એકસ્ટ્રા અફેર

કોહલી, રોહિત, રવીન્દ્ર ગૌરવપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શનિવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી.

વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી.

વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાનક઼ું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી. તેમાં પણ અત્યારે તો ભારતીય ક્રિકેટ ટીમ ટોપ પર છે ને આ ત્રણેય ખેલાડી વ્યક્તિગત રીતે પણ લોકોના હીરો છે. તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘં કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય.

વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ પોતપોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં પોતાનાથી શક્ય હતો એવો શ્રેષ્ઠ દેખાવ કરી લીધો અને હવે આનાથી બહેતર દેખાવ કરી શકે તેમ નથી. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ કરિયરમાં 159 મેચોની 151 ઈનિંગમાં 31.34ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા છે કે જેમાં 5 સદી અને 32 અડધી સદી છે. ટી20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા સૌથી વધુ રન ફટકારવામાં બીજા નંબરે છે. રોહિત શર્માએ 8 મેચની 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ની સ્ટ્રાઇક રેટથી 257 રન નોંધાવ્યા હતા. અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે 8 મેચમાં 281 રન બનાવ્યા હતા. રોહિતે પોતાની છેલ્લી ઇનિંગમાં 9 રન બનાવ્યા હતા અને થોડાક વધારે રન કર્યા હોત તો ટોપ પર હોત.

રોહિત શર્મા ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને ગ્લેન મેક્સવેલ સાથે સૌથી વધુ સદી ફટકારવામાં ટોપ પર છે. બેટ્સમેન તરીકે હવે રોહિત શર્મા વધારે કંઈ કરી શકે તેમ નથી. એક ખેલાડી તરીકે રોહિત શર્મા 2007ની મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો ને બે વર્લ્ડકપ જીતનાર ટીમના સભ્ય હોવું બહુ મોટા ગૌરવની વાત છે.

કેપ્ટન તરીકે પણ રોહિત શર્માનો રેકોર્ડ પ્રભાવશાળી છે. કપિલ દેવ (1983) અને મહેન્દ્રસિંહ ધોની (2007 અને 2011) પછી રોહિત શર્મા ભારતનો વર્લ્ડ કપ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 50 ટી 20 મેચ જીતનારો પ્રથમ કેપ્ટન છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડકપ જીતનારી સૌપ્રથમ ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું છે અને કેપ્ટન તરીકે રોહિત શર્માએ ભારતના 11 વર્ષ જૂના આઇસીસી ટ્રોફીના દુકાળનો પણ અંત આણ્યો છે.

વિરાટ કોહલીની ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટ કારકિર્દી પણ યશસ્વી છે. વિરાટે 125 મેચની 117 ઇનિંગ્સમાં 48.69ની એવરેજ સાથે 4188 રન બનાવ્યા છે કે જેમાં એક સદી અને 38 અડધી સદી છે. વિરાટ કોહલીનો ટી 20માં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન હતો. વિરાટ કોહલી 31 વખત અણનમ રહ્યો છે અને તેણે 369 ફોર અને 124 સિક્સર ફટકારી છે. ભારતીય ટીમે 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું તેમાં વિરાટ કોહલીએ ટીમ માટે 76 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

રવીન્દ્ર જાડેજાની કારકિર્દી પણ સારી જ છે.
જાડેજાએ ભારત માટે 74 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે કે જેમાં 515 રન બનાવ્યા અને 54 વિકેટ લીધી. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમમાં છે. ફેબ્રુઆરી 2009 માં શ્રીલંકા વિરુદ્ધ પહેલી મેચ રમનારા જાડેજાનું શ્રેષ્ઠ પ્રદર્શન 2022 માં ઈંગ્લેન્ડ સામે હતું કે જ્યાં તેણે 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ મેચ 49 રને જીતી લીધી હતી. બોલિંગમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 2021 ટી 20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે હતું કે જ્યાં તેણે દુબઈમાં 15 રનમાં 3 વિકેટ લીધી હતી. જાડેજા છ ટી 20 વર્લ્ડ કપ રમ્યા છે. વર્લ્ડ કપ 2024માં રવીન્દ્ર જાડેજાએ 5 ઇનિંગ્સમાં 22 બોલમાં 35 રન બનાવ્યા અને 14 ઓવર નાખીને 1 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજા એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી ત્રણેય ફોર્મેટમાં ભારતની ટીમમાં હતા અને હજુ ટેસ્ટ અને વનડે તો રમશે જ.

વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button