એકસ્ટ્રા અફેર

એક્ઝિટ પોલ મનોરંજનથી વધારે કંઈ નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

તેલંગણામાં ગુરુવારે સાંજે મતદાન સમાપ્ત થયું એ સાથે જ દેશનાં પાંચેય રાજ્યોમાં મતદાન પતી ગયું ને હવે સૌની નજર ત્રણ ડિસેમ્બરનાં પરિણામો પર છે કેમ કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી આ પાંચ પૈકી ચાર રાજ્યો મહત્ત્વનાં છે. આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં વિધાનસભાઓની આ છેલ્લી ચૂંટણી હોવાથી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણીની ફાઈનલ પહેલાંની સેમીફાઈનલ પણ ગણાવાઈ રહી છે.

ચાર રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે જ્યારે તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને કૉંગ્રેસ વચ્ચે લડાઈ છે. પાંચમા રાજ્ય મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે મુકાબલો છે ને તેના પર કોઈની નજર નથી પણ બાકીનાં ચાર રાજ્યો લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મહત્ત્વનાં છે કેમ કે આ પાંચમાંથી ચાર મધ્યમ કક્ષાનાં રાજ્ય છે અને લોકસભાની કુલ ૮૩ સીટો ધરાવે છે.

તેલંગણામાં મતદાનની સમાપ્તિ સાથે એક્ઝિટ પોલનો મારો પણ શરૂ થઈ ગયો. દેશનાં પાંચ રાજ્યો પૈકી તેલંગણાને બાદ કરતાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં પહેલાં જ મતદાન પતી ગયેલું તેથી ટીવી ચેનલો તેલંગણામાં મતદાન પતે તેની રાહ જોઈને જ બેઠેલી. આ મતદાન પત્યું એ સાથે જ આવેલા એક્ઝિટ પોલ ભારે રસપ્રદ છે અને એકંદરે કૉંગ્રેસની તરફેણ કરનારા છે.
આ એક્ઝિટ પોલમાં પાંચમાંથી બે રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર રચાશે એ મુદ્દે મોટા ભાગના એક્ઝિટ પોલ સહમત છે. બાકીનાં ત્રણ રાજ્યોમાંથી મિઝોરમમાં પ્રાદેશિક પક્ષ સૌથી મોટો પક્ષ બનશે એવી આગાહી છે જ્યારે બાકીનાં બે રાજ્યોમાં એક્ઝિટ પોલ વહેંચાયેલા છે ને તેના કારણે ત્રણ ડિસેમ્બરે જાહેર થનારાં પરિણામ અત્યંત રસપ્રદ બની
ગયાં છે.

મોટા ભાગના એક્ઝિટ પોલ છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર આવશે તેની આગાહી કરી રહ્યા છે. મોટી ટીવી ચેનલોના ૭ એક્ઝિટ પોલમાંથી તમામમાં કૉંગ્રેસની સરકાર બનવાની આગાહી છે. ભાજપ કૉંગ્રેસને જોરદાર ટક્કર આપશે તેવું લાગી રહ્યું છે પણ ભૂપેશ બઘેલના વિજયરથને નહીં રોકી શકે એવું એક્ઝિટ પોલ્સ કહે છે.

મધ્ય પ્રદેશમાં એક્ઝિટ પોલ વહેંચાયેલા છે અને કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની સરકારની આગાહી કરાઈ રહી છે જ્યારે કેટલાક પોલ ભાજપ ૨૩૦ બેઠકોની વિધાનસભામાં ૧૫૦ કરતાં વધારે બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી જશે એવી આગાહી કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે અને ઈન્ડિયા ટીવી બંને ભાજપને ૧૫૦ પ્લસ બેઠકો આપી રહ્યાં છે ને શિવરાજસિંહ ચૌહાણના જયજયકારની આગાહી કરી રહ્યાં છે.

જો કે રસપ્રદ વાત એ છે કે, એબીપી-સી વોટરના સર્વેમાં કૉંગ્રેસને બહુમતીની આગાહી કરાઈ છે. એબીપીનો સર્વો કૉંગ્રેસને ૧૧૩થી ૧૩૭ બેઠકો આપે છે. એ જ રીતે દૈનિક ભાસ્કરે પણ ૧૦૫થી ૧૨૦ બેઠકો સાથે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને બહુમતીની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં દૈનિક ભાસ્કર જૂથ સૌથી મોટું મીડિયા ગ્રૂપ છે ને એ બીજા કરતાં અલગ આગાહી કરી રહ્યું છે તેથી એક્ઝિટ પોલ રસપ્રદ બની ગયા છે.

