પ્રેગ્નન્સીમાં સોડાવાળા ડ્રિંક બાળક માટે બની શકે છે હાનિકારક
વિશેષ – નિધિ ભટ્ટ
ગર્ભવતી મહિલાઓ જે પણ ખોરાક આરોગે એની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ જ કારણ છે કે મહિલાઓએે કોઈપણ ખોરાક ખાતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ.
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થામાં શુગરવાળા કે સોડાવાળા ડ્રિંક્સ પીવાથી આવનારા બાળકને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવા ડ્રિંક્સના સેવનથી દાંતને સંબંધિત સમસ્યાઓ, વજન વધવો, ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ ઘર કરી જાય છે. ૨૦૨૨ અને ૨૦૨૩માં એક સર્વે કરવામાં આવ્યો હતો, એમાં ૪ હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.
એ સર્વે પ્રમાણે એ તમામ મહિલાઓને ફ્રૂટ જ્યૂસ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, જેવા કે ફિઝી ડ્રિંક્સ, સોડા, જ્યૂસ અને દૂધવાળા પીણાં આપવામાં આવ્યા હતાં. એ સર્વેના અંતમાં જાણ થઈ કે જે મહિલાઓએ પ્રેગ્નન્સી દરમ્યાન શુગરવાળા ડ્રિંક્સ પીધા તેમને ડાયાબિટીસની સમસ્યા ઊભી થઈ હતી. પ્રેગ્નન્સીમાં થનારી ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. એને કારણે બાળકનું વજન સામાન્યથી વધુ વધી જાય છે. એથી ડિલીવરી વખતે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ જેસ્ટેશનલ ડાયાબિટીસને કારણે સમય પહેલા જ બાળકનો જન્મ થાય છે અને કમળો થવાની પણ શક્યતા રહે છે.
સર્વેમાં જાણ થઈ કે જે ગર્ભવતી મહિલાઓએ અઠવાડિયામાં ત્રણ વખત શુગરવાળા ડ્રિંક્સનું સેવન કર્યું એમાં જેસ્ટેશનલ ડાયાબિટીસનું જોખમ ૩૮ ટકાથી વધુ જોવા મળ્યું. સાથે જ હાઇપરટેન્શનનું જોખમ પણ ૬૪ ટકા વધી ગયું. શુગરવાળા ડ્રિંક્સ લેવાથી ભ્રૂણને લોહી પૂરતા પ્રમાણમાં નથી મળતું. એને કારણે બાળકના વિકાસ પર પણ અસર પડી શકે છે અને પ્રીમૅચ્યોર ડિલીવરી પણ થઈ શકે છે. એથી રિસર્ચના અંતે એવું તારણ નીકળ્યું કે મહિલાઓએ પ્રેગ્નન્સી દરમ્યાન પોતાની ખાણી-પીણીની ખૂબ કાળજી લેવી જોઈએ.
આવો જાણીએ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થતાં નુકસાન વિશે વિસ્તારપૂર્વક
હૃદયના ધબકારા વધવા
ફિઝી અને કાર્બોનેટેડ ડ્રિંક્સમાં શુગર વધારે પ્રમાણમાં અને પોષક તત્ત્વો ના જેવા હોય છે. એમાં હાજર કૅફિન ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચીને એડ્રિનીલ ગ્રંથિ પર અસર કરે છે. ગર્ભવતી મહિલાઓએ દિવસ દરમ્યાન બસો મિલીગ્રામથી વધુ માત્રામાં કૅફિન ન લેવુ જોઈએ. જો ૫૦૦ મિલીગ્રામથી વધુ કૅફિન લેવામાં આવે તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે.
માનસિક ક્ષમતા નબળી બની શકે
એક અધ્યયન મુજબ પ્રેગ્નન્ટ મહિલાઓ જે શુગર સ્વીટન્ડ સોડા લે છે, તો તેમના બાળકોનાં માનસિક વિકાસ પર અસર થાય છે. સાથે જ સ્મરણશક્તિ પણ ઘટી જાય છે.
