એકસ્ટ્રા અફેર

ભાજપ સરકારના માનીતા ગોયલની વિદાય કેમ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે અને ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે એવી વાતો વચ્ચે ચૂંટણી પંચમાંથી ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાનાં અણધાર્યા સમાચાર આવી ગયા. અરુણ ગોયલનો કાર્યકાળ 2027 સુધી હતો પણ ત્રણ વર્ષ પહેલાં જ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. ગોયલ રાજીનામું આપશે એવી કોઈને કલ્પના પણ નહોતી તેથી આ સમાચાર આંચકાજનક પણ છે.
મહત્ત્વની વાત એ છે કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ગોયલે રાજીનામું આપ્યું છે. બીજા ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં જ નિવૃત્ત થયા છે અને રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે તેથી હવે ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક રીતે બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક નહીં કરે તો લોકસભાની ચૂંટણી રાજીવ કુમારનો વન મેન શો બની જશે.
અરુણ ગોયલનું રાજીનામું બે રીતે આંચકાજનક છે. પહેલું એ કે, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા પહેલાંની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ને ત્યારે જ ગોયલે મેદાન છોડી દીધું છે. 2024ની લોકસભા ચૂંટણી 7-8 તબક્કામાં યોજાશે અને ચૂંટણી પંચ 13 માર્ચ પછી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે એવું મનાય છે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને તેમાં અરુણ ગોયલ અત્યંત સક્રિય હતા. ચૂંટણી પંચની ટીમોએ લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણાં રાજ્યોની મુલાકાત લીધી તેમાં ગોયલે નેતૃત્વ સંભાળેલું. ગોયલ તાજેતરમાં જ તમિલનાડુ અને પછી ઉત્તર પ્રદેશ જઈને આવેલા.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે હવે ચૂંટણી પંચની ટીમ સોમવારથી જમ્મુ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જવાની છે. લોકસભા ચૂંટણીની સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે કે નહીં તેવો સુપ્રીમ કોર્ટે સવાલ કરેલો. સુપ્રીમ કોર્ટે 2024ના સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા આદેશ પણ આપેલો. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની શક્યતાનો તાગ લેવા માટે ચૂંટણી પંચની ટીમ સોમવારથી કાશ્મીર જવાની છે. કાશ્મીરમાં સમીક્ષા પછી પછી ગુરુવાર કે શુક્રવારે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે.
બીજું એ કે, ગોયલ મોદી સરકારના માનીતા હતા અને નિયમોની ઐસીતૈસી કરીને તેમને ચૂંટણી પંચમાં મૂકવામાં આવ્યા હતા. ગોયલની નિમણૂકના મુદ્દે ભારે બબાલ થયેલી ને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સરકારની ભારે ટીકા પણ થઈ હતી પણ ગોયલે રાજીનામું નહોતું આપ્યું, હવે અચાનક શું બન્યું કે તેમણે રાજીનામું ધરી દીધું એ સવાલ થવો સ્વાભાવિક છે.
અરુણ ગોયલ 1985 બેચના આઈએએસ અધિકારી છે અને ચૂંટણી પંચમાં કમિશનર તરીકે નિમાયા પહેલાં અરુણ ગોયલ ઉદ્યોગ સચિવ હતા. અરુણ ગોયલ 2022માં 21 ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા પણ તેમણે 18 નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્ત એટલે કે વીઆરએસ લઈ લીધું હતું. ગોયલના વીઆરએસની અરજી તાત્કાલિક મંજૂર થઈ ગઈ ને 19 નવેમ્બરે તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પણ થઈ ગઈ. અરુણ ગોયલ તાત્કાલિક રીતે જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે સાથે ચૂંટણી પંચમાં ગોઠવાઈ ગયા તેથી ઘણાંનાં ભવાં વેકાયેલાં.
અરુણ ગોયલની નિમણૂક સામે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને સવાલો ઉઠાવ્યા હતા. ભૂષણની અરજી પર સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ગોયલની ચૂંટણી પંચમાં નિમણૂકની પ્રક્રિયાની ફાઈલ માગી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકની ઓરિજિનલ ફાઇલ સુપ્રીમ કોર્ટને સોંપી ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટોણો મારેલો કે ચૂંટણી કમિશનરના નિયુક્તિની ફાઇલ વીજળી વેગે ક્લિયર થઈ ગઈ છે. સુપ્રીમે સવાલ પણ કરેલો કે, આ ક્યા પ્રકારનું મૂલ્યાંકન છે ? ગોયલની નિમણૂકના મુદ્દે સરકારે સતત બચાવ કર્યો હતો ને સુપ્રીમ કોર્ટની ટીકા પછી પણ ગોયલ ચીટકી રહ્યા હતા. મોદી સરકારની ઈચ્છા વિના એ શક્ય ના બને એ કહેવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટની ટીકા-ટિપ્પણીઓ સામે નિંભર સાબિત થયેલા ગોયલે હવે અચાનક કેમ રાજીનામું ધરી દીધું એ રહસ્ય છે. ગોયલ મોદી સરકારની નજરમાંથી ઊતરી ગયા કે પછી તેમના માટે બીજો મોટો રોલ તૈયાર છે એ જોવાનું રહે છે પણ ગોયલના રાજીનામાના કારણે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત ઘોચમાં પડશે એવું માનવાને કારણ નથી. તેનું કારણ એ કે, ચૂંટણી પંચ એક વ્યક્તિ પર ચાલતું નથી. પંચની સિસ્ટમ છે એ તો કામ કરી જ રહી છે ને વાસ્તવમાં બધી તૈયારી થઈ ગઈ છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતની ઔપચારિકતા નિભાવવાની છે. આ ઔપચારિકતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર એકલા નિભાવશે.
ગોયલ જેવા ચૂંટણી કમિશનરો આવે છે ને જાય છે. પછીથી તેમને કોઈ યાદ પણ કરતું નથી પણ ગોયલને એ રીતે યાદ કરાશે કે તેમની નિમણૂકમાં ચાલેલા ધૂપ્પલના કારણે સુપ્રીમ કોર્ટે ઝાટકતાં મોદી સરકારે ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે નવો કાયદો બનાવવો પડેલો.
આ ધૂપ્પલના કારણે સુપ્રીમ કોર્ટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર ઐતિહાસિક ચુકાદો આપતાં ફરમાન કર્યું હતું કે, વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના ચીફ જસ્ટિસની બનેલી ત્રણ સભ્યોની કમિટી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરશે. કમિટીએ મોકલેલાં નામો પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિનો રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, જ્યાં સુધી સંસદ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે કાયદો ના બનાવે ત્યાં સુધી આ પ્રક્રિયા જ અમલમાં રહેશે.
મોદી સરકારે આ ચુકાદાને બદલવા સંસદમાં કાયદો પસાર કર્યો. આ કાયદા પ્રમાણે હવે વડા પ્રધાન, એક મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા એમ ત્રણ સભ્યોની સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને કમિશનરોનાં નામ નક્કી કરે છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત