એકસ્ટ્રા અફેર

શરદ પવાર માટે ફરી બેઠા થવું મુશ્કેલ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં અંતે એનસીપી કોની તેનો ફેંસલો થઈ ગયો અને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અજીત પવારને એનસીપીના સર્વેસર્વા જાહેર કરી દીધા. ચૂંટણીપંચે જાહેર કર્યું છે કે, અજિત પવારનું જૂથ જ અસલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) છે અને અજિત પવાર જૂથને એનસીપીનાં નામ અને ચૂંટણીચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણીચિહ્ન સાત ફેબ્રુઆરીએ ફાળવવાની જાહેરાત પણ કરી છે. ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારને તેમના નવા રાજકીય પક્ષનું નામ શું રાખવું એ માટે ત્રણ નામ સૂચવવા પણ કહ્યું છે.

અજિત પવારે જુલાઈ ૨૦૨૩માં કાકા શરદ પવાર સામે બગાવત કરી અને એનસીપીના ૪૦ વિધાનસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ જોડાણવાળી એકનાથ શિંદે સરકારમાં જોડાયા ત્યારથી એનસીપી પર કબજા માટે વિવાદ ચાલતો હતો. શરદ પવાર સામે બળવા પછી અજિતે દાવો કર્યો હતો કે, એનસીપીમાં તેમની બહુમતી છે, તેથી પાર્ટીનાં નામ અને ચિહ્ન પર તેમનો અધિકાર છે. સામે શરદ પવાર જૂથે પોતાના જૂથને અસલી એનસીપી ગણાવીને અજીત પવાર સહિતના વિધાનસભ્યોને ગદ્દાર અને બળવાખોર ગણાવ્યા હતા.

અજિત પવારે ચૂંટણીપંચમાં અરજી કરીને પોતાની પાર્ટીને અસલી એનસીપી ગણીને માન્યતા આપવા વિનંતી કરી હતી. સામે શરદ પવાર જૂથે આ દાવાને ચૂંટણીપંચમાં પડકાર્યો હતો અને પોતાને જ અસલી એનસીપી ગણાવી હતી. અજિતે ૪૦ ધારાસભ્યના સમર્થન સાથે પોતાને એનસીપીના નવા પ્રમુખ પણ જાહેર કરી દીધા હતા. શરદ પવારે પાર્ટી છોડનારા નવ પ્રધાન સહિત ૩૧ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી.

શરદ પવાર જૂથે ચૂંટણીપંચમાં એવી રજૂઆત પણ કરી હતી કે, એનસીપીમાં કોઈ વિવાદ નથી. માત્ર કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટી છોડી દીધી છે પણ એનસીપીના પ્રમુખપદે હજુ શરદ પવાર જ છે, પક્ષનું સંગઠન અને મોટા ભાગના હોદ્દેદારો શરદ પવારની સાથે જ છે. રાષ્ટ્રીય ચૂંટણીપંચે બંનેની વાતો અને છ મહિનાની ખેંચતાણ પછી જાહેર કર્યું છે કે, શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી તેથી આ પાર્ટી અજીત પવારની છે.

અજીત પવારને એનસીપીના સર્વેસર્વા ગણવાનો ચૂંટણી પંચનો નિર્ણય અપેક્ષિત છે અને આ નિર્ણય સાંભળીને કોઈને આશ્ર્ચર્ય થયું નથી કે આંચકો લાગ્યો નથી. વાસ્તવમાં શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે સામે બગાવત કરીને ભાજપની પંગતમાં બેસી ગયેલા એકનાથ શિંદેના જૂથને રાષ્ટ્રીય ચૂંટણી પંચે અસલી શિવસેના ગણાવીને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન આપ્યું ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, એનસીપીના કેસમાં પણ આવો જ ચુકાદો આવશે. અજીત પવારને જ એનસીપીનું ચૂંટણી ચિહ્ન અને પાર્ટી પણ મળશે ને એવું જ થયું છે.

ચૂંટણી પંચે એનસીપીના બંધારણ વગેરેનો અભ્યાસ કરીને આ ચુકાદો આપ્યો છે એવું કહેવાય છે પણ આ કેસમાં પંચે કશાનો અભ્યાસ કરવાની જરૂર જ નહોતી. અજીત પવારે ભાજપના લાભાર્થે એનસીપીમાં ભંગાણ પડાવ્યું હતું. અજીત પવાર મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં જોડાયા પછી તેમને લીલા તોરણે પોંખીને ગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા તેથી આખો ખેલ ભાજપનો હતો એ દીવા જેવી ચોખ્ખી વાત હતી ને અત્યારે ભાજપનો સૂરજ સોળે કળાએ તપે છે તેથી રાષ્ટ્રીય ચૂંટણી પંચ અજીત પવારની વિરુદ્ધ ચુકાદો આપે એ સવાલ જ પેદા થતો નહોતો.

