રોહિત શર્માની ટીમે કદી ના ભૂલાય એવી નાલેશી લખી દીધી
![](/wp-content/uploads/2024/10/Extra-Affair_slu-f.jpg)
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવી ત્યારે આપણે ટીમ ઈન્ડિયાનાં ઓવારણાં લેતાં થાકતાં નહોતાં બાંગ્લાદેશે ભારત સામેની સિરીઝ પહેલાં પાકિસ્તાનને રગદોળી નાખ્યું હતું અને પહેલી વાર સિરીઝ જીતી હતી. ભારત એ પાકિસ્તાન નથી એ પ્રકારનાં મીમ્સ વાઇરલ થયાં હતાં. આ વાતને હજુ મહિનો જ થયો નથી ત્યાં ટીમ ઈન્ડિયાએ આબરૂનો ધજાગરો કરી નાખ્યો.
બેંગલુ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતની આખી ટીમ 46 રનમાં સમેટાઈ ગઈ અને એક શરમજનક રેકોર્ડ રોહિતની ટીમના નામે લખાઈ ગયો. ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચનો પહેલો દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ગુવારે બીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિગ કરવાનું પસંદ કર્યું નેઆ નિર્ણય બહુ ભારે પડ્યો કેમ કે ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે અને ભારતની ટીમ ઘરઆંગણે આવો દેખાવ કરે તેના કરતાં વધારે શરમજનક બીજું કશું ના કહેવાય.
ટીમ ઈન્ડિયાના 5 બેટેસમેન ઝીરો પર આઉટ થયા હતા અને 20 રન સાથે રિષભ પંત ટીમનો સૌથી હાઇએસ્ટ સ્કોરર હતો. તેના પરથી જ બીજા બેટ્સમેને કેવી બેટિગ કરી તેનો અંદાજ લગાવી લેજો.
પંત સિવાય એક માત્ર યશસ્વી જયસ્વાલ બે આંકડે પહોંચી શક્યો. જયસ્વાલે 13 રન બનાવ્યા એ જોતાં પંત અને જયસ્વાલના મળીને 33 રન થયા. એકસ્ટ્રાના 4 રન છે એ ઉમેરો તો 37 રન થાય એ જોતાં બાકીના 9 બેટ્સમેને ગણીને 9 રન કર્યા. તેમાં પણ વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કે.એલ, રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન તો ઝીરોમાં ઉડ્યા છે એ જોતાં 9 રન પણ ચાર પૂંછડિયા બેટ્સમેને કર્યા છે.
રોહિત શર્માએ બે રન કર્યા છે એ જોતાં તેનો દેખાવ પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવો જ છે. રોહિત શર્માએ 46 રનમાં સંકેલો થઈ ગયો પછી માફી માગી છે. ટીમના ખરાબ દેખાવ માટે પોતે જવાબદાર છે એવું કહ્યું છે કેમ કે ટોસ જીતીને બેટિગ લેવાનો નિર્ણય પોતાનો હતો. એક લીડર તરીકે આ બધું કરવું સાં લાગે પણ તેના કારણે ટીમ ઈન્ડિયાના માથે લાગેલી નાલેશી ધોવાવાની નથી.
રોહિત શર્માની ટીમે ભારતની ક્રિકેટ ટીમે 2020ના ઓસ્ટે્રલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે કરેલા દેખાવ અને નાલેશીની યાદ અપાવી દીધી. એ વખતે વિરાટ કોહલીની ટીમે ઈજજતનો કચરો કરી નાંખતી બેટિગ કરીને માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈને ક્રિકેટ ચાહકોને કદી ના ભૂલાય એવો મોટો આઘાત આપી દીધો.
વિરાટ કોહલીની ટીમમાંથી એક પણ ખેલાડી બે આંકડે પણ નહોતો પહોંચ્યો ને એક જોરદાર નાલેશી આપણા નામે નોંધાઈ ગઈ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજી વાર એવું બન્યું કે, ટીમનો એક પણ બેટસમેન ડબલ ફિગર પર પહોંચી શક્યો ના હોય.
1924માં દક્ષિણ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડ સામે 30 રનમાં ઓલઆઉટ થઈ ત્યારે એક પણ ખેલાડી બે આંકડે નહોતો પહોંચ્યો. વિરાટ કોહલીની ટીમે લગભગ સો વર્ષ પછી એ સિદ્ધી દોહરાવી દીધી. શરમજનક વાત એ પણ છે કે, આપણી આખી ટીમ પૂરી 25 ઓવર પણ નહોતી રમી.
