ભાજપ સીએએનો રાજકીય ફાયદો લે તેમાં ખોટું શું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્ર સરકારે અંતે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંગે જાહેરનામું બહાર પાડી દીધું છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવાનો માર્ગ સંપૂર્ણ મોકળો કરી દીધો. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય મુસ્લિમ રાષ્ટ્રો છે. આ ત્રણેય રાષ્ટ્રોમાં કટ્ટરવાદીઓ દ્વારા લઘુમતીઓ પર ભારે અત્યાચારો થાય છે તેથી એ લોકો ભાગીને ભારત આવે છે. આ રીતે ભાગીને ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ સીએએના કારણે મોકળો થઈ ગયો છે.
સીએએના જાહેરનામા પ્રમાણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ એવી છ લઘુમતીઓને ભારતીય નાગરિકતા અપાશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી એ છ ધર્મનાં લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ સીએએમાં કરવામાં આવી હતી અને જાહેરનામામાં તેને લગતા નિયમો જાહેર કરાયા છે.
આ નિયમો અનુસાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા તમામ હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓને નાગરિકતા નથી મળવાની પણ કોને નાગરિકતા આપવી ને કોને નહીં આપવી એ કેન્દ્ર સરકાર નક્કી કરશે. મતલબ કે, નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો તેમાં જોગવાઈ કરેલી કે, 31 ડિસેમ્બર 2014 પહેલાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મનાં લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
સીએએને લગતો કાયદો સંસદમાં પસાર થયો એ વાતને લગભગ પાંચ વર્ષ વિતી ગયાં છે. અત્યાર સુધી મોદી સરકાર આ અંગેના નિયમો બનાવતી નહોતી તેના કારણે તેના માથે માછલાં પણ ધોવાઈ રહ્યાં હતાં. કેન્દ્ર સરકાર ખરેખર સીએએ લાગુ કરવા માગે છે કે નહીં એ સવાલ પણ ઊઠેલો.
સંસદમાં કોઈ પણ કાયદો પસાર થાય અને તેના પર રાષ્ટ્રપતિ સહી કરે પછી 6 મહિનામાં તેને લગતા નિયમો તૈયાર કરી દેવા પડે. સંસદે આ ખરડો સાડા ચાર વર્ષ પહેલાં પસાર કરી દીધેલો ને રાષ્ટ્રપતિએ તેના પર સહી પણ કરી દીધેલી પણ કેન્દ્ર સરકારે નિયમો નહોતા બનાવ્યા એટલે ભાજપ સરકાર ચૂંટણીમાં આ મુદ્દાનો રાજકીય ફાયદો લેવા માટે વાતને લંબાવ્યા કરે છે એ સ્પષ્ટ થઈ ગયેલું ને એ ધારણા સાચી પડી છે.
રાષ્ટ્રપતિની સહી થયાના છ મહિનામાં નિયમો ના બને તો લોકસભા અને રાજ્યસભામાં ગૃહ બાબતોની સંસદીય સમિતિ પાસેથી એક્સટેન્શન લેવું પડે. ઈઅઅના કિસ્સામાં, 2020થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે છ મહિને સંસદીય સમિતિ પાસેથી એક્સટેંશન લઈ લેતું હતું ને એ રીતે લોકસભાની ચૂંટણી લગી મુદ્દાને લંબાવી દીધેલો. લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપે પાછો ઉપાડો લીધેલો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 2023ના ડિસેમ્બરમાં કોલકાતામાં એક રેલી દરમિયાન હુંકાર કરેલો કે, દેશભરમાં સીએએને લાગુ થતાં કોઈ રોકી શકશે નહીં અને બહુ જલદી સીએએનો અમલ થશે. જો કે એ વાતને પણ ત્રણ મહિના થઈ ગયા છતાં કોઈ સળવળાટ નહોતો દેખાતો તેથી જેમને નાગરિકતા મળવાની છે એ લોકો ઊંચાનીચા થવા માંડેલા. હવે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશભરમાં સીએએનો અમલ કરવાનું જાહેરનામું બહાર પાડતાં તેમને પણ હાશકારો થયો છે.
