એકસ્ટ્રા અફેર

દેશના બંધારણમાં ભારત નામ છે પછી વાંધો શાનો?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશનું નામ ઈન્ડિયા' અનેભારત’ એમ બંને નહીં પણ માત્ર ભારત' રાખવા માગે છે એવો દેકારો કરીને વિપક્ષો કાંખલી કૂટી રહ્યા છે ત્યારે મોદી સરકારે આ દેશનું સત્તાવાર નામભારત’ જ છે એ સ્પષ્ટ કરી દીધું છે. હમણાં દિલ્હીમાં પૂરી થયેલી જી-20 સમિટ માટે ભારત સરકારે એક 24 પાનાનું મેગેઝિન તૈયાર કરેલું. જી-20 સમિટ યોજાઈ હતી એ ભારત મંડપમના ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટરમાં રાખવામાં આવેલા આ 24 પાનાના મેગેઝિનનું ટાઈટલ જ ભારત ધ મધર ઓફ ડેમોક્રેસી રખાયું હતું.
આમ તો મેગઝિનના ટાઈટલ પરથી જ મોદી સરકારનું વલણ સ્પષ્ટ થઈ જાય પણ એ છતાં કોઈને શંકા રહી ગઈ હોય તો આ મેગેઝિનના બીજા પાના પર સાફ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ભારત દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં અને 1946થી 1948 દરમિયાન દેશનું બંધારણ ઘડવા માટે બનાવાયેલી બંધારણ સભાની ચર્ચાઓમાં પણ છે. આ ચર્ચા 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશનું બંધારણ અપનાવવામાં આવ્યું તે પહેલાં થઈ હતી એવો ઉલ્લેખ પણ તેમાં કરવામાં
આવ્યો છે.
ભારતના નામનો અર્થ સમજાવવા માટેનું આ મેગેઝિન સમિટમાં હાજર પ્રતિનિધિઓ અને પત્રકારોમાં વિનામૂલ્યે વિતરણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જી-20 સમિટ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આ મેગેઝિનના પાના નંબર 2 પરનું ટાઈટલ પણ હજારો વર્ષોમાં ભારતમાં લોકશાહીનાં મૂલ્યો રખાયું છે અને તેમાં દેશનો ઉલ્લેખ ભારત તરીકે જ કરાયો છે.
જી-20 સમિટના ડિનર માટે રાષ્ટ્રપતિ દ્વારા મોકલાયેલી આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયેલું. જી-20 સમિટમાં નરેન્દ્ર મોદીની નેમ પ્લેટમાં તેમના હોદ્દાનો ઉલ્લેખ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયા તરીકે કરાયેલો ને હવે જી-20 સમિટમાં પણ દેશનો ઉલ્લેખ ભારત તરીકે કરાયો તેના પરથી સ્પષ્ટ છે કે, હવે પછી આ દેશનો ઉલ્લેખ ભારત તરીકે જ થશે. મોદી સરકારે દેશનો ઉલ્લેખ માત્ર ને માત્ર ભારત તરીકે કરવાની નક્કી કરી નાંખ્યું છે અને ઈન્ડિયા' તરીકે આ દેશ ઓળખાતો હતો એ દિવસો પૂરા થઈ ગયા છે. મોદી સરકાર દેશનું નામ ભારત રાખવા માગે છે તેની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલ્યા કરે છે. આ ચર્ચામાં વિપક્ષોનો પોતાનો મત છે. મોટા ભાગને વિપક્ષોને મોદી સરકારનો આ વિચાર બહુ પસંદ નથી આવ્યો તેથી પોતાની રીતે વિરોધ કર્યા કરે છે. બંધારણના નિષ્ણાતો બંધારણીય જોગવાઈઓના આધારે આ વાતને મૂલવે છે તેથી તેમનો મત એવો છે કે, દેશનું અંગ્રેજી નામ એટલે કે ઈન્ડિયા નાબૂદ કરીને માત્ર ભારત રાખવું હોય તો તેના માટે બંધારણમાં સુધારો કરવો પડશે. બંધારણની કલમ 368માં બંધારણમાં સુધારાની જે પ્રક્રિયા આપવામાં આવી છે એ પ્રમાણે સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે પણ સુધારો કરવા માટે બિલ લાવવું પડે. આ બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવું પડે. બંધારણીય નિષ્ણાતોનો એવો મત પણ છે કે, કેન્દ્ર સરકાર ઈન્ડિયા નામ નાબૂદ ના કરી શકે કેમ કે બંધારણીય સુધારા દ્વારા બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી. આ નિષ્ણાતોના મતે, સુપ્રીમ કોર્ટની 13 જજની બંધારણીય બેન્ચે કેશવાનંદ ભારતી કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો કે, બંધારણીય સુધારા દ્વારા પણ બંધારણના મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. ઈન્ડિયા નામ બંધારણના મૂળભૂત માળખામાં છે કેમ કે દેશનો ઉલ્લેખ જઈન્ડિયા, ધેટ ઈઝ ભારત’ તરીકે કરવામાં
આવ્યો છે.