ચૂંટણી પંચ અજીત પવારની વિરુદ્ધ ચુકાદો આપે તો અજીત પવારના સમર્થક વિધાનસભ્યો ગેરલાયક ઠરે ને એકનાથ શિંદેની સરકાર ગબડે નહીં પણ ભાજપની આબરૂના ધજાગરા થઈ જાય તેથી ચૂંટણી પંચ શરદ પવારની તરફેણ કરે એવી એક ટકો પણ શક્યતા નહોતી. ભારતમાં ચૂંટણી પંચ સ્વાયત્ત ગણાય છે પણ ચૂંટણી પંચમાં બેઠેલા માણસોમાં પણ સ્વાયત્તતાનો મિજાજ હોવો જોઈએ કે નહીં?

ખેર, આ ચુકાદો એક રીતે કવિ ન્યાય જેવો છે કેમ કે શરદ પવારને એ જ મળ્યું છે કે જે એ બીજાંને આપતા રહ્યા છે. શરદ પવારનો ઈતિહાસ સત્તા માટે પાર્ટીઓ તોડવાનો ને ગુલાંટો લગાવવાનો છે. શરદ પવાર ૧૯૭૮માં માત્ર ૩૮ વર્ષની વયે પહેલી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે કૉંગ્રેસ (યુ)માં ભંગાણ પડાવીને કૉંગ્રેસ (એસ) બનાવીને ગાદી પર બેઠેલા. એ વખતે કૉંગ્રેસ (આઈ) અને કૉંગ્રેસ (યુ)ની સરકાર હતી કે જેમાં પવાર પ્રધાન હતા. પવારે સત્તા માટે જનતા પાર્ટી સાથે હાથ મિલાવી લીધા અને પોતાની પાર્ટીમાં ભંગાણ પડાવીને મુખ્ય પ્રધાન બની ગયા. ઈન્દિરા ગાંધીએ ૧૯૮૦માં સત્તામાં વાપસી કરી પછી પવાર સરકારને બરતરફ કરી નાંખેલી.

ઈન્દિરા જીવ્યાં ત્યાં સુધી પવાર માટે કૉંગ્રેસના દરવાજા બંધ રહ્યા પણ ૧૯૮૭માં એ પોતાની આખી પાર્ટી સાથે કૉંગ્રેસમાં ભળી ગયા. એ વખતે પણ તેમણે મુખ્ય પ્રધાનપદની સોદાબાજી કરેલી તેથી રાજીવ ગાંધીએ ૧૯૮૮માં તેમને મુખ્ય પ્રધાન બનાવેલા. ૧૯૯૦માં વિધાનસભાની ચૂંટણી પછી એ પાછા મુખ્ય પ્રધાન બન્યા. નરસિંહરાવ મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે પવારને સંરક્ષણ પ્રધાન બનાવ્યા તેથી પવારે મુખ્ય પ્રધાનપદ છોડવું પડેલું પણ ૧૯૯૨-૯૩નાં મુંબઈનાં રમખાણો પછી પવારને પાછા મુખ્ય પ્રધાન બનાવાયેલા. ૧૯૯૫ની હાર પછી પવાર કૉંગ્રેસમાં જ રહેલા પણ સોનિયા ગાંધીના વિદેશી કુળને મુદ્દે તેમણે ૧૯૯૯માં કોંગ્રેસ છોડીને એનસીપી બનાવી ત્યારે પણ ઉદ્દેશ તો સત્તાનો જ હતો. જે કૉંગ્રેસ સામે તેમને વાંધો હતો એ જ કૉંગ્રેસ સાથે જોડાણ કરીને પછી ૧૫ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સત્તા ભોગવી.

અજીત પવાર તેમનો ભત્રીજો છે ને રાજકીય દાવપેચ તેમની પાસેથી જ શીખ્યો છે તેથી તેણે કાકા સામે જ પોતાનો દાવ અજમાવી દીધો, આંટી મારીને કાકાને મોંભેર પછાડી દીધા.
શરદ પવારે પોતાની રીતે પાર્ટીઓ બનાવી છે અને સત્તા પણ હાંસલ કરી છે પણ એ સમય અલગ હતો. પવારે ૧૯૯૯માં સોનિયા સામે બળવો કરીને એનસીપી બનાવી ત્યારે ૫૯ વર્ષના હતા ને અત્યારે ૮૩ વર્ષના છે. અત્યારે ભાજપનો પણ દબદબો બહુ છે એ જોતાં પવાર માટે ફરી બેઠા થવું ને મહારાષ્ટ્રના રાજકારણમાં સિક્કો જમાવવો મુશ્કેલ છે. પવાર ફરી બેઠા થાય ને તેમની પાર્ટીને ફરી જોરાવર બનાવે તો બહુ મોટો ચમત્કાર ગણાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button