સીએએ અંગેના નિયમો જાહેર થતાં જ પાછા રાજકીય આક્ષેપો શરૂ થયા છે. ભાજપ રાજકીય ફાયદા માટે આ મુદ્દાને ઉઠાવી રહ્યો છે એવા આક્ષેપ થઈ રહ્યા છે. આ આક્ષેપો હાસ્યાસ્પદ છે કેમ કે રાજકીય પક્ષ રાજકીય ફાયદા માટે જ પગલું ભરે ને ? ભાજપ સરકારે પણ રાજકીય ફાયદા માટે જ પગલું ભર્યું છે, બાકી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા તમામ હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીઓને નાગરિકતા આપવી હોય તો તેના માટેની સત્તા પણ કેન્દ્ર સરકાર પાસે હતી જ. આ સત્તાનો ઉપયોગ કરીને ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાંથી બહારનાં લોકોને નગરિકતા અપાતી હતી ને ભાજપના શાસનમાં પણ અપાય છે.
છેલ્લાં બે વર્ષમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર એ નવ રાજ્યના 30થી વધુ જિલ્લા મેજિસ્ટે્રટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવા માટે સત્તા આપવામાં આવી છે. દેશના નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ કલેક્ટર કે ગૃહ સચિવ જ આ લોકોને સીધું ભારતીય નાગરિકત્વ આપી શકે છે.
છેલ્લાં બે વર્ષમાં ત્રણ હજારથી વધારે લોકોને આ રીતે નાગરિકતા અપાઈ છે. 2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ 1 એપ્રિલ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધીમાં જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
આ સંજોગોમાં નવા કાયદાની જરૂર જ નથી પણ ભારત પોતાના પાડોશી દેશમાં અત્યાચારનો ભોગ બનેલા હિંદુઓ તથા અન્ય લઘુમતીઓનું તારણહાર છે એ સાબિત કરવા આ કાયદો બનાવાયો છે. તેના કારણે ભાજપની હિંદુવાદી મતબેંક મજબૂત થઈ છે, ભાજપની હિંદુવાદી તરીકેની છાપ મજબૂત થઈ છે ને તેમાં કશું ખોટું નથી. કોંગ્રેસ વરસોથી પોતાની મુસ્લિમ મતબેંકને સાચવવા માટે ઈસ્લામમાં મંજૂરી નથી એવી હજ સબસિડી સહિતના ફાયદા કરાવતી હતી તો ભાજપ પોતાની હિંદુવાદી મતબેંકને સાચવવા માટે બીજા દેશોના ભારતીયોને નાગરિકતા આપે તેમાં કશું ખોટું નથી. બાંગ્લાદેશથી આવેલા લાખો મુસ્લિમોને ગેરકાયદેસર રીતે ભારતના નાગરિક બનાવાયા તેની સામે કોંગ્રેસની સરકારોએ આંખ આડા કાન કર્યા જ છે ત્યારે અહીં તો કાયદેસરતાની નાગરિકતા આપવામાં આવી રહી છે. ભાજપ સરકાર કોઈનું કશું છિનવી નથી રહી, બલકે જે લોકો તકલીફમાં છે તેમને મદદ જ કરી રહી છે.
સીએએ અંગેનું નોટિફિકેશન બહાર પડતાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે એવી ગણતરી છે. આ ફાયદો થાય કે ના થાય, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ત્રાસીને ભારત આવેલા બિન-મુસ્લિમોની આંતરડી તો ઠરશે જ. પોતે જેને વતન માનતા હતા ત્યાં રહી શકાય એવી સ્થિતી નથી ને અહીં કોઈ કાનૂની દરજ્જો નથી તેથી એ લોકોની હાલત ત્રિશંકુ જેવી થયેલી. સીએએના કારણે એ લોકો ભારતના નાગરિક બનીને ગૌરવભેર જીવી શકશે.