રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી બતાવી એ સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ જશે એવી અટકળો પાછી શરૂ થઈ ગઈ છે.
શનિવાર ને 22 જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કહી દીધું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે અને હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યો સાથે મળીને પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ લાદવો એ નક્કી કરી શકે છે.
નિર્મલાના નિવેદનના કારણે એવી વાતો વહેતી થઈ ગઈ છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા વિચારી રહી છે તેથી પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલનો 94.72 રૂપિયા પ્રતિ લિટર છે પણ પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવી દેવાય તો લિટરના 75 રૂપિયા પ્રતિ લિટર થઈ જાય. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલના ભાવ લગભગ 95-100 રૂપિયા લિટરના છે તેથી આપણે ત્યાં પણ 95થી 100 રૂપિયાની વચ્ચે ભાવ આવી જાય.
અત્યારે એક લિટર પેટ્રોલ પર લગભગ 36 રૂપિયા ટેક્સ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જાય છે. પેટ્રોલની પડતર કિમત તો લગભગ 60 રૂપિયાની આસપાસ છે ને તેમાં ટ્રાન્સપોર્ટેશન ને સરકાર દ્વારા ડીલરોને અપાતું કમિશન પણ આવી ગયું. જો કે કેન્દ્ર અને રાજ્યોના જંગી ટેક્સના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે અને સરકારની તિજોરી છલકાય છે. હવે પેટ્રોલ અને ડીઝલને જીએટીને 28 ટકા સ્લેબમાં રાખવામાં આવે તો પણ 60 રૂપિયાની પડતર કિમત પર 16 રૂપિયા ટેક્સ લાગે તો પણ લિટરનો ભાવ 76 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ થઈ જશે.
પેટ્રોલનો ભાવ 20 રૂપિયા ઘટી જાય તો લોકોને ભારે રાહત મળે તેમાં કોઈ શક નથી તેથી લોકોને પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવે એ વાતમાં તરત રસ પડી જાય છે પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી. તેનું કારણ એ કે, રાજ્ય સરકારો ડીઝલ- પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવવા માટે કદી તૈયાર થવાનાં નથી.
કેન્દ્ર સરકાર પણ આ વાત સારી રીતે જાણે જ છે તેથી તેણે પોતે લોકોની નજરમાં સારા દેખાવા માટે પોતે ડીઝલ- પેટ્રોલ જીએસટીના દાયરામાં લાવવા તૈયાર હોવાનું જાહેર કરી દીધું. વાસ્તવમાં આ કેન્દ્ર સરકારનો લોકોને બેવકૂફ બનાવવાનો વધુ એક દાવ છે.
રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાના બદલે હાલની વ્યવસ્થા ચાલુ રાખીને તેના પર વેટ નથી ચાલુ રહે એવું ઈચ્છે છે. તેનું કારણ એ છે કે, રાજ્યોને તેમાંથી જંગી આવક થાય છે. જીએસટી આવ્યા પછી રાજ્યો પાસે આવકના જીએસટી સિવાય મોટા કોઈ સ્રોત રહ્યા નથી. દારૂબંધી નથી એ રાજ્યો શરાબ પરની એક્સાઈઝમાંથી કમાય છે. એ સિવાય સ્ટેમ્પ ડ્યૂટી, ખાણ-ખનિજ રોયલ્ટી, વાહન રજિસ્ટે્રશન ટેક્સ, ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી, જમીનને લગતી મહેસૂલી આવક જેવા નાના નાના સ્રોત છે પણ જંગી કમાણી પેટ્રોલ-ડીઝલના વેટમાંથી જ થાય છે.
આ કમાણીના કારણે રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા દેતાં નથી અને લાવવા દેશે પણ નહીં. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી લોકોને રાહત આપવી હોય તો તેને જીએસટીના દાયરામાં લાવી દેવાં જોઈએ પણ રાજ્યો એ માટે કદી તૈયાર થવાનાં નથી.
મોદી સરકાર આ કારણે જ પહેલાં પણ પોતે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર હોવાનું કહી ચૂકી છે પણ રાજ્યો તૈયાર નથી એટલે પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવી શકાતાં નથી એવું કહીને હાથ ખંખેરી નાખે છે.
મોદી સરકાર ખરેખર લોકોને રાહત આપવા માગતી હોય તો તેણે રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર થાય કે ના થાય તેની રાહ જોવાની જરૂર નથી, રાજ્ય સરકારો તૈયાર થાય કે ના થાય, કેન્દ્ર સરકાર પોતે પહેલ કરીને લોકોને રાહત આપી જ શકે. કેન્દ્ર પણ એકસાઈઝમાં ઘટાડો કરીને રાહત આપી જ શકે છે.
અત્યારે પેટ્રોલ-ડીઝલ પર રાજ્યો વેટ લે છે જ્યારે કેન્દ્ર સરકાર એક્સાઈઝ લે છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો જીએસટીની જે આવક થાય એ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વહેંચાય. હવે રાજ્યો પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર ના હોય તો કેન્દ્ર સરકાર પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની કડાકૂટ બાજુ પર મૂકીને એક્સાઈઝ ઘટાડી જ શકે.
કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ તેને જીએસટીમાંથી જેટલી આવક થતી હોય એટલી કરી જ શકે. કેન્દ્ર સરકાર એવું કરે તો પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે ઓછામાં ઓછો 10 રૂપિયાનો ઘટાડો તો થઈ જ જાય. કેન્દ્ર સરકાર પોતે લોકોને એ રાહત આપવા તૈયાર કેમ નથી થતી ? લોકોની એટલી ચિંતા હોય તો એક્સાઈઝ ઘટાડી દો ને?
મોદી સરકાર એવું નથી કરવાની કેમ કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં મોદી સરકારનું જ સૌથી મોટું યોગદાન છે. મોદી સરકારે તક મળી છે ત્યારે એક્સાઈઝ વધારી વધારીને લોકોને બરાબરનાં ખંખેર્યાં જ છે. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ સદીને પાર છે એ માટે મોદી સરકાર વધારે જવાબદાર છે કેમ કે, મોદી વડા પ્રધાન બન્યા પછી 10 વર્ષમાં પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં આંખો ફાટી જાય એટલો બેફામ વધારો કરાયો છે. છેલ્લાં 10 વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ એટલા વધ્યા નથી કે પેટ્રોલ-ડીઝલના ભાવ સદીને પાર થઈ જાય પણ એક્સાઈઝ ડ્યૂટીમાં તોતિંગ વધારો ચોક્કસ થયો છે.
લોકસભાની 2014ની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને ભવ્ય જીત મેળવી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી લિટરે રૂપિયા 9.48 હતી જ્યારે ડીઝલ પર લિટરે રૂપિયા 3.54 એક્સાઈઝ ડયૂટી હતી. અત્યારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂપિયા 19.90 અને ડીઝલ પરની એક્સાઈઝ પ્રતિ લિટર 15.80 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પહેલાં મોદી સરકારે તબક્કાવાર વધારો કરી કરીને પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા 32.98 કરી નાખી હતી જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી વધારીને લિટરે 31.83 રૂપિયા કરી નાખી હતી. એ તો પછી ચૂંટણીઓમાં હાર થઈ એટલે વચ્ચે વચ્ચે એક્સાઈઝના રેટ ઘટાડ્યા તેમાં અત્યારે એક્સાઈઝ ઓછી છે.
હવે કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોની આ માનસિકતા હોય ત્યાં લોકોને રાહત આપવાની અપેક્ષા ક્યાંથી રખાય?