અયોધ્યામાં લોકોની નારાજગી મહત્ત્વની કે મહંતનો રોફ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી ને નરેન્દ્ર મોદી અજેય છે, કદી હારે જ નહીં એવા ભ્રમનો લોકોએ ભાંગીને ભુક્કો કરી નાંખ્યો એ આઘાતની કળ હજુ ભક્તોને વળી નથી. મોદી હિંદુત્વના તારણહાર છે ને મોદી નહીં હોય તો આ દેશમાંથી હિંદુઓ નેસ્તનાબૂદ થઈ જશે, મુસલમાનો ચડી બેસશે એવો ભ્રમ ઊભો કરવામાં ભક્તોએ કોઈ કસર નહોતી છોડી. અલબત્ત દેશનાં લોકોને આ વાત હજમ ના થઈ તેમાં ભાજપ હારી ગયો ને નીતીશ કુમાર તથા ચંદ્રબાબુ નાયડુ જેવા હળાહળ મુસ્લિમતરફી નેતાઓના પગ પકડીને મોદી સાહેબે સરકાર બનાવવી પડી ને ચલાવવી પડી રહી છે.
ભક્તોને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેનો જેટલો આઘાત લાગ્યો એટલો જ આઘાત અયોધ્યા-ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપનું પડીકું થઈ ગયું એ વાતનો લાગ્યો છે. એ લોકો એવું માનીને જ બેસી ગયેલા કે, ચૂંટણી પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી નાંખી એટલે ઉત્તર પ્રદેશમાં ભગવાન રામના નામની લહેર ફર વળશે ને ભાજપ ભગવાનના નામે ચરી ખાઈને યુપીની લોકસભાની બધી 80 બેઠકો કબજે કરીને સપાટો બોલાવી દેશે. 80 લોકસભા બેઠકો લેવાની વાત છોડો પણ ભાજપ પોતાની પાસે હતી એ 63 બેઠકો પણ સાચવી ના શક્યો ને સીધો 33 બેઠકો પર આવી ગયો. મોદીની ગેરંટી ને યોગી આદિત્યનાથનું બુલડોઝર કશું ભાજપને ના બચાવી શક્યું. બલ્કે, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના બુલડોઝર નીચે ભાજપ જ કચડાઈ ગયો.
ભાજપ માટે સૌથી આઘાતજનક પરિણામો અયોધ્યામાં આવ્યાં. અયોધ્યામાં ભાજપના બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા લલ્લુસિંહની ટક્કર સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ સામે હતી. અયોધ્યામાં મોદી સાહેબે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવડાવી દીધું છે એવો ભ્રમ ઊભો કરી દીધો છે એટલે લલ્લુસિંહને કોઈ નહીં હરાવી શકે એવા તોરમાં ભાજપવાળા હતા પણ અવધેશ પ્રસાદ જોરાવર સાબિત થયા. અવધેશ પ્રસાદે લલ્લુસિંહને 54,567 મતે હરાવીને સોપો પાડી દીધો. નવ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અવધેશ પ્રસાદ સપાના અગ્રણી દલિત નેતા છે. તેમણે ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ લલ્લુસિંહને એવી કારમી હાર આપી કે, ભાજપના ભક્તોને તમ્મર આવી ગયા.
અયોધ્યામાં ભાજપની હારના કારણે ભક્તોને એટલો આઘાત લાગી ગયેલો કે, બે દિવસ સુધી તો તેમના મોંમાંથી અવાજ જ નિકળી નહોતો શકતો. એ પછી હિંદુઓને ગદ્દાર કહીને એ લોકો પોતાની ખિજ કાઢી રહ્યા છે. હવે ભાજપને મત નહીં આપનાર ગદ્દાર કહેવાય કે મુસ્લિમોને ઓબીસી અનામતમાંથી 4 ટકા અનામત ને મુલ્લા-મૌલવીઓને દર મહિને પગાર આપવાનું એલાન કરનારા ચંદ્રબાબુના પગોમાં સત્તા માટે આળોટી જનારા હિંદુઓના ગદ્દાર કહેવાય એ હિંદુઓ નક્કી કરશે પણ આ આઘાતની કળ ધીરે ધીરે વળવા માંડી પછી ભાજપ ને તેના પીઠ્ઠુ એવા નેતાઓએ અયોધ્યામાં ભાજપ કેમ હાર્યો તેનું પિષ્ટપિંજણ શરૂ કર્યું છે.
આ પિષ્ટપિંજણના અંતે શું તારણ નિકળે છે ને કોના પર હાર માટે દોષનો ટોપલો ઢોળી દેવાય છે તેની ખબર થોડા દિવસો પડશે પણ ભાજપ અને હિંદુવાદી નેતાઓ જે રીતે વર્તી રહ્યા છે એ જોયા પછી ભાજપ ખરેખર કેમ હાર્યો એ વિશે કશું કહેવાની જરૂર નથી. આ કહેવાતા હિંદુવાદી નેતાઓને લોકોએ કેમ નારાજ થઈને ભાજપને મત ના આપ્યા તેની કંઈ પડી નથી પણ હવે હનુમાનગઢીના મહંત રાજુ દાસને રાજ્ય સરકારે સુરક્ષા માટે આપેલો ગનમેન પાછો ખેંચી લીધો એ પ્રાણપ્રશ્ન લાગે છે.
