એકસ્ટ્રા અફેર

ઈલેક્ટોરલ બોન્ડના કેસમાં નિર્મલાને કંઈ નહીં થાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

દેશની સુપ્રીમ કોર્ટે જેને લોકસભાની ચૂંટણી પહેલાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજ્યો છે. બેન્ગલૂરુની એક કોર્ટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનું ફરમાન કર્યું છે. આ ફરિયાદ નિર્મલા સીતારમણે કેન્દ્રીય એજન્સીઓની મદદથી કંપનીઓ અને ધનિકોને ઈલેક્ટોરલ બોન્ડ લેવા ફરજ પાડી હોવાના આક્ષેપના સંદર્ભમાં કરાઈ છે એ મહત્ત્વનું છે.

બેન્ગલૂરુની એક સંસ્થાએ કોર્ટમાં વિશેષ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બળજબરીથી વસૂલી કરવાનો આક્ષેપ કરતી અરજી કરી હતી. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (ઉંજઙ) નામની સંસ્થાની અરજીને માન્ય રાખીને બેન્ગલૂરુની વિશેષ કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

જન અધિકાર સંઘર્ષ પરિષદના આદર્શ અય્યરે બેન્ગલૂરુમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે ખંડણીખોરી બદલ કેસ નોંધવા વિનંતી કરેલી પણ પોલીસે અરજીને ના ગણકારતાં અય્યર કોર્ટમાં ગયેલા. અય્યરે કોર્ટને નિર્મલા સીતારામાન સામે પગલાં લેવાનો આદેશ આપવાની માગણી કરી હતી. કોર્ટે આ અરજી સ્વીકારી છે અને બેન્ગલૂરુના તિલકનગર પોલીસ સ્ટેશનને નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલમાં કોર્ટમાં કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઈડીના અધિકારીઓ ઉપરાંત બીજી કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કાતિલ અને હાલના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધવા માટે અરજી કરી હતી.

આ અરજીમાં દાવો કરાયેલો કે, ઈડી સહિતની એજન્સીઓ દ્વારા દરોડા પડાવીને એપ્રિલ ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની વેદાંતા પાસેથી અંદાજે ૨૩૦ કરોડ રૂપિયા અને અરબિંદો ફાર્મા પાસેથી ૪૯ કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલવામાં આવ્યા હતા. આ એક પ્રકારની ખંડણીખોરી જ છે તેથી નિર્મલા સીતારમણ સહિતનાં લોકો સામે ખંડણીખોરીની ફરિયાદ નોંધવી જોઈએ.

શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં કોર્ટે હાલ તો નિર્મલા સીતારમણ સામે કેસ નોંધવા આદેશ આપ્યો છે. આ કેસમાં હવે આગામી સુનાવણી ૧૦ ઓક્ટોબરે થવાની છે અને એ વખતે કોર્ટ બીજા કોઈની સામે પગલાં લેવા કહે છે કે નહીં તેની ખબર પડશે પણ નિર્મલા સીતારમણ જ બહુ મોટું નામ છે તેથી આ આદેશના પડઘા આખા દેશમાં પડ્યા છે. બીજા કોઈની સામે કાર્યવાહી થાય કે ના થાય પણ નિર્મલા સામે એફઆઈઆર નોંધાય એ ઘટના મોટી છે તેથી આ કેસ મહત્ત્વનો બની ગયો છે.

નિર્મલા સામે એફઆઈઆરના કારણે કેસ મહત્ત્વનો ભલે બની ગયો પણ આ કેસમાં દમ નથી. પોલીસ એફઆઈઆર નોંધીને શું કરશે એ ખબર નથી પણ માત્ર આક્ષેપ કરવાથી કશું સાબિત થતું નથી. અરજદારે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને નિર્મલા સીતારામને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાની ફરજ પાડી એવો આક્ષેપ કર્યો છે એ સાચો હોઈ શકે છે. બલ્કે મોટા ભાગનાં લોકો જાણે છે કે, ઈલેક્ટોરલ બોન્ડના નામે આ જ ધંધો થયો પણ આ વાત સાબિત કરવી અઘરી છે. કઈ કંપની કે ધનિક કોર્ટમાં આવીને એવું કહેશે કે, કેન્દ્રીય એજન્સીઓએ અમને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાની ફરજ પાડી હતી ? આ દેશમાં હજુય નરેન્દ્ર મોદીની સરકાર છે અને કેન્દ્રીય એજન્સીઓ હજુય તેમના તાબા હેઠળ કામ કરે છે એ જોતાં તેમની સામે પડવાની હિંમત કોઈ બતાવે એવી શક્યતા નહિવત્ છે. માનો કે કોઈ એવો ભડ નિકળી આવે તો પણ નિર્મલા સીતારમણના ઈશારે બોન્ડ ખરીદવાની ફરજ પડાઈ હતી એ વાત સાબિત થાય એમ જ નથી. આ સંજોગોમાં નિર્મલા સામેના કેસમાં કશું થવાની આશા રાખવા જેવી નથી.

