એકસ્ટ્રા અફેર

સિસોદિયા સામે 8 મહિના પછીય ઈડીને પુરાવા ના મળ્યા

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

લાંબા સમયથી ગાજી રહેલા દિલ્હી સરકારની લિકર અંગેની એક્સાઈઝ નીતિના કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તો જેલમાં પહેલેથી બંધ છે ત્યાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેલભેગા કરી દીધા છે. આ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સંજયસિંહના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

ઈડીની દલીલ હતી કે, ડિજિટલ ડેટા કાઢવા અને સંજયસિંહની બીજા આરોપીએ સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે 10 દિવસના રિમાન્ડ આપો પણ કોર્ટે પાંચ દિવસના જ રિમાન્ડ આપ્યા છે. તેનાથી ફરક પડતો નથી કેમ કે પાંચ દિવસના રિમાન્ડ પૂરા થશે એટલે ઈડી ફરી રિમાન્ડ માગે ત્યારે મળી જ જવાના છે.

સંજયસિંહને રિમાન્ડ મળ્યા એ સમાચાર જૂના છે ને તેમની ધરપકડ થઈ એ સમાચાર તો તેનાથી પણ જૂના છે કેમ કે મની લોન્ડરિગના આરોપમાં સંજયસિંહની 4 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી. સંજયસિંહની પૂછપરછમાં કંઈ બહાર આવે તો તેની વાત પછી કરીશું પણ અત્યારે તો આ જ કેસમાં જેલભેગા કરાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજી અંગે વાત કરવી છે.

સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઈ હતી તેથી સિસોદિયા 8 મહિનાથી વધારે સમયથી જેલમાં છે. સિસોદિયાની જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી ને દિલ્હી હાઈ કોર્ટમાં પણ ફગાવી દેવાઈ તેથી સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ જામીન અરજીની ગુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ને તેમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની ખંડપીઠે ઈડીને કરેલા સવાલો મહત્ત્વના છે.

સુપ્રીમ કોર્ટે ઈડીને સવાલ કર્યો છે કે, મનિષ સિસોદિયા સામે પુરાવા ક્યાં છે ? આ કેસમાં સરકારી સાક્ષી બની ગયેલા ઉદ્યોગપતિ દિનેશ અરોરાના નિવેદન સિવાય સિસોદિયા સામે બીજા પુરાવા છે જ નહીં એવું કહીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિનેશ અરોરા પોતે આરોપી છે ત્યારે તેના નિવેદન પર કેટલો ભરોસો કરી શકાય ? સુપ્રીમ કોર્ટે એવો મત પણ વ્યક્ત કર્યો છે કે, સિસોદિયા સામેના પુરાવાની કડી એકબીજા સાથે જોડાયેલી નથી. ઈડીની દલીલો અનુમાન પર આધારિત છે, જ્યારે વાસ્તવિક રીતે પુરાવા પર આધારિત હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે ઈડીને એ સવાલ પણ કર્યો કે, સિસોદિયા પાસે પૈસા હતા તો કોણે આપ્યા અને કેવી રીતે પહોંચ્યા? સુપ્રીમ કોર્ટે ઈડી દ્વારા 30 કરોડ રૂપિયા અને 100 કરોડ રૂપિયાની વાત કરાય છે તેની સામે પણ સવાલો ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે, તમે બે આંકડા બોલ્યા કરો છો પણ આ રકમ કોણે ચૂકવી ? પૈસા આપનારા તો બીજા ઘણા લોકો હોઈ શકે છે અને જરૂરી નથી કે આ નાણાં લિકર સ્કેમના સંદર્ભમાં જ અપાયાં હોય એવી કોમેન્ટ કરીને સુપ્રીમ કોર્ટે એ સવાલ ફરી કર્યો છે કે, સિસોદિયાને લિકર સ્કેમમાં નાણાં મળ્યાં તેના પુરાવા ક્યાં છે ? ઈડી કહ્યા કરે છે કે, મનિષ સિસોદિયાને નાણાં મળ્યાં પણ આ નાણાં કહેવાતા લિકર ગ્રુપ પાસેથી સિસોદિયા સુધી કઈ રીતે પહોંચ્યાં તેની તો વાત જ નથી કરતા ને તેના તો પુરાવા પણ નથી.

