ડૉ. સિંહ વધારે ગૌરવપૂર્ણ અંતિમ વિદાયના હકદાર હતા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ભારતનો ઇતિહાસ બદલવામાં આપેલા યોગદાનને જોતાં માનભેર અંતિમ વિદાયના હકદાર હતા, પણ કમનસીબે તેમની વિદાય પછી વિવાદો પર વિવાદો ઊભા થઈ ગયા છે. ડૉ. સિંહના અંતિમસંસ્કારની જગા માટેની પસંદગીથી માંડીને તેમના સ્મારક અને અંતિમ સંસ્કાર વખતે થયેલી અવ્યવસ્થા સહિતના વિવાદો ગાજી રહ્યા છે. જે માણસ જિંદગીભર વિવાદોથી દૂર રહેવા મથતો રહ્યો એ માણસના મોતને રાજકારણીઓએ વિવાદોનો મુદ્દો બનાવી દીધો છે.
આ વિવાદો કોઈ એક પાર્ટીની દેન નથી, પણ બધા પક્ષો તેમાં યોગદાન આપી રહ્યા છે. બલકે એમ કહી શકાય કે ડૉ. મનમોહનસિંહના અંતિમસંસ્કારની આગમાં રાજકીય રોટલા શેકી રહ્યા છે. ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમાં મુખ્ય છે, પણ બીજા નેતાઓ પણ ડબકા મૂકીને યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
ડૉ. મનમોહનસિંહ ગુજરી ગયા પછી તેમના અંતિમસંસ્કાર માટેના સ્થળના મુદ્દે આ વિવાદ શરૂ થયો. ડૉ. સિંહના નિધન પછી કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરીને મનમોહન સિંહના અંતિમસંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવા અપીલ કરી હતી. ખડગેએ આ અંગે વડા પ્રધાનને પત્ર પણ લખેલો છતાં કેન્દ્ર સરકારે નિગમબોધ ઘાટની પસંદગી કરી તેના કારણે પહેલો વિવાદ થઈ ગયો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિગમબોધ ઘાટ પર મનમોહનસિંહના અંતિમસંસ્કાર કરાશે એવી જાહેરાત કરી એ સાથે ડખો શરૂ થઈ ગયો કેમ કે નિગમબોધ ઘાટ પર કોઈ પણ વ્યક્તિના અંતિમસંસ્કાર કરી શકાય છે. નિગમ બોધ ઘાટ દિલ્હીમાં સૌથી જૂનું સ્મશાન છે.
Also read: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
મહાભારત કાળ દરમિયાન પાંડવોના સૌથી મોટા ભાઈ અને ઈન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરે સ્થાપેલા મનાતા નિગમબોધ ઘાટના પ્રવેશદ્વારની નજીક ભગવાન શિવને સમર્પિત નીલી છત્રી મંદિર છે. દિલ્હીમાં સૌથી મોટા ઈન્ટરસ્ટેટ બસ ડીપો કાશ્મીરી ગેટની બાજુમાં લાલ કિલ્લાની પાછળ આવેલો નિગમ બોધ ઘાટ સૌથી વ્યસ્ત સ્મશાનમાંથી એક છે અને સામાન્ય લોકો માટેનું સ્મશાન મનાય છે. એક દિવસમાં સરેરાશ 50-50 મૃતદેહોના અંતિમ સંસ્કાર આ સ્મશાનમાં કરવામાં આવે છે.
ભૂતકાળમાં નિગમબોધ ઘાટ પર દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી સહિતના કેટલાક ટોચના નેતાઓના અંતિમસંસ્કાર થયા છે, પણ મનમોહનસિંહ દેશના વડા પ્રધાન હતા તેથી વધારે સન્માનના હકદાર હતા. ડૉ. મનમોહનસિંહના અંતિમસંસ્કાર માટે મોદી સરકારે અલગ જગા ફાળવવાની જરૂર હતી, પણ મોદી સરકાર એ સૌજન્ય ના બતાવી શકી. તેના કારણે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૂટી પડ્યાં. મહિલા કૉંગ્રેસ પ્રમુખ અલકા લાંબાએ મનમોહન સિંહની વિરાટ પ્રતિભાને જોતાં આ સ્થાન યોગ્ય નથી એવો મુદ્દો ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટીએ આ વાતને શીખોના અપમાન સાથે જોડી દીધી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પહેલાં ભારતના તમામ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવતા હતા, પણ મનમોહન સિંહજીના અંતિમસંસ્કાર અને સમાધિ માટે 1000 વાર જમીન પણ નહીં આપીને મોદી સરકારે શીખોનું અપમાન કરી નાખ્યું કેમ કે મનમોહન સિંહ દેશના એકમાત્ર શીખ વડા પ્રધાન છે. દિલ્હીમાં મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે તેથી કેજરીવાલે તક ઝડપીને રાજકીય રોટલો શેકવાની કોશિશ કરી લીધી, પણ તેની તક મોદી સરકારે આપી તેમાં બેમત નથી. મોદી સહિતના નેતાઓ ડૉ. મનમોહનસિંહને રાજપુરુષ સહિતનાં વિશેષણોથી વખાણે, પણ તેમના અંતિમસંસ્કાર માટે થોડી જગા ના આપી શકે એ કરણી અને કથનીમાં ફરક બતાવે છે.
