એકસ્ટ્રા અફેર

હેલ્થ ઈન્સ્યોરન્સ પર ટેક્સ નાબૂદી, ગડકરી ધીમે-ધીમે હીરો બની રહ્યા છે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠક સોમવારે મળવાની હતી એ પહેલાં એવું મનાતું હતું કે, હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટીને નાબૂદ કરીને સામાન્ય લોકોને નરેન્દ્ર મોદી સરકાર મોટી રાહત આપશે પણ એવું ના થયું. સોમવારે મળેલી બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) બનાવવાનો નિર્ણય લઈને આગામી બેઠક સુધી ટાળી દેવામાં આવ્યો છે.

જીએસટી કાઉન્સિલની બેઠક પછી નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી કે, મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડા અંગેની જીઓએમ ઓક્ટોબરના અંત સુધીમાં રિપોર્ટ સબમિટ કરશે અને તેના આધારે નિર્ણય લેવાશે. નિર્મલા મેડમના કહેવા પ્રમાણે, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂર પડશે. મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવા માટે વ્યાપક સહમતી જરૂરી હોવાથી હાલ પૂરતો નિર્ણય ટાળવામાં આવ્યો છે.

મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવા સામે કોઈને વાંધો હોઈ શકે છે એ વિચારીને જ આઘાત લાગે છે. કમ સે કમ વિપક્ષોને તો તેની સામે વાંધો નથી જ. કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ સહિતના વિપક્ષો લાંબા સમયથી આ માગ કરી રહ્યા છે. આ સંજોગોમાં વ્યાપક સહમતીનો અર્થ ભાજપ મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવાની વિરુદ્ધ છે કે શું એવો થાય કે નહીં એ નિર્મલા મેડમ જાણે પણ તેમની વાતનો સાર એટલો છે કે, હમણાં લાઈફ અને મેડિકલ હેલ્થ ઈન્સ્યોરન્સ પરનો ટેક્સ ઘટાડવામાં નહીં આવે. જીઓએમ ઓક્ટોબરના એન્ડમાં રિપોર્ટ સબમિટ કરશે તેથી એ પછી શું થાય એ નિર્મલા જાણે પણ, કમ સે કમ ઓક્ટોબરના એન્ડ સુધીમાં તો નહીં જ ઘટાડવામાં આવે.

જીએસટી કાઉન્સિલે લીધેલો નિર્ણય આંચકાજનક છે કેમ કે કાઉન્સિલે નમકીન પરનો ટેક્સ ઘટાડીને 18 ટકાથી 12 ટકા કરી દીધો છે, હેલિકોપ્ટર મારફત યાત્રા પર જીએસટી ઘટાડવાની માગ સ્વીકારીને જીએસટી રેટ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાનો નિર્ણય પણ લઈ લેવાયો પણ સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દે જ ચલકચલાણાની રમત રમીને વાતને ટાળી દેવામાં આવી.

ટર્મ અને હેલ્થ ઈન્સ્યોરન્સમાં પ્રીમિયમની કુલ રકમ પર 18 ટકા જીએસટી લાગુ પડાય છે. હેલ્થ મેડિકલ પૉલિસી એટલે કે સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદો અને તેનું કવરેજ . 5 લાખ હોય તો પ્રીમિયમ લગભગ . 11,000 પ્રતિ વર્ષ આવે. તેના પર 18 ટકાના દરે જીએસટી લાગે એટલે 1980 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડે છે અને પ્રીમિયમ 12,980 થઈ જાય છે. આ રીતે ટર્મ પૉલિસી ખરીદનારાએ પણ વધુ પ્રીમિયમ ચૂકવવું પડે છે.

જીએસટી લાગુ કરવામાં આવ્યો એ પહેલાં વીમા પર 15 ટકા ટેક્સ લાગતો હતો પણ 1 જુલાઈ 2017થી જીએસટીનો અમલ શરૂ થયો પછી 18 ટકા ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. વેરાના દરમાં 3 ટકાના આ વધારાની સીધી અસર પ્રીમિયમ પર પડી છે અને પ્રીમિયમ વધી ગયું છે. જીએસટી કાઉન્સિલ પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરે તો પ્રીમિયમ લગભગ 15 ટકા ઘટી જાય પણ સરકાર એ કરવા નથી માગતી કેમ કે પ્રીમિયમ પર જીએસટીમાંથી તોતિંગ કમાણી થાય છે.