અયોધ્યાના મતદારોની નારાજગી દૂર કરવા શું કરવું તેની કોઈ વાત કરતું નથી પણ મહંત રાજુ દાસની સુરક્ષા કેમ પાછી ખેંચી લેવાઈ તેને કહેવાતા હિંદુ નેતાઓએ અહમનો પ્રશ્ન બનાવી દીધો છે ને આ મુદ્દે છેક ઉપર લગી એટલે કે ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા લગી રજૂઆત કરી દેવાઈ. મહંક રાજુ દાસે તો પોતાની સુરક્ષા હટાવવીને પોતાની હત્યાનું ષડયંત્ર રચાયું હોવાનો આક્ષેપ પણ કરી દીધો છે.
અયોધ્યામાં ચાલી રહેલા આ તાયફાને વિગતવાર સમજવવાની જરૂર છે. આ તાયફાના મૂળમાં મહંત રાજુ દાસે અયોધ્યામાં હાર પછી કરેલાં નિવેદનો જવાબદાર છે. મહંતે ભાજપની હાર માટે અધિકારીઓને જવાબદાર ગણાવીને અધિકારીઓને ગાળાગાળી કરી હતી. રાજુ દાસ ટૂણિયાટ સાધુ છે પણ ભાજપના જોરે મોટા ભા બની ગયા છે. ભાજપની સરકારે તેમને ત્રણ ગનમેન સુરક્ષા માટે પૂરા પાડેલા તેમાં પોતાને તુર્રમખાં સમજતા હતા. આ ગાળાગાળી પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટે્રટે મહંતને તેમની હૈસિયત બતાવવા માટે 2 ગનમેનને હટાવી દીધા. તેના કારણે કકળાટ ચાલુ થઈ જ ગયેલ ત્યાં ભાજપની હારની સમીક્ષા માટે ગુરુવારે રાત્રે 11 વાગ્યે સરયુ ગેસ્ટ હાઉસમાં બોલાવાયેલી બેઠકમાં તડાફડી થઈ ગઈ.
આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો, મેયર અને ભાજપના પદાધિકારીઓ હાજર હતા. યોગી સરકારના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને જયવીર સિંહ પણ હાજર હતા. બેઠકમાં રાજુ દાસને પણ બોલાવાયેલા ને તેમણે અધિકારીઓને ગાળાગાળી કરી એટલે જિલ્લા મેજિસ્ટે્રટે ત્રીજા ગનમેનને પણ ઘરે જતા રહેવાનું કહી દીધું તેમાં રાજુ દાસની ફાટી ગઈ. સરકારી સુરક્ષા દૂર કરાતાં કોઈ પતાવી દેશે એવા ફફડાટમાં તેમણે દેકારો મચાવી દીધો છે.
આ દેકારો ચાલુ છે ને તેને અહમનો મુદ્દો બનાવી દેવાયો છે. પરિણામે અયોધ્યામાં ભાજપની હારનાં કારણો બાજુ પર રહી ગયાં છે. આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા મુખ્ય હતા. અયોધ્યાનાં ઘણા ગામોના લોકો રામ મંદિર અને એરપોર્ટની આસપાસ વિકાસ કરવાના બહાને થઈ રહેલા જમીન સંપાદનથી નારાજ હતા તેથી તેમણે ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કર્યું એવું કહેવાય છે.
સાંસદ લલ્લુસિંહે 400 બેઠકો મળશે તો ભાજપ બંધારણ બદલી દેશે એવું કહેલું. પેપર લીક પણ મોટું પરિબળ હતું. રામ મંદિરની ભવ્યતાએ બહારના લોકોને પ્રભાવિત કર્યા પણ શહેરના રહેવાસીઓ અસુવિધાથી નાખુશ છે એવું કહેવાય છે. રામ પથના નિર્માણ દરમિયાન, સ્થાનિક લોકોને વચન આપવામાં આવ્યું હતું કે, તેમને દુકાનો ફાળવવામાં આવશે પણ કોઈને દુકાનો મળી નથી. મંદિર તરફ જતા રસ્તાઓને પહોળા કરવા ઘણા લોકોના ઘર તોડી પડાયાં એવું પણ કહેવાય છે.
ભાજપે આ મુદ્દા સાચા છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ અને હિંદુવાદીઓને હિંદુઓની ચિંતા હોય તો આ જમીનોના મુદ્દે લોકોનો અસંતોષ દૂર કરવો જોઈએ પણ તેના બદલે એ લોકો મહંત રાજુ દાસનો ગનમેન પાછો ખેંચાયો એવી છૂંછા જેવી વાતને ચગાવી રહ્યા છે.