એકસ્ટ્રા અફેર

નવીન સાથે જોડાણથી ભાજપ ફાયદામાં રહેશે

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. ઓડિશાની સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) સાથે જોડાણના મુદ્દે ભાજપ માટે આ કહેવત સાચી પડી રહી હોય એવું લાગે છે. ઓડિશામાં છેલ્લાં 25 વર્ષથી સત્તા ભોગવી રહેલા બીજુ જનતા દળ અને નવીન પટનાઈકને હરાવવા માટે ભાજપે બધા ઘમપછાડા કરી જોયા પણ સફળતા ના મળી. બીજેડી સામે સતત હાર પછી ભાજપ હવે પાછો વળવા તૈયાર થઈ ગયો છે અને નવિન પટનાઈકની બીજેડી સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે.
લોકસભાની ચૂંટણી ઓડિશામાં ભાજપ અને બીજેડી સાથે મળીને લડે એ માટે બેઠકો શરૂ થઈ છે. ભુવનેશ્વરમાં બીજેડીના કર્તહર્તા અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નિવાસસ્થાન નવીન નિવાસ ખાતે જોડાણ પર ચર્ચા માટે મેરેથોન બેઠક પણ થઈ ગઈ. બીજેડી ઉપપ્રમુખ દેબી પ્રસાદ મિશ્રાએ સ્વીકારી પણ લીધું કે, અમે ભાજપ સાથે જોડાણ માટે ચર્ચા કરી રહ્યા છીએ. ભાજપે પણ બીજેડી સાથે ચર્ચા ચાલી રહી હોવાની વાતને સમર્થન આપ્યું છે.
ઓડિશામાં લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં ભાજપની લાંબી બેઠક યોજાઈ પછી ભાજપ સાંસદ જુઆલ ઓરમે પણ સ્વીકાર્યું કે, બીજેડી સાથે જોડાણ અંગે વાતચીત ચાલી રહી છે અને અંતિમ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. હાઈકમાન્ડ શું નિર્ણય લેશે એ કહેવાની જરૂર નથી કેમ કે મોદી પોતે હમણાં ઓડિશા ગયા ત્યારે નવીન પટનાઈક પર મન મૂકીને વરસ્યા હતા.
મોદીએ નવીનને લોકપ્રિય મુખ્ય પ્રધાન ગણાવીને ભરપેટ વખાણ કર્યાં ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, ભાજપ હવે બીજેડી સામે લડીને થાક્યો છે ને સમાધાન કરવા તૈયાર થઈ ગયો છે. નીતીશ કુમારની જેડીયુ સાથે ભાજપે બુચ્ચા કરી લીધા ને હવે ઓડિશાની બીજુ જનતા દળ પણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા એનડીએમાં જોડાઈ જશે.
ભાજપ અને બીજેડી વચ્ચે કઈ રીતનું જોડાણ થાય છે તેની ખબર થોડા દિવસોમાં પડી જશે પણ અત્યારે જે વાતો છે એ પ્રમાણે, લોકસભામાં ભાજપ અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીનો હાથ ઉપર રહે એ પ્રકારનું જોડાણ કરાશે. ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની છે. ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે. અત્યારે ચાલી રહેલી વાતો પ્રમાણે, ભાજપ લોકસભાની વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખે જ્યારે બીજેડી વિધાનસભા ચૂંટણીમાં વધારે ઉમેદવારો ઊભા રાખે એવી ગોઠવણ થશે. ઓડિશામાં લોકસભાની 21 બેઠકોમાંથી ભાજપ 13 અને બીજેડી આઠ બેઠકો પર લડે જ્યારે વિધાનસભાની 147 બેઠકોમાંથી 107 બેઠકો પર બીજેડી લડે જ્યારે ભાજપ 40 બેઠકો પર લડે એવી ફોર્મ્યુલા વિચારાઈ રહી છે
ભાજપ અને બીજેડી વચ્ચેના જોડાણમાં શું નક્કી થાય છે એ વાજતું ગાજતું સામે આવવાનું જ છે પણ આ જોડાણ થશે તો જૂના સાથી ફરી એક થશે કેમ કે પહેલાં ભાજપ-બીજેડી સાથે જ હતાં પણ આ જોડાણ બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો પડતાં 15 વર્ષ પહેલા તૂટી ગયું હતું.
અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપ અને બીજેડી સાથે હતું. 1998માં બીજેપી અને બીજેડી વચ્ચે જોડાણ થયું પછી લાંબો સમય સુધી નવીન પટનાઈક વાજપેયી સરકારમાં પ્રધાન પણ હતા. ભાજપ અને બીજેડીએ 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણી એકસાથે લડી હતી. આ સિવાય 2000 અને 2004ની વિધાનસભા ચૂંટણીમાં પણ બંને પક્ષો સાથે મળીને લડ્યા હતા પણ ભાજપની મમતના કારણે જોડાણ 2009માં તૂટી ગયું હતું.
બીજેડીને એનડીએની સૌથી ભરોસાપાત્ર પાર્ટી અને ભાજપનો સાચો સાથી માનવામાં આવતી હતી કેમ કે નવીન પટનાઈક બહુ ખટપટમાં પડ્યા વિના પોતાના કામથી કામ રાખનારા નેતા છે. આ કારણે વાજપેયી હતા ત્યાં સુધી જોડાણ ટક્યું પણ પછી 2009ની લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી વખતે ભાજપે પોતાના માટે વધારે હિસ્સો માગતાં જોડાણ તૂટી ગયું હતું. બીજેડીએ ભાજપને વિધાનસભાની 147માંથી 40 બેઠકો ઓફર કરી હતી જ્યારે ભાજપ 63 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવા માગતો હતો. લોકસભા ચૂંટણીમાં પણ બીજેડી 21માંથી છ બેઠકો ભાજપને આપવા માગતી હતી જ્યારે ભાજપને નવ બેઠકો જોઈતી હતી. બીજેડીનો પ્રભાવ જોતાં તેની માગણી યોગ્ય હતી પણ ભાજપે મમત ના છોડતાં જોડાણ તૂટી ગયું. આ જોડાણ તૂટ્યા પછી ભાજપનાં નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આ ગઠબંધન તોડવું નવીન પટનાયકને બહુ ભારે પડશે.
નવીન પટનાઈકને તો 2009માં પણ કશું ભારે નહોતું પડ્યું કેમ કે એ તો 147માંથી 103 બેઠકો જીતી ગયેલા અને લોકસભાની 12 બેઠકો જીતી ગયેલા જ્યારે ભાજપને વિધાનસભામાં છ અને લોકસભામાં એક પણ બેઠક નહોતી મળી. ભાજપે એ પછી બીજેડીને હરાવવા બહુ ધમપછાડા કર્યા પણ સફળતા નથી મળી ને છેવટે નાકલીટી તાણીને પાછા નવીન પટનાઈકના શરણે આવવું પડ્યું છે. તેના પરથી જ જોડાણ તોડવું કોને ભારે પડ્યું છે એ સ્પષ્ટ છે.
ભાજપનો એ ઈતિહાસ છે કે એ ધીરે ધીરે પોતાના સાથી પક્ષોને ખાઈ જાય છે. મહારાષ્ટ્રમાં એ શિવસેનાને ખાઈ ગયો ને પોતે સૌથી મોટો પક્ષ બની ગયો. બીજાં રાજ્યોમાં પણ એવું થયું છે પણ ઓડિશામાં ઉલટું થયું. ઓડિશામાં ભાજપે નવીન પટનાઈકને ખાઈ જવાની કોશિશ કરેલી પણ પટનાઈક વધારે જોરાવર સાબિત થયા તેમાં ભાજપનો ગજ ના વાગ્યો તેથી હવે ભાજપે નવીનને મોટા ભા તરીકે સ્વીકારવા પડે છે.
નવીન પટનાઈક સાથે હાથ મિલાવીને ભાજપ ફાયદામાં જ રહેશે કેમ કે તેના ખાતામાં વધુ એક રાજ્ય ઉમેરાશે. ઓડિશામાં એક સમયે કૉંગ્રેસ અને નવીન વચ્ચે ટક્કર હતી પણ ભાજપ ધીરે ધીરે કૉંગ્રેસની મતબેંકને કબજે કરવામાં સફળ થયો છે તેથી કૉંગ્રેસ નામશેષ છે. આ સંજોગોમાં બીજેડી અને બીજેપી હાથ મિલાવે તો ઓડિશામાં બીજું કોઈ ટકી શકશે નહીં. લોકસભા અને વિધાનસભા બંનેમાં આ જોડાણનું રોલર ફરી વળે એવી પૂરી શક્યતા છે. કૉંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં ગણીને એક બેઠક જીતી હતી ને એ પણ કૉંગ્રેસ કદાચ નહીં જાળવી શકે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button