બે તૃતીયાંશ બહુમતી હોય તો ભાજપ ખરેખર બંધારણ બદલી નાખે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભાજપને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મળે તો ભાજપ દેશનું બંધારણ બદલી નાખે ? ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ કરેલા નિવેદનના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. હેગડેનો દાવો છે કે, કૉગ્રેસની સરકારોએ બંધારણમાં બળજબરીથી બિનજરી ચીજો નાંખીને બંધારણને વિકૃત કરી નાખ્યું છે. કૉંગ્રેસે હિંદુ સમાજને દબાવી દેવાના ઉદ્દેશથી કેટલાક કાયદા બનાવ્યા. કૉંગ્રેસે કરેલા સુધારા કરેલા વણજોઈતા સુધારા અને તોડીમરોડીને બનાવેલા કાયદાને સરખા કરવા માટે બંધારણ સુધારવા ભાજપને લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર છે.
કૉંગ્રેસ લોકસભામાં ક્યાંય છે જ નહીં અને મોદી પાસે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી છે તેથી બંધારણમાં સુધારો કરી દેવાશે એમ માનીને આપણે ચૂપચાપ બેસી રહીએ એ નહીં ચાલે. હેગડેએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નું ઉદાહરણ પણ આપ્યું છે. હેગડે કહેવા પ્રમાણે, મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં ભારે પ્રયત્નો કરીને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) પસાર કરાવી દીધો પણ ઘણાં રાજ્યોએ તેને મંજૂરી આપી નથી તેથી તેનો અમલ થઈ શક્યો નથી.
હેગડેએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નું ઉદાહરણ આપ્યું એ ભાજપના કેટલાક નેતા અત્યંત સરળતાથી જૂઠાણાં ચલાવીને લોકોને કઈ રીતે મૂરખ બનાવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) લોકસભા અને રાજ્યસભાએ પસાર કરી દીધો એ વાતને પાંચ વર્ષથી વધારે સમય થઈ ગયો પણ તેનો અમલ થયો નથી તેનું કારણ રાજ્ય સરકારો નથી પણ મોદી સરકાર છે.
મોદી સરકારે મોટા ઉપાડે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) બનાવી તો દીધો પણ તેને લગતા નિયમો હજુ ઘડ્યા નથી ને ક્યારે ઘડાશે એ નક્કી નથી. આપણા ગૃહ મંત્રી અમિત શાહે થોડા દિવસ પહેલા જ કહેલું કે, સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના લગતા નિયમો લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જાહેર કરી દેવાશે. લોકો રાહ જોઈ રહ્યા છે પણ એ નિયમો હજુ જાહેર થયા નથી ને હેગડે સાવ સરળતાથી જૂઠાણું ચલાવી રહ્યા છે કે, કેટલાંક રાજ્યોએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ને મંજૂરી નથી આપી એટલે તેનો અમલ થયો નથી. સફેદ જૂઠ ચલાવતાં હેગડેને જરાય શરમ આવતી નથી.
ખેર, આપણે ભાજપ બંધારણ બદલી નાખશે એ મૂળ વાત પર પાછા ફરીએ. હેગડેએ ભાજપ બંધારણમાં શું ફેરફાર કરવા માગે છે તેનો ફોડ પાડ્યો નથી પણ વાત ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની છે એવું મનાય છે. આપણું બંધારણ બન્યું ત્યારે તેની પ્રસ્તાવનામાં ભારત માટે સેક્યુલર એટલે કે બિનસાંપ્રદાયિક શબ્દ નહોતો વપરાયેલો. ઈન્દિરા ગાંધીએ પાછળથી બંધારણ સુધારીને તેમાં સેક્યુલર શબ્દ ઉમેર્યો. ભાજપ અને હિંદુવાદીઓને સેક્યુલર શબ્દ સામે વાંધો છે તેથી સૌથી પહેલાં તો એ શબ્દ જ દૂર કરાશે એવો હેગડેનો ઈશારો છે. હેગડેએ હિંદુઓને દબાવવા માટે બનાવાયેલા બીજા કાયદાઓની વાત કરી છે. આ કાયદા મુસ્લિમ સહિતના અલગ અલગ ધર્મનાં લોકો માટે બનાવાયેલા પર્સનલ લો હોઈ શકે છે.
હેગડેએ ફોડ પાડીને વાત કરી નથી એટલે બંધારણમાં બીજા શું શું સુધારા કરવાની તેમની નેમ છે એ ખબર નથી પણ સવાલ એ છે કે, ભાજપ ખરેખર બંધારણ બદલવા માગે છે ખરો ? ભાજપે તો સ્પષ્ટ ના પાડી છે. હેગડેનું નિવેદન આવ્યું પછી તરત ભાજપે સ્પષ્ટતા કરી કે, અનંત કુમાર હેગડેની બંધારણ અંગેની ટિપ્પણીઓ તેમના અંગત વિચારો છે અને ભાજપના વલણનું તેમાં પ્રતિબિંબ પડતું નથી. ભાજપ દેશના બંધારણને જાળવી રાખવા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને આ નિવેદન અંગે હેગડે પાસેથી સ્પષ્ટતા માગવામાં આવશે.
