નકસલવાદનો ખાતમો વિકાસથી જ શક્ય છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલાં સિક્યુરિટી ફોર્સીસે ૨૯ નક્સલવાદીઓનાં ઢીમ ઢાળીને સપાટો બોલાવી દીધો. સિક્યુરિટી ફોર્સીસે નકસલવાદના અડ્ડા એવા છત્તીસગઢમાં કરેલા સૌથી મોટા એન્કાઉન્ટરમાં નક્સલીઓના અનેક સિનિયર કમાન્ડર પણ ઉપર પહોંચી ગયા છે. તેમાં એક શંકર રાવ પણ છે કે જેના માથે ૨૫ લાખ રૂપિયાનું ઈનામ હતું. દંડકારણ્ય ડિવિઝનમાં નક્સલીઓનો સૌથી મોટો અને પ્રભાવશાળી કમાન્ડર મનાતો શંકર રાવ પોતાના ડિવિઝનનો મિલેસ્ટ્રી ઈન્ટેલિજન્સ ચીફ હતો. શંકર ઉપરાંત લલિતા માંડવી, રાજૂ અને બીજા ખતરનાક નકસલવાદી પણ મરાયા છે.
આ એન્કાઉન્ટર પછી પોલીસને ૭ એકે ૪૭, ૩ એસએલઆર ઉપરાંત ઈન્સાસ અને .૩૦૩ રાઈફલ સહિતનાં હથિયારો મળી આવ્યાં છે. તેના પરથી જ નકસલો કેવી તૈયારી કરીને આવ્યા હશે એ સ્પષ્ટ છે.. નક્સલ પ્રભાવિત બસ્તર લોકસભા બેઠક પર ૧૯ એપ્રિલે મતદાન છે જ્યારે કાંકેરમાં ૨૬ એપ્રિલે મતદાન છે. આ બંને વિસ્તારોમાં લોકસભા ચૂંટણી સમયે જ ખૂનામરકી કરવાની નકસલવાદીઓની યોજના હશે એ કહેવાની જરૂર નથી.
છત્તીસગઢમાં કરાયેલા ઓપરેશને નકસલવાદનો હજુ સફાયો થયો નથી એ ફરી સ્પષ્ટ કરી દીધું છે. પોલીસનો દાવો છે કે. અત્યાર સુધીમાં ૨૦૨૪માં માઓવાદીઓના ગઢ બસ્તરમાં સિક્યુરિટી ફોર્સીસ સાથેની અલગ અલગ અથડામણમાં ૭૯ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આટલી મોટી સંખ્યામાં નકસલવાદીઓ અને આટલી મોટી સંખ્યામાં હથિયારો તથા દારૂગોળો મળે તેનો અર્થ જ થાય કે, નકસલવાદીઓ હજુ સક્રિય છે અને તેમનો પ્રભાવ પણ યથાવત્ છે.
છેલ્લા કેટલાક સમયથી નકસલવાદીઓ મોટા હુમલા કરતા નથી તેથી એવું લાગતું હતું કે, નકસલવાદ હવે કાબૂમાં આવી ગયો છે. એકંદરે નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ છે પણ આ ઓપરેશને સાબિત કર્યું છે કે, નકસલવાદ ઝડપથી ખતમ થાય એમ નથી ને તેનો ખતરો હજુ ઊભો જ છે. હજુય મોટી સંખ્યામાં નકસલવાદીઓ સક્રિય છે અને તેમને મારવા ઓપરેશન્સ હાથ ધરવા પડે છે.
નકસલવાદીઓ લોકસભાની ચૂંટણીમાં હિંસા ફેલાવવા મથી રહ્યા છે તેથી લગભગ ત્રણ મહિનાથી નકસલવાદીઓના સફાયા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનના ભાગરૂપે ઠેર ઠેર નક્સલવાદ વિરોધી પોસ્ટર લગાવાયાં છે. નકસલવાદીઓ વિશે માહિતી આપનાર અને તેમની ધરપકડ કરાવનારને પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. માહિતી આપનારને ઈનામની સાથે પોલીસમાં કાયમી નોકરી પણ આપવામાં આવે છે તેના કારણે લોકો નકસલવાદીઓ વિશે માહિતી આપે છે અને એન્કાઉન્ટર્સ થયા કરે છે છતાં નવા નવા નકસલવાદી આવ્યા જ કરે છે એ સ્પષ્ટ છે.
સિક્યુરિટી ફોર્સીસે સારું કામ કર્યું પણ આ ઘટના નિમિત્તે નકસલવાદને કેમ નાથી શકાતો નથી એ સમજવા જેવું છે. નકસલવાદનો ઉદ્ભવ અન્યાય સામે લડવાના નામે થયો તેથી નકસલવાદીઓને આદિવાસી વિસ્તારોમાં વ્યાપક સમર્થન મળે છે. ક્યાંક આ સમર્થન સહાનુભૂતિના કારણે મળે છે તો ક્યાંક ડરના કારણે મળે છે પણ નકસલવાદીઓને ભારતમાં જ લોકોનું સમર્થન મળે છે એ વાસ્તવિકતા છે. આ કારણે જ હિંસક ચળવળ હોવા છતાં નકસલવાદ પાંચ દાયકા કરતાં વધારે સમય ટકી ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ ચળવળને દાબી દેવા માટે પાશવી અત્યાચારો પણ કર્યા છતાં નકસલવાદ જીવંત છે તેનું કારણ લોકોનું સમર્થન છે.
આ સમર્થન કેમ મળે છે એ પણ સમજવા જેવું છે. નકસલવાદનો વ્યાપ આદિવાસી વિસ્તારોમાં વધારે છે. આ દેશમાં લગભગ ૧૦ ટકા કરતાં વધારે વિસ્તાર નકસલવાદથી પ્રભાવિત છે. નકસલવાદથી પ્રભાવિત આખો વિસ્તાર રેડ કોરિડોર એટલે કે લાલ પટ્ટા તરીકે ઓળખાય છે. આ રેડ કોરિડોરમાં નકસલવાદીઓ સમાંતર સરકારો ચલાવે છે અને આ વિસ્તારોમાં રહેનારાં લોકોની જીંદગી નકસલવાદીઓના ઈશારે ચાલે છે. કોઈ તેમને અવગણી ના શકે એવો તેમનો ખૌફ છે.
રેડ કોરિડોર મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારત લગી વિસ્તરેલો છે. આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, પશ્ર્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ એ દસ રાજ્યોના વિસ્તારો આ રેડ કોરિડોરમાં આવે છે. ભારતમાં ૨૦૨૧માં સરકારે આપેલા આંકડા પ્રમાણે દસ રાજ્યના ૭૦ જિલ્લા નકસલવાદથી અસરગ્રસ્ત છે. સરકારે ૨૦૦૯માં કબૂલેલું કે, દેશમાં ૧૮૦ જિલ્લામાં નકસલવાદની અસર છે. અત્યારે ૭૦ જિલ્લામાં નકસવાદનો પ્રભાવ છે એ જોતાં નકસવાદ પ્રભાવિત વિસ્તારોમાં ૧૫ વર્ષમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે પણ નકસલવાદ સાવ નાબૂદ નથી થયો કેમ કે જંગલોમાં રહેતા આદિવાસીઓમાં અન્યાયની લાગણીને નકસલવાદીઓએ પ્રબળ બનાવી છે. આ કારણે પોતાના ઉદ્ભવસ્થાન બંગાળમાંથી નકસલવાદ સમાપ્ત થઈ ગયો પણ દેશના જંગલ વિસ્તારો અને આદિવાસીઓમાં નકસલવાદ ફેલાઈ ગયો છે.
રેડ કોરિડોરમાં આવતા જિલ્લા દેશના સૌથી ગરીબ વિસ્તારો છે ને તેમના ભલા માટે કશું કરાયું નથી. આ વિસ્તારોમાં ખનીજની ખાણો છે ને મોંઘી વન્ય પેદાશો પણ થાય છે પણ એ બધું માફિયાઓ ખાઈ જાય છે. સરકારી તંત્ર તેમને મદદ કરે છે ને જંગલમાં રહેનારા લોકોને દબાવીને માફિયાઓ બધું ઓહિયાં કરી જાય છે. પરિણામે આ વિસ્તારોમાં રહેનારાં લોકોમાં આક્રોશ છે ને પોતાને અન્યાય થાય છે તેની લાગણી પ્રબળ બની છે. આ લાગણી, આ આક્રોશ નકસલવાદી હિંસાના રૂપે બહાર આવે છે.
નકસલવાદીઓ ખોટા છે તેમાં શંકા નથી કેમ કે કોઈ પણ સમસ્યાનો ઉપાય હિંસા નથી જ. આ સંજોગોમાં હિંસા કરનારા નકસલવાદીઓને સજા મળવી જ જોઈએ પણ સાથે સાથે નવા નકસલવાદી પેદા ના થાય એ માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસનાં કામો હાથ ધરીને લોકોનાં માનસમાં ઘર કરી ગયેલી અન્યાયની લાગણીને દૂર કરવી પડે. યુવાઓને પોતાના વિકાસની તક મળે અવો માહોલ સર્જવો પડે. આ થાય તો ચોક્કસ નકસલવાદને પણ ખતમ કરી શકાય. આ પ્રક્રિયા ધીમી છે પણ તેનાં પરિણામ ચોક્કસ મળે.
કમનસીબે ભૂતકાળની સરકારોએ એવું કશું ના કર્યું તેની કિંમત અત્યારે લોકો ચૂકવે છે. ભૂતકાળનાં રોદણાં રળવાનો મતલબ નથી એ જોતાં જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે પણ આ કામ કરી જ શકાય.