એકસ્ટ્રા અફેર

ઈલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટે લાજ રાખી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપીને રાજકીય પક્ષોને દાન આપવા માટે બહાર પડાયેલા ઈલેક્ટોરલ બોન્ડ મામલે ગેરબંધારણીય ઠરાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને અપાતા દાન પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને નવા ઈલેક્ટોરલ બોન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરવાનો નિર્દેશ
આપ્યો છે.

આ ચુકાદામાં મહત્ત્વની વાત એ છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૨ એપ્રિલ, ૨૦૧૯ થી અત્યાર સુધી ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી ૬ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી પડશે અને ૧૩ માર્ચ સુધીમાં ચૂંટણી પંચે ક્યા રાજકીય પક્ષને કોણે કેટલાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને દાન કર્યું તેની વિગતો વેબસાઈટ પર મૂકવી પડશે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારનું નામ અત્યાર લગી ગુપ્ત રખાતું હતું પણ હવે સુપ્રીમ કોર્ટના ફરમાનના કારણે આ નામ જાહેર કરવાં પડશે તેથી રાજકીય પક્ષોને કેવા કેવા લોકોએ દાન કર્યું છે તેનો ભાંડો પણ ફૂટશે.

અત્યાર સુધીમાં ભાજપને સૌથી વધારે ૬૫૦૦ કરોડ રૂપિયાથી વધારેના ઈલેક્ટોરલ બોન્ડ મળ્યા છે એ જોતાં ભાજપ શંકાના દાયરામાં સૌથી પહેલાં આવશે. ડાબેરી પક્ષો સિવાયના બીજા પક્ષોએ પણ ઈલેક્ટોરલ બોન્ડ મારફતે દાન લીધું જ છે તેથી દૂધે ધોયેલા કોઈ નથી. બધાંએ જવાબ આપવો પડશે એ જોતાં લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગાજી શકે.

જો કે લોકસભાની ચૂંટણી તો પછીની વાત છે, અત્યારે તો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે તેમાં બેમત નથી કેમ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોનાં નામ જાહેર ના કરાય એ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ભંગ છે. દેશનાં લોકોને રાજકીય પક્ષોને કોણ દાન આપે છે એ જાણવાનો પૂરો અધિકાર છે. રાજકીય પક્ષો ગુપ્તતાના નામે કુલડીમાં ગોળ ભાંગે એ ના ચાલે. સુપ્રીમ કોર્ટે તો રાજકીય દાનની ગુપ્તતા જાળવવા માટે કંપનીઝ એક્ટમાં સુધારાને પણ ફગાવી દીધો છે.

કેન્દ્ર સરકારે એવી વાહિયાત દલીલ કરેલી કે, ચૂંટણી બોન્ડથી રાજકીય દાન આપવામાં પારદર્શિતા આવી છે. પહેલાં રાજકીય પક્ષોને દાન રોકડમાં આપવામાં આવતું હતું પણ દાનની ગુપ્તતા જાળવવામાં આવી છે તેથી રાજકીય દાન આપનારા ચિંતા વિના દાન આપી શકે છે. કેન્દ્રે એવી દલીલ પણ કરેલી કે, દાતાઓ પોતે આપેલા દાનની બીજા પક્ષને ખબર પડે એવું નથી ઈચ્છતા. બીજા પક્ષને પોતે દાન આપ્યું છે એવી ખબર પડે તો પોતાના પર તવાઈ આવશે અને પોતે કિન્નાખોરીનો ભોગ બનશે એવો ડર દાતાને સતાવતો હોય છે પણ દાનની ગુપ્તતા જળવાવાથી આ ડર રહેતો નથી.

સુપ્રીમ કોર્ટે આ દલીલના ધજાગરા ઉડાવતાં કહ્યું કે, સરકારને તો બધા રાજકીય પક્ષોને મળતા દાનની ખબર હોય જ છે તો પછી ગુપ્તતા ક્યાં રહી ? ને શાસક પક્ષ વિપક્ષોને મળતા દાનની માહિતી શા માટે મેળવે છે? સામે વિપક્ષોને શાસક પક્ષે કોને દાન આપ્યું તેની માહિતી કેમ નથી અપાતી ? સુપ્રીમ કોર્ટના સવાલોના જવાબ સરકાર પાસે નહોતા.

