એકસ્ટ્રા અફેર

મસ્કની વાતને ભારતનાં ઈવીએમ સાથે શું લેવાદેવા?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં લોકસભાની બે છેલ્લી ચૂંટણી વખતે ચૂંટણી પતી કે તરત જ ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (EVM)નો વિવાદ ઊભો થઈ ગયેલો કેમ કે ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત્યો હતો. ભાજપ ઈવીએમમાં ગરબડો કરીને જીતે છે એ પ્રકારના આક્ષેપો વિપક્ષના નેતા શરૂ કરી દેતા. પોતાની નબળાઈઓને ઢાંકવા માટે વિપક્ષી નેતાઓ ઈવીએમના નામે ચરી ખાતા.
આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી ને ભાજપનો રથ 240 બેઠકો પર આવીને અટકી ગયો એટલે કોઈ ઈવીએમની વાત કરતું નહોતું. ભાજપ ઈવીએમમાં ગરબડો કરે છે એવો કોઈ આક્ષેપ આ વખતે ના થયો તેથી ઈવીએમનો મુદ્દો ભૂલાઈ જ ગયેલો ત્યાં મુંબઈના એક અખબારમાં છપાયેલા અહેવાલે પાછો ઈવીએમના વિવાદનો મધપૂડો છેડી દીધો છે. આ અહેવાલના કારણે ઈવીએમ જોખમી છે અને હેક કરી શકાય છે એવી ચર્ચા પાછી શરૂ થઈ ગઈ છે.

આ અહેવાલમાં દાવો કરાયેલો કે, એકનાથ શિંદેની શિવસેનાના મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકરે મોબાઈલ ફોનની મદદથી ઓટીપી મેળવીને ઈવીએમ અનલોક કર્યા હતા અને ગરબડ કરી હતી. તેના કારણે રવિન્દ્ર વાયકર શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર સામે અંતે માત્ર 48 મતોના માર્જિનથી જીતી ગયા હતા.

આ અહેવાલના કારણે બબાલ ઊભી થયેલી જ ને બાકી હતું તે વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (ઊટખ)ને હેક કરી શકાય છે એવી ટ્વીટ કરીને પૂરું કરી નાંખ્યું. ઈલોન મસ્કે 15 જૂન ને રવિવારે ટ્વીટ કરી છે કે, ઈલેક્ટ્રોનિકસ વોટિગ મશીન સિસ્ટમને ખતમ કરી દેવી જોઈએ કેમ કે ઈવીએમને માણસો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) દ્વારા હેક કરી શકાય એવું જોખમ છે. આ રીતે હેકિગની શક્યતા ઓછી છે પણ લોકશાહીમાં કોઈ ચાન્સ ના લઈ શકાય એ જોતાં આ બહુ મોટું જોખમ છે. આ સંજોગોમાં અમેરિકામાં ઈવીએમ દ્વારા વોટિગ ન થવું જોઈએ.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઈલેક્ટ્રોનિક વોટિગ મશીન (ઊટખ)ને બ્લેક બોક્સ ગણાવીને મસ્કની ટ્વીટને રી-ટ્વીટ કરી. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ જેવું છે કે જેની તપાસ કરવાની કોઈને મંજૂરી નથી. અમે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે પણ કોઈ સાંભળતું નથી. રાહુલ તો ચૂંટણી પંચને પણ આડે હાથ લેતાં કહ્યું છે કે, સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી ઢોંગ બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.

મસ્કના ટ્વીટ સામે કેરળમાંથી ચૂંટણી હારી ગયેલા ભાજપના રાજીવ ચંદ્રશેખરને દાવો કર્યો કે, એલન મસ્ક કહે છે એ રીતે કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવી શકે નહીં. ફેક્ટરી પ્રોગ્રામ કંટ્રોલરને ફરીથી પ્રોગ્રામ કરી શકાતા નથી તેથી ભારતીય ઈવીએમને હેક ના કરી શકાય.

ભારતીય ઈવીએમ સુરક્ષિત છે અને કોઈપણ નેટવર્ક અથવા મીડિયાથી અલગ છે. ભારતનાં ઈવીએમની કોઈની સાથે કનેક્ટિવિટી નથી, બ્લૂટૂથ, વાઇફાઇ, ઇન્ટરનેટ સાથે જોડાયેલાં નથી. તેનો અર્થ એ કે હેક કરવા માટે કોઈ રસ્તો નથી.

