એકસ્ટ્રા અફેર

`કચ્ચાતીવુ’નું કૉંગ્રેસનું કમઠાણ, ભાજપ પણ કાંઈ કમ નથી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

તમિલનાડુમાં 18 એપ્રિલે પહેલા તબક્કામાં જ લોકસભાની ચૂંટણી છે ને એ ચૂંટણી પહેલાં ભાજપે કચ્ચાતીવુ' ટાપુનો મુદ્દો ઉઠાવ્યો છે. દેશના એક ટોચના અંગ્રેજી અખબારમાં ભૂતકાળની કૉંગ્રેસ સરકારોના અણઘડ વહીવટના કારણેકચ્ચાતીવુ’ ટાપુ શ્રીલંકાના કબજામાં જતો રહ્યો હતો એવો અહેવાલ છાપ્યો પછી ભાજપે આ મુદ્દો ઉપાડી લીધો. ખુદ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને કૉંગ્રેસની ઝાટકણી કાઢી છે. તેના પગલે કૉંગ્રેસ પણ બચાવ કરવા મેદાનમાં ઉતરી છે. કૉંગ્રેસનું કહેવું છે કે, ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાઈ રહ્યો છે અને જે પરિસ્થિતિ તથા સંજોગોમાં આ નિર્ણય લેવાયો તેની સાવ ઉપેક્ષા કરીને કૉંગ્રેસને બદનામ કરાઈ રહી છે.

કૉંગ્રેસનો બચાવ લૂલો છે કેમ કે દેશનો કોઈ પણ પ્રદેશ બીજા દેશને આપી દેવો પડે એવા કોઈ પણ સંજોગો ના હોઈ શકે. બે દેશો વચ્ચે કોઈ પ્રદેશ અંગે વિવાદ ચાલતો હોય ત્યારે બંને દેશ એ પ્રદેશ પોતાને જ મળે એવો દાવો કરતા હોય છે ને પોતાનો અધિકાર કોઈ પણ સંજોગોમાં છોડતા નથી. `કચ્ચાતીવુ’ ટાપુના કિસ્સામાં એવું ના થયું એ વાસ્તવિકતા છે કેમ કે ભારતે આ ટાપુ પરનો અધિકાર જ છોડી દીધો.

ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલા કચ્ચાતીવુ' ટાપુનો પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકા એમ બંને દેશોના માછીમારો ઉપયોગ કરતા આવ્યા હતા. 14મી સદીમાં થયેલા એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ અસ્તિત્વમાં આવેલાકચ્ચાતીવુ’ ટાપુ પર કોઈનું આધિપત્ય નહોતું. બ્રિટીશ શાસન દરમિયાન ભારત અને શ્રીલંકા બંને પર અંગ્રેજો રાજ કરતા તેથી આ દ્વીપનો ઉપયોગ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરતા હતા. 1921માં બંને દેશોના અંગ્રેજ વહીવટકારોએ `કચ્ચાતીવુ’ ટાપુ પર દાવો કરતા હતા પણ અંગ્રેજો માટે આ ટાપુ મહત્ત્વનો નહોતો તેથી કોઈ ઉકેલ ના આવ્યો. બંને દેશોના માછીમારો એકબીજાના સમુદ્રના વિસ્તારમાંથી માછલી પકડ્યા કરતા પણ બધો પ્રદેશ અંગ્રેજોનો જ હતો તેથી કોઈ પગલાં નહોતાં લેવાતાં.

આઝાદી પછી કચ્ચાતીવુ’ ટાપુ ભારતને મળે એ માટે જવાહરલાલ નહેરુ સરકારે કશું ના કર્યું એવા પુરાવા છે. 1948માં બ્રિટિશ શાસનથી આઝાદી મળતાં જ શ્રીલંકાએ ટાપુ પર દાવો માંડીને આ ટાપુ પર ભારતીય નૌકાદળની ક્વાયત સામે વાંધો લીધેલો. ઑક્ટોબર, 1955માં સિલોન એરફોર્સે કચ્ચાતીવુ ટાપુ પર થાણું નાખી દીધું ત્યારે પણ આપણા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ ઘોરતા જ રહ્યા. બલ્કે નહેરુએ લોકસભામાં કહેલું કે, તેમના માટે આ નાનકડા ટાપુનું કોઇ મહત્વ નથી અને તેની પર દાવો છોડી દેવા માટે પોતે તૈયાર છે.

નેહરુએ જે કહેલું તેનો તેમનાં દીકરી ઈન્દિરાએ અમલ કરી બતાવ્યો. 1974માં ઇન્દિરા ગાંધીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સીરિમાવો બંડારનાયકે સાથે સંધિ કરી પછી આ ટાપુ શ્રીલંકાના કબજે થઇ ગયો હતો. જૂન, 1974માં થયેલ ઈન્ડો-શ્રીલંકન મેરીટાઈમ એગ્રિમેન્ટમાં કચ્ચાતીવુને શ્રીલંકાના પ્રદેશ તરીકે સ્વીકારી લેવામાં આવ્યો. આ કરારમાં એવી શરત રખાઈ કે ભારતીય માછીમારો કે ધાર્મિક કારણોસર જતાં લોકોએ કચ્ચાતીવુ પર જવા કે કોઈ વિઝા કે ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં પણ તેના પર અધિકાર શ્રીલંકાનો રહેશે.