ભાજપ ક્યારે સ્પષ્ટતા માગશે અને હેગડે શું ખુલાસો કરશે એ રામ જાણે પણ ભાજપે હેગડેના લવારા સાથે પોતાને કોઈ લેવાદેવા નથી એવી સ્પષ્ટતા કરીને સાં કર્યું છે. અલબત્ત ભાજપ એટલું કરીને અટકી જાય તો નહીં ચાલે. હેગડે પાસે સ્પષ્ટતા માગવામાં આવી એ નિયમનું પાલન છે પણ આ મુદ્દે હેગડે કોઈ સ્પષ્ટતા કરી શકે તેમ જ નથી કેમ કે હેગડેએ ભાજપના નામે બહુ મોટું જૂઠાણું ચલાવ્યું છે.
આ સંજોગોમાં બે જ વિકલ્પ બચે છે, કાં ભાજપ હેગડેને માફી માગવાની ફરજ પાડીને ભવિષ્યમાં આ પ્રકારના લવારા નહીં કરે તેની લેખિતમાં ખાતરી લે કાં પછી ભાજપમાંથી લાત મારીને તગેડી મૂકે. હેગડે ભાજપના જૂના જોગી છે અને બેંગલુરમાંથી છ વાર લોકસભામાં ચૂંટાયા છે. હવે આવા માણસને ભાજપના નામે કંઈ પણ જૂઠાણું ચલાવી દેતાં છોછ ના નડતો હોય તો ભાજપને પણ તેમને તગેડી મૂકવામાં કોઈ છોછ ના નડવો જોઈએ કેમ કે સવાલ ભાજપની વિશ્વાસનિયતાનો છે. ભાજપ આકરાં પગલાં ના લે તેના કારણે એવી છાપ પડશે કે, ભાજપ એક બાજુ હેગડે જેવા નમૂનાઓને પોષે છે ને બીજી બાજુ બંધારણના જતનની સૂફિયાણી વાતો કરે છે.
ભાજપે હેગડે સામે આકરાં પગલાં ભરવાં એટલે પણ જરૂરી છે કે, હેગડે આ પ્રકારના બકવાસ સમયાંતરે કર્યા કરે છે. હેગડેએ 2017માં પણ ભાજપ દેશનું બંધારણ બદલીને હિંદુ રાષ્ટ્ર કરવા માગે છે એવો દાવો કરેલો. તેના કારણે ભારે હોહા થઈ પછી હેગડેને ભાજપે માફી માગવાની ફરજ પાડેલી એ જોતાં ખરેખર હવે તો ભાજપે હેગડેને તગેડી જ મૂકવા જોઈએ કેમ કે એક જ અપરાધ બીજી વાર કરાય ત્યારે માફી ના હોય પણ સજા જ હોય.
હેગડેએ આ પહેલાં મહાત્મા ગાંધીની ટીકા અને તેમના હત્યારા નાથુરામ ગોડસેનાં વખાણ કરેલાં. ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે 2019ની લોકસભાની ચૂંટણી વખતે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધો હતો. એ વખતે હેગડેએ ટ્વીટ કરેલી કે, મને આનંદ છે કે સાત દાયકા પછી આજની નવી પેઢી બદલાયેલા અભિગમ અને માહોલ સાથે ચર્ચા કરે છે. જેને અત્યાર લગી ભાંડ્યો હતો તેની વાત કોઈ સાંભળે તેવી તક આપે છે. આ ચર્ચાના કારણે છેવટે નાથુરામ ગોડસે ખુશ થતા હશે.
હેગડેએ ગાંધીજીના નેતૃત્વમાં લડાયેલી આઝાદીની લડતને નાટક ગણાવીને આ નાટક અંગ્રેજોના સહકાર અને સમર્થનથી શરૂ થયેલું એવું કહેલું. હેગડેના કહેવા પ્રમાણે તો આઝાદીની લડતના કહેવાતા નેતાઓને એક પણ વાર પોલીસે ફટકાર્યા નહોતા તેના પરથી સ્પષ્ટ છે કે, આ આઝાદીની લડત એક ગોઠવણ હતી. પોતે ઈતિહાસ વાંચે છે અને આ પ્રકારના લોકોને મહાત્મા કહેવાયેલા જુએ છે ત્યારે લોહી ઉકળી ઊઠે છે. ઉ