જો કે રાજીવ ચંદ્રશેખરે સ્વીકાર્યું છે કે, મસ્કનું નિવેદન યુએસ અને બીજે લાગુ થઈ શકે છે કે જ્યાં ઇન્ટરનેટ-કનેક્ટેડ વોટિગ મશીનો બનાવવા માટે નિયમિત રીતે કમ્પ્યુટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. મતલબ કે, ઈવીએમ હેક કરી શકાય છે. ભૂતપૂર્વ આઈટી મિનિસ્ટર ચંદ્રશેખરે તો કટાક્ષ પણ કર્યો છે કે, ભારતમાં ઈવીએમને હેક કરવાં શક્ય નથી તેથી તમે પણ ઈવીએમને ભારતની જેમ જ ડિઝાઇન કરો અને અમને તમારા માટે ટ્યુટોરીયલ ચલાવવામાં ખુશી થશે.

ભારતમાં નેતાઓ હલકી વાતો કરવામાં હોંશિયાર છે ને તેનો નમૂનો રાજીવ ચંદ્રશેખરે પૂરો પાડ્યો છે કેમ કે એલન મસ્કે ભારતીય ઈવીએમના સંદર્ભમાં વાત જ કરી નથી. મસ્ક તો અમેરિકામાં ઈવીએમનો ઉપયોગ નહીં કરવાની જ તરફેણ કરે છે કે જેની સાથે આપણને કંઈ લેવાદેવા નથી. મસ્કે પણ અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરની પોસ્ટ રિ-પોસ્ટ કરેલી.

કેનેડી જુનિયરે પ્યુર્ટો રિકોની ચૂંટણીમાં ઈવીએમ દ્વારા થયેલી ગેરરીતિઓની વાત કરીને પેપર બેલેટથી મતદાનની તરફેણ કરેલી ને મસ્કે તેને ટેકો આપેલો. પોતાના દેશમાં શું કરવું એ વિશે મસ્ક કંઈ પણ કહે તેની સાથે આપણને નાહવા-નિચોવવાનો સંબંધ નથી. આપણને લેવાદેવા મુંબઈમાં રવિન્દ્ર વાયકરના સાળાએ ઈવીએમ હેક કર્યું હતું કે નહીં તેની સાથે છે ને એ મુદ્દે ચંદ્રશેખર ચૂપ છે.

રવિન્દ્ર વાયકરનો મુદ્દો ગંભીર છે અને આપણી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા સામે શંકા ઉભી કરનારો છે. અખબારના અહેવાલ પ્રમાણે, ચાર જૂને લોકસભાની ચૂંટણીની મતગણતરી વખતે મુંબઈ નોર્થ-વેસ્ટ લોકસભા બેઠકના શિવસેના (શિંદે)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર ચૂંટણી અધિકારીના મોબાઈલ ફોન સાથે ગોરેગાંવના મતગણતરી કેન્દ્રની અંદર ગયા હતા.

અખબારના અહેવાલ પ્રમાણે, ચૂંટણીપંચના અધિકારી પાસે જે મોબાઈલ ફોન હતો તેનાથી મત ગણતરી દરમિયાન ઓટીપી જનરેટ થાય છે અને આ ઓટીપી નાંખવાથી ઈવીએમ અનલોક કરી શકાય છે. પોલીસને શંકા છે કે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી સાંજના 4.30 વાગ્યા સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મતગણતરી દરમિયાન ભારે રસાકસી હતી અને આખરે, વાયકર શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર પર માત્ર 48 મતોના માર્જિનથી જીતી ગયા. 2024ની લોકસભા ચૂંટણીમાં વાયકર સૌથી ઓછા અંતરે જીત્યા છે.

ચૂંટણી પંચ તો આ મુદ્દે ચૂપ જ હતું પણ અખબારના રિપોર્ટના પગલે ચૂંટણી પંચે છેવટે ફરિયાદ કરવી પડી. આ ફરિયાદના આધારે મુંબઈ પોલીસે છેક 15 જૂને મંગેશ પાંડિલકર અને એક ચૂંટણી અધિકારી સામે કેસ નોંધ્યો છે. સવાલ એ છે કે, ચૂંટણી પંચને આ પહેલાં કેમ ખબર ના પડી કે અધિકારી વાયકરના સાળા સાથે મળીને ગરબડમાં સામેલ છે ? ચૂંટણી પંચના દાવા પ્રમાણે વાયકરના સંબંધી ગૌરવને જે મોબાઈલ રાખવા દીધો હતો તે મોબાઈલ તેનો જ હતો.

પંચે તો પોતાના અધિકારીઓ સામે તપાસ કરવાની તૈયારી પણ નથી બતાવી. પંચના કહેવા પ્રમાણે, અમે આંતરિક તપાસ કરીશું કે નહીં તે પોલીસ તપાસ બાદ નક્કી કરવામાં આવશે.
ઈવીએમ હેક થઇ શકે કે નહીં એ મુદ્દો અલગ છે પણ આ પ્રકારની ગરબડ ગંભીર કહેવાય. પંચને તેની તપાસમાં પણ ખચકાટ કેમ થાય છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…