ કે, બ્રિજભૂષણનો દીકરો કોના દબદબાની વાત કરે છે ? સંજયસિંહને તો કોઈ ઓળખતું પણ નથી ને એ તો પહેલી વાર ફેડરેશનના પ્રમુખપદે ચૂંટાયા છે એ જોતાં તેમનો દબદબો જળવાવાની વાત તો હોય જ નહીં ને ? ખેર, આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે.


બ્રિજભૂષણને શાની સાથે લેવાદેવા છે ને શાની સાથે નથી એ મુદ્દો હવે ગૌણ છે કેમ કે કેન્દ્ર સરકારે તેમને તેમની ઔકાત બતાવી દીધી છે. કેન્દ્ર સરકારે આ કામ પહેલાં જ કરવાની જરૂર હતી પણ દેર આયે દુરસ્ત આયે. બ્રિજભૂષણ પોતાને ખાંસાહેબ સમજીને વર્તતા હતા ને કોઈને ગણકારતા જ નહોતા ત્યારે ચમકારો બતાવવાની જરૂર હતી. ફેડરેશનની ચૂંટણી પહેલાં જ સરકારે તેમને સાફ શબ્દોમાં કહી દીધું હોત કે, તમે ને તમારા પોઠિયાઓને ફેડરેશનની ચૂંટણીથી દૂર રાખજો તો આ નોબત જ ના આવી હોત. દેશને ગૌરવ અપાવનારી પનોતી પુત્રી સાક્ષી મલિકે રડતી આંખે નિવૃત્તિ લેવાની જાહેરાત ના કરવી પડી હોત કે પનોતા પુત્ર બજરંગ પુનિયાએ પદ્મશ્રી પાછો આપવાનું પણ નક્કી ના કરવું પડ્યું હોત.
લોકસભાની ચૂંટણી માથે છે ને સાક્ષી-પુનિયાને પડખે આખો જાટ સમાજ તથા ખેડૂતો છે તેથી ભાજપ ડરી ગયો એટલે ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું એવી વાતો થાય છે પણ એ વાતોમાં દમ નથી. ખેડૂત સંગઠનોમાં ભાજપને હરાવવાની તાકાત નથી ઉત્તર પ્રદેશમા સાબિત થઈ જ ગયું છે તેથી એ વાતો મોં-માથા વિનાની છે. ને માનો કે એ વાત સાચી હોય તો પણ શું ? કેન્દ્ર સરકારે એક સારો નિર્ણય લીધો છે ને તેની પ્રશંસા કરવી જોઈએ. બહુ ચગેલા બ્રિજભૂષણને ઉપર જવા દઈને પછી મોંભેર પછાડ્યા છે એ પૂરતું છે.


કેન્દ્ર સરકારે અત્યારે તો ઓલિમ્પિક એસોસિએશનને વહીવટ સોંપ્યો પણ ભવિષ્યમાં કુસ્તી ફેડરેશનમાં મહિલા પ્રમુખને નિમવાની કુસ્તીબાજ દીકરીઓની વાત માનવી જોઈએ. ભાજપ પાસે મહિલા નેતાઓની કમી નથી એ જોતાં ભાજપ પોતાની જ કોઈ મહિલા નેતાને ચૂંટણીમાં ઉભાં રાખીને ફેડરેશનનાં પ્રમુખ બનાવે તો પણ વાંધો નથી. બ્રિજભૂષણ જેવા વગોવાયેલા માણસ કરતાં તો મહિલા નેતા પ્રમુખ બનશે એ સાં જ હશે. તેના કારણે કુસ્તીબાજ દીકરીઓનો આત્મવિશ્વાસ વધશે ને 2024ના ઓલિમ્પિક્સમાં ભારતની મેડલ જીતવાની તકો વધશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button