નાણાકીય વર્ષ 2023-24માં કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રીમિયમ દ્વારા 8,262.94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય હેલ્થ રિ-ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાંથી 1,484.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મતલબ કે, લગભગ 10 હજાર કરોડ રૂપિયાની કમાણી થયેલી કે જે છોડવાની સરકારની તૈયારી નથી. આ રકમ બહુ મોટી નથી ને બીજી કોઈ પણ લક્ઝુરિયસ આઈટમ પર જીએસટી નાખીને આ ખોટ સરભર કરી શકાય છે પણ સરકાર કદાચ લોકોને રાહત આપવા નથી માગતી. સરકારને ખબર છે કે, લોકો જખ મારીને પણ મેડિકલ હેલ્થ પૉલિસી તો લેશે જ એટલે સરકાર લોકોને ખંખેરી શકાય એટલા ખંખેરવા માગે છે.

મોદી સરકારના મનમાં ખરેખર શું છે એ કળવું મુશ્કેલ છે પણ ભાજપના આંતરિક રાજકારણની અસર પડી હોવાની શક્યતા નકારી ના શકાય. આંતરિક રાજકારણની અસર એ રીતે કે હેલ્થ પ્રીમિયમ પરનો જીએસટી નાબૂદ કરવાની માગણી ભાજપના વરીષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી હતી.

ગડકરીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનને લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ 18 જુલાઈએ ખુલ્લો પત્ર લખીને જીવન અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો જીએસટી હટાવવાની માગ કરી હતી. ગડકરીએ આ પત્રમાં લખ્યું હતું કે, જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા જેવું છે. ગડકરીએ લખ્યું હતું કે નાગપુર ડિવિઝન લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને આ મુદ્દે તેમને આવેદનપત્ર આપીને જીવન-સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પરનો જીએસટી હટાવવાની માગ કરી છે તેથી સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ, ગડકરીએ લખેલું કે યુનિયનનું માનવું છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ પર 18 ટકા જીએસટી આ બિઝનેસના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઇ રહ્યો છે.

નીતિન ગડકરી પહેલાં પણ સરકારની કેટલીક નીતિઓ સામે ગણગણાટ કરી ચૂક્યા છે પણ આ રીતે કોઈ મુદ્દે ખુલ્લેઆમ નહોતા બોલ્યા. મોદી સરકારને સ્પષ્ટ બહુમતી ના મળી પછી રચાયેલી નવી સરકાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવીને ગડકરીએ આકરા તેવર બતાવ્યા હતા. નીતિન ગડકરી આ મુદ્દો કેબિનેટની બેઠકમાં કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામનને અલગથી મળીને ઉઠાવી શક્યા હોત પણ તેના બદલે તેમણે ખુલ્લો પત્ર લખીને પોતે લોકોની સમસ્યાઓ અંગે ચૂપ નથી એવો મેસેજ આપ્યો હતો.

હવે ઈન્સ્યોરન્સ પરનો જીએસટી નાબૂદ કરી દેવાય તો ગડકરીએ અવાજ ઉઠાવ્યો તેથી ટેક્સ નાબૂદ કરવો પડ્યો કે ઘટાડવો પડ્યો એવી છાપ પડે ને ગડકરી હીરો બની જાય. ગડકરી હીરો ના બને એ માટે નિર્ણય ટાળી દેવાયો હોય એ શક્યતા નકારી ના શકાય.

ભાજપમાં બીજા કોઈને જશ ના મળે ને બધો જશ એક જ વ્યક્તિને અપાય એ નવી વાત તો છે નહીં? તેમાં પણ ગડકરી જશ લઈ જાય એવું તો બનવા જ ના દેવાય. ગડકરી મોદી સરકારમાં સૌથી સારું કામ કરનારા મિનિસ્ટર ગણાય છે છતાં તેનો જશ કદી અપાતો નથી ત્યારે આ તો કરોડો લોકોના હીરો બનાવવાની વાત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button