કચ્ચાતીવુ દ્વીપ શ્રીલંકાને અપાયાનાં થોડાં વર્ષોમાં જ ભારતમાં આ ટાપુ પાછો લેવાની માંગ શરૂ થઇ ગઈ હતી. 1991માં તમિલનાડુ વિધાનસભાએ ઠરાવ પસાર કરીને આ ટાપુ પાછો લેવાની માગ કરી હતી. 2008માં તમિલનાડુનાં તત્કાલીન મુખ્ય પ્રધાન જયલલિતાએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારી આ ટાપ માટે થયેલી સમજૂતીને અમાન્ય ઠેરવવાની અપીલ કરી હતી. આ મુદ્દે કોઈ નિર્ણય આવ્યો નથી ત્યાં તમિલનાડુ પ્રદેશ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈએ કરેલી આરટીઆઈના જવાબના આધારે અખબારે રિપોર્ટ છાપી દીધો તેમાં કમઠાણ થઈ ગયું.
ભાજપ વાસ્તવિકતાને તોડીમરોડીને રજૂ કરવા માટે જાણીતો છે. કચ્ચાતીવુ'ના કિસ્સામાં ભાજપ એ જ કરી રહ્યો છે એવો કૉંગ્રેસનો આક્ષેપ છે પણ આ ઘટનાક્રમને જોયા પછી કૉંગ્રેસની વાતમાં દમ નથી એ વાસ્તવિકતા છે કેમ કે ભારતે એક ટાપુ ગુમાવી દીધો આ વાસ્તવિકતા છે. અલબત્ત ભાજપ સરકારે પણ આ પ્રકારના નિર્ણયો લીધા છે એ પણ એવી જ નક્કર વાસ્તવિકતા છે. ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળુ જેવી છે.કચ્ચાતીવુ’ના કિસ્સામાં ભાજપ એ માનસિકતાનું પ્રદર્શન કરી જ રહ્યો છે. ભૂતકાળમાં ભાજપે પોતે ને ખુદ નરેન્દ્ર મોદીએ આ પ્રકારના નિર્ણય લીધા છે ને `કચ્ચાતીવુ’ના કિસ્સામાં ભારતને થયું તેના કરતાં અનેક ગણું વધારે નુકસાન ભારતે વેઠવું પડ્યું છે પણ ભાજપ તેની વાત નથી કરતો.

વાત 2015માં નરેન્દ્ર મોદી 2015માં બંગલાદેશની યાત્રાએ ગયા એ વખતની છે. એ વખતે મોદીએ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના સાથે સરહદ વિવાદ પર કરાર કરીને છેલ્લાં 41 વર્ષથી લટકેલો વિવાદ ઉકેલી નાંખ્યો હોવાનો દાવો કરેલો. આ સરહદ અંગેના કરાર પ્રમાણે બંગલાદેશનાં 51 ગામો અથવા તો એન્કલેવ ભારતને મળ્યાં જ્યારે ભારતનાં 111 ગામો બંગલાદેશના ભાગે ગયાં. આ ગામોમાં રહેતાં લગભગ 51 હજાર લોકો પોતપોતાનાં ગામોમાં રહી શકે અથવા તો ભારત કે બંગલાદેશ બેમાંથી જે દેશમાં જવા ઈચ્છે તે દેશમાં જઈ શકે એવો વિકલ્પ તેમને અપાયો હતો.

મોદીનો આ સરહદી વિવાદનો ઉકેલ લાવતો સોદો ભારત માટે ખોટનો સોદો હતો કેમ કે વિસ્તારની રીતે જોઈએ તો ભારતે 10 હજાર એકર કરતાં વધારે જમીન ગુમાવી હતી. આ કરારના કારણે ભારતને 7,110 એકર જમીન મળી જ્યારે બંગલાદેશને 17 હજાર એકર કરતાં વધારે જમીન મળી. ભારતે 111 ગામો છોડીને 51 ગામો લીધાં છે અને પોતાની 17 હજાર એકર જમીન છોડીને 7,100 એકર જમીન લીધી છે. એ રીતે તેણે 10 હજાર એકર જમીન ઓછી લીધી હતી ને દેખીતી રીતે જ આ સોદો ખોટનો હતો.

મોદી સરકારે આ ખોટનો સોદો કેમ કર્યો ?
ભાજપ પાસે તેનાં કારણો પણ હશે ને બચાવ પણ હશે. `કચ્ચાતીવુ’ના કિસ્સામાં પણ કૉંગ્રેસ પાસે કારણો ને બચાવ છે જ પણ ભાજપ એ કારણો કે બચાવ નથી સ્વીકારતો કેમ કે ભાજપ માટે બીજાં કરે એ છિનાળું છે પણ પોતે કરે એ તો લીલા છે. કૉંગ્રેસે છિનાળું કર્યું એ વાસ્તવિકતા છે પણ ભાજપ પોતે પણ બંગલાદેશમાં છિનાળું કર્યાનું કબૂલશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button