પહેલા તબક્કાના મતદાનમાં તમિલનાડુ સૌથી મહત્ત્વનું

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાનનો તખ્તો તૈયાર છે. આજે એટલે કે 19 એપ્રિલે પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં કુલ 102 બેઠકો પર મતદાન થશે અને તેમાં ઘણી બેઠકો હાઈપ્રોફાઈલ પણ છે.
લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થવાની છે ને તેમાંથી બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ ત્રણ રાજ્યોમાં તમામ તબક્કામાં મતદાન થવાનું છે તેથી પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 3 અને બિહારમાં 4 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. અલબત્ત સૌથી મહત્વનું રાજ્ય તમિલનાડુ છે કેમ કે તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો પર શુક્રવારે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભાની બેઠકોની રીતે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહાર પછી તમિલનાડુ પાંચમા નંબરનું રાજ્ય છે.
તમિલનાડુની ચૂંટણી એ રીતે પણ મહત્વની છે કે, મોદીએ આ વખતે તમિલનાડુમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. મોદી પોતે લોકસભાની ચૂંટણી જાહેર થઈ પછી સાત વખત તમિલનાડુમાં સભાઓ કરવા જઈ ચૂક્યા છે. મોદીએ તમિલનાડુમાં સનાતનનો મુદ્દો સતત ઉઠાવ્યો છે અને મોદી સતત એક જ વાત કહ્યા કરે છે કે, ડીએમકે અને કૉંગ્રેસ સનાતન ધર્મને ખતમ કરવા માટે લડી રહ્યા છે. મોદીએ પણ કિચ્ચાતીવુ શ્રીલંકાને આપી દેવાયું એ મુદ્દો પણ ઉઠાવેલો પણ તેવી હવા નિકળી ગઈ. લોકોને અત્યારે એ મુદ્દો પણ યાદ નથી. મોદીના આક્રમક પ્રચારના કારણે ભાજપને વિશ્વાસ છે કે આ વખતે તમિલનાડુમાં પણ ભાજપ આઠ-દસ બેઠકો જીતવામાં સફળ થશે.
ભાજપનો આ આશાવાદ વધારે પડતો લાગી રહ્યો છે કેમ કે તમિલનાડુનું રાજકારણ દેશનાં તમામ રાજ્યોથી અલગ છે. વરસોથી તમિલનાડુમાં દ્રવિડ સંસ્કૃતિ આધારિત રાજકારણ રમાય છે અને આ રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનો જ ગજ વાગે છે. ભાજપે આ વખતે સનાતન ધર્મને મુદ્દો બનાવીને તમિલનાડુના રાજકારણને બદલવાની કોશિશ કરી છે પણ તેના કારણે ભાજપ તમિલનાડુમાં આઠ-દસ બેઠકો જીતી શકે એ વાત વધારે છે. બધું ભાજપની તરફેણમાં રહ્યું તો ભાજપ પોતાના પ્રભાવવાળી ચાર બેઠકો પર જીતી શકે તેમ છે.
તમિલનાડુમાં ભાજપનો ચહેરો મનાતા અન્નામલાઈ કોઈમ્બતુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે નૈના નાગેન્દ્રનને દક્ષિણ તામિલનાડુની તિરુનેલાવેલી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ભાજપે તમિલીસાઈ સૌંદરરાજનને તેલંગાણાનાં રાજ્યપાલપદેથી રાજીનામું અપાવીને દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી ટિકિટ આપી છે જ્યારે ક્નયાકુમારીથી પોન રાધાકૃષ્ણનને ટિકિટ આપી છે. આ ચાર બેઠકો પર ભાજપ જીતની આશા રાખી શકે છે.
આ પૈકી સૌથી મજબૂત ઉમેદવાર નાગેન્દ્રન છે. નાગેન્દ્રન વિધાનસભામાં ભાજપના નેતા છે અને અગાઉ એઆઈએડીએમકેમાં હતા. નાગેન્દ્રન મજબૂત ઉમેદવાર છે અને પોતાની તાકાત પર વિધાનસભામાં જીતે છે તેથી લોકસભામાં પણ જીતી શકે છે. દક્ષિણ ચેન્નાઈ બેઠક પર ભાજપનો પ્રભાવ વધી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં બ્રાહ્મણ મતદારો છે કે જે જયલલિતાના સમર્થક હતા, પરંતુ હવે તેઓ ભાજપ તરફ ઝૂકી રહ્યા છે તેથી તમિલીસાઈની જીતની આશા રાખી શકાય છે.
ક્નયાકુમારીમાં ભાજપના ઉમેદવાર પોન રાધાકૃષ્ણન ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે, તેમની ઈમેજ ઘણી સારી છે અને પહેલાં પણ ક્નયાકુમારી બેઠક પરથી જીત્યા હતા. . ક્નયાકુમારીમાં ભાજપ પહેલાંથી જ મજબૂત છે તેથી જીતી શકે છે પણ ભાજપે સૌથી વધારે તાકાત કોઈમ્બતુર બેઠક પર લગાવી છે.