સુપ્રીમ કોર્ટે તડ ને ફડ કરીને કહ્યું છે કે રાજકીય પક્ષોના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ બંધારણની બિલકુલ વિરૂદ્ધ છે અને કાળાં નાણાંને ડામવા માટે રાજકીય દાનની ગુપ્તતા રાખવી જરૂરી હોવાનો તર્ક યોગ્ય નથી. કંપનીઝ એક્ટમાં સુધારો પણ મનસ્વી અને ગેરબંધારણીય પગલું છે કેમ કે આ સુધારાના કારણે રાજકીય પક્ષોને
કંપનીઓ અમર્યાદિત ભંડોળ આપી શકે તેનો રસ્તો ખૂલી ગયો છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભાજપ માટે બે રીતે ફટકા સમાન છે. પહેલું તો એ કે, ઈલેક્ટોરલ બોન્ડના કારણે સૌથી વધારે દાન તેને જ મળતું હતું પણ હવે તેના પર પ્રતિબંધ આવી જતાં તેમાં ઓટ આવી જશે તેથી તેને આર્થિક રીતે ફટકો પડશે. ઈલેક્ટોરલ બોન્ડના કારણે ભાજપને મળતા દાનમાં સૌથી વધારે ભરતી આવી હતી તેથી સૌથી મોટો ફટકો ભાજપને જ પડશે. બીજું એ કે, સુપ્રીમ કોર્ટે પહેલાં કરતાં જુદું વલણ લેતાં ભાજપને સૈદ્ધાંતિક રીતે પણ પીછેહઠ સહન કરવી પડી છે.

આ પહેલાં ઈલેક્ટોરલ બોન્ડની આ ખરીદી રોકીને વચગાળાનો સ્ટે આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી. દેશની ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કરીને જનપ્રતિનિધિઓ ચૂંટવાની વ્યવસ્થાને શુદ્ધ કરવા માટે મથતા ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ ( એડીઆર) દ્વારા ૨૦૧૭માં કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં ફગાવી દીધેલી. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દઈને નવા ઈલેક્ટોરલ બોન્ડ્સના વેચાણનો માર્ગ મોકળો કરી દીધો હતો
એડીઆરની દલીલ હતી કે, રાજકીય પક્ષોને મળતાં નાણાં અને તેની પારદર્શકતા અંગેના પ્રશ્ર્નોનો ઉકેલ ના આવે ત્યાં લગી આ બોન્ડ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મોટી કંપનીઓને રાજકીય પક્ષોને બોન્ડના નામે થોકબંધ કાળાં નાણાં પધરાવશે એવી શંકા પણ વ્યક્ત કરાયેલી. આ બોન્ડ સત્તાધારી પક્ષને અપાતી એક પ્રકારની લાંચ બની ગઈ છે એવો આક્ષેપ પણ કરાયેલો ને રિઝર્વ બેંકની વાતને પણ ટાંકેલી.

મોદી સરકાર કાળાં નાણાંને નાથવાની વાતો કરે છે પણ આડકતરી રીતે કાળાં નાણાંને પ્રોત્સાહન આપે છે એવો આક્ષેપ પણ અરજીમાં કરાયેલો પણ સુપ્રીમ કોર્ટે આ અરજીને માન્ય નહોતી રાખી. તેના કારણે એવી છાપ પડેલી કે ઈલેક્ટોરલ બોન્ડને માન્યતા મળી જશે પણ પાંચ વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બદલાઈ ગયા છે અને બીજા જજ પણ બદલાઈ ગયા છે કે જેમને ઈલેક્ટોરલ બોન્ડ ભ્રષ્ટાચારનું માધ્યમ લાગે છે, ગેરબંધારણીય લાગે છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ભારતમાં ન્યાયતંત્ર હજુ સાબૂત હોવાનો પુરાવો છે. રાજકીય પક્ષો ભલે પોતાને માફક આવે એવા કાયદા બનાવે કે વ્યવસ્થા ગોઠવે પણ સુપ્રીમ કોર્ટને બંધારણની ચિંતા છે એ વાત આ ચુકાદાએ સાબિત કરી છે. સુપ્રીમ કોર્ટે પણ લોકોને આંચકા
લાગે એવા ચુકાદા પહેલાં આપ્યા છે પણ કમ સે કમ આ વખતે સુપ્રીમ કોર્ટે બંધારણને મહત્ત્વ આપ્યું છે એ
સ્પષ્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button