આ મત સાચો છે કે નહીં એ નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે પણ એ બધી વાતો તો સરકાર બંધારણીય સુધારો કરવા માગે ત્યારે આવે. મોદી સરકાર અત્યારે જે રીતે વર્તી રહી છે એ જોતાં કોઈ પણ પ્રકારની ઝંઝટમાં પડ્યા વિના દેશનો ઉલ્લેખ ભારત તરીકે કરવાનું ચલણ પ્રચલિત કરવા માગે છે એવું લાગે છે. કેન્દ્ર સરકારે પોતે બધે ઠેકાણે દેશનો ઉલ્લેખ ભારત તરીકે કરવા માંડે ને ઈન્ડિયા નામનો ઉપયોગ જ ના કરે એ વ્યૂહરચના અપનાવી હોય એવા અણસાર છે.
મોદી સરકાર ખરેખર એવું વિચારતી હોય તો તેમાં કશું ખોટું પણ નથી કેમ કે બંધારણમાં પણ આ દેશનો ઉલ્લેખ ભારત તરીકે તો છે જ. આ સંજોગોમાં મોદી સરકાર બંધારણમાં ઉલ્લેખ છે એ નામનો ઉપયોગ કરે તેની સામે કોઈ કઈ રીતે વાંધો લઈ શકે ?
આપણે ત્યાં નાની નાની વાતોમાં સુપ્રીમ કોર્ટમાં દોડી જવાનું ચલણ વ્યાપક છે તેથી આ મુદ્દે પણ આજે નહીં તો કાલે પણ અરજીઓ તો થવાની જ. એ વખતે સુપ્રીમ કોર્ટ શું વલણ લે છે એ જોવાનું રહે, પણ ખરું જોતાં આ મુદ્દાને અહીં પડતો મૂકવાની જરૂર છે કેમ કે મોદી સરકાર આ દેશનો ઉલ્લેખ ભારત તરીકે કરીને કશું ખોટું કરતી નથી. મોદી સરકાર કશું ગેરબંધારણીય કરતી નથી ને આ દેશના બંધારણ પ્રમાણે જ વર્તી રહી છે.
જે લોકો આ દેશનું નામ કેમ ભારત હોવું જોઈએ એ માટે દેશના ઈતિહાસની વાતો કરે છે, પૌરાણિક કાળમાં આ ભૂમિનો ઉલ્લેખ ભારત તરીકે જ થતો હતો એવા દાવા પણ કરે છે પણ એ બધી વાતો હાસ્યાસ્પદ છે. કોઈ પણ લોકશાહી દેશ માટે સર્વોપરિ તેનું બંધારણ હોય છે. દેશના બંધારણથી ઉપર કશું જ ના હોય, ઈતિહાસ પણ નહીં, ધર્મ પણ નહીં ને ધર્મગ્રંથોમાં જે બીજે શું લખાયેલું છે એ પણ નહીં.
બંધારણમાં જે લખાયેલું હોય તેને દેશનાં લોકોએ બ્રહ્મ વાક્ય માનવું જોઈએ ને જે દેશના બંધારણમાં લખાયેલું નથી એ બધું અર્થહીન છે. આ દેશનું બંધારણ આ દેશનો ઉલ્લેખ ભારત તરીકે કરે જ છે ત્યારે દરેક ભારતીયો માટે એ બ્રહ્મવાક્ય જ મનાય. તેમા કૅાંગ્રેસ સહિતના વિપક્ષોના નેતા પણ આવી ગયા એ જોતાં બધાંએ ભારત નામ સામેના વાંધા પડતા મૂકવા જોઈએ. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button