ભાજપે કોઈમ્બતુરમાં 1998 અને 1999ની લોકસભા ચૂંટણી જીતી હતી. કોઈમ્બતુરમાંથી સી.પી. રાધાકૃષ્ણ સળંગ બે વાર જીત્યા હતા પણ તેમાંથી પહેલી વાર જયલલિતાની એઆઈએડીએમકે ભાજપ સાથે હતી. ભાજપ આ વખતે અન્નામલાઈની તાકાત પર આ બેઠક જીતવા માગે છે. અન્નમલાઈ તમિલનાડુમાં હિંદુત્વનો નવો ચહેરો મનાય છે તેથી કોઈમ્બતુરમાં અન્નામલાઈ ચાલી જશે એવું ભાજપને લાગે છે.
કોઈમ્બતુરમાં 14 ફેબ્રુઆરી, 1998ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા પછી હિન્દુત્વનું રાજકારણ શરૂ થયું. ભાજપે હિંદુત્વને સ્થાનિક ઉમેદવારના જોરે 1998 અને 1999ની લોકસભા ચૂંટણી જીતી હતી પણ પછી ભાજપનાં વળતાં પાણી શરૂ થયાં. સંઘ અને ભાજપને લાગે છે કે અહીં ધર્મના નામે ધ્રુવીકરણ થઈ શકે છે. 1998માં લાલકૃષ્ણ અડવાણીની સભા પહેલાં બોમ્બ બ્લાસ્ટ થયેલો. 2016માં પણ એક હિંદુની હત્યા બાદ કેટલીક મસ્જિદો અને ચર્ચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કારણે હિંદુત્વનો પ્રભાવ હોવાનું ભાજપને લાગે છે.
કાપડ ઉદ્યોગનું હબ કહેવાતા કોઈમ્બતુરમાં ઉત્તર ભારતીયો પણ મોટી સંખ્યામાં છે તેથી પણ ભાજપને લાગે છે કે, કોઈમ્બતુરમાં જીતી શકાય છે. ઉત્તર ભારતીયો મોટાભાગે બિઝનેસમેન છે અને તેમાં રાજસ્થાનના લોકો વધુ છે. ભાજપનો મોટો મદાર આ મતબેંક પર છે પણ સૌથી મોટો મદાર અન્નામલાઈની ઈમેજ અને તેમની જ્ઞાતિ પર છે. દક્ષિણ તામિલનાડુમાં ગૌંડર જ્ઞાતિ સૌથી શક્તિશાળી છે. આ સમુદાયમાં પલાનીસ્વામી સૌથી મોટા નેતા છે.
આ સમુદાયે 2021ની ચૂંટણીમાં ડીએમકે છવાઈ ગયેલો પણ દક્ષિણ તમિલનાડુમાં ભાજપ અને એઆઈએડીએમકેએ ગઠબંધન માટે સપાટો બોલાવેલો. આ જોડાણે જીતેલી 75 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો દક્ષિણ તમિલનાડુની છે. ભાજપે અન્નમલાઈને પોતાના નેતા બનાવ્યા તેનું એક કારણ એ પણ છે કે, અન્નામલાઈ ગૌંડર છે. અન્નામલાઈ પોતે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગૌંડરક સમુદાય પોતાની સાથે રહેશે એવો ભાજપને વિશ્વાસ છે.
અલબત્ત ભાજપે ડીએમકે સામે લડવાનું છે તેથી આ સમીકરણો કેટલાં કામ કરશે એ સવાલ છે. ડીએમકે માત્ર દ્રવિડ રાજકારણને કારણે મજબૂત નથી પણ તેની પાસે જબરદસ્ત સંગઠન છે. સ્ટાલિન મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ‘કલૈગનાર માગલીર ઉરીમાઈ થિત્તમ’ એટલે કે મહિલાઓના અધિકાર' અને મહિલાઓને મફતમાં બસ મુસાફરી યોજનાઓ શ કરી તેના કારણ્ો મહિલા મતદારો સ્ટાલિનની ફેન થઈ ગઈ છે
કલૈગનાર માગલીર ઉરીમાઈ થિત્તમ’ યોજના હેઠળ દરેક ગરીબ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો ફાયદો 1.14 કરોડ મહિલાઓને મળી રહ્યો છે. આ સિવાય ધોરણ 12ની પરીક્ષા પાસ કરનારી અને ગ્રેજ્યુએટ થનારી છોકરીઓને પણ દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવે છે. તેના કારણે મહિલા મતદારો સ્ટાલિનની ફેન છે ને તેમની સામે ભાજપે લડવાનું છે. ઉ