કંગનાના કહેવાથી ઈતિહાસ થોડો બદલાઈ જાય ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ગમાર અને અજ્ઞાની લોકોની એક આખી જમાત ઊભી થઈ છે કે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં મનફાવે એવો બકવાસ કર્યા કરે છે, પોતાની વિકૃત માનસિકતા પ્રમાણે ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કર્યા કરે છે. તેમાં તેમને શું આનંદ આવે છે એ ખબર નથી પણ આ જમાત ધીરે ધીરે મોટી થતી જાય છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણતા ને ઈતિહાસનું જરાય જ્ઞાન નથી એવા ગમારોના કારણે આ જમાત પોષાયા પણ
કરે છે.
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી મારી છે અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે તેથી એ પણ આ જમાતમાં જોડાઈ ગયાં. કંગના આ જમાતનાં જ હતાં પણ બહુ સક્રિયતાથી યોગદાન નહોતાં આપતાં. હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે એટલે સક્રિયતાથી યોગદાન આપી રહ્યાં છે ને તેના ઉત્સાહમાં તેમણે જવાહરલાલ નહેને બદલે સુભાષચંદ્ર બોઝને દેશના પહેલા વડા પ્રધાન ગણાવી દીધા. કંગના રનૌતે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે, જવાહરલાલ નહે નહીં પણ સુભાષચંદ્ર બોઝ ભારતના પહેલા વડા પ્રધાન હતા. કંગનાએ પોતાના દાવાના સમર્થનમાં 1943માં સુભાષચંદ્ર બોઝે બનાવેલી ગવર્નમેન્ટ ઈન એક્સાઈલનો હવાલો પણ આપ્યો.
કંગનાના ઈતિહાસના અજ્ઞાનની મજાક ઉડાવાઈ પછી કંગનાએ જવાબ આપ્યો કે, લોકોને ખબર હોવી જોઈએ કે મેં ઈમરજન્સી નામની ફિલ્મ બનાવી છે કે જે મુખ્યત્વે નેહ પરિવારની આસપાસ છે તેથી મહેરબાની કરીને ચૂપ રહો. હું તમારા આઈક્યુ કરતાં વધારે બોલું છું તો તમને લાગે છે કે મને ખબર નથી તેથી મારી મજાક ઉડાવી રહ્યા છો પણ વાસ્તવમાં તમે મજાકનું પાત્ર બની ગયા છો.
આ બહેનને શું કહેવું ? ઈમર્જન્સી પર ફિલ્મ બનાવી એટલે ઈતિહાસનાં જાણકાર થઈ ગયાં ને ગમે તે બકવાસ કરવાનો પરવાનો મળી ગયો ? જ્યાં સુધી આઈક્યુનો સવાલ છે, કંગનાનો જવાબ જ તેનો આઈક્યુ શું છે એ બતાવી આપે છે તેથી તેના વિશે કશું બોલવાની જરૂર નથી.
કંગનાએ જે વાત કરી છે એ સુભાષચંદ્ર બોઝે 21 ઓક્ટોબર, 1943 ના રોજ સિંગાપોરમાં રચેલી આઝાદ હિંદ સરકારની છે. વિશ્વમાં પોતાના દેશને આઝાદ કરાવવા માટે લડનારા વિદેશમાં રહીને ગવર્નમેન્ટ ઈન એક્સાઈલ રચતા હોય છે ને સુભાષબાબુએ એવી જ સરકાર બનાવી હતી.
આ સરકારના વડા પ્રધાન સુભાષચંદ્ર બોઝ પોતે હતા. તેમની પાસે વિદેશ વિભાગ અને યુદ્ધ વિભાગ પણ હતા. એ.સી. ચેટર્જી નાણાં મંત્રી, એસ.એ. ઐયર પ્રચાર અને પ્રચાર-પ્રસાર પ્રધાન હતા, અને લક્ષ્મી સ્વામિનાથન મહિલા બાબતોનાં મંત્રી હતાં. બોઝના આઝાદ હિંદ ફૌજના ઘણા અધિકારીઓને મંત્રીમંડળમાં હતા. આઝાદ હિન્દ સરકારે બ્રિટનની દક્ષિણ પૂર્વ એશિયાની બર્મા, સિંગાપોર અને મલાયાની કોલોનીઓના વિસ્તારોમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને લશ્કરી કર્મચારીઓ પર પોતાની સત્તા હોવાનો દાવો કર્યો હતો.
કંગના જેવો બકવાસ જ કરવો હોય તો પછી મૌલાના બરકતુલ્લાહને દેશના પહેલા વડા પ્રધાન ગણવા પડે કેમ કે સુભાષચંદ્ર બોઝે પ્રોવિઝનલ ગવર્નમેન્ટ રચી તેના બહુ પહેલાં સ્વાતંત્ર્ય સેનાની રાજા મહેન્દ્ર પ્રતાપે ભારતની પહેલી પ્રોવિઝનલ ગવર્નમેન્ટ બનાવી હતી. 1 ડિસેમ્બર, 1915ના રોજ બનાવાયેલી આ પ્રોવિઝનલ ગવર્નમેન્ટના પ્રમુખપદે રાજા મહેન્દ્ર પ્રતાપ હતા જ્યારે વડા પ્રધાન તરીકે મૌલાના બરકતુલ્લાહ હતા. અફઘાનિસ્તાનના કાબુલમાં રચાયેલી આ પ્રોવિઝનલ ગવર્નમેન્ટમાં મૌલવી ઉબૈદુલ્લાહ સિંધી ગૃહ મંત્રી, મૌલવી બશીર યુદ્ધ મંત્રી અને ચંપાક્રમણ પિલ્લાઈ વિદેશ મંત્રી હતા.