બાવીસમી ઓવર લગીમાં તો આપણાં પાટિયાં પડી ગયાં ને આખી ટીમ તંબુભેગી થઈ ગઈ. આઈપીએલમાં સપાટ પિચો પર તોફાની બેટિંગ કરનાર આપણા ધુરંધરો વીસ ઓવરમાં ધરાશાયી થઈ જાય તેથી ચાહકોનો આક્રોશ બરાબર પણ છે. કમ સે કમ ટી 20 જેવી બેટિગ કરી હોત તો પણ આવી બેઈજ્જત ના થઈ હોત.
રોહિતની ટીમે એ ઈતિહાસ દોહરાવીને એવો ઘા આપી દીધો કે જેને લાંબા સમય સુધી નહીં ભૂલાય. આ બધી એવી ઘટનાઓ છે કે જે કદી ભૂલાતી નથી. કમ સે કમ જે પેઢી આ ઘટનાની સાક્ષી બની હોય તેના મનમાં તો વરસોના વરસો લગી તેનો ડંખ રહે જ છે.
આ ઘા જલદી ભરાતા નથી ને સતત ડંખ્યા જ કરે છે. છેલ્લા ચારેક દાયકામાં બનેલી આવી ઘટનાઓ તરફ નજર નાખીશું તો સમજાશે કે આ વાત સાચી છે.
શારજાહમાં ભારત ને પાકિસ્તાન વચ્ચે 1980ના દાયકામાં બહુ મેચો રમાતી. એ વખતે ઓસ્ટે્રલિયા કપની ફાઈનલમાં પાકિસ્તાને છેલ્લા બોલે જીતવા માટે ચાર રન કરવાના હતા ને ચેતન શર્માના ફૂલટોસ બોલમાં જાવેદ મિયાંદાદે સિક્સર ફટકારીને પાકિસ્તાનને જીતાડી દીધેલું. આ મેચ જોનારી પેઢી વરસોના વરસો લગી આ હારને પચાવી જ નહોતી શકી. ચેતન શર્મા તો વિલન જ બની ગયેલો.
1996ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં વેંકટેશ પ્રસાદે આમીર સોહેલને સ્ટાઈલમાં આઉટ કરીને પેલેવેયિનભેગો કર્યો ત્યારે ક્રિકેટ ચાહકોને શાતા વળેલી. પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી બહાર ફેંક્યું ત્યારે લોકોને મિયાંદાદની સિક્સરનો બરાબર બદલો લેવાયો હોય એટલી શાંતિ થયેલી.
1996ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની સેમી ફાઈનલમાં આપણે જીતવાની અણી પર હતા ને પછી વરઘોડો કાઢીને 120 રનમાં 8 વિકેટો પડી ગઈ ત્યારે કોલકાત્તાના ઈડન ગાર્ડનમાં પ્રેક્ષકોએ તોફાન મચાવતાં શ્રીલંકાને જીતેલું જાહેર કરી દેવાયેલું. આ હારને ક્રિકેટ ચાહકો પચાવી જ નહોતા શક્યા ને રેફરી ક્લાઈવ લોઈડે લંકાને જીતેલું જાહેર કરીને 1983ના વર્લ્ડકપ ફાઈનલની હારનો બદલો વાળ્યો એવું લોકોને લાગતું હતું. 2011ના વર્લ્ડકપની ફાઈનલમાં ગૌતમ ગંભીર ને ધોનીએ લંકાને રગદોળ્યું ત્યારે જૂની પેઢીના ચાહકોને ટાઢક વળેલી.
2000ના દાયકામાં 2003ના વર્લ્ડ કપની ફાઈનલ વખતે એવું થયેલું. આખા વર્લ્ડકપમાં જોરદાર રમેલા ને ફાઈનલમાં રીકી પોન્ટિંગે આપણા બોલરોને મારી મારીને ભૂત કરી નાખેલા. ઓસ્ટે્રલિયાએ 359 રનનો તોતિંગ સ્કોર ખડક્યો ને તેને ચેઝ કરવાનું આપણું ગજુ જ નહોતું.
આપણે બેઆબરૂ થઈને હાર્યા પછી ઘણા ક્રિકેટ ચાહકોને ક્રિકેટ પરથી વૈરાગ્ય આવી ગયેલો. 2011ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટે્રલિયાને હરાવ્યું ત્યારે ક્રિકેટ ચાહકોને શાંતિ થયેલી.
અત્યારે પણ એ જ સ્થિતિ છે ને રોહિત શર્માની ટીમ આ નાલેશી ક્યારે ધોઈ શકશે એ ખબર નથી.