જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમો સમજદારી બતાવે તો સારું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ તહખાના એટલે કે વ્યાસ ભોંયરાંમાં હિન્દુઓ દ્વારા કરાતી પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષકારોએ કરેલી અરજી અલાહાબાદ હાઈ કોર્ટે ફગાવી દેતાં મુસ્લિમ પક્ષકારોને વધુ એક ફટકો પડ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો પછી 31 જાન્યુઆરીની રાતથી ભોંયરામાં પૂજા શરૂ થઈ તેની સામે મુસ્લિમ પક્ષકાર એટલે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિ અલાહાબાદ હાઈ કોર્ટમાં ગઈ હતી.
કમિટીએ વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગ કરીને. હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે, વ્યાસ ભોંયરું લાંબા સમયથી તેમના તાબા હેઠળ અને જ્ઞાનવાપી મસ્જિદનો જ એક ભાગ છે ત્યારે તેનાં પૂજાની મંજૂરી ના મળવી જોઈએ. કમિટીએ એવી દલીલ પણ કરી છે કે, જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષકારોને હાઈ કોર્ટમાં જવાનો સમય આપ્યો ત્યાં સુધીમાં પૂજા નહોતી થવી જોઈતી પણ જિલ્લા કલેક્ટર તથા વહીવટીતંત્રે ઉતાવળમાં પૂજા શરૂ કરાવી દીધી કે જેથી પછીથી તેને કોઈ બંધ ના કરાવી શકે. આ કાયદાકીય પ્રક્રિયાનો ભંગ છે તેથી વ્યાસ ભોંયરામાં પૂજા તરત જ બંધ કરી દેવી જોઈએ.
જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી વ્યાસ ભોંયરામાં પૂજા રોકવાની ના પાડી દીધી છે. મતલબ કે, અત્યારે ચાલે છે એ રીતે વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈક ોર્ટના આ ચુકાદા સામે મુસ્લિમ પક્ષકારો પાસે સુપ્રીમ કોર્ટમા જવાનો વિકલ્પ છે. મુસ્લિમ પક્ષકારોનું વલણ જોતાં એ લોકો સુપ્રીમ કોર્ટમાં જશે જ તેમાં બેમત નથી કેમ કે જિલ્લા કોર્ટના પૂજાની મંજૂરીના આદેશ સામે ઈંતેજામિયા કમિટી પહેલાં સુપ્રીમ કોર્ટમાં જ ગઈ હતી.
કમિટીએ સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી દાખલ કરીને પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી., સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરીને મુસ્લિમ પક્ષને પહેલાં હાઈ કોર્ટનો સંપર્ક કરવા સૂચન કર્યું એટલે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કમિટી અલાહાબાદ હાઈ કોર્ટમાં ગઈ હતી. હવે અલાહાબાદ હાઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે તેથી કમિટી પાસે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય વિકલ્પ નથી.
ઈંતેજામિયા કમિટીને સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે તેમાં કોઈ શંકા નથી. ભારતના કોઈ પણ નાગરિક, સંસ્થા કે બીજા કોઈને પણ નીચલી અદાલતનો ચુકાદો માન્ય ના હોય તો તેને ઉપલી અદાલતમાં પડકારવાનો અધિકાર છે. ઈંતેજામિયા કમિટીને પણ એ અધિકાર છે તેથી તેના સુપ્રીમ કોર્ટમાં જવા સામે વાંધો ના લઈ શકાય પણ ઈંતેજામિયા કમિટીના સભ્યોમાં થોડું પણ શાણપણ કે સમજ હોય તો તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાનું ટાળવું જોઈએ. તેના બદલે હિંદુઓ સાથે વાતચીત કરીને કોઈ ઉકેલ લાવવો જોઈએ કેમ કે આ મુદ્દો એકલી જ્ઞાનવાપી મસ્જિદ કે એક ધાર્મિક સ્થાનનો નથી.
જ્ઞાનવાપીનો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલો સર્વે રિપોર્ટ 25 જાન્યુઆરીએ મોડીરાત્રે જાહેર કરવામાં આવ્યો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જ્ઞાનવાપી સંકુલમાં ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે. આ સ્થાને મંદિર હતું તેના સમર્થનમાં 34 પુરાવા ટાંકવામાં આવ્યા છે. આ પુરાવાના આધારે કહેવાયું છે કે, સમગ્ર સંકુલ મંદિરની રચના પર ઊભું છે અને જ્ઞાનવાપીની જગ્યાએ એક મોટું હિન્દુ મંદિર હતું. 17મી સદીમાં, ઔરંગઝેબના શાસન દરમિયાન મંદિરનું માળખું તોડી પાડીને મસ્જિદ બાંધવામાં આવી હતી. મસ્જિદ સંકુલની અંદર `મહામુક્તિ મંડપ’ નામનો પથ્થરનો પણ સ્લેબ મળી આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે મંદિરના કેટલાક ભાગોમાં ફેરફાર કરીને પ્લાસ્ટર અને ચૂનાથી છુપાવી દેવાયા હતા.