આઝાદ હિન્દ સરકાર અસ્તિત્વમાં આવી તેના 28 વર્ષ પહેલાં કાબુલમાં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ કમિટી (આઈઆઈસી)એ વિદેશમાં વસતા ભારતીય રાષ્ટ્રવાદીઓની મદદથી આ સરકાર રચી હતી. આઈઆઈસીએ ઓટ્ટોમન ખિલાફત અને જર્મનોની મદદથી ભારતમાં અંગ્રેજો સામે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બળવો કરાવવાની યોજના પણ ઘડી હતી પણ એ સફળ નહોતી થઈ. મૌલાના બરકતુલ્લાહ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ 1913 માં કેલિફોર્નિયામાં ભારતમાં બ્રિટિશ શાસનને ઉથલાવવા માટે ગદર ચળવળ શરૂ કરાવેલી. સુભાષબાબુએ બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો સામે લડતા જાપાન અને જર્મનીની મદદથી અંગ્રેજોને હરાવીને ભારતને આઝાદ કરાવવાનું વિચારેલું એ રીતે રાજા મહેન્દ્ર પ્રતાપે પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન વિદેશમાં અને મુખ્યત્વે તો જર્મની અને અમેરિકાના ભારતીયોને એક કરીને અંગ્રેજ વિરોધીઓ સાથે ભારતને આઝાદ કરાવવાની યોજના ઘડેલી.
આ પ્રોવિઝનલ ગવર્નમેન્ટનો ઉદ્દેશ રશિયા, ચીન, જાપાન સહિતના દેશોનું સમર્થન મેળવવાનો હતો. પ્રોવિઝનલ ગવર્નમેન્ટને અફઘાનના આમીરે બહુ મદદ કરી હતી પણ માન્યતા નહોતી આપી. વિશ્વયુદ્ધ સમાપ્ત થાય પછી તેનું પરિણામ શું આવે તેના પર તેમની નજર હતી. વિશ્વયુદ્ધમા બ્રિટન તથા તેના સાથી દેશો જીત્યા પછી અંગ્રેજોના દબાણ હેઠળ અફઘાનિસ્તાનના આમીરે રાજા મહેન્દ્ર પ્રતાપ તથા આખા પ્રધાનમંડળના સભ્યોને બિસ્તરાં-પોટલાં બંધાવીને અફઘાનિસ્તાનમાંથી રવાના કરાવી દીધા હતા.
રાજા મહેન્દ્ર પ્રતાપની પ્રોવિઝનલ ગવર્નમેન્ટને ભારતની પહેલી પ્રોવિઝનલ ગવર્નમેન્ટ તરીકે સૌએ સ્વીકારી છે. કંગના જેવાં ગમાર અને અબૂધોની દલીલ હેઠળ તો સુભાષચંદ્ર બોઝ નહીં પણ મૌલાના બરકતુલ્લાહ દેશના પહેલા વડા પ્રધાન કહેવાય, કંગના કે તેમના જેવા લોકો આ વાત સ્વીકારશે ?
કંગના જેવાં લોકો આ બકવાસ કરીને માત્ર પોતાના અજ્ઞાન અને ગમારપણાનું જ પ્રદર્શન નથી કરી રહ્યાં પણ હલકી માનસિકતાનું પણ પ્રદર્શન કરી રહ્યાં છે. કોઈ ગમે તેટલા ધમપછાડા કરે પણ ઈતિહાસ બદલી શકાતો નથી એ હકીકત છે. ને જવાહરલાલ નહે આઝાદ ભારતના પહેલા વડા પ્રધાન હતા એ ઈતિહાસ કોઈ બદલી ના શકે. કંગના જેવાં લોકો આવશે ને જતાં રહેશે, કોઈ તેમને યાદ પણ નહીં કરે ને ક્યાં ખોવાઈ જશે એ પણ ખબર નથી. પચાસ વર્ષ પછી આ લોકોનું અસ્તિત્વ હતું એ પણ લોકોને યાદ નહીં હોય પણ જવાહરલાલ નહે દેશના પહેલા વડા પ્રધાન હતા એ વાત આ દેશ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી લોકોને યાદ રહેશે. જેમને નથી ગમતું એ લોકોએ પણ જખ મારીને યાદ રાખવું પડશે.
કંગના જેવાં લોકોએ ઈતિહાસને વિકૃત રીતે રજૂ કરીને પોતાના છિછરાપણાનું પ્રદર્શન કરવાના બદલે નવો ઈતિહાસ રચવો જોઈએ. દુનિયામાં પરાક્રમી લોકો એ જ કરતાં હોય છે. જૂના ઈતિહાસને બદલવાના બદલે પોતાના નામે નવો ઈતિહાસ રચે. જેમનામાં એ તાકાત નથી હોતી, પોતાને જૂના કરતાં બહેતર સાબિત કરવાની ક્ષમતા નથી હોતી એ લોકો જૂનાં લોકોને ગાળો આપીને. તેમના યોગદાનને નકારીને માનસિક વિકૃતિ સંતોષે છે. કંગના આણિ મંડળી એ જ કરી રહી છે ને તેની પ્રેરણા ક્યાંથી મળી રહી છે એ કહેવાની જરૂર નથી.