એકસ્ટ્રા અફેર

ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ કોણ હતા એ ખબર છે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતના ટોચના વિજ્ઞાની ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું શનિવારે વહેલી સવારે નિધન થયું એ સાથે જ ભારતના એક વધુ મહાન સપૂત અને અનસંગ હીરોએ કાયમ માટે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરમાણુ ઊર્જા પંચના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ હતા. છેવટે મુંબઈની જસલોક હૉસ્પિટલમાં જ શનિવારે સવારે 3.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા અને કાયમ માટે આંખો મીંચી દીધી.

ડૉ. ચિદમ્બરમની વિદાય ભારતના ઇતિહાસના એક સુવર્ણ પ્રકરણ સાથે જોડાયેલા મહાન પાત્રની વિદાય છે. આ સુવર્ણ પ્રકરણ 1974માં પોખરણમાં કરાયેલું પરમાણુ પરીક્ષણ છે કે જેણે આ દેશને સાચા અર્થમાં મહાસત્તા બનાવી. ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ આ પરમાણુ પરીક્ષણનાં મુખ્ય પાત્રોમાં એક હતા. ડૉ. ચિદમ્બરમે તો 1975 પછી 1998ના પરમાણુ પરીક્ષણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ જોતાં એ તો બે મહાન ઘટનાઓ સાથે જોડાયેલા હતા.

ભારતે 18 મે 1974ના રોજ પ્રથમ સફળ પરમાણુ હથિયાર પરીક્ષણ કરીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. એ વખતે નહીં પણ આજે પણ પરમાણુ બૉમ્બ બનાવવો એ નાનીમાના ખેલ નથી ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી 27 વર્ષ પહેલાં જ આઝાદ થયેલું ભારત પરમાણુ બૉમ્બ બનાવી શકે એવું કોઈ વિચારી પણ શકતું નહોતું. એ વખતે રાજસ્થાનમાં ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં પરમાણુ બૉમ્બનો વિસ્ફોટ કરવામાં આવ્યો તેના પડઘા આખી દુનિયામાં પડ્યા હતા. પોખરણમાં ફોડાયેલો એ બૉમ્બ ડૉ. રાજા રામન્નાની આગેવાની હેઠળના ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (ઇઅછઈ)ના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યો હતો.

Also read: એકસ્ટ્રા અફેર : વર્શિપ ઍક્ટની સમીક્ષા, હિંદુ-મુસ્લિમ બંને ધીરજ રાખે

આજે અબૂધ અને ગમાર નેતાઓ અને તેમના ભક્તજનો નહેરુ-ગાંધી ખાનદાને આ દેશ માટે શું કર્યું એવો સવાલ કરે છે. અત્યારે ભારતનો દુનિયામાં જબરદસ્ત વટ છે એવી ફિશિયારીઓ મરાય છે ને બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓની કત્લેઆમ થાય છે એ અંગે એક હરફ નીકળતો નથી ત્યારે મર્દાની ઈન્દિરા ગાંધીએ અમેરિકા અને દુનિયાના બધા દાદા ગણાતા દેશોની ઐસીતૈસી કરીને વટભેર પરમાણુ પરીક્ષણ કરાવેલું. જેને જે તોડવું હોય એ તોડી લે. આ પરમાણુ કાર્યક્રમની શરૂઆત પાછી જવાહરલાલ નહેરુએ કરાવેલી.

આ દેશ પરમાણુ મહાસત્તા બન્યો ને દુનિયાનો બીજો કોઈ દેશ તેની સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ ના કરી શકે એવી તાકાત ઊભી કરી એ નહેરુ-ગાંધી ખાનદાનનું યોગદાન છે. બાકી અત્યાર સુધીમાં પાકિસ્તાને પાંચ વાર હુમલા કરી નાખ્યા હોત ને ચીને આપણને ક્યારનુંય રગદોળી નાખ્યું હોત.

ભારતમાં મીડિયાના એક વર્ગે ભારતના પરમાણુ કાર્યક્રમના પ્રણેતા ડૉ. એપીજે અબ્દુલ કલામ હોય એવું ચિત્ર ઊભું કર્યું. ડૉ. કલામનું પરમાણુ કાર્યક્રમમાં યોગદાન નહોતું એવું નથી, પણ ડૉ. કલામની ભૂમિકા બહુ નાની હતી અને મર્યાદિત હતી. ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું એ પ્રોજેક્ટ અત્યંત ગુપ્ત રખાયેલો ને તેમાં 75 વિજ્ઞાની સામેલ હતા. ડૉ. કલામ આ 75 વિજ્ઞાનીમાંથી એક હતા, પણ આ ટીમ કામે લાગી તેના બહુ પહેલાં ભારત માટે પરમાણુ શો વિકસાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી દેવાયો હતો.

હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ એ બે મહાન ગુજરાતીઓ ઉપરાંત રાજા રામન્ના, હોમી શેઠના, પી.કે. આયંગર, મહાદેવ શ્રીનિવાસન વગેરે વિજ્ઞાનીઓ વરસો પહેલાંથી આ પ્રોજેક્ટને પાર પાડવા કામે લાગેલા હતા ને તેમની સાથે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ કામ કરતા હતા. ડૉ. રાજગોપાલ ચિદમ્બરમની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી કેમ કે, ડૉ. ચંદ્રશેખરે પ્લુટોનિયમનો ઉપયોગ કરીને પરમાણુ બૉમ્બ બનાવી શકાય છે એ સફળ સંશોધન કરનારી ટીમનું નેતૃત્વ કરેલું. એ રીતે ડૉ. ચિદમ્બરમ પરમાણુ કાર્યક્રમને સફળ બનાવનારા 5 લીડરમાંથી એક હતા.