જન્મજાત બીમારી
આ એક એવું સોફ્ટ ડ્રિંક્સ છે કે જેમાં હાજર સૈચારિનને કારણે બાળકને જન્મજાત બીમારીઓ ઊભી થઈ શકે છે. એથી આવા ડ્રિંક્સ લેતા પહેલા ગર્ભવતી મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ.
હાડકાને નુકસાન
સોફ્ટ ડ્રિંક્સને ફલેવરફુલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ફોસ્ફરિક એસિડ હાડકાઓનું કેલ્શિયમ શોષી લે છે. કેલ્શિયમની ઊણપને કારણે હાડકાઓ નબળા પડી જાય છે.
એલર્જીનું કારણ
સોફ્ટ ડ્રિંક્સમાં રહેલા કલરિંગ એજન્ટ, પ્રિઝર્વેટિવ્સ, સ્વીટનર અને ફલેવર પ્રેગ્નન્સી દરમ્યાન ખૂબ નુકસાન કરે છે. એમાં રહેલી સાકર વજન વધારીને પ્રેગ્નન્સીને વધુ જટિલ બનાવી શકે છે. એનાથી બાળકના વિકાસ પર પણ માઠી અસર થાય છે. આર્ટિફિશ્યલ ફ્લેવરમાં રહેલી ડાઇને કારણે બાળકોમાં એલર્જીની તકલીફ ઊભી થઈ શકે છે.
પ્રેગ્નન્સી દરમ્યાન વિવિધ સોફ્ટ ડ્રિંક્સ પીવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે, પરંતુ એના પર્યાય પણ છે, જે આડઅસર વિનાના અને હેલ્ધી હોય છે.
તો રિસર્ચ પ્રમાણે શું પીવુ એના પર એક નજર નાખીએ
સાદું પાણી
સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાએ ૮થી ૧૨ કપ સાદું પાણી દરરોજ પીવુ જોઈએ. જોકે પ્રેગ્નન્સીના દર ત્રણ મહિનામાં પાણીની માત્રા વધારવી જરૂરી છે. સાથે જ મિનરલ વૉટર પીતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. દરરોજ આવું પાણી ન પીવુ જોઈએ. એમાં સોડિયમની માત્રા વધુ હોય છે, એને કારણે સોજા આવી શકે છે.
ફલેવર વૉટર
ફલેવર વૉટર સોડાની સરખામણીએ તો હિતાવહ છે. તમે જાતે એ પાણીની અંદર લેમન, કુકુમ્બર, જીંજર અથવા તો મિન્ટ ઉમેરીને ફલેવરફુલ વૉટર બનાવી શકો છો.
સ્મૂધીઝ
સ્મૂધીઝ તમને તરોતાજા બનાવવાની સાથે પોષક તત્ત્વોથી પણ ભરપૂર હોય છે. ખાસ કરીને એને જો વહેલી સવારે બનાવવામાં આવે. એમાં જો તમે ગ્રીક યૉગર્ટ ઉમેરો તો હાર્ટબર્નના લક્ષણોને ઘટાડે છે.
દૂધ
દૂધમાં કેલ્શ્યિમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જો તમને લેક્ટોસ ન લેતા હોવ અથવા તો વેગન હોવ તો તમે સોયા મિલ્ક કાં તો અન્ય પર્યાયી પીણું લઈ શકો છો. જો એમાં પણ કેલ્શિયમનો ઉમેરો કરશો તો તમને ઘણાં સ્વાસ્થ્યના લાભ મળી શકે છે.
ચા
પ્રેગ્નન્સી દરમ્યાન ચા પીવી ફાયદાકારક છે. હા એમાં કયા ઇન્ગ્રિડિએન્ટ્સ છે એનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. બધી જ હર્બલ ચા સલામત નથી હોતી અને કેટલીક ચામાં તો કૅફિન પદાર્થ હાજર હોય છે. જોકે જીંજર ટી, લેમન ટી અને પેપરમીન્ટ ટી પીવામાં કોઈ નુકસાન નથી થતું.