અખિલેશ યાદવે આ વાતમાં સૂર પુરાવીને કહ્યું કે, ડૉ. મનમોહનસિંહ ભૂતપૂર્વ વડા પ્રધાન હતા એ જોતાં તેમને આદર આપવાની પરંપરાનું પાલન કરવું જોઈએ અને ભાજપે ખોટો દાખલો બેસાડવો જોઈએ નહીં. અકાલી દળના સુખબીર સિંહ બાદલે પણ ડૉ. સિંહના સ્મારક માટે રાજઘાટ પર જગા આપવાની વાત કરી નાખી. ભાજપ પાસે કોઈ પણ વાતનો એક જ જવાબ હોય છે. ભૂતકાળમાં કૉંગ્રેસે આમ કરેલું ને તેમ કરેલું તેનાથી આગળ ભાજપ વધતો નથી. આ કેસમાં પણ પણ ભાજપે એ જ બકવાસ શરૂ કરી દીધો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના બદલે નરેન્દ્ર મોદી અને અમિત શાહના કારકુન તરીકે વર્તતા જે.પી. નડ્ડાએ બકવાસ કર્યો કે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ મનમોહન સિંહના મૃત્યુ પર પણ રાજકારણ રમી રહ્યા છે. કૉંગ્રેસે મનમોહન સિંહ જીવતા હતા ત્યાં સુધી ક્યારેય માન આપ્યું ન હતું અને હવે તેમના સન્માનના નામે રાજનીતિ કરી રહ્યા છે. ભાજપના બીજા નેતાઓએ પણ આ જ બકવાસ કર્યો. આ નમૂનાઓને શું કહેવું એ જ ખબર પડતી નથી. કૉંગ્રેસે તો રાજકારણ સાથે જેમને લેવાદેવા નહોતી એવા ડૉ. મનમોહનસિંહને 10 વર્ષ સુધી દેશના વડા પ્રધાનપદે રાખીને તેમની કદર કરી હતી. તેના કરતાં વદારે માન કોઈને શું આપી શકાય?
નડ્ડાએ એવું પણ કહ્યું કે, ડૉ. સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવી છે અને તેમના પરિવારને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. નડ્ડાએ આ જગ્યા ક્યાં આપવામાં આવી છે તેનો ફોડ નથી પાડ્યો. ખરેખર જગા ફાળવી હોય તો ક્યાં ફાળવી છે એ કહેવામાં શું વાંધો છે? મોદી સરકાર ભેરવાઈ એટલે ભાજપના નેતા વાહિયાત બકવાસ કરી રહ્યા છે તેથી કૉંગ્રેસને તક મળી ગઈ છે. કૉંગ્રેસે ડૉ. સિંહના અંતિમસંસ્કારમાં અવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવી દીધો છે.
કૉંગ્રેસે 9 સવાલો કરીને ડૉ. સિંહના મોતનો રાજકીય ફાયદો લેવાનો ખેલ માંડી દીધો છે. કૉંગ્રેસે વાંધો લીધો છે કે, દૂરદર્શન સિવાય, કોઈ પણ સમાચાર એજન્સીને અંતિમસંસ્કાર કાર્યક્રમને કવર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ડીડીનું ધ્યાન મોદી-શાહ પર હતું અને ડૉ. મનમોહન સિંહના પરિવારને માંડ માંડ બતાવવામાં આવ્યો. ડૉ. મનમોહન સિંહના પરિવાર માટે માત્ર 3 ખુરશી મુકાયેલી ને કૉંગ્રેસના નેતાઓએ પરિવારની દીકરીઓ અને અન્ય સભ્યો માટે ખુરશીઓ માગવી પડી હતી. કૉંગ્રેસે એવો આક્ષેપ પણ કર્યો છે કે, ડૉ. સિંહનાં પત્નીને રાષ્ટ્રધ્વજ સોંપવામાં આવ્યો અને ગન સેલ્યૂટ આપવામાં આવી ત્યારે મોદી અને મંત્રીઓ ઊભા થયા ન હતા. કૉંગ્રેસે બીજા પણ આક્ષેપો કર્યા છે ને તેમાં દમ નથી, પણ એ વાત સાચી છે કે, ડૉ. સિંહ વધારે સન્માનના હકદાર હતા. ભાજપ સરકારે રાજકારણને બાજુએ મૂકીને વર્તવાની જરૂર હતી. મોદી સરકાર આ ભૂલોને ડૉ. સિંહને ભારતરત્ન આપીને સુધારી શકે છે.