આ તો એક સ્થાનની વાત થઈ પણ પુરાતત્વ વિભાગ સર્વે કરે તો બધેથી આવા પુરાવા મળે કેમ કે મુસ્લિમોએ મંદિર તોડેલાં એ ઈતિહાસ છે. હિંદુવાદીઓ દાવો કરે છે કે, ભારતમાં મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોએ ત્રણ હજારથી વધારે મંદિરો તોડીને મસ્જિદો બનાવી દીધી હતી. આ મંદિરો હિંદુઓને પાછાં મળવાં જોઈએ એવી માગણી પણ કેટલાંક સંગઠનો કરી રહ્યાં છે. કેન્દ્રમાં ભાજપનું શાસન આવ્યું પછી આ માગણી ઉગ્ર બની છે કેમ કે ભાજપને સતત હિંદુત્વનો મુદ્દો છવાયેલો રહે તેમાં રસ છે.
આ સંજોગોમાં જ્ઞાનવાપીનો મુદ્દો ઉકેલાશે તો બીજા કોઈ ધર્મસ્થાનનો મુદ્દો આવશે ને બીજો જશે તો ત્રીજા ધાર્મિક સ્થાનનો મુદ્દો આવશે. ત્રીજા પછી ચોથા ને ચોથા પછી પાંચમા એમ બધું ચાલ્યા જ કરશે એ જોતાં હિંદુ વર્શિય મુસ્લિમ સંઘર્ષનો કદી અંત જ નહીં આવે. બલ્કે સતત ઝઘડતા રહેવાથી કડવાશ વધશે કે જે દેશના હિતમાં નથી.
મુસ્લિમોએ બીજી એક વાત પણ સમજવાની જરૂર છે. અત્યારે દેશમાં 1993માં બનેલો વર્શિપ એક્ટ અમલમાં છે. આ એક્ટ હેઠળ દેશના તમામ ધર્મસ્થાનો 15 ઑગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે જે સ્થિતિમાં હતાં એ જ સ્થિતિમાં રાખવાની જોગવાઈ છે. મુસ્લિમો આ એક્ટ પર મુશ્તાક છે પણ આ એક્ટનું અર્થઘટન કોર્ટ દ્વારા કઈ રીતે થાય છે એ મહત્ત્વનું છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોંયરામાં 15 ઑગસ્ટ, 1947ના રોજ હિંદુઓ પૂજા કરતા નહોતા છતાં જિલ્લા કોર્ટે હિંદુઓને પૂજાન મંજૂરી આપી અને અલાહાબાદ હાઈ કોર્ટે તેના પર મંજૂરીની મહોર મારી. તેનો અર્થ એ થયો કે, વર્શિપ એક્ટનું અર્થઘટન મુસ્લિમો સમજે છે એ રીતે નથી થવાનું. અંજુમન ઈંતેજામિયા કમિટીના વકીલ મુમતાઝ અહેમદે હાઈ કોર્ટમાં દલીલ કરેલી કે, વ્યાસ તહખાના મસ્જિદનો એક ભાગ છે અને વક્ફ બોર્ડની મિલકત છે તેથી પૂજાની મંજૂરી આપી શકાય નહીં.
હાઈ કોર્ટે આ દલીલ માન્ય રાખી નથી તેના પરથી જ સ્પષ્ટ છે કે, વર્શિપ એક્ટના કારણે મંદિરો તોડીને બનાવાયેલી મસ્જિદો પર હિંદુઓ દાવો કરે ને હાઈ કોર્ટ એ દાવાને સીધેસીધો નકારી કાઢશે એવું બનવાનું નથી. એ માટેનાં કારણો પણ છે. નરસિંહરાવ સરકારે બનાવેલો વર્શિપ એક્ટ ધર્મસ્થાનોને જે તે સ્થિતિમાં રાખવાનું કહે છે. તેનું અર્થઘટન એવું કરી શકાય કે, ધર્મસ્થાનના માળખામાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. પૂજા કરવાથી કે બીજી વિધિ કરવાથી ધર્મસ્થાનના માળખામાં કોઈ ફેરફાર થવાનો નથી તેથી વર્શિપ એક્ટનો ભંગ કર્યા વિના પણ પૂજા કે બીજી વિધિની મંજૂરી આપી જ શકાય છે. અદાલતો દરેક ધર્મસ્થાનના મામલે આવું વલણ અપનાવે તો શું સ્થિતિ થાય એ વિશે મુસ્લિમ પક્ષકારોએ વિચારવાની જરૂર છે. ઉ