એકસ્ટ્રા અફેર

સોનિયા પણ રાજ્યસભાની લાલસા ના છોડી શક્યાં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશમાં હમણાં રાજ્યસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે તેથી ભાજપ અને કૉંગ્રેસ સહિતના મોટા ભાગના પક્ષો ઉમેદવારો જાહેર કરવા ને ફોર્મ ભરાવવામાં પડેલા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો મતદાન કરતા હોય છે ને મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાનાં સમીકરણો પહેલેથી ગોઠવાયેલાં હોય છે તેથી કંઈ બેઠક પર કોણ જીતશે એ લગભગ નક્કી હોય છે ને ભાગ્યે જ કોઈ ચૂંટણીમાં રસાકસી જામતી હોય છે.

વરસો પહેલાં ગુજરાતમાં અહમદ પટેલ સામે ભાજપે બળવંતસિંહ રાજપૂતને ઊભા રાખી દીધેલા ત્યારે એવી રસાકસી જામેલી ને ક્રિકેટની મેચ હોય એવો રોમાંચ ઊભો થયેલો. એ પછી એવી રોમાંચકતા જોવા મળી નથી. આ વખતની ચૂંટણીમાં પણ એવી રોમાંચકતા એકાદ બે બેઠકને બાદ કરતાં ક્યાંય જોવા મળે એવી શક્યતા નથી કેમ કે બધા પક્ષોએ પોતે જીતી શકે એ રીતે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ઉમેદવારોમાં સૌથી નોંધપાત્ર કોઈ નામ હોય તો એ સોનિયા ગાંધીનું છે.

કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અત્યારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકનાં સાંસદ છે. યુપીમાં કૉંગ્રેસનું નામું નંખાઈ ગયું છે ને ૨૦૧૯ની ચૂંટણીમાં કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાંથી રાહુલ ગાંધી સુધ્ધાં હારી ગયેલા પણ સોનિયા ગાંધીએ રાયબરેલીનો ગઢ જાળવી રાખેલો. હવે સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવતાં રાયબરેલી લોકસભા બેઠક પરથી સોનિયા ગાંધી નહીં ઊભાં રહે એ નક્કી થઈ ગયું છે. સોનિયાએ ખાલી કરેલી બેઠક પરથી કૉંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે એ ખબર નથી પણ પ્રિયંકા ગાંધીનું નામ બોલાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી અત્યાર લગી કોઈ ચૂંટણી લડ્યાં નથી પણ આ વખતે કદાચ લડી શકે. પ્રિયંકા રાયબરેલીમાંથી લડે તો એ મોટી ઘટના હશે ને એ વખતે તેની વાત કરીશું પણ અત્યારે તો સોનિયા ગાંધીની વાત કરી લઈએ.

સોનિયા ગાંધીએ રાજસ્થાનમાં જે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી એ બેઠક પહેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહ પાસે હતી. ડૉ. મનમોહન સિંહની તબિયત સાવ ખરાબ છે ને એ વ્હીલ ચેર સિવાય નીકળી જ શકતા નથી તેથી કૉંગ્રેસે ડૉ. મનમોહન સિંહ દ્વારા ખાલી કરાયેલી સીટ પર સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.

રાજસ્થાનમાં અત્યારે વિધાનસભાની જે સ્થિતિ છે તેમાં ૨૦૦ ધારાસભ્યોમાંથી ભાજપના ૧૧૫ ધારાસભ્યો છે જ્યારે કૉંગ્રેસ પાસે ૭૦ ધારાસભ્યો છે. રાજસ્થાનમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો છે તેથી એક બેઠક પર જીતવા માટે ૬૭ ધારાસભ્યોના મત જોઈએ. ભાજપે ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ એ બે ઉમેદવાર જાહેર કર્યા છે. બંનેને જીતવા માટે કુલ ૧૩૪ મત જોઈએ પણ ભાજપ પાસે પોતાના ૧૧૫ અને હમણાં જ એનડીએમાં જોડાયેલા જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળનો એક મળીને ૧૧૬ ધારાસભ્યો થાય છે.