રાજસ્થાનમાં મધ્ય પ્રદેશથી બિલકુલ ઉલટી સ્થિતિ છે. રાજસ્થાનમાં એબીપી-સી વોટરના સર્વેમાં ભાજપને બહુમતીની આગાહી કરાઈ છે. એબીપીનો સર્વે ભાજપને ૯૪થી ૧૩૭ બેઠકો આપે છે. એ જ રીતે દૈનિક ભાસ્કરે પણ ૯૮થી ૧૦૫ બેઠકો સાથે રાજસ્થાનમાં કૉંગ્રેસને બહુમતીની આગાહી કરી છે. દૈનિક ભાસ્કર જૂથ રાજસ્થાનમાં પણ સૌથી મોટું મીડિયા ગ્રૂપ છે. દૈનિક ભાસ્કર ગ્રૂપ બીજા કરતાં અલગ આગાહી કરી રહ્યું છે તેથી એક્ઝિટ પોલ રસપ્રદ બની ગયા છે.

જો કે સૌથી રસપ્રદ એક્ઝિટ પોલ તેલંગણા અંગેના છે. તેલંગાણામાં છેલ્લી બે ટર્મથી જીતતા કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ને કૉંગ્રેસ પછાડી દેશે એવું મોટા ભાગના એક્ઝિટ પોલ કહે છે. તેલંગાણાને લગતા જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા તેમાં બહુમતીમાં કૉંગ્રેસની જીતની આગાહી છે જ્યારે કેટલાકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે પણ કોઈ પોલ એવું કહેતો નથી કે, કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) જીતની હેટ્રિક કરીને ફરી સરકાર રચશે.

તેલંગણામાં ખરેખર એવાં પરિણામ આવશે કે નહીં એ ખબર નથી પણ એવાં પરિણામ આવે તો કૉંગ્રેસને જલસો થઈ જાય. કૉંગ્રેસે છ મહિના પહેલાં કર્ણાટકમાં સત્તા કબજે કરી છે અને હવે તેલંગણામાં પણ કૉંગ્રેસ જીતે તો બહુ મોટી વાત કહેવાય. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દક્ષિણ ભારતમાં પ્રભાવ વધારી રહી છે એ સાબિત થાય તો તેની અસર બીજા રાજ્યો પર પણ પડે.
આ એક્ઝિટ પોલ બહાર આવતાં જ હજુ જાહેર થયાં નથી એવાં પરિણામોની ચોવટ જોરશોરથી શરૂ થઈ ગઈ છે પણ સવાલ એ છે કે, આ એક્ઝિટ પોલને ગંભીરતાથી લેવા જોઈએ? બિલકુલ ના લેવા જોઈએ કેમ કે આ એક્ઝિટ પોલ અસલી પરિણામ નથી. પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બે દિવસ પછી જ આવવાનાં છે. ક્યા રાજ્યમાં કોની સરકાર રચાશે ને કોણ ઘરે બેસશે તેનો નિર્ણય આ પરિણામોના આધારે થવાનો છે. આ સંજોગોમાં એક્ઝિટ પોલ શું કહે છે તેની કોઈ કિંમત જ નથી.

વાસ્તવમાં કે કોઈ પણ એક્ઝિટ પોલ મનોરંજનથી વધારે કંઈ નથી અને ખરેખર તો ટીવી ચેનલોનો ટાઈમ પાસ છે. મતદાન પતી ગયું છે, ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયાં છે ને હવે બે દિવસ સુધી કોઈએ કશું કરવાનું નથી. પ્રચારથી થાકેલા રાજકારણીઓ તો બે દિવસ લગી આરામ કરીને થાક ઉતારશે પણ ટીવી ચેનલોવાળા શું કરે? એ લોકોએ તો બે દિવસ લગી પોતાની દુકાન ચલાવવી પડે કે નહીં ? એક્ઝિટ પોલ બે દિવસ માટે દુકાન ચલાવવાનો ટાઈમ પાસ છે ને તેના કારણે પરિણામો જાહેર થાય એ પહેલાં ટેમ્પો જમાવવામાં મદદ મળશે તેથી ટીવી ચેનલો બે દિવસ લગી એક્ઝિટ પોલને આધારે પિષ્ટપિંજણ કર્યા કરશે. લોકોએ સાંભળવાનું ને મનોરંજન મેળવવાનું ને રવિવારની સવાર પહેલાં બધું મનમાંથી કાઢી નાંખીને ટીવી સામે ગોઠવાઈ જવાનું, બીજું શું?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button