ઈડીએ વાહિયાત દલીલ કરતાં કહ્યું છે કે, લિકર લોબીએ સિસોદિયાને નાણાં આપેલાં પણ બધું ટેબલ નીચે ને ગૂપચૂપ થયેલું તેથી આખો ઘટનાક્રમ ગોઠવવો મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે આ દલીલનાં છોતરાં કાઢીને સવાલ કર્યો છે કે, તમે આખી વાતના મૂળ સુધી પહોંચી નથી શકતા તો પછી તમાં કામ શું ? તમારી હોશિયારી આ પુરાવા શોધવામાં છે પણ તમે એ જ નથી કરી શકતા.

સુપ્રીમ કોર્ટે બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી વાતો કરી શકાય તેમ નથી પણ ટૂંકમાં વાત એટલી જ છે કે, સિસોદિયાને આઠ મહિના જેલમાં રાખ્યા પછી ને વારંવાર રિમાન્ડ પર લીધા પછી પણ ઈડીના અધિકારી તેમની સામે પુરાવા શોધી શક્યા નથી, સિસોદિયાને નાણાં મળેલાં એ સાબિત કરી શકતા નથી એવું સુપ્રીમ કોર્ટને લાગે છે. મની લોન્ડરિગના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, સિસોદિયાની કોઈ ભૂમિકા હોય એવું લાગતું જ નથી.

ઈડીના અધિકારીઓ તેનાથી લાજવાના બદલે બધું ખાનગીમાં થયું હોવાથી પુરાવા શોધી શકાય તેમ નથી એવું નફફટાઈથી કહે છે. વધારે શરમની વાત એ છે કે, સિસોદિયાને જેના નિવેદનને આધારે ઈડીએ જેલભેગા કર્યા છે એ દિનેશ અરોરા તો જામીન પર છૂટી ગયા છે ને ઘરે બેસીને જલસા કરે છે.

સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર 12 ઓક્ટોબરે વધુ સુનાવણી રાખી છે. સુપ્રીમ કોર્ટનું વલણ જોતાં સિસોદિયાને જામીન મળી જશે એવું લાગે છે. એ નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવાનો છે તેથી તેના વિશે અત્યારે કોઈ કોમેન્ટ કરવાનો મતલબ નથી પણ ઈડી પાલતુ છે ને કઈ રીતે કામ કરે છે તેનો આ વધુ એક નાદાર નમૂનો છે.

રસપ્રદ વાત હવે આવે છે. ઈડીએ લિકર પોલિસી કૌભાંડમાં સંજયસિંહની ધરપકડ પણ દિનેશ અરોરાના નિવેદનના આધારે જ કરી છે. દિનેશ અરોરાએ ઈડીને નિવેદન આપ્યું છે કે સંજયસિંહ અને દિલ્હીના બાર-રેસ્ટોરન્ટના માલિકો વચ્ચે તેમની રેસ્ટોરન્ટમાં બેઠક થઈ હતી. તેમાં હાજર રહેલા મનિષ સિસોદિયાએ ખાતરી આપી હતી , આમ આદમી પાર્ટી ફરી સત્તામાં આવશે તો એક્સાઇઝ પોલિસી બનાવતી વખતે દારૂના વેપારીઓનાં હિતને ધ્યાનમાં રાખવામાં આવશે. અરોરાએ પછી પાર્ટી ફંડમાં 82 લાખ આપ્યા હતા અને કેજરીવાલને પણ મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટે જે સવાલ કરેલો એ સવાલ પાછો આવીને ઊભો રહે છે કે, સંજયે ભ્રષ્ટાચાર કર્યો તેના પુરાવા ક્યાં છે ? ઈડી તો દિનેશ અરોરા રાજા હરિશ્ચંદ્રનો અવતાર હોય એ રીતે વર્તીને તેના નિવેદનના આધારે એક પછી એક નેતાઓને જેલભેગા કરી રહી છે. કોઈ તપાસ નહીં, કોઈ પુરાવા નહીં, દિનેશ અરોરાએ કહ્યું એટલે પથ્થરની લકીર. ઈડીનું આ વલણ જોતાં તો ભવિષ્યમાં રાઘવ ચઢ્ઢા અને પછી અરવિંદ કેજરીવાલ પણ અરોરાના નિવેદનના આધારે જેલભેગા થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button