આ સંજોગોમાં ભાજપના બીજા ઉમેદવારને જીતવા માટે ફર્સ્ટ પ્રેફરન્સના બીજા ૧૮ મત જોઈએ. ૮ અપક્ષ ધારાસભ્યો છે એ ભાજપને મત આપે તો પણ ૧૦ મત બીજા જોઈએ. કૉંગ્રેસે બીજો ઉમેદવાર ઊભો રાખ્યો નથી તેથી સેક્ધડ પ્રેફરન્સના મતો સાથે ભાજપનો બીજો ઉમેદવાર જીતી જાય ને સોનિયા ગાંધી તો કૉંગ્રેસના ફર્સ્ટ પ્રેફરન્સના મતોથી જ જીતી જશે.
ભાજપ છેલ્લી ઘડીએ નવું ગતકડું કરીને ત્રીજો ઉમેદવાર ઊભો ના રાખે તો સોનિયા ગાંધીની રાજ્યસભામાં એન્ટ્રી નિશ્ર્ચિત મનાય છે પણ સવાલ એ છે કે, સોનિયા ગાંધીએ ખરેખર રાજ્યસભામાં જવાની જરૂર છે ખરી ? સોનિયા ગાંધી ૧૯૯૯માં પહેલી વાર લોકસભાની ચૂંટણી લડ્યાં ત્યારે અમેઠીમાંથી જીત્યાં હતાં પણ એ પછી રાયબરેલીમાંથી જીતતાં રહ્યાં છે. સોનિયા એ રીતે અમેઠીમાંથી એક વાર ને રાયબરેલીમાંથી ચાર વાર એમ કુલ પાંચ વાર લોકસભામાં ચૂંટાયાં છે.

સોનિયા ગાંધીનો રેકોર્ડ એ રીતે જોઈએ તો એક લોકપ્રિય નેતા તરીકેનો છે જ્યારે રાજ્યસભામાં તો મોટા ભાગે એવા નેતા જતા હોય છે કે જેમનો જનાધાર ના હોય ને ચૂંટણી જીતવાની જેમનામાં તાકાત ના હોય. કૉંગ્રેસમાંથી તો એવા જ નેતા રાજ્યસભામાં જાય છે કે જેમને કોઈ પૂછતું નથી અને જે ચૂંટણી જીતી શકે તેમ નથી. સોનિયા એ કેટેગરીનાં નેતા નથી તેથી તેમણે રાજ્યસભામાં જવાનું ટાળવું જોઈતું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯માં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું તેમાં કૉંગ્રેસના કહેવાતા ઘણા દિગ્ગજ નેતા ભૂંસાઈ ગયા. કૉંગ્રેસ જેમને વડા પ્રધાન બનાવવા થનગને છે એવા રાહુલ ગાંધી પોતે અમેઠીમાંથી હારી ગયા પણ સોનિયા હાર્યાં નથી. ૨૦૨૪માં એ રાયબરેલીમાંથી ઊભાં રહ્યાં હોત તો શું થાત એ અટકળનો વિષય છે પણ અત્યાર લગીનો સોનિયાનો ટ્રેક રેકોર્ડ લોકપ્રિય નેતા તરીકેનો રહ્યો છે ત્યારે તેમણે રાજ્યસભાનો મોહ છોડી દેવાની જરૂર હતી.

સ્વાસ્થ્ય અને ઉંમર પણ સોનિયા ગાંધીની તરફેણમાં નથી. સોનિયા ગાંધી લાંબા સમયથી સતત બીમાર રહે છે ને એ કારણે તો તેમણે કૉંગ્રેસનું પ્રમુખપદ છોડી દીધેલું. રાહુલ ગાંધીમાં વેતો નથી એટલે સોનિયાએ પાછા આવવું પડ્યું એ અલગ વાત છે પણ એ પૂર્ણ સમયનાં પ્રમુખ તો બની જ નથી શક્યાં. સોનિયાની ઉંમર પણ ૭૭ વર્ષ છે ને એ પણ સાંસદ બનવા માટેની ઉંમર નથી આ સંજોગોમાં તેમણે આરામ કરીને કૉંગ્રેસના કોઈ યુવા નેતાને તક આપવાની જરૂર હતી.

સોનિયા ગાંધી વિશે ભાજપના નેતા ગમે તે બોલતા હોય પણ સોનિયાની રાજકીય કારકિર્દી ગૌરવપૂર્ણ છે અને તેમનું વર્તન પણ માન થાય એવું છે. આ ગૌરવ અને માન જાળવીને એ ખસી ગયાં હોત તો તેમના માટેનું માન વધી ગયું હોત પણ કમનસીબે સોનિયા એવું ના કરી શક્યાં.

કૉંગ્રેસને ૨૦૦૪માં સરકાર રચવાની તક મળી ત્યારે સોનિયા ગાંધી વડા પ્રધાનપદ માટે સર્વસંમત પસંદગી મનાતાં હતાં પણ સોનિયાએ વડાપ્રધાનપદ છોડી બતાવેલું. એ જ સોનિયા અત્યારે રાજ્યસભાનું સભ્યપદ છોડી શકતાં નથી એ જોઈને આશ્ર્ચર્ય થાય છે. તેનું કારણ શું ? રાહુલની નેતા તરીકેની નિષ્ફળતાના કારણે પોતાના પરિવારના ભાવિ વિશે અસુરક્ષાની લાગણી કે સત્તાલાલસા ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button