ભારતને પરમાણુ મહાસત્તા બનાવવાના વિચારનું શ્રેય નિ:શંકપણે પારસી બાવા ડૉ. હોમી ભાભાને જાય છે અને તેમના વિચારને સાકાર કરવામાં ટાટા ગ્રુપે તન,મન, ધનથી મદદ કરી. ભારતના પરમાણુ કાર્યક્રમની ઉત્પત્તિ 1945માં હોમી ભાભાએ ટાટા જૂથની સહાયથી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના કરી ત્યારે થઈ.

આઝાદી પછી જવાહરલાલ નહેરુની સરકારે 15 એપ્રિલ 1948ના રોજ અણુ ઊર્જા અધિનિયમ પસાર કરીને ભારતીય અણુ ઊર્જા આયોગ (ઈંઅઊઈ)ની સ્થાપના કરીને ડૉ. હોમી ભાભાને પરમાણુ સંશોધનમાં આગળ વધવાની છૂટ આપેલી. તેના ભાગરૂપે 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (ઉઅઊ) ની સ્થાપના કરવામાં આવી હતી, નહેરુ સરકારે એ પછીનાં વર્ષોમાં સંરક્ષણ માટે તોતિંગ રકમ ફાળવી હતી. ડૉ. હોમી ભાભાની ટીમે 1956માં અપ્સરા (અઙજઅછઅ) પરમાણુ રિએક્ટર ટ્રોમ્બે ખાતે કાર્યરત કર્યું કે જે એશિયાનું પહેલું ઓપરેટિંગ રિએક્ટર હતું.

ભાભા આક્રમક રીતે પરમાણુ શો માટે લોબિંગ કરતા અને જાહેર ભાષણો આપતા. નહેરુનો તેમને પૂરો ટેકો હતો પણ 1964માં નેહરૂના અવસાનથી કાર્યક્રમ ધીમો પડી ગયો હતો. લાલ બહાદુર શાીએ વિક્રમ સારાભાઈને પરમાણુ કાર્યક્રમના વડા બનાવીને પરમાણુ બૉમ્બના બદલે શાંતિપૂર્ણ હેતુ માટે કામ કરવા કહેલું તેથી વિજ્ઞાનીઓમાં નિરાશા હતી, પણ ભાભાએ પોતાની રીતે કામ ચાલુ રાખેલું. 1966માં પહેલાં શાી ને પછી હોમી ભાભા પણ રહસ્યમય રીતે ગુજરી ગયા પછી પરમાણુ કાર્યક્રમના ભાવિ વિશે શંકા હતી, પણ ઈન્દિરા ગાંધીએ વડા પ્રધાન બનતાં જ બધી શંકાઓ દૂર
થઈ ગઈ.

ઈન્દિરાએ રાજા રામન્નાને બૉમ્બની ડિઝાઈનમાં આગળ વધવા કહ્યું તેથી પરમાણુ શો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ થયું. ઈન્દિરાએ કેમિકલ એન્જિનિયર હોમી સેઠનાને પ્લુટોનિયમ ડેવલપમેન્ટનો હવાલો સોંપીને પરમાણુ બૉમ્બ બનાવવા કહ્યું. રામન્નાએ પી.કે. આયંગર અને વિક્રમ સારાભાઈ સાથે મળીને યુરેનિયમના બદલે પ્લુટોનિયમ આધારિત બૉમ્બ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1969 સુધીમાં એક પરમાણુ બૉમ્બ બનાવવા જેટલું પ્લુટોનિયમ એકઠું કરી લેવાયું પછી તેના શુદ્ધીકરણનું કામ આર. ચિદમ્બરમને સોંપાયેલું. એ રીતે ડૉ. ચિદમ્બરમની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.

ડૉ. ચિદમ્બરમના યોગદાન વિશે બહુ લખાયું નહીં. આપણે ત્યાં બાવાઓ પૂજાય, પણ આવા મહાન લોકોને પૂજવાની પરંપરા નથી તેથી કોઈને તેમના વિશે બહુ ખબર જ નથી, ખેર, ડૉ. ચિદમ્બરમ તેનાથી અલિપ્ત રહીને આ દેશને મહાન બનાવવા માટે કામ કરતા રહ્યા.

ડૉ. ચિદમ્બરમ વરસો લગી પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા રહ્યા પછી 2002માં દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર બન્યા હતા. ભારતની સાયબર સુરક્ષા અને હાર્ડવેર સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સોસાયટી ફોર ઈલેક્ટ્રૉનિક ટ્રાન્ઝેક્શન્સ એન્ડ સિક્યોરિટી (જઊઝજ) દ્વારા ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવનાર ગ્રામીણ ટેક્નોલૉજી એક્શન ગ્રુપ (છીઝઅૠ) જેવી પહેલ કરીને ગામડાંને જોડ્યાં. નેશનલ નૉલેજ નેટવર્ક (ગઊંગ) દ્વારા દેશભરની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને જોડીને ‘ઍક્સેસ ટુ નૉલેજ’ની પહેલ કરી. ડૉ. ચિદમ્બરમનું યોગદાન એ રીતે બહુ મોટું છે, પણ આ દેશના લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે તેથી એ કોઈને
યાદ ના રહ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button