જો કે આ કેસ રાજકીય રીતે બહુ મોટો મુદ્દો બની શકે છે અને તેની શરૂઆત થઈ જ ગઈ છે. નિર્મલા સામે એફઆઈઆર નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો એવા સમાચાર બહાર આવ્યા પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી છે. સિદ્ધરામૈયા હમણાં મૈસુરમાં સરકારી જમીનમાં ભ્રષ્ટાચારને લગતા કેસમાં ફસાયેલા છે. ભાજપે આ મુદ્દો જોરશોરથી ચગાવ્યો છે અને ઉગ્ર દેખાવો કરી રહ્યો છે.

સિદ્ધરામૈયાએ ઈલેક્ટોરલ બોન્ડના બહાને કટાક્ષ કર્યો છે કે, કર્ણાટક ભાજપના નેતાઓ સીતારમણના રાજીનામા માટે ક્યારે પ્રદર્શન અને કૂચ કરશે? સિધ્ધરામૈયાના કહેવા પ્રમાણે, ઈલેક્ટોરલ બોન્ડના ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ થાય તો મોદી અને કુમારસ્વામીએ પણ રાજીનામું આપવું પડે એમ છે. સિધ્ધરામૈયાના પગલે બીજા વિપક્ષી નેતા પણ મચી પડ્યા છે એ જોતાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી ગાજશે તેમાં શંકા નથી.

આ મુદ્દો રાજકીય રીતે બીજાં કારણસર પણ મહત્ત્વનો છે. ભાજપે પોતાના દસ વર્ષના શાસનમાં પોતાની સત્તા છે એ રાજ્યોમાં કોંગ્રેસ અને બીજા વિપક્ષી નેતાઓ સામે સાવ વાહિયાત કારણોસર ફરિયાદો નોંધીને તેમને દોડતા કરવાનો ખેલ કરેલો. રાગુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે ગુજરાતમાં માનહાનિની ફરિયાદ નોંધી દેવાઈ ને રાહુલને દોષિત ઠેરવીને સાંસદપદ પણ છિનવી લેવાયેલું.

બીજા ઘણા નેતાઓ સામે આ ખેલ થયેલો ને રીતસરની રાજકીય કિન્નાખોરી બતાવાયેલી. હવે કોંગ્રેસ ભાજપને તેની જ દવાનો ડોઝ આપી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને કોર્ટે બેન્ગલૂરુ પોલીસને નિર્મલા સીતારમણ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો એ રાજકીય બદલો જ છે પણ કોંગ્રેસને તેના માટે દોષિત ઠેરવી શકાય તેમ નથી. જેવું કરો એવું ભરો એ નિયમ ભાજપને પણ લાગુ પડે જ છે.

વિપક્ષો આ મુદ્દાનો કઈ રીતે ઉપયોગ કરશે એ ખબર નથી પણ ભાજપે ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દેશના બંધારણની ઐસીતૈસી કરી નાંખેલી તેમાં શંકા નથી. આ વાત સુપ્રીમ કોર્ટે પોતે કહી હતી. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો ત્યારે સાફ શબ્દોમાં કહેલું કે, આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન હોવાથી આ યોજના ગેરબંધારણીય છે.

ભાજપ એ છતાં ઈલેક્ટોરલ બોન્ડનો બચાવ કરતો રહ્યા ને નિર્મલાએ તો હુંકાર કરેલો કે, અમે સત્તામાં આવીશું તો ફરી ઈલેક્ટોરલ બોન્ડ પાછા લાવીશું. નિર્મલા હવે કોર્ટમાં કેવો હુંકાર કરે છે એ જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button